Team Chabuk-National Desk: દેશમાં કોરોના મહામારીમાં દર્દીઓને પૂરતી અને સમયસર સુવિધા પૂરી પાડવામાં કેન્દ્ર સરકાર અનેક મોરચે નિષ્ફળ રહી છે. કોરોનાની બીજી લહેરમાં અનેક દર્દીઓના મોત ઓક્સિજન ન મળવાના કારણે અને સમયસર સારવાર ન થઈ શકવાના કારણે થયા છે. દેશમાં ઉભી થયેલી આ પરિસ્થિતિ અંગે વિપક્ષ કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યું છે. ત્યારે હવે મેડિકલ રિસર્ચ જર્નલ ધ લેન્સેટે પણ પોતાના એક અહેવાલમાં કેન્દ્રની મોદી સરકારની ઝાટકણી કાઢી છે.
મેડિકલ રિસર્ચ જર્નલ ધ લેન્સેટે પોતાના અહેવાલમાં કોરોનાની બીજી લહેરમાં જે ભૂલો થઈ છે તે અંગે કેન્દ્ર સરકારની સાથે વડાપ્રધાન મોદીને પણ સીધી રીતે જવાબદાર ગણાવ્યા છે. ધ લેન્સેટે લખ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કામ માફી લાયક નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના અંગે પોતાની ભૂલોની જવાબદારી લેવી જોઈએ. ગયા વર્ષે કોરોના મહામારીનું સફળ નિયંત્રણ કર્યું હતું પરંતુ બીજી લહેરનો સામનો કરવામાં જે ભૂલ થઈ છે તેની જવાબદારી લેવી જોઈએ.
ધ લેન્સેટના આ અહેવાલમાં ધ ઈન્સ્ટિટ્યુટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશનના એક અનુમાનનો ઉલ્લેખ કરીને કેન્દ્ર સરકાર પર તીખી ટિપ્પણી કરવામાં આવી છે. ધ ઈન્સ્ટિટ્યુટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશનના એક અનુમાન મુજબ, ભારતમાં આ વર્ષે 1 ઓગસ્ટ સુધીમાં કોરોનાની મહામારીથી 10 લાખ લોકોના મોત થશે. જો 1 ઓગસ્ટ સુધી 10 લાખના મૃત્યુ થશે તો મોદી સરકાર જવાબદાર હશે. કોરોનાના સુપર સ્પ્રેડરના નુકસાન અંગે ચેતવણી આપવામાં આવી હતી, ચેતવણી હોવા છતાં સરકારે ધાર્મિક આયોજનને મંજૂરી આપી છે.
અહેવાલમાં એમ પણ લખવામાં આવ્યું છે કે, સરકારે અનેક રાજ્યોમાં ચૂંટણી રેલીઓનું આયોજન કર્યું હતું. કેન્દ્રની મોદી સરકાર કોરોના મહામારીને નિયંત્રિત કરવાને બદલે ટ્વિટર પર ટીકાકારોને અંકૂશમાં લેવા પ્રયત્ન કરી રહી છે. મોદી સરકાર ઓપન ડિસ્કશનને હટાવવા પર ભાર આપી રહી છે. હોસ્પિટલોમાં દર્દીઓને ઓક્સિજન મળતો ન હતો. ભારતમાં મેડિકલ ટીમ પણ થાકી ગઈ છે અને સંક્રમિત થઈ રહી છે. દેશના આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધન કોરોના ખતમ થઈ ગયો તેવી જાહેરાત કરતા હતા. સારા મેનેજમેન્ટ સાથે કોરોનાને હરાવ્યો તેવો દાવો કરતા હતા. બીજી લહેરની વારંવાર ચેતવણી આપવામાં આવી તેમ છતાં સરકારે ધ્યાન ન આપ્યું નથી.
તો આ તરફ મોદી સરકાર પર શિવસેનાએ પણ પોતાના મુખપત્ર સામનામાં હુમલો કર્યો છે. સામનામાં લખવામાં આવ્યું છે કે, નહેરુ અને ગાંધીએ બનાવેલી સિસ્ટમના કારણે દેશ મુશ્કેલ પરિસ્થિતિમાં લડી શક્યો છે. અનેક ગરીબ દેશ ભારતને મદદ માટે ઓફર કરી રહ્યા છે. બાંગ્લાદેશ, શ્રીલંકા અને ભૂટાન જેવા દેશ પાસેથી આપણે મદદ લઈ રહ્યા છીએ. પરંતુ વડાપ્રધાન 20 હજાર કરોડના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું કામ બંધ કરવા તૈયાર નથી. શિવસેનાએ આગળ લખ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા સંસદ ભવન અને પ્રધાનમંત્રી આવાસ નિર્માણને રોકવા તૈયાર નથી. આજે શાસકોની ખોટી નીતિઓના કારણે દેશ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. વિશ્વ કોરોના સામે લડે છે પરંતુ ભાજપ દીદીને ઘેરવામાં લાગ્યું છે.
ધ લેન્સેટના અહેવાલ બાદ કોંગ્રેસે પણ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસના મહાસચિવ અજય માકને ધ લેન્સેટના અહેવાલને ટાંકીને કહ્યું છે કે, ભારત દેશ પ્રાકૃતિક આપત્તિ તરફ નહીં પરંતુ મોદી સરકાર દ્વારા સ્વનિર્મિત રાષ્ટ્રીય આપત્તિ તરફ આગળ વધી રહ્યો છે. માકને એમ પણ કહ્યું કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને એક પત્ર લખીને આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધનને પણ હટાવવાની માગ કરી છે.
તાજેતાજો ઘાણવો
- કામ વાસનાના સવાલ પર શું બોલ્યા પ્રેમાનંદ મહારાજ ? દરેક પતિ-પત્નીએ જવાબ જાણવો જોઈએ
- ભારતીય ટીમની થઈ જાહેરાત, સૂર્યકુમાર યાદવ બન્યો કેપ્ટન, શમીની વાપસી
- મોતઃ અમદાવાદમાં સ્કૂલની સીડી ચડતાં-ચડતાં 8 વર્ષની વિદ્યાર્થિની અચાનક ઢળી પડી
- દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ 5 ફેબ્રુઆરીએ મતદાન, 8 ફેબ્રુઆરીએ પરિણામ
- મોરબીનો આ તાલુકો બન્યો દાડમ ઉત્પાદનનું હબઃ વર્ષે 100 કરોડનું ટર્ન ઓવર, વિદેશમાં થાય છે નિકાસ