Team Chabuk : જીદ્દી રાજા વિક્રમે વેતાલને ખભા પર નાખ્યો અને વેતાલે નિયમ પ્રમાણે વાર્તા સંભળાવવાની શરૂઆત કરી દીધી.
અંગ દેશના ગામમાં એક ધનિક બ્રાહ્મણ રહેતો હતો. તેના ત્રણ પુત્રો હતા. એકથી એક ચડીયાતા પુત્રો. વાતે વાતે હું શ્રેષ્ઠ હું શ્રેષ્ઠ એમ જ કર્યા કરતા હતા. તેમનામાંથી કોણ શ્રેષ્ઠ એ કોઈ શોધી ન શક્યું. તેમના પિતા પણ નહીં.
એક વખત બ્રાહ્મણે યજ્ઞ કરાવ્યો. યજ્ઞ માટે જરૂરી તમામ વસ્તુઓ તેમની પાસે હતી. બસ એક સમુદ્રી કાચબો નહોતો. તેણે ત્રણે ભાઈઓને કાચબો લઈ આવવા માટે કહ્યું. એ ત્રણે સમુદ્રના કિનારે ગયા. જ્યાં તેમને એક કાચબો મળ્યો. કાચબો ધીમે ધીમે ત્રણે ભાઈઓની વચ્ચેથી જઈ રહ્યો હતો. પણ કોઈ ઉઠાવતું ન હતું. એકબીજાના ડાચાને જોતા હતા.
મોટાભાઈએ કહ્યું, ‘હું ભોજનચંગ છું જેથી કાચબાને સ્પર્શ નહીં કરું.’ જો મોટોભાઈ કાચબાને સ્પર્શ કરે તો કાચબાએ શું શું ખાધું છે તેની તમામ માહિતી તેને ત્યાં જ ઊભા ઊભા મળી જાય. કાચબાએ તો શું શું ખાધું હોય ? કારણ આપી તેણે કાચબો ન ઉઠાવ્યો.
વચલાભાઈએ કહ્યું, ‘હું નારીચંગ છું. હું નહીં લઈ જાઉં.’ એ સ્ત્રીથી દૂર રહેતો હતો. કાચબાને કોઈ સ્ત્રીએ સ્પર્શ કર્યો હોય તો? કાચબો બીજી કઈ કઈ જગ્યાએથી નીકળ્યો છે એ વાતની પણ તેને નજીક આવતા જ ખબર પડી જાય. એણે પણ કાચબાને ઉઠાવવાની ના પાડી દીધી.
સૌથી નાના ભાઈએ ફરમાવ્યું, ‘હું તો શૈયાચંગ છું એટલે હું પણ ન લઈ જાઉં.’ એ તો કાચબાને અડકે અને કાચબાના શરીર પર પાણી હોય તો પણ તેને ઉજરડો પડી જાય.
કાચબો તો પસાર થઈ ગયો. એ ત્રણે તો એ વાતમાં ઝઘડી પડ્યા કે તેમનામાંથી કોણ સૌથી વધારે હોશિયાર છે. મોટું છે. કોનું ચંગ ઉત્તમ છે. એ અંદરોઅંદર આ વાતનો ઉકેલ ન લાવી શક્યા, તો રાજા પાસે પહોંચી ગયા. રાજાએ ત્રણેની વાત ધ્યાનથી સાંભળી અને કહ્યું, ‘તમે લોકો થોડી વાર માટે ઊભા રહો. હું તમારા ત્રણેની તપાસ કરું છું.’
રાજાએ આદેશ આપ્યો. તેનો ચાકર આવ્યો અને રાજાએ તેને કંઈક કહ્યું. ચાકરે ભોજન તૈયાર કરાવ્યું અને ત્રણેની સામે રાખી દીધું. ત્રણે સ્વાદિષ્ટ ભોજન કરવા માટે જમીન પર બેઠા. સૌથી મોટાએ કહ્યું, ‘હું ભોજન કરવા માટે નહીં બેસીશ. તેમાંથી મુરઘાની દુર્ગંધ આવે છે. એ ઉઠીને ચાલ્યો ગયો.’
રાજાએ આ વાતની તપાસ કરી તો જાણવા મળ્યું કે એ ભોજન સ્મશાન પાસેના ખેતરનું બનેલું હતું. રાજાએ તેને કહ્યું, ‘તું તો સાચેક ભોજનચંગ છો. તને કોઈ પણ પ્રકારના ભોજનમાં શું મિલાવટ કરી છે અને શું નહીં તેની તુરંત ખબર પડી જાય છે. તને ભોજનની સાચી પરખ છે.’
રાતના સમયે એક સુંદર સ્ત્રીનો પ્રબંધ કરીને રાજાએ વચ્ચેના ભાઈના કક્ષમાં મોકલી આપી. સ્ત્રી વચલા ભાઈના રૂમ પર પહોંચી તો નાનો ભાઈ જાગી ગયો. એ તેનાથી દૂર હટવા લાગ્યો અને બરાડા પાડવા લાગ્યો, ‘આને દૂર હટાવો આના દેહમાંથી બકરીના દૂધની ગંધ આવી રહી છે.’
રાજાએ સ્ત્રીને બોલાવી પૃચ્છા કરી તો જાણવા મળ્યું કે એ સ્ત્રીનું નાનપણમાં બકરીના દૂધ પર પાલન પોષણ થયું હતું. રાજા તો ખૂબ જ ખુશ થયો અને બોલ્યો, ‘તું તો સાચેક નારીચંગ છો. તને તો ઉંમર લાયક સ્ત્રીની નાનપણની આદતો વિશે પણ ખબર છે.’
એ પછી નાનો ભાઈ જ બાકી રહ્યો. રાજાએ તેને ઉંઘવા માટે સાત ગાદલા આપ્યા. સાતે ગાદલાઓ મખમલી હતા. જે કોઈ તેના પર પડે તેને ઘસઘસાટ ઉંઘ આવી જાય. નાનો ભાઈ ઉંઘવા ગયો અને તેનાથી ચીસ પડી ગઈ. રાજાના ચાકરોએ આવીને તપાસ્યું તો નાનાભાઈની પીઠ પર લાલ કલરના લિસોટા પડી ગયા હતા. રેખાઓ ખેંચાઈ ગઈ હતી. ચાકરો પણ ચિંતિત અને રાજા તો વિસ્મયમાં પડી ગયા,‘મખમલી ગાદલાઓ પર ઉંઘતા આ નાના ભાઈની પીઠ પર આવી રેખાઓ કેવી રીતે ખેંચાઈ ગઈ?’
રાજાએ ચાકરોને ગાદલાઓ ઠીકથી જોવાનું કહ્યું, જેથી કોઈ કાંટો કે કશું તેમાં રહી તો નથી ગયું એ વાતની જાણ થાય. ચાકરોએ તપાસ કરી તો સાવ છેલ્લા ગાદલામાં એક વાળ હતો. એ વાળના કારણે નાનાભાઈના શરીર પર ઉજરડા પડી ગયા હતા.
રાજા તો ખૂશ થયો. ત્રણે ભાઈઓ સાચા હતા. તેમણે તેમની સત્યતા પર ત્રણેને એક એક લાખ અશરફીઓ આપી. ભાઈઓ ખુશ થઈ ગયા અને કાચબાને ભૂલી જઈ ત્યાં જ રહેવા લાગ્યા. તેમના દિવસો આનંદમાં વિતતા હતા. મોજશોખમાં વિતતા હતા અને પિતા પ્રતીક્ષા કરતા રહ્યા પણ ભાઈઓ ન આવ્યા.
વેતાલે વાર્તા પૂર્ણ કરી અને વિક્રમને પૂછ્યું, ‘રાજા આ વાર્તાનો જવાબ તો તું આપી જ નહીં શકીશ. આટલી મુશ્કેલ વાર્તા તો તે તારા જીવનમાં કોઈ દિવસ સાંભળી નહિ હોય. જો તારી પાસે જવાબ હોય તો બોલ… બોલ…. કે ત્રણેમાંથી કયો ભાઈ સૌથી શ્રેષ્ઠ છે? હાહાહાહાહાહા.’ વેતાલ હસવા લાગ્યો. તેનો અવાજ સ્મશાનમાં ભયંકર રીતે પડઘાતો હતો.
રાજા વિક્રમે કહ્યું, ‘મારા વિચારથી સૌથી શ્રેષ્ઠ શૈયાચંગ હતો. જેને મખમલ જેવી પથારી આપી અને સાતમાં ગાદલામાં રહેલા વાળ માત્રથી તેની પીઠમાં ઉજરડા પડી ગયા. શોધ કરી તો સાતમાં ગાદલા પર વાળ પણ હતો. એ સૌથી વાસ્તવિક છે. આંખે જોયેલું છે. બાકીના બે ભાઈઓની ગુણવત્તા પર તો સંશય થાય, કારણ કે તેમણે કોઈને પૂછીને પણ માહિતી મેળવી હોય શકે.’
‘અતિ સુંદર. મેં આટલો બુદ્ધિશાળી રાજા જોયો નથી. તું તો વિક્રમ…’ વેતાલ આગળ શું બોલે ? એ તો ચાલ્યો ગયો સિદ્ધવડ પર. વિક્રમે ફરી દોડ લગાવી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત