મયૂર ખાવડુ: એક ઘસાઈ ગયેલો જોક્સ છે. જેમાં બે વ્યક્તિના એક સરખા નામ અને એક સરખા એકાઉન્ટ નંબર હોય છે. બિચારા બેન્કવાળાનો ખો નીકળી જાય છે. એક રૂપિયા નાખ્યા રાખે છે અને બીજો રૂપિયા કાઢતો રહે છે. જ્યારે પ્રથમ નામેરી ફરિયાદ કરે છે ત્યારે બેંકને ખબર પડે છે કે મોટો લોચો થઈ ગયો. એટલે તેઓ બીજા નામેરીને બોલાવી પૂછે છે, કે અલ્યા તું શા કાજે ખાતામાંથી રૂપિયા કાઢતો હતો? તારા તો છે પણ નહીં. રૂપિયા કાઢનારો કહે, ‘મને એમ પ્રધાનમંત્રી નાખે છે.’ આ તો એક સમાન નામ અને એકાઉન્ટ નંબર હોવાના કારણે સર્જાયેલી ગફલતનો બેનમૂન નમૂનો છે. સાહિત્યકારોને આવા ટૂચકાઓની પડી નથી હોતી. પત્રકારો માટે આવા વાસ્તવિક પ્રહસનો ફક્ત એક કોલમનું જ કામ કરતા હોય છે.
આમ જુઓને પેલા શેક્સપિયરે નામમાં શું દાટ્યું છે એવું લખ્યું અને નામમાં કેટલું બધું છે, એ સાબિત કરવા માટે વિશ્વના જ નહીં, પણ ગુજરાતી સાહિત્યકારોના પણ કેટલાય લેખો આપણને નજરે ચડે છે. કોઈ વખત મને એમ થઈ જાય છે કે બિચારા શેક્સપિયરે આ લીટી રોમિયો એન્ડ જુલિયટમાં ન લખી હોત, તો આપણા ગુજરાતી સાહિત્યકારો અને લેખકોનો એક આર્ટિકલ કે નિબંધ, જે ગણાતો હોય એ કેવી રીતે લખાત?
ગુજરાતી સાહિત્યમાં છદ્મનામની પરંપરા જૂની છે. કેટલાક લેખકો ત્રણ ત્રણ તખલ્લુસ રાખતા હતા. કદાચ એકાદનું તેઓની પત્નીએ પણ નામાભિધાન કર્યું હોય! જે વિષય પર તેઓ સર્જન કરે એ વિષયનું અલગ નામ. ઘણી વખત વિનોદ મને આ મુદ્દે કહે છે કે, ‘સાહિત્યકારો જેટલા તખલ્લુસ રાખે છે તેટલા તો એમના બેંકમાં ખાતા પણ નથી હોતા.’
હું એને કઉં છું, ‘આ વાત તે આજથી વીસ વર્ષ પહેલા કહી હોત તો હું સાચી માનેત. આજે તો પત્રકારો અને સાહિત્યકારો મજાના મખમલના ગાદલામાં આળોટે છે.’ ને ત્યાં વિનોદ મને મારું જ ઉદાહરણ આપી કહે છે કે, ‘ભલે તમારું કોઈ તખલ્લુસ ન હોય, પણ બેંકવાળા તો તમારી પાસે સામેથી રૂપિયા માગે છે.’ કેટલાકના ખાતામાં પગાર જમા થતો હોય છે, મારું એ પગારનું ખાતું બેરોજગારીના કારણે એવું આડુ ફાટ્યું છે કે હવે બેંક મારી પાસે સામેથી બે હજાર માગે છે. સારું છે પૈસાની ઉઘરાણી કરવા માટે હજુ સુધી તેમણે મારા ઘરનો ધક્કો ખાધો નથી.
મેં વિનોદને હાલના લેખકોનું ધોરણ સુધર્યું છે એ ઉપર મોટું પ્રવચન આપ્યું. કેવી કેવી રીતે ધોરણ સુધર્યું છે, કોના કોના કારણે ધોરણ સુધર્યું છે, તેના પર તો લાંબી કથા કહી, જેના પર એક અલગથી લેખ કરીશું. એ અલગથી લેખ ત્યારે જ થશે જ્યારે તમો અમોને જણાવશો કે આ લેખ સારો હતો કે નહીં!
રામનારાયણ વિશ્વનાથ પાઠકે તો જે સર્જન કર્યું તે ઉપનામ રાખીને જ કર્યું. તેઓ તો પ્રવચનમાં પણ પોતાનું સાચું નામ બોલે તો વાચકો શંકાની દૃષ્ટીથી તેમને તાકતા હોવા જોઈએ કે, ‘આ એ વ્યક્તિ નથી. જે વ્યક્તિ છે એણે તો દ્વિરેફ બની સાહિત્યનું સર્જન કર્યું છે. રામનારાયણ નહીં.’
આપણે ત્યાં મહિલા લેખિકાઓ તખલ્લુસ રાખે તેવું ખૂબ ઓછું બન્યું છે. તેઓ તો આમ પણ પરણીને અટક બદલી નાખતી હોય છે. એ પછી જો પતિ પણ સાહિત્યકાર હોય તો લેખિકાની મહેનત બેવડાઈ જતી હોય છે. એણે પતિનાં ખૂદ કેટલાય નામ પાડ્યા હોય છે. ઘરની સાફ સફાઈ કરાવતી વખતે નોખું નામ પાડે, કચરા પોતા કરતી વખતે નોખું નામ પાડે અને વાસણ ઉટકતી વખતે પણ નોખું નામ પાડે. આમ પુરુષ તો ન ઈચ્છતો હોવા છતાં કેટલા બધા તખલ્લુસોની વચ્ચે જીવતો હોય છે.
નાનપણમાં તેનું કોઈ ગગુ કે ચકુ નામ હોય. કિશોર વય થાય ત્યારે ગામનું પ્રતિષ્ઠિત તોફાની નામ રાખવામાં આવે. ઉદાહરણ તરીકે મારફાડિયો. યુવાન થાય ત્યારે મિત્રો તેના અજબ ગજબના નામ પાડે. કોલેજમાં તેનું અલગ નામ હોય. લગ્ન કરે ત્યારે નામની ફેરબદલી થઈ જાય. સાસરિયાઓ જમાઈ રાજાને ખબર ન પડે તે રીતે તેનું કંઈક અલગ જ નામકરણ કરી નાખતા હોય છે. જમાઈને બાળી નાખવામાં આવે ત્યાં સુધી એ બિચારાને તેના તખલ્લુસોની ખબર પડતી નથી. મોસાદની જાસૂસી સંસ્થા બાદ સાસરિયું એક એવી જગ્યા છે જ્યાં જમાઈ જમ થઈને રહે તોપણ તેને એક વિગત સુદ્ધાંની ખબર નથી પડતી.
મારા તંત્રી વર્ષોથી કોઈ જયચંદના નામે છાપામાં લખાણ લખતા હતા. જયચંદ નામે કોલમ ખૂબ જ લોકપ્રિય થઈ ગયેલી. તેમને ઈમેલ અને પત્રો પણ મળતા રહેતા. ફેસબુકમાં શેર કરતા ત્યારે તો અઢળક લાઈક આવતી હતી. અમારી સામે આવી મોટી મોટી હાંકતા કહેતા, ‘મારી જેમ કાંઈક લખો.’ તેમની જે લોકો પ્રશંસા કરતાં હતાં તેમના પગાર અમારા કરતાં ક્યાંય વધી ગયા હતા!
કોઈ એક આઠ માર્ચનાં રોજ તેમણે પોતાના લેખમાં સ્ત્રીઓ પર કટાક્ષ કર્યો. હાસ્યલેખન તેમને આવડતું નથી પણ ભૂલથી આવો કટાક્ષ થઈ ગયો હોય એવું મારું માનવું છે. લખવામાં ભૂલ થઈ છે એ તો છપાયા બાદ અને હાથમાં આવ્યા પછી જ ખબર પડે છે. લેખના કારણે એક બહેને તેમની વિરૂદ્ધ કેસ ઠોક્યો અને તમારા લેખકને હાજર કરો એવું ફરમાન જાહેર કર્યું. કોર્ટમાં કેસ ગયો અને ત્યાં પણ જજ સાહેબ એ લેખકને હાજર કરવા ભાર દઈને કહેતા હતા. તંત્રી સાહેબ મૂંઝવણમાં મુકાઈ ગયા.
મૂળ તો લેખક જયચંદ ઘર ઘરમાં લોકપ્રિય થઈ ગયો હતો. લોકોની ઈચ્છા એ જાણવાની હતી કે કોણ છે આ જયચંદ, જે આટલું સારું લખે છે. તેની પાસે આટલા સારા વિચારો છે. પેલી અબળા નારીને એ જાણવાની ઈચ્છા તરવરી ઉઠી હતી કે જયચંદને આખા ગામ વચ્ચે ખુલ્લો પાડુ અને એ કોણ છે તે સામે લાવનારી હું રણચંડી બનું.
અમારી ઓફિસને તો ખબર જ હતી કે જયચંદ એ અમારા તંત્રી સાહેબ છે, પણ સાહેબની નામોશી થતી હોય તેમાં કર્મચારીઓને વધારે મજા આવતી હોય છે. કોર્ટમાં હકડેઠઠ ભીડ જામેલી હતી. સાહેબે પણ સ્વીકાર્યું કે હું જ જયચંદ બનીને લખું છું. ગમે તેમ મામલો રફેદફે કર્યો. તેઓ કોર્ટની બહાર નીકળ્યા ત્યારે એક વ્યક્તિના હાથમાં મેં તેમને પૈસા આપતા જોઈ લીધા. જ્યારે ઓફિસે પહોંચ્યા ત્યારે મેં મિત્રભાવે તેમને પૂછ્યું, ‘સાહેબ, આ બધું તો સમજ્યા, પણ પેલા વ્યક્તિને રૂપિયા આપવા પાછળનું કારણ શું?’
તંત્રી સાહેબે કહ્યું, ‘તને તો ખ્યાલ જ છે છાપાનો માલિક લખાવતો હોય છે લખતો નથી.’
આપણા મહાન કવિ ઉમાશંકર જોશીએ વાસુકી જેવું ઉપનામ રાખ્યું હતું. એમના લખાણો અને કવિતાઓ વાંચીએ તો તે એટલા ઉગ્ર તો પ્રતિત નથી જ થતા, ચહેરાથી તો કેવા કોમળ લાગે છે, બાકીનું તેમના સમકાલીનોને ખબર! તો પછી વાસુકી જેવું ખતરનાક નામ રાખવા પાછળનું કારણ શું? આ રીતે જ ચીનુ મોદીએ ઈર્શાદ નામ રાખ્યું હતું. આ નામ ગુજરાત સરકારની સરકારી ભરતીઓમાં વારંવાર પૂછાય જાય છે. હવે તો બેરોજગાર વિદ્યાર્થીઓ પણ આશ લગાવીને બેઠા હશે કે આ ઉપનામને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવામાં આવે. જેથી સરકારને પણ નવો પ્રશ્ન મળે કે હમણાં ગુજરાત સરકારે કયા કવિના ઉપનામને રાષ્ટ્રીય ધરોહર તરીકે જાહેર કર્યું છે.
વચ્ચે વિનોદ મને પાનની દુકાને મળી ગયો હતો. પાનની દુકાને એ ચા પીવા અને મફતમાં છાપું વાંચવા જાય છે. જેમ કેટલાક કવિઓ નવલકથાકારો પણ હોય છે, તેમ પાનની દુકાનવાળા પાનની સાથે સાથે ચાનો ધંધો પણ કરતા હોય છે. આવું કદાચિત તેઓએ સાહિત્યકારો પાસેથી જ શીખ્યું છે અથવા તો સાહિત્યકારોએ પાનની દુકાનવાળા પાસેથી શીખ્યું છે!
ચા પીતા પીતા તેણે મને ઉગ્ર સ્વરે કહ્યું, ‘અત્યારે આડેધડ કવિતાઓ રચી નાખવામાં આવે છે. કોઈને તો કવિતાના ‘ક’ ની ખબર પડતી ન હોવા છતાં કવિતા પર મસમોટા નિવેદનો આપતા હોય છે. રસાસ્વાદો કરાવે છે. આ બધાએ બરકત અલી વિરાણીમાંથી કશું શીખવું જોઈએ.’
મેં પૂછ્યું, ‘શું શીખવું જોઈએ?’
તેણે કહ્યું, ‘બેફામ ઉપનામ હોવા છતાં તેમણે એક પણ કવિતા બેફામ રીતે રચી નથી. એટલે કે આડેધડ તો રચી જ નથી.’
વિજ્ઞાનમાં નાસીપાસ થઈ આર્ટ્સમાં આવેલા કે એન્જિનિયરિંગમાંથી જેમનો તાજેતાજો સાહિત્યપ્રેમ જીવંત થયો હોય તેમને તો હું ભારપૂર્વક કહું છું, કે આપણા શ્રેષ્ઠ વાર્તાકાર ધૂમકેતુ કોઈ અવકાશયાત્રી નહોતા. ગ્રહ તો બિલકુલ નહોતા! વિનોદ તો છેલ્લે સુધી એવા ભ્રમમાં રહ્યો હતો કે આપણા સાહિત્યકાર અને કવિ અમૃતલાલ ભટ્ટ ‘ઘાયલ’ એ કોઈ મુશાયરામાં નવોદિત કવિની કવિતાથી ‘ઘાયલ’ થયા હોવા જોઈએ અને તો જ તેમણે પોતાનું ઉપનામ ‘ઘાયલ’ રાખ્યું હશે.
વચ્ચે હું પુસ્તક મેળામાં ગયો હતો. ત્યાં એક નવોદિત કવિ સાથે મારી મુલાકાત થઈ ગઈ. કહેવાય છે કે અભ્યાસમાં તેઓ નબળા પૂરવાર થતાં કવિ બની ગયા હતા. મને તો કવિતા સાથે ન્હાવા નિચોવાનો સંબંધ નહીં પણ તેણે મને પૂછેલું કે, ‘સારી કવિતા રચવા માટે શું કરવું જોઈએ?’
મેં જવાબ આપેલો, ‘ચોમાસુ આવે ત્યાં સુધી રાહ જુઓ.’
વાત ચાલતી હતી કે મેં તેના હાથમાં શબ્દકોશનું પુસ્તક જોયું. હું તો ખૂબ હરખાયો. તેના વખાણ કરતા મેં કહ્યું, ‘વાહ, આપ જેવા નવોદિતોની અત્યારે ગુજરાતી સાહિત્યને ભારે જરૂર છે. આજે તો ભાગ્યે જ કોઈ શબ્દકોશ ખરીદે છે અને આપનો ભાષા અને જોડણી પ્રત્યે આટલો પ્રેમ જોઈ મારી આંખમાંથી હરખનાં આંસુ વહેતા થાય એટલું જ બાકી રહ્યું છે.’ હું તેની પીઠ થાબડવા લાગ્યો.
તેણે મને કહ્યું, ‘આ કોઈ ભાષાપ્રીતિ માટે નહીં પણ સારું ઉપનામ શોધવા માટે છે. કવિ તરીકે નામના કરવા ભાષાની નહીં ઉપનામની જરૂર હોય છે.’ આટલું બોલી એ ચાલતો થયો. પ્રૂફ રીડીંગનું પુસ્તક લઈ મારી પાસે આવી રહેલા વિનોદને જોઈ મેં ચહેરા પરથી દુર્ઘટનાગ્રસ્ત થયાના ભાવ હડસેલી દીધા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત