Team Chabuk-Literature Desk : વાંચન ક્ષેત્રે ગુજરાતમાં પુસ્તકો ખરીદવા સિવાય કોઈ મોટી ક્રાંતિ નથી આવી. નહીં તો આવું હોય નહીં. થોડા સમય પહેલાની વાત છે. કોઈ સાહિત્યની ચીકણી ચીકણી વાતો કરી કોમેન્ટો ઉઘરાવનારા પેજે તમારી પ્રિય કૃતિ કઈ જેના વિશે અમારો ફલાણો કે ઢીંકણો લેખક બોલે તો તમને ગમે, આવું લખી પોસ્ટરિયું ચીપકાવી માર્યું હતું. એ જગ્યાએ નીતનવા લેખકોનાં નામ મારી સામે આવ્યા. હું તેમાંથી એક પણ લેખકને જાણતો નહોતો. પણ એ ઉન્મેષો વાચકોને અતિપ્રિય હતા એ વાત જાણ્યા પછી ધ્રુજારી ઉપડી ગઈ. કેટલાક નામો જાણીતા હતાં પણ એ રાબેતા મુજબના હતા. જેને તમેય ઓળખો છો અને હું પણ પરિચિત છું.
અઢળક ટીપ્પણીઓની વચ્ચે કોઈ માએ એવી ગુજરાતી સંતાન જણી જ નહોતી જે લખી શકે કે મનુભાઈ પંચોળીની ઝેર તો પીધાં છે જાણી જાણી કે સોક્રેટિસ મારી પ્રિય કૃતિ છે. જેના વિષે આ કે પેલો લેખક વક્તવ્ય આપશે તો મને આનંદ થશે. આ એક ફકરાથી જ ખ્યાલ આવી જવો જોઈએ કે સાહિત્યમાં આપણે કઈ દિશા તરફ ફંટાય રહ્યા છીએ.
હમણાં દર્શકની સોક્રેટિસ મારે ફરી વાંચવાની થઈ. એ કૃતિ અગાઉ પણ વાંચેલી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાઈબ્રેરીથી લાવેલો ત્યારે તેના કેટલાક પાના વાંચ્યા છતાં હું મગજમાં ઉતારી નહોતો શક્યો. આ માટે હું તૈયાર નહોતો. દર્શકને સમજવા માટે પણ પૂર્વ તૈયારીઓ કરવી પડે છે.
સમય જતા હું તૈયાર થયો. એ પુસ્તકના કેટલાક અંશો અને ઘટનાઓ મને આપણી આજની યાદ અપાવે છે. આપણે કોઈ પુસ્તકને એક જ વખતમાં આખેઆખું સમજી નથી શકતા. એ પુસ્તકને વારંવાર વાંચીએ ત્યારે તેમાંથી નવા નવા ફણગા ફૂટ્યા રાખે. જોકે એ કૃતિની અંદર પણ એવી તાકાત હોવી જોઈએ કે તમે દર વખતે વાંચો અને તમને નવું જાણવા મળે. દર્શકમાં આ તાકાત છે. દર્શકની સોક્રેટિસમાં આ તાકાત છે.
મેનો જ્યારે દાયોમીદે આપવામાં આવેલો પત્ર વાંચે છે ત્યારે તેમાં લખેલું કવિ અને ન્યાયાધીશ માટેનું લખાણ એ આજનું જ દૃશ્ય આપણી સમક્ષ ખડુ કરે છે. ગુપ્ત રીતે વાંચવામાં આવેલા એ પત્રથી ખ્યાલ આવે છે કે એથેન્સ હોય કે સ્પાર્ટા બંનેમાં કવિઓની ઉણપ જરા પણ પ્રવર્તી નથી રહી. આજના ભારતમાં પણ કવિઓ માખીઓની જેમ બણબણે છે. આજેય કેટલાક વિવેચકો માટે નબળી કવિતાઓ લખી પ્રસિદ્ધિના પંથે સડસડાટ ચડી જનારા કેટલાક કવિઓ ચિંતાનો વિષય છે ત્યારે પણ કવિઓ ચિંતા સર્જક જ હતા. એ પત્ર તો ખૂબ લાંબો છે પણ આપણી હાલની સ્થિતિ વિશેનો કેટલોક ચિતાર એમાં દર્શાવવામાં આવ્યો છે.
એ પત્રમાં કવિઓની સાથે લોહશાહીની પણ ભરપૂર ટીકા કરવામાં આવી છે. ગુનેગારો કરતા ન્યાયાધીશોની સંખ્યા વધી ગઈ છે. વાત એવી છે કે પત્ર લખનારો દાયોમીદ લોકશાહીની કયા મોઢે વાત કરે છે જ્યારે એ પત્રના અંતમાં લખે છે કે પત્ર લાવનાર મેયોને પતાવી નાખજો. આ તો બે મોઢાની વાત થઈ. સવારે સભામાં લોકશાહી અને ભાઈચારાની વાત કરવી અને સાંજે સત્તા હડપવા દંગા કરાવવા!
દર્શક અહીં મહાન રાજ્યોની દેખાડાની લોકશાહીની વાતને આપણી સામે રાખે છે. જ્યાં માલિકની ટાંટીયાતોડ સેવા કરનારાઓને જ્યારે માલિકના સાચા ચહેરાની ખબર પડે છે ત્યારે તે ખૂદની દુર્દશા પર રડી પડે છે.
દર્શકે લખેલી ઘટનાપ્રધાન નવલકથામાં આવતી આ ઘટના એ માત્ર એથેન્સ અને સ્પાર્ટા પૂરતી સિમિત નથી. તમે આજે જ્યાં નોકરી કરો છો અને જે તમને સારા દેખાય છે, એ જ લોકો તમારું કાસળ કાઢી નાખવાની તૈયારીમાં બેઠા હોય છે. એક રીતે દર્શક લોકશાહીની આડમાં ચાલતા સરમુખત્યારશાહીના કે સત્તા હડપવાના ખાટકી ધંધાને ઉજાગર કરે છે.
પત્ર લખનાર દાયોમીદને સજા તો થઈ પણ તે ભાગીને દેવી હીરોના મંદિરમાં છૂપાઈ જાય છે. એને ત્યાં કોઈ મારી ન શકે. અર્થાત્ ધર્મ અને ભક્તિ ધરાવતા લોકોની તો એ વખતેય કમી નહોતી. દર્શકે લખેલી આ ઘટનામાંથી શેક્સપિયરની કૃતિ હેમલેટ યાદ આવી જાય છે. જ્યારે હેમલેટ તેના કાકા ક્લાઉડિયસ પ્રભુભક્તિમાં લીન હોય ત્યારે નથી મારતો, કારણ કે તો તે સ્વર્ગે ચાલ્યો જાય.
એથેન્સના લોકો દાયોમીદ સાથે જે કરે છે એ ક્રૂરતાથી જરા પણ ઓછું નથી. મંદિરની ફરતે જેટલા ઘરમાં જેટલા સભ્યો હોય તેમણે ઈંટ મૂકી દેવાની. એ અંદર જ રહે અને ભૂખથી તડપીને ગુજરી જાય. સોક્રેટિસની પત્ની ઝેન્થિપી હોંશે હોંશે પતિના હાથમાં બે ઈંટો મૂકે છે. સમગ્ર એથેન્સ દાયોમીદના મોતમાં સહભાગી બને છે. ઈશ્વર બધાને એક સરખી સજા આપશે! કે પછી ઈશ્વર પાસે જનારા બહુમતીમાં હોવાથી દાયોમીદ તો ગદ્દાર હતો કહી ઈશ્વરનેય પટાવી લેશે અને સજામાંથી છૂટી જશે. શું ઈશ્વરની અદાલત પણ ગવાહોની સંખ્યા પ્રમાણે ન્યાય થાય છે ?
ત્યાં પહેલી ઈંટ કોણ મૂકે છે ? દાયોમીદની માતા. કંઈ બીજું કર્યું હોય તો ભલે પણ દેશ પ્રત્યે ગદ્દારી કરે એ તો સાખી જ ન લેવાય. દેશથી મોટું કોઈ નથી હોતું. તમારી અંદર ડોકિયું કરો. દાયોમીદને પોતાનો સ્વજન માનો અને દાયોમીદની માતાના સ્થાને ખૂદને મૂકો. શું એથેન્સની એ દેશ ચાહના આપણી અંદર ધબકી રહી છે ?
દર્શક પોતાની લેખની દ્રારા એક વિશ્વ આપણી સામે ઊભું કરે છે. એ વિશ્વને હાલના વિકાસ કાર્યો સાથે આપણે સરખાવી શકીએ. દર્શકે પેરીક્લિસને જે રીતે ચિતર્યો છે એ ચિત્ર તો મોદી સાહેબ જેવું જ લાગે છે.
‘‘આરસની શિલાઓ લાવતા અને ફેરવતા મજૂરોનો શોરબકોર પણ આ ટાંકણાના અવાજને ઢબૂરી નહોતો શકતો. કોઈ આકાશનો ટેકો થવા મથતા થંભોને મથાળે પાલખ પર બેસી રથોની હારમાળા કોતરતા હતા, તો કોઈ તોરણો પર ટ્રોયના ચિરસ્મરણીય પ્રસંગોને ટચકે ટચકે ઉપસાવી રહ્યા હતા. ક્યાંક પૂરપાટ જતા અશ્વો, ક્યાંક યજ્ઞવેદી પાસે બલિભાગ લઈ જતી કન્યાઓ, ક્યાંક દેવપાર્ષદો, ક્યાંક તોફાની સમુદ્રમાંથી પ્રગટ થતો દેવતા પોઝિડોન.’’
કોઈ પણ શાસક જનમાનસ પર પોતાની અમીટ છાપ છોડવાનું કામ કરે જ. આટલેથી અટકી નથી જવાનું. પેરીક્લિસના મુખે તો દર્શકે સંવાદ મૂક્યો છે, ‘‘આવતા વર્ષે ત્રીસ ગજ ઊંચી એથેનીની મૂર્તિ હશે.’’
સોક્રેટિસની પાસે ઘણા છોકરાઓ છે અને તે તેમની સાથે ઘણી ઘણી વાતો કરે છે, પણ દર્શક લખે છે કે, પ્લેટો અને ગ્લુકોનને રાજકારણમાં અસીમ રસ છે અને એટલું જ નહિ, ખૂદ સોક્રેટિસ પણ રાજકારણની એ ગાડીમાં ચડી જાય તો ઉતરવાનું નામ જ નથી લેતો.
માનવ ભેજામાં રાજકારણ જ્યારે પેસી જાય ત્યારે નીકળવાનું નામ નથી લેતું. બાકી સોક્રેટિસ જેવા બુદ્ધિજીવીની પાસે અનેકો અનેક છોકરાઓ છે. જોકે વાત રાજકારણના બારણે આવીને ઊભી રહે ત્યારે સોક્રેટિસ પણ એ બારણે જ બેસીને વાર્તાલાપ કરવા મચી પડે છે.
અહીં સોક્રેટિસ,પ્લેટો કે ગ્લુકોનન મારફતે, આપણને માત્ર બે જ લીટીમાં દર્શક એ વાતથી અવગત કરે છે કે રાજકારણમાં રસ લો. બુદ્ધિજીવી હો તો ખાસ લો. અને જો રસ લો છો તો એ વાતો તો ખૂટવાની જ નથી. દર્શકે ક્રિશ્યસના મોઢે મૂક્લો સંવાદ તમારી સામે રાખું, ‘‘હું જે જાણકાર ન હોય તેવાને સત્તા સોંપશે તો વિરોધ કરવાનું વ્રત સમજીશ.’’
[નોંધ :તમે ખૂદ વાંચો અને લખો તો તમારો સોક્રેટિસ પણ અલગ જ હશે. ચાબુકને લાગે છે કે આ નવલકથા પર કોઈ અનુભવી વિગતવાર એક એક વસ્તુ વિશે વિચારીને લખે તો કમસે કમ 150 પાનાનું પુસ્તક તૈયાર થાય.]
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત