Team Chabuk-National Desk: કવિ નગરના વેપારી કપિલ ગર્ગના ઘરમાંથી ત્રણ સપ્ટેમ્બરના રોજ દોઢ કરોડની ચોરી કરનારો માસ્ટર માઈન્ડ ઈરફાન ઉર્ફે ઉજાલેના કારનામા જાણીને પોલીસ પણ અચરજમાં ગરકાવ થઈ ગઈ છે. આ ભેજાબાજ ચોરે, બિહારના સીતામઢીથી જિલ્લા પંચાયત સભ્યની ચૂંટણી લડી રહેલી પત્ની ગુલશન પરવીનને જીતાડવા માટે ચોરીની દોઢ કરોડથી વધુ રકમ ખર્ચ કરી સાત ગામમાં રસ્તા બનાવી દીધા હતા. એ ખૂદને મોટો વેપારી બતાવતો હતો. મદદના બદલે વોટ પ્રાપ્ત કરવા માટે જરૂરિયાતમંદ લોકોમાં અભ્યાસ, લગ્ન, બીમારીના ઉપચાર માટે એક કરોડથી વધારે રૂપિયા વહેંચી દીધા હતા.
ચૂંટણીમાં કરોડો રૂપિયા ખર્ચ કરી ચૂક્યો છે
દોઢ કરોડની ચોરીમાં તેની પત્ની અને પ્રેમિકા સહિત અગિયાર શખ્સોની પહેલા જ ધરપકડ કરી લેવામાં આવી છે. તે પોતાના ગ્રુપના લોકોની જામીન માટે આવ્યો હતો, ત્યાં પોલીસે આરડીસીમાંથી જ તેને ઝડપી લીધો હતો. જામીન મળ્યા બાદ પત્ની ચૂંટણી મેદાનમાં ઉતરી હતી. હવે સોમવારના રોજ એટલે કે આજે મતદાન થવાનું છે. પોલીસ અધિક્ષક નગર પ્રથમ નિપુણ અગ્રવાલે જણાવ્યું હતું કે, સીતામઢીનો રહેવાસી ઈરફાન ચૂંટણીમાં કરોડો રૂપિયા ખર્ચ કરી ચૂક્યો છે. ગામના જરૂરિયાતમંદ લોકો તેની પ્રતીક્ષામાં જ રહે છે.
ચાર પ્રેમિકા
ઈરફાનની ચાર પ્રેમિકાઓ છે. ચોરીમાં કોઈ મોટો હાથ માર્યા બાદ સૌ પહેલા તે પ્રેમિકાની પાસે જ જતો હતો. પત્ની કરતા વધારે પૈસા તેણે પ્રેમિકા ઉપર ઉડાવ્યા છે. પ્રેમિકાઓ અલીગઢ, આગ્રા, મુંબઈ અને સવાઈ માધોપુરની છે. ચોરીની રકમથી તેને ભેટ આપવામાં આવી હતી. આ પ્રેમિકાઓ જ તેને પોલીસની નજરથી બચવામાં મદદ કરતી હતી અને છુપાવી રાખતી હતી. પોલીસે નિવેદનમાં કહ્યું હતું કે, તેને આશરો આપનારી તેની પ્રેમિકાઓને પણ આરોપી બનાવવામાં આવશે.
માત્ર સાઈન કરવાનું જાણે છે
ઈરફાન ભણેલો નથી. માત્ર સાઈન કરવાનું જાણે છે. 11 વર્ષ પહેલા તેણે પ્રથમ વખત ચોરી કરી હતી. એ વિષે પોલીસને જણાવ્યું હતું કે, તેની બહેનના નિકાહ હતા અને પૈસાનો બંદોબસ્ત નહોતો થઈ રહ્યો. ચોરી કરી તો એક મોટી રકમ હાથ લાગી ગઈ. અહીંથી તેને ચોરીની લત લાગી ગઈ. તેણે ચોરોની મોટી ટૂકડી બનાવી લીધી. ચોરીની રકમથી એક એક કરોડની કિંમતની બે કાર ખરીદી લીધી. આ કારમાં બેસીને જ તે ચોરીની ઘટનાને અંજામ આપતો હતો. કુખ્યાત ચોરની કોઈ પણ ચોરી વીસ લાખથી ઓછી રકમની નથી. ચોરી માટે તે રેકી પણ નહોતો કરતો. પોતાની ટૂકડીને કારમાં લઈ નીકળતો હતો. ભવ્યાતિભવ્ય મકાન નજરે ચડતા તે ઘુસી જતો હતો અને ખાલી કરી નાખતો હતો.
12 રાજ્ય 40 કેસ
તેણે પોલીસને જણાવ્યું હતું કે, તેણે 40થી વધારે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો અને તેમાંથી તેને વીસ કરોડથી વધારેની રકમ મળી હતી. તે ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ, તેલંગણા અને ગોવા સહિતના બાર રાજ્યોમાં હાથફેરો કરી ચૂક્યો છે. જોકે કસબ કમાલનો કે જ્યારે પણ ચોરી કરવા ગયો કોઈ દિવસ પોલીસના હાથમાં આવ્યો નહીં. જે પણ ઘરમાં તેણે ચોરી કરી તેના મોટાભાગના સિક્યોરિટી ગાર્ડ ઘોડા વેચીને ઉંઘી રહ્યા હતા. રાતના એકથી ત્રણ વચ્ચે જ્યારે લોકો ઘોર નિંદ્રામાં હોય ત્યારે જ ચોરી કરતો હતો.
જજના ઘરે 65 લાખની ધાડ પાડી
પોલીસે જણાવ્યું કે, ઈરફાને દિલ્હીમાં નોટબંધી પહેલા જજના બંગલામાંથી 65 લાખની ચોરી કરી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે, જ્યારે તે ચોરી કરવાના ઈરાદાથી ઘરમાં ઘુસ્યો તો અલમારીમાં તેને નોટના પેકેટ દેખાયા હતા. તેણે બે બેગમાં નોટ ભરી લીધી. જોકે ઉઠાવી એક જ શક્યો હતો. ચોરી પછી નોટની ગણતરી કરી તો 65 લાખની રકમ નીકળી હતી. જજે આ અંગે કેસ ફાઈલ નહોતો કરાવ્યો. બીજી બાજુ ગોવાના રાજ્યપાલના ઘર પાસે આવેલા એક વેપારીના ઘરમાંથી લાખો રૂપિયાની ચોરી કરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત