Homeગામનાં ચોરેએક જ રાતમાં બે દીકરીની હત્યા, એકની લાશ હાઈ-વે કિનારે મળી, બીજીની...

એક જ રાતમાં બે દીકરીની હત્યા, એકની લાશ હાઈ-વે કિનારે મળી, બીજીની લાશ ઝાડ પર લટકતી હતી

Team Chabuk-National Desk: યોગી આદિત્યનાથના ઉત્તરપ્રદેશમાં ફરી એકવાર મહિલા સુરક્ષા પર સવાલ ઉઠ્યા છે. આરોપ લાગી રહ્યો છે કે, યૂપીમાં મહિલા રાત્રે એકલી નીકળી પણ નથી શકતી. ઉત્તરપ્રદેશના પીલીભીતમાં સોમવારે અચાનક બે બહેનો ગાયબ થઈ ગઈ અને ત્યારબાદ તેમની લાશ અલગ અલગ જગ્યાએથી મળી. રાત્રે અગિયાર વાગ્યે એક બહેનનો મૃતદેહ હાઈ-વે પર સડકના કિનારે પડેલો મળ્યો જ્યારે તેના છ કલાક બાદ અન્ય બહેનનો મૃતદેહ એક ઝાડ પર લટકતી હાલતમાં મળ્યો. બંને બહેનોના ગળાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા છે. પોલીસે બંને બહેનોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે.

પરિવારની એક સાથે બે દિકરીઓની જીંદગી છીનવાઈ જતાં પરિવાર ચિંતામાં મુકાયો છે. પરિવાર સમજી નથી શકતો કે તેમની દિકરીઓ સાથે અચાનક આવી ઘટના કેમ બની ગઈ.

પીલીભીતના બિલાસપુરમાં રહેતી એક વિધવા મહિલાની આ બંને પુત્રીઓ હતી. પહેલાં પતિનો સહારો છીનવાયો. હવે જેને જોઈને જીવન પસાર કરી રહી હતી તે બે દિકરીઓની પણ કોઈએ હત્યા કરી દેતા તેઓ આ  આઘાતને સહન નથી કરી શકતા. તેમણે પોલીસને જણાવ્યું કે, તેમના પતિ ભૂપતરામ શર્માનું નિધન થયું છે. તેઓ પરિવાર સાથે બિસલપુરના જસોલી ગામમાં પરિવાર સાથે જ ઈંટની ભઠ્ઠીમાં મજૂરી કરે છે અન ત્યાં નજીકમાં જ તંબુ બાંધીને રહે છે.

સોમવારે સાંજે સાત વાગ્યે તેમની 20 વર્ષીય દીકરી પૂજા અને 17 વર્ષની  દીકરી અનિષ્કા શૌચ માટે ખેતરમાં ગઈ હતી. જે બાદ બંને દિકરીઓ એક સાથે લાપતા થઈ ગઈ હતી. બહું મોડું થઈ ગયું હોવા છતાં પરત ન ફરતાં તેઓએ આજુ-બાજુમાં તપાસ કરી હતી. દિકરીઓનો અવાજ ન આવતા અન્ય મજૂર પણ તેમની શોધખોળમાં લાગ્યા હતા. શોધતાં શોધતાં રાત્રીના 11 વાગી ગયા. કંઈ સમજાતું ન હતું. ઘરમાં કોઈ ઝગડો પણ નહતો થયો. આવા બધા વિચાર વચ્ચે સાડા અગિયાર વાગ્યે તેમની નાની દિકરીનો મૃતદેહ મળ્યો. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ. અનિષ્કાનો મૃતદેહ ઈટના ભઠ્ઠાથી માત્ર 100 મીટર દૂર પડ્યો હતો. પીલીભીત-બીસલપુર હાઈ-વે પર રસ્તાના કિનારે દિકરી અનિષ્કા મૃત હાલતમાં પડી હતી. જો કે, હજુ બીજી દિકરીનો કોઈ પત્તો ન હતો.

અનિષ્કાના ગળા પર ઈજાના નિશાન હતા. અન્ય મજૂરની મદદથી અનિષ્કાનો મૃતદેહ ઘરે લવાયો હતો. તેનો મૃતદેહ ઘરે મુકાયો આ દરમિયાન બીજી દિકરીની શોધખોળ શરૂ હતી. સાથે સાથે પોલીસને પણ સૂચના આપી દેવામાં આવી હતી. પોલીસે પહોંચીને બીજી દિકરીની પણ શોધખોળ શરૂ કરી હતી.

મંગળવારે સવારે છ વાગ્યા આસપાસ બીજી દિકરીનો પણ મૃતદેહ મળતા વિધવા માતા પર આભ તૂટી પડ્યું હતું. બીજી દિકરીની લાશ ઈંટના ભઠ્ઠાથી માત્ર 200 મીટર દૂર એક ઝાડ પર લટકતી હતી. દિકરીનો મૃતદેહ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હાલ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળેથી પોલીસને એક મોબાઈલ ફોન મળ્યો છે જે જપ્ત કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.  બંને દિકરીની માતા અને શ્રમિકોની માગણી છે કે, આરોપીઓને તાત્કાલિક ઝડપી લેવામાં આવે અને કડકમાં કડક સજા કરી દિકરીને ન્યાય આપવામાં આવે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments