Homeગામનાં ચોરેઅયોધ્યામાં નિર્માણ પામનારી મસ્જિદની બ્લુ પ્રિન્ટ તૈયાર

અયોધ્યામાં નિર્માણ પામનારી મસ્જિદની બ્લુ પ્રિન્ટ તૈયાર

ભારત દેશની વિવિધતામાં એકતા જ વિશ્વમાં તેની આગવી ઓળખ છે. અહીં અનેક ધર્મો છે. દરેક ધર્મના લોકો અહીં હળીમળીને રહે છે. ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનું એક પુસ્તક છે. ડિસ્કવરી ઓફ ઈન્ડિયા. આ પુસ્તકમાં એક પ્રકરણ છે – ‘અનેકતામાં એકતા’ આ પ્રકરણમાં ભારતની આ જ ખાસિયતો વિશે વિસ્તારથી લખ્યું છે. એટલે જ વિશ્વના તમામ દેશ કરતા ભારત અલગ છે અને મહાન છે.

મંદિરથી 30 કિલોમિટર દૂર બનશે મસ્જિદ

દેશમાં એક તરફ રામમંદિરના નિર્માણની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તો બીજી તરફ મંદિરથી 30 કિલોમીટર દૂર મસ્જિદ બનાવવાની તૈયારીઓ પણ એ જ ઝડપથી ચાલી રહી છે. વર્ષોથી ચાલી રહેલાં આ વિવાદનો શાંતિથી ઉકેલ આવ્યો છે. બંને પક્ષોએ ભાઈચારા અને એકતાની પરંપરાને આગળ ધપાવી છે.

VHPનું 11 કરોડ પરિવાર સુધી પહોંચવાનું લક્ષ્ય

મંદિર બનાવવા માટે ટ્રસ્ટ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનો મહેનત કરી રહ્યાં છે. વિશ્વ હિન્દુ સંગઠન મકરસંક્રાતિથી રામ મંદિરના નિર્માણ માટે શ્રી રામ જન્મભૂમિ નિધિ સમર્પણ નામથી અભિયાન ચલાવશે અને દેશભરમાંથી ફંડ એકઠું કરશે. 14 જાન્યુઆરીથી શરૂ થનારું આ અભિયાન 44 દિવસ સુધી ચાલશે.

મંદિર નિર્માણ માટે જે લોકો 10થી લઈને 2 હજાર રૂપિયાનું દાન કરશે તેને કૂપન આપવામાં આવશે. 2 હજારથી વધુનું દાન આપનારા લોકોને વિશ્વ હિન્દુ પરિષદ પહોંચ આપશે સાથે જ ભગવાન શ્રી રામ અને રામ મંદિરની તસવીર જે તે વ્યક્તિના ઘરમાં સ્થાપિત કરશે. VHPનું લક્ષ્ય છે કે, તેઓ દેશના 4 લાખ ગામડાઓમાં 11 કરોડ પરિવાર સુધી પહોંચે.

આ ફાઈવસ્ટાર હોટલ નથી મસ્જિદ છે !

બીજી તરફ અયોધ્યા મંદિર બાદ હવે મસ્જિદની ડિઝાઈન પણ તૈયાર થઈ ગઈ છે. આ મસ્જિદની ખાસ વાત એ છે કે, તસવીરો જોતા પહેલી નજરમાં કોઈ પણ ન કહી શકે કે આ મસ્જિદ છે. તસવીરોમાં મસ્જિદ કોઈ ફાઈવસ્ટાર હોટલ, એરપોર્ટ અથવા મોલ જેવી લાગી રહી છે. કોઈ એવું પણ કહી દે કે આ અમદાવાદના સાયન્સ સિટી જેવું છે. કારણ કે, સામાન્ય રીતે મસ્જિદ એટલે આપણી આંખો સામે મિનાર આવે. ચારેબાજુ લાગેલા સ્પીકર આપણી નજર સામે આવે, પરંતુ આ મસ્જિદ તેના કરતાં બિલકુલ અલગ છે.

એક સાથે 2 હજાર નમાઝી અદા કરી શકશે નમાઝ

આયોધ્યાના ધન્નીપુરમાં આ ભવ્ય મસ્જિદ તૈયાર થઈ રહી છે. 24 હજાર 150 વર્ગ મીટર જમીનમાં બનનારી આ મસ્જિદની ખાસ વાત એ છે કે મસ્જિદનું નામ કોઈ સમ્રાટ અથવા રાજાના નામ પરથી નહીં રાખવામાં આવે. આ મસ્જીદમાં એક સાથે 2 હજાર નમાઝી એક સાથે નમાઝ અદા કરી શકશે. આ મસ્જિદ બે માળની હશે જેમાં કોઈ ગુંબજ નહીં હોય. ઈમારત ઈકો ફ્રેન્ડલી હશે. મસ્જિદમાં સોલાર એનર્જીનો ઉપયોગ કરવામાં આવશે. મહિલાઓ માટે એક અલગ જગ્યા નક્કી કરવામાં આવશે.

હોસ્પિટલ અને મ્યૂઝિયમ પણ બનશે

મસ્જિદ ઉપરાંત અહીં મ્યૂઝિયમ અને એક વિશાળ હોસ્પિટલ પણ બનાવવામાં આવશે. મસ્જિદ, મ્યૂઝિયમ અને હોસ્પિટલ કુલ 5 એકર જમીનમાં ફેલાયેલા હશે. જે હોસ્પિટલ બનશે તે ચાર માળની હશે જેમાં ઓછામાં ઓછા 200 બેડ હશે. અને આધુનિક સુવિધાઓથી સજ્જ હશે.

મંજૂરીની રાહ

ઈન્ડો ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશને આ અંગે કહ્યું હતું કે, નકશો પાસ થયા બાદ મસ્જિદનું કામ શરૂ કરવામાં આવશે. જો મંજૂરી મળી જશે તો 26મી જાન્યુઆરીથી નિર્માણકાર્ય શરૂ કરી દેવામાં આવશે. આ અવસરે કોઈ મોટું આયોજન નહીં હોય. જો 26મી જાન્યુઆરીથી કામ શરૂ નથી થઈ શકતું તો બીજો વિકલ્પ 15મી ઓગસ્ટ છે. મસ્જિદ, મ્યૂઝિયમ અને હોસ્પિટલનો શિલાન્યાસ એક સાથે જ કરવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments