Homeગામનાં ચોરેસરકાર ગેરસમજણમાં છે કે બીજા આંદોલનની જેમ ખેડૂત આંદોલન પણ સમાપ્ત થઈ...

સરકાર ગેરસમજણમાં છે કે બીજા આંદોલનની જેમ ખેડૂત આંદોલન પણ સમાપ્ત થઈ જશે

ગૌતમ કુમાર : દેશમાં છેલ્લા 28 દિવસથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતો કૃષિ કાયદાનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્લી બોર્ડર પર પહોંચી અને વિરોધ નોંધાવી રહ્યા છે. પરંતુ સરકાર હઠમાં ને હઠમાં કૃષિ કાયદાને પરત લેવાના કોઇ મૂડમાં દેખાતી નથી.

એક બાજુ ખેડૂતો કડકડતી ઠંડીમાં પણ રસ્તા પર સુઇ જવા મજબૂર થયા છે પરંતુ સરકાર અન્ય રાજ્યની ચૂંટણીની તૈયારીમાં લાગી છે. સરકારના મંત્રીઓ ઠંડીમાં સરકારી બંગલાઓમાં ગિઝર ચાલુ કરી સુઇ જાય છે અને ખેડૂતોએ 9 ડિગ્રીની હાડ થિજવતી ઠંડીમાં રસ્તા પર માત્ર એક ચાદરના સહારે સુઇ જવું પડે છે.

સરકાર એવું વિચારે છે કે અગાઉ વિદ્યાર્થી આંદોલન, GST કે CAA સામેના વિરોધને આસાનીથી સમાપ્ત કરી દીધો હતો તેમ કૃષિ કાયદાના વિરોધને પણ સમાપ્ત કરી દઇશું. પરંતુ જે રીતે ખેડૂતો 28 દિવસથી દિલ્લી બોર્ડર પર અડગ છે. અને અડીખમ છે. સરકાર સાથે વાતચીતમાં પણ ખેડૂતોએ પોતાની માગ સ્પષ્ટ કરી દીધી છે. તે રીતે જોતા હાલ આ આંદોલન પૂર્ણ થાય તેવું લાગતું નથી.

બીજી બાજુ પીએમ મોદી સતત ખેડૂતોને સમજાવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરેક સભામાં સંબોધનમાં કૃષિ કાયદાના ફાયદા ગણાવી રહ્યા છે. પરંતુ સરકારે આ ખેડૂત કાયદો લાવ્યા પહેલા કરવા જેવું હતું. સરકારે જો કાયદા અંગે ખેડૂતોને પહેલા જ માહિતી આપી હોત અને લોકોને સમજાવ્યા હોત તો આ સ્થિતિ ન આવત. ત્યારે ખેડૂતોને સમજાવાની અને તેમની માગને માનવાની જગ્યાએ કૃષિ મંત્રી કહે છે કે, આ વર્ષના અંતમાં ખેડૂત આંદોલન ખતમ થઇ જશે.

તેઓ કહે છે કે આ કાયદાના સુધારા માટે જ તેમને 300થી વધુ સીટ મળી છે. એટલે તેમના આ નિવેદનમાં સીટ જીતવાનો અહંકાર જોવા મળી રહ્યો છે. સરકારના મંત્રી કૃષિ આંદોલનને વચ્ચે મુકી અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પરંતુ જે રીતે ખેડૂતો કડકડતી ઠંડીમાં કોઇ પણ છત વિના રાત દિવસ રસ્તા પર પસાર કરે છે તેની કોઇ ચિંતા નથી. કૃષિ કાયદાને લઇ સરકારે ખેડૂતોને સાધવાનો પણ પ્રયાસ કર્યો હોય તેવું નથી લાગી રહ્યું. ખેડૂતોને સરકાર વિશ્વાસ જ નથી અપાવી શકતી કે તમને ડરશો નહીં તમને કોઇ નુકસાન નહીં થાય. તમે MSP પર સરળતાથી અનાજ વેચી શકશો અને APMC પણ બંધ નહીં થાય.

સરકારે કાયદામાં MSPનો ક્યાંય ઉલ્લેખ પણ નથી કર્યો જેને લઇ ખેડૂતોમાં વધુ ડર છે. અને જ્યાં સુધી સરકાર કાયદો પાછો નહીં ખેંચે ત્યા સુધી ખેડૂતો આંદોલન પાછું ખેંચે તેવું ક્યાંય નથી લાગી રહ્યું. ખેડૂતોનું કહેવું છે કે, જ્યાં સુધી સરકાર નવા કાયદાને પાછા નહીં ખેંચી લે, ત્યાં સુધી તેઓ ત્યાંથી પાછા નહીં હઠે.

ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત કહે છે કે સરકાર જો પોતાની જીદ પકડી રાખશે તો ખેડૂતો 26 જાન્યુઆરીના રોજ ટ્રૅક્ટર-ટ્રૉલીઓ સાથે પ્રજાસત્તાક દિવસની પરેડમાં સામેલ થવા માટે ઇન્ડિયા ગેટ પર પહોંચી જશે. અને ભારતીય કિસાન યૂનિયન નેતા રાકેશ ટિકૈત કહે છે કે, ‘ખેડૂતો માટે આ પહેલાં બનાવાયેલા કાયદા પણ ખેડૂતોનું નુકસાન કરાવનારા હતા પરંતુ અત્યારે જ નવા કાયદા બનાવાયા છે, તે તો ખેડૂતોને સંપૂર્ણપણે બરબાદ કરી નાખશે.’

ખેડૂતોને સરકારની વાત પર વિશ્વાસ નથી

સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં એક ખેડૂતે કહ્યું, અમને સરકાર પર ભરોસો નથી. આ પહેલાં પણ સરકાર સાથે વાતચીત થઈ છે પણ કોઈ પરિણામ નથી આવ્યું. અમે ઇચ્છીએ છીએ કે સરકાર કાયદો પરત ખેંચે. તેઓ કહે છે કે, અત્યારે સરકારી ખરીદકેન્દ્રો પર પણ MSP પર અનાજ સરળતાથી નથી વેચી શકાતું, જ્યારે આ બધું ખાનગી ક્ષેત્રને હવાલે કરી દેવામાં આવશે, ત્યારે કોણ MSP પર અનાજની ખરીદી કરશે. તેથી અમે ઇચ્છીએ છીએ કે સરકાર કાયદાકીય ગૅરંટી આપે કે MSP કરતાં ઓછી કીમતે કોઈ પણ ખેડૂત પાસેથી અનાજની ખરીદી નહીં કરી શકે.”

પહેલા કૃષિ કાયદાને સમજો 

1. કૃષક ઊપજ વ્યાપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) કાયદો, 2020

આમાં એક એવી ઇકૉસિસ્ટમ બનાવવાની જોગવાઈ છે કે જ્યાં ખેડૂતો અને વેપારીઓને મંડીથી બહાર પાક વેચવાની આઝાદી હશે. જોગવાઈમાં રાજ્યની અંદર અને બે રાજ્ય વચ્ચે વેપારને વધારવા માટેની વાત કરાઈ છે. માર્કેટિંગ અને ટ્રાન્સપૉર્ટશન પર ખર્ચ ઓછો કરવાની વાત કરાઈ છે.

2. કૃષક (સશક્તીકરણ તેમજ સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિસેવા પર કરાર, 2020

આમાં કૃષિ કરારો પર રાષ્ટ્રીય ફ્રેમવર્કની જોગવાઈ કરવામાં આવી છે. આ બિલ કૃષિ ઉત્પાદકોનું વેચાણ, ફાર્મસેવાઓ, કૃષિ બિઝનેસ ફાર્મો, પ્રોસેસર્સ, જથ્થાબંધ વિક્રેતાઓ, મોટા રિટેઇલ વેપારીઓ અને નિકાસકારોને ખેડૂતો સાથે જોડવા સશક્ત કરે છે. અનુબંધિત ખેડૂતોને ગુણવત્તાવાળા બીજની આપૂર્તિ સુનિશ્ચિત કરવી, તકનીકી સહાય અને પાકરક્ષણનું આકલન, ઋણની સુવિધા અને પાકવીમાની સુવિધા અપાશે.

3. આવશ્યક વસ્તુ (સંશોધન) કાયદો, 2020

આમાં અનાજ, કઠોળ, ખાદ્યતેલ, ડુંગળી, બટાકાને જરૂરી વસ્તુઓની સૂચિમાંથી દૂર કરવાની જોગવાઈ છે. માનવામાં આવે છે કે આ જોગવાઈથી ખેડૂતોને યોગ્ય ભાવ મળશે, કેમ કે બજારમાં સ્પર્ધા વધશે.

ખેડૂતો કેમ વિરોધ કરી રહ્યા છે?

દેશભરમાં ખેડૂતો કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને પંજાબ, હરિયાણા, તેલંગણા, પશ્ચિમ બંગાળમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ખેડૂતો કહી રહ્યા છે કે આ કાયદા ધીમેધીમે એપીએમસી (એગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી) એટલે કે સીધી ભાષામાં કહીએ તો મંડીને ખતમ કરી દેશે અને પછી ખાનગી કંપનીઓને પ્રબલન મળશે, જેનાથી ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ નહીં મળે. અને નવા કાયદા લાગુ થતાં જ કૃષિક્ષેત્ર પણ મૂડીપતિઓ કે કૉર્પોરેટના હાથમાં ચાલ્યું જશે અને તેનું ખેડૂતોને નુકસાન થશે. જેને લઇ ખેડૂતો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે અને કાયદાને રદ કરવાની માગ કરી રહ્યા છે.

ખેડૂતોના મનમાં છે આ આશંકાઓ

વિશ્લેષકો અને ચિંતકોનું કહેવું છે કે ત્રણ બિલોમાં ટેકાના ભાવ (MSP)નો એકવાર પણ ઉલ્લેખ નથી અને આ કારણે ખેડૂતને ડર છે કે સરકાર ક્યાંક તેના દ્વારા MSP વ્યવસ્થા ખતમ તો કરવા નથી ઈચ્છતી ને. જો કે સરકારે કહ્યું છે કે MSPને ખતમ કરવાની કોઈ યોજના નથી. પરંતુ ખેડૂતોનું કહેવું છે કે આ વિષયમાં તેમને ભરોસામાં લેવામાં આવ્યા નથી. 

સરકાર માનશે નહીં તો વધુ મુશ્કેલી થશે

ખેડૂત આંદોલનમાં 6 રાજ્ય ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશના ખેડૂતો વિરોધ કરી છે. અને આ રાજ્યો એવા છે જે દેશની કુલ કૃષિ ઊપજનો અડધાથી વધુ પાક ઉત્પાદિત કરે છે. ભારતીય કિસાન યુનિયનના સ્થાપક મહેન્દ્રસિંઘ ટિકૈત 80થી 90ના  દાયકામાં તત્કાલીન સરકારો સામે લાખોની સંખ્યામાં ખેડૂતોને દિલ્હીમાં ઉતારી ચૂક્યા હતા. મહેન્દ્રસિંહ પછી હાલ રાકેશ ટિકૈતની આગેવાની ઉત્તર ભારતના કિસાનોમાં મહત્વના મનાય છે. 

ખેડૂતોએ પીએમને કહ્યું ‘તમને ખડૂતો પ્રત્યે કોઇ સહાનુભૂતિ નથી’

ખેડૂતોએ પીએમ મોદીને એક પત્ર પણ લખ્યો છે. જેમાં તેઓએ કહ્યું કે દુઃખ સાથે આપને કહેવુ પડે છે કે ખેડૂતોની માંગને ઉકેલવાનો દાવો કરતા કરતા જે હુમલો 2 દિવસથી તમે ખેડૂતોની માંગ અને આંદોલન કરવા માટે શરૂ કર્યો છે તે દેખાડે છે કે તમે ખેડૂતો માટે કોઈ સહાનુભૂતિ રાખતા નથી. તમે તેમની સમસ્યાઓને હલ કરવાનો ઈરાદો કદાચ બદલી ચૂક્યા છો. તમારા દ્વારા કહેવાયેલી દરેક વાતો તથ્ય હીન છે. ખેડૂતોએ કહ્યું કે તેનાથી પણ ગંભીર વાત એ છે જે તમે કહી છે  એ દેશ અને સમાજમાં ખેડૂતોની યોગ્ય માંગ અને સતત રીતે છેલ્લા 6 મહિનાથી તમારી સમક્ષ લેખિત રીતે રાખવામાં આવતી હતી. દેશમાં કરાયેલા શાંતિપૂર્ણ આંદોલનને પ્રતિ અવિશ્વાસની સ્થિતિ જન્માવી શકે છે. આ કારણે અમે તમને આ ખુલ્લા પત્ર દ્વારા અમારી પ્રતિક્રિયાઓ મોકલીએ છીએ જેથી તમે તેની પર કોઈ પૂર્વગ્રહ વિના ધ્યાન આપી શકો.

એટલે ખેડૂતોના આ પત્રથી જ એ વાત સ્પષ્ટ થાય છે કે હવે ખેડૂતો પીએમ મોદીની પણ કોઇ વાત માનવા તૈયાર નથી. એટલે જો સરકાર એ આશા રાખીને બેઠી હોય કે અન્ય આંદોલનનોની જેમ આ આંદોલન પણ સમાપ્ત થઈ જશે તો તે હાલ શક્ય લાગતું નથી. માટે સરકારે વહેલી તકે ખેડૂતો સાથે વાત કરવી પડશે. ખેડૂતોને સમજાવા પડશે. ખેડૂતોની માગ માનવી પડશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments