Homeગામનાં ચોરેઉત્તરપ્રદેશ: ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં પ્રથમ દિવસે અધધ ચાર લાખ...

ઉત્તરપ્રદેશ: ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં પ્રથમ દિવસે અધધ ચાર લાખ વિદ્યાર્થીઓ ગેરહાજર

Team Chabuk-National Desk: ઉત્તરપ્રદેશ બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ચૂકી છે. ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષા બોર્ડ દ્વારા આયોજીત કરવામાં આવેલી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓમાં પહેલા દિવસે ચાર લાખ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. મોટાભાગના વિદ્યાર્થીઓએ પરીક્ષા ન આપવાનું પસંદ કર્યું હતું. કોરોનાકાળમાં પ્રથમ વખત ઉત્તર પ્રદેશ બોર્ડ ઓફલાઈન પરીક્ષાનું આયોજન કરી રહ્યું છે. નકલ રોકવા માટે અને પરીક્ષાનું સફળ આયોજન કરવા માટે આ વખતે પહેલા કરતા વધારે કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

જાણકારી અનુસાર ગુરુવારના રોજ પ્રથમ પાળીમાં હાઈસ્કૂલ અને ઈન્ટરના 2 લાખ 61 હજાર 120 વિદ્યાર્થીઓએ પરીક્ષા નહોતી આપી. દ્વિતિય પાળીમાં એક લાખ 57 હજાર 387 પરીક્ષાર્થીઓ પરીક્ષાથી દૂર રહ્યા હતા. હાઈસ્કૂલ અને ઈન્ટરનો આંકડો ભેગો કરવામાં આવે તો કુલ 4 લાખ 18 હજાર 507 પરીક્ષાર્થીઓએ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપી નહીં.

પ્રથમ પાળીમાં હાઈસ્કૂલની પ્રાથમિક હિન્દી અને ઈન્ટર મીડિએટ સૈન્ય વિજ્ઞાનની પરીક્ષા હતી. દ્વિતિય પાળીમાં ઈન્ટર મીડિએટ હિંદી અને સામાન્ય હિન્દી વિષયની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે યુપી બોર્ડની પરીક્ષામાં હાઈસ્કૂલ અને ઈન્ટરમાં કુલ 23 વિદ્યાર્થીઓ નકલ કરતા પકડાયા હતા. જેમાં હાઈસ્કૂલમાં 16 વિદ્યાર્થીઓ અને ચાર વિદ્યાર્થિનીઓ અને ઈન્ટર મીડિએટમાં બે વિદ્યાર્થીઓ અને એક વિદ્યાર્થિનીનો સમાવેશ થાય છે.

બોર્ડની પરીક્ષામાં બીજાની જગ્યાએ પરીક્ષા આપવા આવ્યા હોય તેવા ‘પરિવર્તન અને પરીક્ષાપ્રેમી’ નવ વિદ્યાર્થીઓ પકડાયા હતા. ચાર જિલ્લામાં આવા કુલ ચાર કેસ નોંધાયા છે. ગાઝીપુરમાં બે, ફતેહપુરમાં બે, ગોંડામાં એક અને પ્રયાગરાજમાં ચાર વિદ્યાર્થીઓ વિરુદ્ધ તંત્રએ એફઆઈઆર ફાઈલ કરાવી હતી. સચિવ માધ્યમિક શિક્ષા પરિષદે આ અંગેની જાણકારી આપી હતી.

આ વખતે ઉત્તર પ્રદેશ બોર્ડની પરીક્ષામાં કોઈ ગેરરીતી ન આચરી શકે આ માટે પ્રશાસન દ્વારા ખાસ તામજામ કરવામાં આવ્યો છે. તમામ ક્લાસિસમાં બે-બે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેમાં ન માત્ર વીડિયો રેકોર્ડિંગ થશે પરંતુ ઓડિયો રેકોર્ડિંગ પણ થશે. એવામાં પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓમાં ન તો નકલ કરી શકશે કે ન તો શિક્ષકો કોઈ જાતની મદદ કરી શકશે. ધોરણ 10 અને 12ની આ પરીક્ષાઓ 24 માર્ચથી શરુ થઈ છે અને 12 એપ્રિલ સુધી ચાલશે.

આ વર્ષે ઉત્તર પ્રદેશ બોર્ડમાં ધોરણ 10 અને 12ની 2022ની પરીક્ષામાં કુલ 51 લાખથી વધારે વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ધોરણ દસના 27,83,742 વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 12નાં 23,91,841 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યું હતું. જોકે પહેલા દિવસે પેપર કેવું રહ્યુંની જગ્યાએ ચાર લાખ વિદ્યાર્થીઓની અનુપસ્થિતિ ચર્ચામાં રહી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments