Homeગામનાં ચોરે2013ની કેદારનાથ હોનારતની યાદ તાજી થઈ, જાણો સાત વર્ષ પહેલાં શું થયું...

2013ની કેદારનાથ હોનારતની યાદ તાજી થઈ, જાણો સાત વર્ષ પહેલાં શું થયું હતું

Team Chabuk National Desk: ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાની ઘટનાએ 2013ના એ વિનાશને પણ યાદ કરાવી દીધો છે. આજે પણ જેમણે પોતાના પ્રિયજનોને એ તબાહીમાં ગુમાવી દીધા છે તેઓ એ ઘટનાને યાદ કરે છે તો આંખમાંથી આંસુ રોકાતા નથી. એ દિવસોમાં જાણે પ્રકૃતિ માણસોથી નારાજ થઈ ગઈ હોય તેમ ઉત્તરાખંડમાં વિનાશ સર્જ્યો હતો. ફરીથી આજે ચમોલીમાં બનેલી ઘટનાએ 2013ની ઘટનાની યાદ તાજી કરાવી દીધી છે.

હજારો લોકો પ્રિયજનોને શોધવા ગયા હતા

એ દિવસ હતા 16 અને 17 જૂન 2013.  ઉત્તરાખંડના કેદારનાથમાં બનેલી દુર્ઘટનામાં હજારો લોકોના જીવ ગયા હતા. અનેક લોકો લાપતા થયા હતા. પહાડ સુધી જનારી તમામ સડકો તૂટી ગઈ હતી.  પરિસ્થિતિ એવી હતી કે લોકો દેશના દરેક ખૂણેથી આફતમાં તેમના પ્રિયજનોને શોધવા માટે પર્વત પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા  જો કે, તેમના પગ તીર્થનગરીમાં આવીને રોકાઈ જતાં હતા કારણ કે તમામ રસ્તાઓ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા.

100 કિમી રસ્તો ધોવાઈ ગયો હતો

એવો દાવો છે કે કેદારનાથ દુર્ઘટનામાં કુલ 5 હજારથી પણ વધુ લોકના મૃત્યુ થયા હતા. જ્યારે ભારતીય સેનાએ 1 લાખથી વધુ લોકોને બચાવ્યા હતા. 4 હજાર 200થી વધુ ગામનો સંપર્ક તૂટ્યો હતો. દુર્ઘટનામાં 172 જેટલા નાના મોટા પૂલ તૂટી ગયા હતા. અંદાજે 100 કિલોમીટરના રસ્તાનું અસ્તિત્વ જ ખતમ થઈ ગયું હતું.

ઠેર ઠેર ભૂસ્ખલન થઈ રહ્યું હતું.

હિમાલય પર્વતના ખોળામાં કેદારનાથ આવેલું છે. જે ચારધામ યાત્રાના ચાર સ્તંભોમાંથી એક છે અને હિન્દુઓના મુખ્ય તીર્થસ્થળોમાં તેની ગણના થાય છે. જેથી હજારો લોકો અહીં ભગવાનના આશીર્વાદ લેવા માટે આવ્યા હતા. એ સમયે ચોમાસુ પણ વહેલું આવી ગયુ હતું. ત્યારબાદ અનરાધાર વરસાદના કારણે ગ્લેશિયર ઓગળી જતાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ઠેર ઠેર ભૂસ્ખલન પણ થયું જેના કારણે મુશ્કેલી બમણી થઈ હતી.

ઝાડનો પુલ બનાવી 3 હજાર લોકોને બચાવાયા હતા  !

17 જૂન, 2013ના રોજ આપત્તિ દરમિયાન મંદાકિની નદીને ઓવરફ્લો થવા અને પૂરને કારણે સોનપ્રયાગ અને મુંડકટ્યા વચ્ચે લગભગ ત્રણ હજાર યાત્રાળુઓ ફસાયા હતા. સોન ગંગા નદીના પુલના પ્રવાહને કારણે ફસાયેલા લોકોને નદી પાર કરવામાં મુશ્કેલી પડી રહી હતી. જેમના સુધી દોરડા વડે એક કુહાડી પહોંચાડાઈ હતી અને મોટું વૃક્ષ કાપવા કહેવાયું હતું. યાત્રાળુઓએ એવું જ કર્યું. ત્યારબાદ નદી પર આ મોટા ઝાડનો હંગામી પુલ બનાવી  લોકોને બચાવાયા હતા. ઉત્તરાખંડમાં બનેલી આ દુર્ઘટનાનો શોક માત્ર સોશિયલ મીડિયા અથવા ભારતીય અખબારોમાં જ નહીં પરંતુ વિદેશી મીડિયામાં પણ ફેલાયો હતો.

લાશો પર ચાલીને કરવું પડ્યું હતું કામ !

એ સમયે કેદારનાથથી પરત ફરેલી ડોકટરોની ટીમે જણાવ્યું હતું કે, ખીણમાં મહાવિનાશને જોઇને તેઓને પુરાણકથામાં વર્ણવેલું શિવ તાંડવ યાદ આવી ગયું હતું. ખીણમાં સતત ભૂસ્ખલન થતું હોવાના કારણે રાત્રે ભયંકર અવાજો સંભળાતા હતા. પહાડોના પડવાના કારણે વિસ્ફોટ જેવા અવાજ સંભળાઈ રહ્યા હતા. 12 ફૂટ અંદર કાટમાળમાં દબાયેલા મૃતદેહો પર ચાલીને જ બચાવ અને રાહતનું કામ કરાઈ રહ્યું હતું. કાટમાળમાં કેટલા લોકો દટાયા હતા તેનો કોઈ અંદાજ જ ન હતો. ત્યાં હાજર પ્રાણીઓ પણ ઉગ્ર બન્યા હતા. ખચ્ચર અને ગાય માણસને જોઈ તેને મારવા દોડી રહ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments