Homeગામનાં ચોરેહાય રે માડી હરિયાણામાં ઉંદરો 53,473 લીટરનો દેશી દારૂ ઢીંચી ગયા

હાય રે માડી હરિયાણામાં ઉંદરો 53,473 લીટરનો દેશી દારૂ ઢીંચી ગયા

ગોવાબાપાઃ  જીવ વિજ્ઞાન વિષયમાં આપણે કોક્રોચ, દેડકા અને ઉંદરના શારીરિક તંત્ર વિશે અભ્યાસ કરીએ છીએ, પણ એમાં એ નથી ભણાવતા કે એમાંના ઉંદર પીવાના શોખીન હોય છે. બિહાર બાદ હવે હરિયાણાનાં ઉંદરો પણ પીવાના શોખીન થઈ ગયા છે. આ ઉંદરોએ બિહારના ઉંદરોના કિર્તીમાનને તોડી નાખ્યો છે ચાબુક. એ લોકો દારૂની સાથે સાથે ગાંજો અને અફીણ પણ ઠપકારે છે. જોકે સમાચારવાળાવે એ નથી લખ્યું કે પીધા પછી આ ઉંદરોની ધરપકડ થાય છે કે નહીં ? પીધા પછી એ ટીંગલ કરે છે કે નહીં ? પીધા પછી એ રસ્તામાં વટાણાની જેમ વેરાયેલા નજર આવે છે કે નહીં ? અને જો રસ્તામાં પડેલા નજર આવે છે તો કોઈ તેમને ઉઠાવીને લઈ જાય છે કે નહીં ? એક વાત તો નક્કી કે ઉંદરોના સામ્રાજ્યમાં દારૂબંધી જેવું છે નહીં પણ કોઈ ઉંદરોનાં રાજાએ હવે દારૂબંધી કરવી પડશે એવું લાગી રહ્યું છે!

‘આખી વાત કરો બાપા આમાં તો જમાવટ આવે એવું છે.’

સાંભળ ચાબુક. હરિયાણાના ફરિદાબાદના પોલીસ સ્ટેશનના વેરહાઉસમાં 29 હજાર લીટરનો દારૂ એકાએક ગાયબ થઈ ગયો. પોલીસ કહે છે કે આ બધું તો ઉંદરો ગટગટાવી ગયા. પી જ નથી ગયા પણ અફીણ અને ગાંજાનોય સોથ બોલાવી નાખ્યો છે. 53,473 લીટરનો દેશી દારૂ ઢીંચી ગયા. 29,995 લીટર ઈંગ્લીશ દારૂની બોટલ પી ગયા. એ સિવાય તો કંઈ કેટલુંય પીધું.

અટાણ સુધી તો આપણે માણહ સાટું વાતું કરતાં હતાં કે, આ તો જો જાનવર જેવો છે. હવે ઉંદરોની જાતિમાંય એવું કહેવાશે કે, આ તો જો માણહ જેવો છે.

હાલ તને હાલ કોરોના દેખાડું

ચાબુક ગોવાવાણી કોઈ દી ખોટી ના પડે હો. મેં કહ્યું હતું કે ચૂંટણી પૂરી થયા બાદ કોરોના કેસ વધશે અને વધ્યા પણ ખરા. પીસાવાનો વારો તો જનતાનો જ આવે હો. નેતાઓએ ચૂંટણીમાં એયને મોજથી સભાઓ કરી, રેલાઓ કાઢ્યા અને જીતીને ઘરમાં ભરાય ગ્યાં. મરો થયો જનતાનો.

ચૂંટણીઓ પૂરી થઈ જતાં ફરી પાછો કોરોનાનાં કેસ વધી રહ્યા છે. ચાબુક આજે હું જગમાલની દુકાને છાપું વાંચતો હતો, તો ખબર પડી કે કોરોના હવે આપણે ત્યાં વધી રહ્યો છે. ચૂંટણી ટાણે ગુજરાતમાં 400થી નીચે આવતા કેસ આજે 581 પર પહોંચી ગયા છે. સોશિયલ મીડિયા પર તો લોકો એમ પણ કહી રહ્યા છે, કે કોરોનાને તમારાથી દૂર રાખવો હોય તો વેક્સિનની જરૂર નથી ચૂંટણીઓ ચાલુ રાખો એટલે કોરોના આઘો રહેશે.

અમદાવાદ શહેરમાં તો પાલડી, નવરંગપુરા, નારણપુરા, થલતેજ, જોધપુર, મણીનગર, ગોતા અને એસજી હાઈવે પર હોટેલોને તો સાંજે 7 વાગે બંધ કરી દેવા આદેશ પણ આપી દેવાયા છે. અમદાવાદની જાણીતી લો-ગાર્ડન વિસ્તારની હેપ્પી સ્ટ્રીટને પણ 7 વાગે બંધ કરી દેવા આદેશ અપાયા છે. કરે નેતા અને ભરે જનતા આ તો એવી વાત થઈ ચાબુક.

અમદાવાદની ગરમી બાપા હો બાપા..

આ ઇંગ્લેન્ડવાળા ભુરિયા ક્રિકેટ રમવા આપણા અમદાવાદમાં આવ્યા પણ તેમને આ પ્રવાસ ફળ્યો નહીં હો ચાબુક.

‘હા હો ગોવાબાપા, ટેસ્ટ સિરીઝ ભુંડી રીતે હારી ગ્યા.’

મેચ હાર્યા એ તો ઠીક ચાબુક પણ શરીરને પણ નુકસાન કરી નાખ્યું.

ઇંગ્લેન્ડના હોનહાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે અમદાવાદના સ્ટેડિયમમાં ચોથી ટેસ્ટ રમતાં રમતાં ગરમીમાં તેનું અને તેના સાથી ખેલાડીઓનું વજન અચાનક ઘટી ગ્યું બોલ. મેચ પહેલાં ઘણા ખેલાડીઓને પેટમાં ગોટાળા પણ થયા. સ્ટોક્સે કહ્યું કે, એક જ અઠવાડિયામાં તેનું 5 કિલો વજન ઉતરી ગ્યું, જેમ્સ એન્ડરસનનું વજન 3 કિલો ઓગળી ગ્યું અને ડોમ સિબલેનું 4 કિલો વજન ઉતર્યું.

આપણા અમદાવાદની ગરમી તો ભલભલાના ચહેરાનો રંગ ફિક્કો પાડી દે હો બાપલિયા… આપણેય આ ગરમી સામે ટક્કર નથી લઈ શકતા ત્યારે આ ભૂરિયા બિચારા ક્યાંથી ટકી શકે. હજુ તો 20-20 ઓવરની મેચ રમવાની બાકી છે.

ચાબુક હવે કોઈને વજન ઉતારવું હોય તો જીમમાં નહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોકલી દેવા જોઈએ.

‘હા મોજ હા….’

આલિયાબેન ઘરમાં પૂરાયા

ચાબુક આલિયાબેન ભટ્ટ તો બન્ને બાજુથી આજે ઘેરાય ગયા હો. લેવાદેવા વગરના આલિયાબેનને હવે ઘરમાં પૂરાઈ રહેવું પડશે. થયું એવું કે આલિયાબેન જે ફિલમનું શૂટિંગ કરી રહ્યા છે એનાં ડિરેક્ટર સંજય લીલા ભણસાલીને કોરોના થ્યો. સેટ પર બન્ને સાથે જ હોય અને બીજું રણબીર કપુર પણ કોરોના પોઝિટિવ નીકળ્યો. તને તો ખબરને ચાબુક આ આલિયાબેન અને રણબીરભાઈ વચ્ચે ઇલુ-ઇલુ ચાલે છે એટલે આમેય અવારનવાર બન્ને મળતાં હોય એટલે રણબીરભાઈ અને ભણસાલીભાઈના કારણે આલિયાબેનને કોરન્ટાઈન થવાનો વારો આવ્યો છે.

(રોજ વાંચો સમાચાર મોજીલા અંદાજમાં ગામડાના ભાભા ગોવાબાપા સાથે)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments