વર્ષો પહેલાની વાત છે. નિકોબારમાં તામુલ અને ફુકો નામના બે ગામડાંની વચ્ચે ટોસલો નામનું એક ગામ હતું. ટોસલોના લોકો જન્મથી જ જંગલી અને ખૂંખાર હતા. બીજા ગામના કોઈ પણ અજાણ્યા વ્યક્તિ પર તેમનું ધ્યાન પડી જાય એટલે તેના પર હુમલો કરી દેતા અને જ્યાં સુધી તેને મારી ન નાખે ત્યાં સુધી તેમની આંતરડીને ટાઢક ન મળતી.
પાડોશી બંને ગામના લોકો ટોસલા ગામના લોકોથી ખૂબ જ ડરતા હતા. એ કોઈ દિવસ એ ગામની વચ્ચેથી પસાર થવાની હિંમત ન કરતા. જે પણ માણસ ત્યાંથી પસાર થાય એ ફરીને ગામમાં આવતો પણ નહીં. ગામના લોકો પણ તેને મૃત માનીને રડી લેતા હતા.
રોજ રોજ બનતી આ ઉપાધીમાંથી છૂટકારો મેળવવા માટે બંને ગામના લોકોએ ટોસલા પર આક્રમણ કરી દીધું અને તેમને તેમના ગામમાંથી ખદેડી દીધા. ભયભીત ટોસલા ગામના બચેલા રહેવાસીઓ ચોકબાક નામની જગ્યા પર સ્થાયી થયા. કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ. ટોસલા ગામના લોકો રહેતા તો બીજી જગ્યાએ હતા. જોકે ત્યાં પણ તેમનું જંગીલપણું તેમના મગજ અને શરીરમાંથી દૂર ન થયું. અહીં પણ તેઓ એ જ કરતાં હતાં જે ટોસલા ગામમાં રહીને કરતા હતા. લોકોની ઠંડા કલેજે હત્યા કરવાનું કામ.
તેમનું નવું ગામ ચોકબાક એ ટિપટોપ નામના ગામથી વધારે દૂર ન હતું. સામેની બાજુ જવું હોય ત્યારે ચોકબાક ગામમાંથી પસાર થવું પડતું હતું. છતાં ખૂબ ઓછા લોકો એ ગામમાંથી પસાર થતા હતા.
એક વખતની વાત છે. ટિપટોપ ગામનો એક છોકરો પોતાના નાના ભાઈને લઈને ચોકબોક પાસેથી પસાર થતો હતો. નજીકમાં આટલો ભયંકર ખતરો છે તેનાથી તે અજાણ હતો. તેમને જોઈને ચોકબાકનો એક રહેવાસી છરો હાથમાં લઈ ચૂપચાપ તેમની પાછળ ચાલી રહ્યો હતો. નાના અને મોટાભાઈને આ વાતની ભનક સુદ્ધા નહોતી. તક મળતા જ તેણે નાના ભાઈ પર છરીથી હુમલો કરી દીધો.
નાનો ભાઈ રાડ પાડી ઉઠ્યો, ‘ભાઈ બચાવો. આ માણસે મને છરી મારી. મને મારી નાખશે.’
નાનો ભાઈ તોફાની હતો. મોટાને લાગ્યું કે નાનો મજાક કરી રહ્યો છે. આમ કોઈ થોડું તેના પર હુમલો કરે. તેણે તેની રાડારાડી પર કોઈ ધ્યાન ન આપ્યું અને આગળ ને આગળ ચાલતો રહ્યો.
નાના ભાઈની રાડારાડીથી ડરીને ચોકબાકનો જંગલી ભાગી ગયો. જોકે કોઈએ નાનાભાઈને ન બચાવતા તેણે છરી લઈ ફરીથી તેના પર હુમલો કર્યો. જમીન પર ઢસડાતો નાનો ભાઈ બચવા માટે હવાતિયાં મારી રહ્યો હતો. ચોકબાકના એ જંગલીએ તેની ગરદન પર છરી રાખી અને માથું કાપી નાખ્યું. છોકરો તરફડીને મૃત્યુ પામ્યો.
થોડી વાર પછી મોટાભાઈએ ફરીને પાછળ જોયું તો ચોકબાકનો એ જંગલી છરી સાથે તેની પાછળ ઊભો હતો. તે દુશ્મનને જોઈ ભયભીત થઈ ગયો. જીવ બચાવીને ભાગ્યો અને ગમે તેમ કરી ગામમાં પહોંચી ગયો.
છોકરાએ ગામના લોકોને ખબર આપી. ગામના લોકો ક્રોધિત થઈ ઉઠ્યા. તેમણે ચોકબાક ગામના લોકોનો નાશ કરવા એ જ દિવસે હુમલો કરવાની યોજના બનાવી.
રાતના ગામના લોકો હથિયાર સાથે એકઠા થયા અને ચોકબાકના લોકો પર હુમલો કરી દીધો. અચાનક થયેલા આ હુમલાથી ચોકબાકના લોકો હેબતાઈ ગયા. તેઓ જીવ બચાવવા ઊભી પૂંછડીએ ભાગવા લાગ્યા. જે હાથમાં આવ્યા તેમનું માથું કાપી નાખવામાં આવ્યું. શરીરમાં છરી અને ભાલા ઉતારી દેવામાં આવ્યા. ગામના લોકોના આ નરસંહારથી ડરીને કેટલાક લોકો સમુદ્રમાં કૂદી પડ્યા. સમુદ્રમાં કૂદી જનારા એ લોકો કોઈ દિવસ પાછા ન આવ્યા.
કહેવાય છે કે સમુદ્રમાં કૂદનારા એ લોકો શાર્ક માછલી બની ગયા. જેને રાક્ષસી માછલી કહેવામાં આવે છે. આજે પણ તે પહેલા જેટલી જ દૃષ્ટ અને નિર્દયી છે. માણસને સમુદ્રમાં જોઈને તે તેના પર સીધો હુમલો કરી દે છે. કદાચ જૂની અદાવતનો ખાર રાખીને.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત