રૂપલ મહેતાઃ ધર્મમાં સંપ્રદાય હોવા જરૂરી નથી, પણ સંપ્રદાયમાં ધર્મ હોવો જરૂરી છે. હવે તમે કહેશો, આપણા દેશમાં તો ધર્મ લોકોની રગોમાં હોય છે અને સંપ્રદાયો તો આપણે ત્યાં આપનારા ગલીઓમાં અને શેરીઓમાં મળી રહે છે. ધર્મ વ્યક્તિના વિકાસ માટે જરૂરી છે એવું આપણે સૌ માનીએ છીએ. કોઈપણ સમાજમાં નવ-પરિવર્તન લાવવા માટે ધર્મ ખુબ જ જરૂરી માધ્યમ ગણાય છે. ધર્મનો અર્થ છે જે જેવા છે તેવાજ તેને શોધવા, તેને ઓળખવા, અને તેને જાણવા. એવું કહેવાય છે કે ધર્મ એક યાત્રા છે, જે માણસના જીવન-પ્રવાસ સાથે જોડાયેલી છે. ધર્મ ઇતિ ધારયતિ એટલે જે ધારણ કરવામાં આવે છે તે! તો પછી આપણે જીવનમાં ધર્મનો જે અર્થ કરી બેઠા છીએ તેનું શું? તમે આગળ મેં લખેલો ધર્મનો અર્થ વાચ્યો, જે જેવા છે, તેવા જ તેણે શોધવા, આપણે કશું શોધીએ છીએ ખરા! ખુદને ઓળખવાનો કે જાણવાનો પ્રયાસ કરીએ છીએ ખરા! હકીકત તો એ છે કે આપણે ધર્મને નહિ, સંપ્રદાયને ધારણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એટલે જ ખોવાઈ જઈએ છીએ. ઈશ્વરે ધર્મની સૌથી સરળ વ્યાખ્યા આપણને આપી છે, પણ આપણે તેને સંપ્રદાયોમાં વહેંચીને હેરાન થતાં રહીએ છીએ અને ધર્મને ધારણ કરવામાં નિષ્ફળ જઈએ છીએ. ધર્મ માણસને મુક્ત કરનારો હોવો જોઈએ પણ આપણે ધર્મને લીધે મુક્ત થવાને બદલે બંધાતા જતાં હોઈએ છીએ. આપણા ધર્મો ‘નિયમાવલી’ બનીને રહી ગયા છીએ. આમ કરવું અને આમ ના કરવું એનું લિસ્ટ બની રહી ગયા છે. કારણકે તેઓ સંપ્રદાયો વચ્ચે વહેંચાઈને રહી ગયા છે. ધર્મ-સ્થાનોમાં ધર્મને મળવા આપણે લાઈનમાં ઉભા રહેવું પડે છે. (આપણે તો એવું જ માની લીધું છે કે ધર્મ ધર્મ-સ્થાનોમાં જ હોય છે!)
બધા એક-બીજાને મળે અને ઓળખતા થાય એટલે પૂછતા હોય છે, તમે ક્યા ધર્મમાં માનો છો? કોઈ કહેશે, હું આ ધર્મમાં માનું છું અને કોઈ કહેશે હું આ તો વળી કોઈને એમ કહેતા પણ સાંભળ્યા છે કે આપણે તો બધા ધર્મ સરખા! આપણે તો સગવડીયા ધર્મમાં માનીએ છીએ. એનો મતલબ ધર્મના નામે માણસ ઓળખાતો, પરખાતો હોય છે. વળી આપણા દેશમાં તો ધર્મ રાજકારણ સાથે પણ સંકળાયેલું જોવા મળે છે. અમુક પ્રદેશના ચૂંટણીનાં પરિણામો ધર્મ પર નભે છે. રાજકારણમાં ધર્મ જરૂરી છે, ધર્મમાં રાજકારણ હોવું જરૂરી નથી. પણ સંપ્રદાયના નામે ઓળખાતા ધર્મના ટોળાઓ આપણને ધર્મના નામે માન્યતાઓ અને પૂર્વગ્રહો તરફ લઈ જતાં હોય છે અને આપણે ખુશી ખુશી જતા પણ રહેતા હોય છીએ. ધર્મ આપણા દેશમાં એક બહુ મોટી ‘વોટ-બેંક’ બની રહી ગયું છે. ધર્મ એટલે સત્ય, ધર્મ એટલે પ્રામાણિકતા, ધર્મ એટલે માનવતા, ધર્મ એટલે કોઈને મદદ કરવી, એ અર્થો જ જાણે ભૂલાય ગયા છે. કારણકે આપણે ધર્મને સંપ્રદાયોમાં વહેંચી નાખ્યો છે! ધર્મના સ્થાપકો જ પોતે સંપ્રદાયોમાં વહેંચાઇ ગયા છે. રામ કોના, કૃષ્ણ કોના, ઈશુ કોના, પયંગબર કોના, બુદ્ધ કોના, મહાવીર કોના? આ પ્રશ્નનો ઉકેલ હજી મળી શક્યો નથી!
દરેક ધર્મના સ્થાપકે એવું કહ્યું હતું કે મારી સાથે ચાલજો મારા અનુયાયી ના બનતા. પણ અહીં તો લોકો ધર્મ-સ્થાનોની ગાદી માટે લડતાં રહે છે. ધર્મ ધારણ કરે એનો નહિ, પણ વારસાનો વિષય બની રહી ગયો છે. ધર્મમાં મૂલ્યો ક્યાંક ખોવાય ગયા છે. સંપ્રદાયમાં આગળ ચાલનાર વ્યક્તિની પાછળ પાછળ બધા ચાલી નીકળે છે, પણ આગળ જનાર વ્યક્તિ સાચી દિશામાં જાય છે કે નહિ, એનો વિચાર કોઈ કરતું નથી. બુદ્ધ નિર્વાણ પામ્યા ત્યારે તેમણે કહેલું મારી કોઈ મૂર્તિ ના બનાવે, પણ આજે દુનિયામાં સૌથી વધુ મૂર્તિઓ તેમની છે! તેઓ ખુદ પણ સંપ્રદાયોમાં વહેંચાઇ ગયા છે. દરેક સંપ્રદાય માનવતા કરતા વધુ મહત્વ નિયમોને આપતાં શીખવે છે. આને સ્પર્શ કરવો, આને નહિ, આ ખાવું ,આ નહિ, આને માનવું, આને નહિ, જાણે દરેક ધર્મના સ્થાપક એક-બીજાના દુશ્મન હોય એવું વાતાવરણ આ સંપ્રદાયો એ ઉભું કરી દીધું છે!
હું આ રસ્તે જાઉં છું, એટલે બાકીના રસ્તાઓ ઈશ્વર તરફ જતાં જ નથી, એવા પૂર્વગ્રહોમાં લોકો ઝકડાઈ ગયા છે. સંપ્રદાયોએ ધર્મને માન્યતા અને પુર્વગ્રહો પુરતા સંકુચિત રાખી દીધા છે. આપણું વર્તુળ જ સાંકડું થઇ ગયું છે. અને વર્તુળનું સ્થળાંતર તો શૂન્ય જ હોય છે ને! ધર્મનો અર્થ ધર્મગ્રંથોમાં જે કઈ છે એનાથી કોસો દુર આપણે જતા રહ્યા છીએ. રામાયણ,મહાભારત, બાઈબલ,કુરાન, ત્રિપટીક, ભગવદ-ગીતા, વગરે ધાર્મિક ગ્રંથોએ આપેલું જ્ઞાન પણ સંપ્રદાયો વચ્ચે વહેંચાઇ ગયું છે અને સાચા અર્થો તો ક્યારેય આપણા સુધી પહોંચ્યા જ નથી! કે પછી આપણે એ અર્થો સુધી પહોંચ્યા નથી! સંપ્રદાયોએ ધર્મને લક્ઝરી બનાવી દીધું છે. આપણને સૌને ખબર છે, ધર્મ ક્યા છે? અને છતાં આપણે તેને ક્યાં શોધતાં ફરીએ છીએ! આલીશાન ધર્મ-સ્થાનોમાં ધર્મ મૂંઝાઈ રહ્યો છે! ધર્મ આત્મા સાથે જોડાયેલો છે, પણ આપણે તેને શરીર સાથે જોડીને બેસી ગયા છીએ. સંપ્રદાયોએ તો પ્રાર્થનાને પણ કર્મકાંડો સાથે જોડી દીધી છે. લાઉડસ્પીકરમાં ગવાતો ધર્મ માણસને શાંતિ આપી શકતો નથી અને માણસ તો શાંતિ માટે જ ધર્મ-સ્થાનોમાં જતો હોય છે. ધર્મ આપણને કેમ જીવવું? એ શીખવે છે, પણ સંપ્રદાયો આપણને મોક્ષના મોહમાં જીવવા જ દેતાં નથી.
સંપ્રદાયોએ ધર્મને દેખાડાનો વિષય બનાવી દીધો છે. લોકો ધર્મ-સ્થાનોને કિંમતી વસ્તુઓનું દાન આપતા રહે છે, સંપ્રદાયો પાસે અઢળક સંપતિ ભેગી થઈ જાય છે અને એ સંપતિ જ પછી નવા સંપ્રદાયો ઉભા થવાનું કારણ બની રહે છે. આપણા સંપ્રદાયો પ્રાઈવેટ લિમિટેડ કંપની જેવા થઈ ગયા છે. જેટલું દાન તમે આપી શકો એટલી સગવડો તમને મળતી રહે! સંપ્રદાયોએ જાણે આત્મા સાથેનું આપણું કનેક્શન જ કાપી નાખ્યું છે! પાપ કરતાં રહો અને એ પાપનાં પ્રાયશ્ચિત માટે સંપ્રદાયોને દાન આપતા રહો. આપણા સંપ્રદાયો બ્લેક મનીને વાઈટ કરવાના મશીન બની રહી ગયા છે. આપણા દેશમાં સૌથી વધુ સંપ્રદાયો છે, છતાં આપણામાં નૈતિક મૂલ્યો ઘટી રહ્યા છે. આ એક સંશોધનનો વિષય છે. દરેક ધર્મ એક થવાનું શીખવે છે, કોઈપણ જાતના ભેદ-ભાવમાં ના માનો એવું શીખવે છે, પણ આપણે નથી ભેદ-ભાવ છોડતા કે નથી આપણે લડવાનું છોડતાં.
બાબાઓ આપણને સંપ્રદાયોમાં ખેંચી જાય છે અને આપણે ખેંચાતા રહીએ છીએ! ધર્મ પ્રેમ છે, જયારે સંપ્રદાયો આકર્ષણ હોય છે! પ્રેમ અને આકર્ષણમાં શું ફેર હોય છે? આપણે જાણીએ છીએ. શિક્ષિત લોકો પણ આ પ્રવાહમાં તણાઈ જતાં હોય છે. નીદા ફાઝલીએ લખ્યું છે, ‘ઘર સે મસ્જિદ હે બહોત દુર, ચલો યુ કર લે કિસી રોતે હુએ બચ્ચે કો હસાયા જાએ’ પણ આપણને રડતું બાળક દેખાય છે ખરું!
ધર્મને ધર્મ જ રહેવા દઈએ. એને સંપ્રદાયોમાં વહેંચાવા નાં દઈએ! ધર્મને સંપ્રદાયોના અફીણમાં નાં ડૂબવા દઈએ.
સત્ય જ ધર્મ છે.
પ્રેમ જ ધર્મ છે.
કરુણા જ ધર્મ છે.
ભાઈચારો જ ધર્મ છે.
માનવતા જ ધર્મ છે.
અને આમાંથી આપણે જે ધારણ કરીએ એ આપણો ધર્મ છે, જે આપણને આત્માનાં રસ્તે પરમાત્મા સુધી લઇ જાય છે!

તાજેતાજો ઘાણવો
- રેપોરેટ ઘટવાથી તમારી હોમલોન, કારલોન પર શું અસર પડશે ? હવે કેટલો હપ્તો આવશે ? જાણો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર
- રાજકોટની ગોવિંદ પાર્ક સોસાયટી પાસે સિટી બસનું સ્ટોપ આપવા માગ
- જાણીતા રેપર રફ્તારે કર્યા બીજા લગ્ન, જાણો કોણ છે રફ્તારની દુલ્હન ?