અશોક સરિયાઃ વર્તમાનમાં ચાલી રહેલી કોરોના નામક મહામારીમાં લોકોના શ્વાસ રુંધાવા લાગ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓનું ઓક્સિજન લેવલ એકદમ ઘટી જવાથી હજારોની સંખ્યામાં મૃત્યુઆંક પહોંચ્યો છે. જીવમાત્રના પ્રાણવાયું ઓક્સિજનનું નામ દરેક માણસના મોઢે રમતું થઈ ગયું છે. કુદરતનિર્મિત વૃક્ષો દ્વારા આપણને વિનામુલ્યે ઓક્સિજન મળે છે. એની આપણે ક્યારેય કદર કરી નહીં કે જ્યારે ઓક્સિજનના 2 કે પ કિલોના એક સિલિન્ડર માટે એક થી બે હજાર કે તેથી પણ વધુ રૂપિયા ખર્ચવા છતાં પણ એ ઓક્સિજનના સિલિન્ડરો મળતા ન હતા અને કલાકો ના કલાકો તેના રિફિલિંગ માટે લાઇનમાં ઉભા રહેવું પડતું હતું ત્યારે ઓક્સિજનની ખરી કિંમત સમજાઇ હોય એવું જોવા મળી ગયું છે.
એક પણ રૂપિયાના ખર્ચ વિના આપણને (માત્ર આપણને નહીં પરંતુ આખી સૃષ્ટિને) ઓક્સિજન પૂરો પાડતા વૃક્ષોને આપણે દિવસે ને દિવસે દેશવટો આપતા જઈએ છીએ અને કોંક્રિટના જંગલો ઉભા કરતાં જઈ રહ્યાં છીએ ત્યારે હાલની ઓક્સિજનની અછતની સ્થિતિએ વૃક્ષોના મહત્વને સમજવાની સુવર્ણ તક આપી છે. આપણે આ ઘટનામાંથી બોધપાઠ લેવો જોઈએ. આપણે વિકાસના નામે જંગલોના જંગલો ખતમ કરી નાખ્યા. રોડ, રસ્તા અને વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે કેટલાય વૃક્ષોને મોતને ઘાટ ઉતારી દીધાં. આપણો પ્રાણવાયું આપનારના જ પ્રાણ આપણે હણી લીધા. ત્યારે ઓક્સિજનની કમીનો પ્રશ્ન તો વહેલો કે મોડો ઉઠવાનો જ હતો અને એ કોરોનાએ આપણને પ્રત્યક્ષ કરાવી દીધો. આજે સ્થિતિ એવી સર્જાઈ છે કે કુદરતી અને મફત ઓક્સિજન આપતા વૃક્ષોને કાપીને આપણે ઓક્સિજનના કૃત્રિમ અને મોંઘા બાટલાઓ લેવા લાઇનમાં ઉભા રહી ગયા છીએ.
વૃક્ષોના મહત્વને સમજાવતો એક અણમોલ દાખલો ગોંડલના મહારાજા શ્રી ભગવતસિંહજીનો મોજુદ છે. ગોંડલના મહારાજાને કોઈ ઇમારતનું નિર્માણ કરવું હતું ત્યારે આર્કિટેક્ચર દ્વારા તેનો નકશો તૈયાર કરાવવામાં આવ્યો. આ નકશા મુજબ આર્કિટેક્ચરે કહ્યું કે આ ઇમારતના નિર્માણમાં એક વૃક્ષ નડતરરૂપ થાય છે તેને કાપવું પડશે. ત્યારે મહારાજશ્રીએ ખુબ જ ઉમદા ઉત્તર આપ્યો હતો કે જો વૃક્ષ નડતરરૂપ થતું હોય તો તમારો નકશો બદલો વૃક્ષ કપાશે નહીં. કેમ કે તમે તમારી ઇમારત કદાચ ચાર, છ કે આઠ મહિનામાં તૈયાર કરી શકશો પરંતુ એક વૃક્ષને તૈયાર થતા વર્ષોનો સમય લાગે છે. એટલે ઇમારત કરતા વૃક્ષ વધું અગત્યનું છે.
આ રીતે જો સૃષ્ટિ પરનો દરેક વ્યક્તિ વૃક્ષનું મહત્વ સમજતો થાય અને તેના જતન અને જાળવણી માટે કટીબદ્ધ થઈ પોતાનાથી શક્ય હોય એ પ્રમાણે અને પોતાની પાસે જગ્યા હોય એના અનુસાર નાના છોડથી માંડીને મધ્યમ અને મોટા વૃક્ષોનો ઉછેર કરે તો વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ તો જળવાઈ રહે ઉપરાંત વાતાવરણ પણ સ્ટેબલ રહે અને જીવસૃષ્ટિનું સંતુલન જળવાઈ રહે.
તાજેતાજો ઘાણવો
- કામ વાસનાના સવાલ પર શું બોલ્યા પ્રેમાનંદ મહારાજ ? દરેક પતિ-પત્નીએ જવાબ જાણવો જોઈએ
- ભારતીય ટીમની થઈ જાહેરાત, સૂર્યકુમાર યાદવ બન્યો કેપ્ટન, શમીની વાપસી
- મોતઃ અમદાવાદમાં સ્કૂલની સીડી ચડતાં-ચડતાં 8 વર્ષની વિદ્યાર્થિની અચાનક ઢળી પડી
- દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ 5 ફેબ્રુઆરીએ મતદાન, 8 ફેબ્રુઆરીએ પરિણામ
- મોરબીનો આ તાલુકો બન્યો દાડમ ઉત્પાદનનું હબઃ વર્ષે 100 કરોડનું ટર્ન ઓવર, વિદેશમાં થાય છે નિકાસ