Team Chabuk-Entertainment Desk: દક્ષિણની ફિલ્મોનાં મશહૂર ગાયિકા અને પદ્મ વિભૂષણથી સન્માનિત વાણી જયરામનું (vani jayaram) 77 વર્ષની ઉંમરે નિધન થયું છે. 04 ફેબ્રુઆરીની સવારે વાણી તેમના ચેન્નઈસ્થિત ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યાં હતાં. અત્યાર સુધી તેમનાં નિધનનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પરંતુ આ વિશે મળતી માહિતી પ્રમાણે વાણીને ઘણા સમય પહેલાં માથામાં ઇજા થઈ હતી, તેને કારણે તેઓ સતત બીમાર રહેતાં હતાં.
મશહૂર ગાયિકા વાણી જયરામ ખાસ કરીને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં ગાનારાં ભારતનાં સુપ્રસિદ્ધ ગાયિકા હતાં. તેમનો જન્મ 1945માં તમિલનાડુના વેલ્લોરમાં થયો હતો. તેમનું મૂળ નામ કલૈવાની હતું. વાણીએ પોતાની પાંચ દાયકામાં પથરાયેલી સુદીર્ઘ કારકિર્દીમાં 19 ભાષાઓમાં 10 હજારથી પણ વધુ ગીતો ગાયાં હતાં. તેમાં તમિળ, તેલુગુ, કન્નડ, મલયાલમ, હિન્દી, ગુજરાતી, ઉર્દૂ, મરાઠી, બંગાળી, ભોજપુરી, તુલૂ અને ઉડિયા જેવી ભાષાઓનો સમાવેશ થાય છે.
1971માં સંગીતકાર વસંત દેસાઈએ હૃષિકેશ મુખર્જીની જયા ભાદુરી અભિનિત હિન્દી ‘ગુડ્ડી’ માટે વાણી જયરામને બ્રેક આપ્યો. તેમણે ફિલ્મ માટે ત્રણ ગીતો ગાયેલાં, જેમાંથી ‘હમકો મન કી શક્તિ દેના’ અને ‘બોલે રે પપીહરા’ આજે પણ એટલાં જ લોકપ્રિય છે. આ ગીતો ગુલઝારે લખ્યાં હતાં.
થોડા સમય પહેલાં જ ભારત સરકારે 2023 માટેના પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી, તેમાં વાણી જયરામને પદ્મ ભૂષણથી સન્માનિત કરવાની ઘોષણા થઈ હતી. હવે તેમને મરણોપરાંત આ સન્માન આપવામાં આવશે. અગાઉ તેમને ત્રણ વખત રાષ્ટ્રીય પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવી ચૂક્યાં હતાં. ભારતની પ્રાદેશિક ભાષાઓમાં ગાયેલાં ગીતો માટે તેમને રાજ્યોના પણ અનેક પુરસ્કારો એનાયત થયા હતા.
વાણી જયરામે સંગીતમય કારકિર્દીનાં પચાસ વર્ષ પૂર્ણ કર્યાં હતાં. પોતાની આ સુદીર્ઘ કારકિર્દીમાં તેમણે 10 હજારથી પણ વધુ ગીતો ગાયાં હતાં. તેમણે ઇલૈયારાજા, આર. ડી. બર્મન, મદન મોહન, ઓ.પી. નૈયર, કે.વી. મહાદેવન જેવા ધરખમ સંગીતકારો સાથે કામ કર્યું હતું.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત