Homeવિશેષવિક્રમ અને વેતાલ : પ્રકરણ-7-શ્રેષ્ઠ વર

વિક્રમ અને વેતાલ : પ્રકરણ-7-શ્રેષ્ઠ વર

Team Chabuk : વેતાલે નિરાશ ચહેરે કહ્યું, ‘એકદમ જીદ્દી રાજા છો તું તો. કોઈ વાતે માનતો જ નથી. ચાલ આટલા લાંબા પંથને કાપવા માટે હું તને એક વાર્તા સંભળાવું.’ વેતાલે વાર્તાની શરૂઆત કરી.

મગધ દેશમાં મહાબલ નામનો એક પ્રતાપી રાજા રહેતો હતો. તેના વિજયની યશોગાથા અને તેની આણ દૂર દૂર સુધી પ્રવર્તતી હતી. આ રાજાને મહાદેવી નામની એક સુંદર કન્યા હતી. તેનું રૂપ અદ્રિતીય હતું. ધવલવર્ણી કાયા હતી. ગુલાબની પાંખડી જેવા હોઠ હતા. રાજા હવે વૃદ્ધ થતો જઈ રહ્યો હતો. તેને થયું કે દીકરીના હાથ પીળા કરી દેવા જોઈએ. બસ એક પુત્રીના વિવાહની ચિંતા જ મહારાજાને કોરી ખાતી હતી.

સુંદર રાજકુમારીને જોવા માટે તો અગણિત રાજકુમારો દેશ પરદેશથી આવતા હતા. પણ રાજકુમારીને કોઈ પંસદ જ નહોતું આવતું. ધરમનો ધક્કો બીજું તો શું ? સોહામણા રાજકુમારો આવતા રાજકુમારી તેમને પસંદ ન કરતી અને મહાબલનું રાજ્ય જોઈ કે મહેમાનગતિ કરી રાજકુમારો પરત ચાલ્યા જતા. આવી સુંદર રાજકુમારીને પામવા માટે તો રાજકુમારો કંઈ પણ કરી છૂટવા તૈયાર હતા, પણ એક રાજકુમારી મહાદેવી હતી જેના હ્રદયને જીતવું અશક્ય લાગી રહ્યું હતું.

રાજાએ પણ વિચાર્યું કે જે રાજકુમાર શક્તિશાળી અને ગુણવાન હોય તેની જ સાથે દીકરીના લગ્ન કરવા. એક દિવસ એક રાજકુમાર રાજદરબારમાં આવ્યો અને બોલ્યો, ‘હું રાજકુમારીનો હાથ માગવા આવ્યો છું. તેની સાથે વિવાહ કરવા ઈચ્છુક છું.’

રાજાએ યુવકનું પગથી માથા સુધી નિરીક્ષણ કર્યું અને પછી પોતાની વાત મૂકતા કહ્યું, ‘હું તો મારી પુત્રી એને જ આપીશ જે સર્વગુણ સંપન્ન હોય. ગુણોથી સભર હોય. શક્તિશાળી હોય. તારામાં એવી કોઈ યોગ્યતા ખરી?’

રાજાની આ વાત પર રાજકુમારે કહ્યું, ‘મારી પાસે એક એવો રથ છે જેના પર બેસીને જ્યાં પણ જવા ઈચ્છો તુરંત જઈ શકો છો.’

રાજાને આ યુવકમાં રસ પડ્યો. તેણે તેને પ્રતીક્ષા કરવાનું કહ્યું અને જણાવ્યું કે રાજકુમારીને વાત કરીશ અને તને કહીશ.

થોડા સમય પછી એક બીજો રાજકુમાર આવ્યો. એ રાજકુમારે પણ મહાદેવીનો હાથ માગ્યો અને તેની સાથે વિવાહ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. રાજાને પહેલા તો આ રાજકુમારમાં કંઈ નવું ન દેખાયું. બીજા રાજકુમારો જેવો જ લાગતો હતો. પણ રાજાની આંખને પારખી જતા રાજકુમારે સામેથી કહ્યું, ‘હું ત્રિકાળદર્શી છું. ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ ત્રણે બતાવી શકું છું.’

રાજા પુત્રીનો હાથ કોને આપે તે વાતનું હજુ સમાધાન નહોતું થયું. ત્યાં આ બીજો રાજકુમાર આવી ગયો. રાજાએ તેને પણ રાહ જોવાનું કહ્યું અને મનોમંથનમાં લાગી ગયા.

આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા મગજને કસી જ રહ્યા હતા કે ત્રીજો રાજકુમાર દરબારમાં આવી ગયો. રાજાએ તેને આવતા વેત જ પૂછી લીધું, ‘તારી ખાસિયત શું છે યુવાન?’

રાજકુમારે કહ્યું, ‘હું ધનુર્વિદ્યામાં પારંગત છું. ધનુષ ચલાવવામાં દૂર દૂર સુધી કોઈ મારો મુકાબલો ન કરી શકે.’

બેમાંથી કયો રાજકુમાર રાજકુમારી માટે યોગ્ય છે તે સમસ્યાનું સમાધાન વિચારતા રાજા સામે ત્રીજો રાજકુમાર પણ આવી ગયો. જે યૌદ્ધા હતો. રાજાએ વિચાર્યું કે, કન્યા એક છે. રાજકુમાર ત્રણ છે. ત્રણે પ્રતિભાશાળી છે. ગુણોથી સભર છે. વીર છે અને બુદ્ધિશાળી પણ છે.

રાજાના મગજમાં ગડમથલ ચાલી જ રહી હતી કે એક વિકરાળ રાક્ષસ પ્રગટ થયો. તેને માથા પર બે શિંગડા હતા. મહેલના ઝરુખા કરતાં પણ ઊંચો હતો. લાંબા દાંત હતા. મોટી આંખો હતી. રાજકુમારીના કક્ષમાં તેણે હાથ નાખ્યો અને તેને પોતાના એક જ હાથની મુઠ્ઠીમાં પકડી લીધી. રાજકુમારી રાડો પાડવા લાગી, ‘બચાવ… બચાવ…’

રાજાએ આદેશ આપ્યો. સૈનિકો રાક્ષસને મારવા માટે દોડ્યા અને તેના પર ભાલા, બાણ, તલવારથી હુમલો કર્યો પણ બધુ ફોગટ નીવડ્યું. રાક્ષસની ગેંડા જેવી ચામડી સામે કોઈ હથિયાર કારગત ન હતું નિવડતું. રાક્ષસ રાજકુમારીને વિધ્યાંચલ પહાડ પર ઉઠાવીને લઈ ગયો.

રાજાની એકની એક દીકરીને રાક્ષસ ઉઠાવીને લઈ જતા તે ચિંતામાં ગરકાવ થઈ ગયા. રાજ્યમાં કોઈ એવો શક્તિશાળી પુરુષ નહોતો જે રાક્ષસનો મુકાબલો કરી શકે. એટલામાં રાજાને પેલા ત્રણે રાજકુમારો યાદ આવ્યા જેમની પાસે ભિન્ન ભિન્ન કૌશલ્ય હતા.

રાજાએ ત્રણે રાજકુમારોને બોલાવ્યા. ત્રિકાળદર્શીએ પોતાની વિદ્યાની મદદથી કહ્યું, ‘મહારાજા રાક્ષસ રાજકુમારીને વિધ્યાંચલ પર્વત પર લઈ ગયો છે.’ વિધ્યાંચલ પર્વત ખૂબ જ દૂર હતો. રાજકુમારી પાસે પહોંચીએ ત્યાં તો રાક્ષસે શું નું શું કરી નાખ્યું હોય. એટલામાં બીજો રાજકુમાર રથ લઈને હાજર થઈ ગયો.

તેણે રાજકુમારોને રથમાં બેસવાનું કહ્યું, ‘આવો રથમાં આશ્રય લો. ચપટી વગાડતા જ ત્યાં પહોંચી જઈશું.’

ત્રણે રાજકુમારો તેમાં બેસી ગયો. ત્રીજા રાજકુમારે કહ્યું, ‘હું શબ્દવેધી બાણનો પ્રયોગ કરવાનું જાણું છું. રાક્ષસને તુરંત મારી નાખીશ અને રાજકુમારીને આઝાદ કરાવી લઈશ.’

રથ આકાશમાં ઉડ્યો અને ગણતરીના સમયમાં જ વિધ્યાંચલ પર્વત પર પહોંચી ગયો. રાક્ષસના હાથમાં રાજકુમારી હતી. ત્રીજા રાજકુમારે શબ્દવેધી તીર ચલાવ્યું અને રાક્ષસને હણી નાખ્યો. ત્રણે રાજકુમારો રાજકુમારીને લઈ મહેલમાં પરત આવી ગયા. મહારાજા દીકરીને જોઈ ખૂશ થયા.

વેતાલે વાર્તા પૂરી કરી. તેણે વિક્રમના ખભા પર પોતાનો હાથ ધીમે ધીમે મારતા પૂછ્યું, ‘તો બોલ રાજન્. ન્યાય હવે મહાબલ રાજાએ નહીં પણ તારે કરવાનો છે. કહે જોઈએ આ ત્રણે વીર, પ્રતાપી, ગુણી, બુદ્ધિશાળી અને પરાક્રમી રાજકુમારોમાંથી રાજકુમારી કોને મળવી જોઈએ ?’

રાજાએ કહ્યું, ‘જેણે રાક્ષસને હણ્યો તેને, કારણ કે સાચું પરાક્રમ તો તેણે જ કરી બતાવ્યું છે. બાકીના બે રાજકુમારે તો ફક્ત સહાયતા કરી છે.’

રાજાને ખભા પર વેતાલનો ભાર નહોતો લાગી રહ્યો. વિક્રમને ખબર પડી ગઈ કે વેતાલ નાસી છૂટ્યો છે. રાજા વિક્રમ સિદ્ધવડના ઝાડે ગયો તો વેતાલ ઉલટો લટકતો હતો. હસતો હતો. સફેદ વાળને હલાવી ડરાવતો હતો. વિક્રમ ફરી સિદ્ધવડ પર ચડ્યો અને વેતાલને નીચે ઉતારી ખભા પર નાખ્યો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments