મયૂર ખાવડુ: જે દિવસે મેં રતિલાલ બોરીસાગરનો હાસ્યનિબંધ ‘જૂનું એટલે…’ વાંચ્યો, એ દિવસે જ મારા પર પરમ મિત્ર વિનોદનો ફોન આવ્યો. રવિવારની રજાનો દિવસ હતો એટલે હું એનો ફોન ક્યારે આવે છે તેની જ ગળાડૂબ પ્રતીક્ષામાં હતો. તેના ઘરે પહોંચતા જ વેરવિખેર થયેલો સામાન મારી નજરે ચડ્યો. દિવાળીની સાફ સફાઈ કરવાનું આગોતરું આયોજન હોય એવું મને પ્રાથમિક દૃષ્ટીએ લાગ્યું.
‘તમારામાં શરમ જેવો છાંટો છે કે નહીં, ઊભા ઊભા ખાલી જુઓ નહીં, આ બધું લઈ બહાર ચાલો.’ હું તેની આજ્ઞા માની એક કરતાં બે ભલાં કરતો તેની સહાયતા કરવા લાગ્યો. જ્યારે અગત્યની તમામ વસ્તુઓ બગીચામાં મૂકાઈ એટલે મેં પૃચ્છા કરી, ‘આ જૂનો સામાન ભંગારમાં વેચવાનો છે?’
‘ભંગારમાં કોઈ દિવસ સામાન ન વેચાય. એ આપણને લૂંટી લે. મારો ભંગારવાળો મનમોહન અહીં રેકડી લઈ આવે છે ત્યારે તેની હાલત ચીંથરેહાલ હોય છે, બે ઘડી બિચારા પર દયા આવી જાય, આંતરડી એવી કકળી ઉઠે કે આપણી પાસે જો રાજપાટ હોય તો અડધું આ ગરીબને આપી દઈએ. પણ એક દિવસ હું તેને કોઈ બંગલામાંથી નીકળતા જોઈ ગયો. હીરો જેવો લાગતો હતો. મિથુન ચક્રવર્તી જ જોઈ લો. અહર્નિશ વધતી મોંઘવારીમાં નજીકની પાનની દુકાને પૂરા વીસ રૂપિયાનું પાન ખાઈ પૂછ્યું ત્યારે ખબર પડી કે ભંગાર વેચી વેચી એણે બે બંગલા ઊભા કરી લીધા છે. મને જ્ઞાન લાદ્યુ કે આ લોકો પૈસા બાબતે આટલી બધી ધડ કેમ કરતા હોય છે?’
‘આ સામાનનું શું કરવાનું છે?’ તેનું મનમોહન પુરાણ પૂર્ણ થતાં મેં પૂછ્યું.
‘આ બધો જૂનો સામાન હું અડધી કિંમતે વહેંચીશ. તમે જોજો ભંગારવાળા કરતા તો વધારે જ રૂપિયા મળશે.’ તેણે બગીચાનો ડેલો ખોલી નાખ્યો અને આ વ્યવસાય જાણે તેના લોહીમાં હોય એમ પાથરણું પાથરી તેના પર મારા હાથે સામાનને બિરાજમાન કરાવી બેસી ગયો.
એક સજ્જન ગ્રાહક આવ્યો અને તેણે પૂછ્યું, ‘આ બધું વેચવાનું છે?’
‘હા, અડધી કિંમતમાં.’ વેપારીની અદાથી વિનોદે તેને ઉત્તર આપ્યો.
‘આ સાઈકલનો શું ભાવ છે?’
‘બે હજાર રૂપિયા.’
‘બે હજાર રૂપિયા આપું એવી આની સ્થિતિ તો લાગતી નથી.’
‘અરે કાકા, આ અમેરિકાની છે.’
‘કેવી રીતે?’
‘અમેરિકામાં રહેતો એક પરિવાર પછીથી વતન મહારાષ્ટ્રમાં આવી વસ્યો. તેઓ અહીં જે ઘરવખરી લાવેલા તેમાં આ સાઈકલ પણ હતી. સાચું ખોટું એ જાણે, પરંતુ આ સાઈકલ બરાક ઓબામાએ ચલાવેલી અને રાષ્ટ્રપતિ બન્યા બાદ એ આપણા ભારતીય મૂળના પરિવારને ભેટ આપી દીધી. ભારત આવ્યા પછી તેઓ જેને પણ આ વાત કહેતા બધા જુઠ્ઠુ માનતા હતા. એમણે આ અંગેની સ્ટોરી સ્થાનિક અખબારમાં પણ પ્રકાશિત કરાવેલી. આજકાલ તો સાહેબ બોલે અને વિદ્યાર્થી પેપરમાં લખે એવી છાપાની દયનીય હાલત થઈ ગઈ છે. અખબારમાં છપાયા બાદ તો લોકોને ગળા સુધી વિશ્વાસ આવી ગયો કે આ ખબર જુઠ્ઠી છે! મારે આવી વાતો કહેવાની ન હોય, આપ ચહેરાથી જ બુદ્ધિશાળી દેખાવ છો. બોલો હવે બે હજારમાં આપી દઉં…’ વિનોદે ઠોઠીયું સાઈકલ તેની પાસે કેમ પહોંચી એ વાત ઉત્તમ રાજકારણીની જેમ કાપી નાખી.
પેલા સજ્જને કહ્યું, ‘આની સ્થિતિ તો એવી છે કે જાણે અમેરિકાથી તેના પર સામાન લાદી ભારતમાં લાવ્યા હોય. માફ કરશો, આનાં કરતા તો દેશના વિપક્ષની સ્થિતિ સારી છે. ચાલો સાઈકલ જવા દો… આ રેડિયોનું શું?’
‘આ અદભુત રેડિયો છે. ચાલુ કરો એટલે સીધું પાકિસ્તાનનું સ્ટેશન પકડાય.’
‘એ કેવી રીતે?’ પ્રશ્નકર્તા સજ્જન ચહેરાથી વ્યાકુળ પ્રતિત થઈ રહ્યા હતા.
‘પાકિસ્તાન જઈને!’ વિનોદનો જવાબ સાંભળ્યા બાદ મારો ચહેરો બરાક ઓબામાની સાઈકલના ટાયર જેવો થઈ ગયો.
‘મજાક ન કરો, સાચું કહો.’ સજ્જન અતિ વ્યાકુળ થયા.
‘હું સાચું જ કઉં છું. મારા જેવો સાચો માણસ તમને આખા નગરમાં ક્યાંય નહીં જડે. જ્યારે દેશમાં ચૂંટણી આવશે ત્યારે આમાં પાકિસ્તાનનું સ્ટેશન આપોઆપ પકડાશે!’ વિનોદે વાત સાચી કરેલી પણ પેલા સજ્જન વ્યક્તિની લાગણી વિનોદની વાતથી દુભાય હોવાનું તેમના ચહેરા પરથી કળી શકાતું હતું. સારું થયું રેડિયો વિનોદના હાથમાં હતો, નહીં તો પેલો સજ્જન વ્યક્તિ દુર્જન બની જોરથી વિનોદના માથા પર ફટકારી દેત અને વિનોદનો અવાજ, સ્ટેશન એન્ટેનાના વર્તુળની બહાર ચાલ્યું જાય ત્યારે જેવો કર્કશ ધ્વનિ સર્જાય તેવી થઈ જાત.
સાઈકલ અને રેડિયોમાંથી મોહભંગ થયા બાદ પેલા વ્યક્તિએ કાળો પડી ગયેલો લોખંડનો પાઈપ માગ્યો.
વિનોદે તેમને કહ્યું, ‘આ જૂના જમાનામાં ટીવી ઉપર ફિટ કરવાના એન્ટેનાનો લોખંડનો પાઈપ છે. ચોમાસામાં ભૂલથી પણ આ પાઈપને ઘરની બહાર મેરુંદંડની જેમ ટટ્ટાર ઊભો ન રાખતા.’
‘કેમ?’ કૌતુકભરી નજરે સજ્જને પૂછ્યું.
‘આ ગમે ત્યાંથી વીજળી પકડી લે છે. આ જુઓ સામે ટીવી…’
વિનોદે ચીંધેલી દિશા તરફ અન્યમનસ્ક ચહેરે સજ્જન વ્યક્તિએ પૂછ્યું, ‘ક્યાં છે? ત્યાં તો ફક્ત કોથળી છે.’
‘બાપુજી ટીવી ચાલુ કરવા એક લાંબો પાઈપ લાવેલા, અગાસી પર ફીટ કર્યાં પછી ચોમાસામાં ધડાકાભેર વીજળી પડી, પાઈપને કશું ન થયું પણ ટીવી આખું સળગી ગયું. કોથળીમાં રાખ એની જ છે. પિતાજીએ મૃત્યુ સમયે અંતિમ ઈચ્છા પ્રગટ કરતા કહેલું કે, બનારસ જા ત્યારે આ રાખનું ગંગામાં વિસર્જન કરી આવજે.’
‘એ પણ રહેવા દો, આ મિક્સર?’
‘હું મારા શ્રીમતીજી સાથે લગ્ન ન કરું એટલે એમને જોવા ગયેલો ત્યારે ત્રાસ માટે આ મિક્સર શરૂ કરેલ. પણ હું અચલ રહ્યો. હવે વાંઢુ તો કેટલું રહેવું? દહેજમાં મને એકમાત્ર આ વસ્તુ મળી હતી. આની ખાસિયત એ છે કે જે પણ લઈ જાય એ તેનો ઘોંઘાટ સાંભળી પાછું આપી જાય. આની કિંમત પાંચ હજાર રૂપિયા છે. અવાજ ગમે નહીં ને પાછું જ્યારે આપવા આવશો ત્યારે સહર્ષ મિક્સરનો સ્વીકાર કરવામાં આવશે, પણ પૈસા પરત નહીં આપવામાં આવે.’
‘અને પેલું ?’ સજ્જનનું ધ્યાન એક પુસ્તક પર પડ્યું.
વિનોદે મારા ખભા પર હાથ રાખી જણાવ્યું, ‘એ એક નવોદિતની નવલકથા છે. મને ભેટમાં મળેલી. પુસ્તકનું લખાણ વાંચ્યા પછી મારી આંખમાં ઝળઝળીયા આવી ગયા, ત્યારે નજીક બેસેલા મારા મિત્ર મયૂરલાલે મને આંખના નંબર તપાસવાનું કહેલું. ખરેખર એ આંખના નંબરના કારણે નહીં, પણ લખાણ અને કથાના દુ:ખ કારણે પ્રાગટ્ય પામેલું ઝરણું હતું.’
‘તમને સાંભળીને નવાઈ લાગશે સજ્જન ગ્રાહક.’ વિનોદે આગળ ચલાવ્યું, ‘એક વર્ષ પહેલા લેખકે ફેસબુક પર એમ લખેલું કે મારું પુસ્તક આવે છે. પુસ્તક પ્રાગટ્યના સો દિવસ પૂર્વે તેણે કાઉન્ટડાઉન પ્રક્રિયા આરંભી અમને હેરાન કર્યા. પુસ્તકનું કવર પ્રસ્તુત કર્યાં પછી એક ઈનામી યોજના રાખી. વચ્ચે શિવરાત્રીનો તહેવાર આવતો હતો એટલે પુસ્તકની સફળતા માટે એક હવનનું પણ આયોજન કરેલું. મને તો થતું હતું કે ભાંગ પીને જ લખેલું છે! પુસ્તક વાંચ્યા પછી મને તાવ આવેલો. મેં મારા તાવનું કારણ જ્યારે ડોક્ટરને જણાવ્યું તો એમણે એ તાવ ઉતારવા એમનું કવિતાનું પુસ્તક પકડાવી દીધું!’
‘પછી.’ સજ્જનની આતુરતામાં વધારો થયો.
‘પત્નીને રિઝવવા કવિતાનું ઊંચા અવાજે પઠન કરતા તાવ સાથે ઉધરસ પણ થઈ. હંમેશ તો મારી પત્ની મારા બેસૂરા રાગના કારણે વેલણ મારતી હોય છે, પણ આ વખતે તેણે ખરાબ કવિતાના કારણે વેલણ અને ઉપરથી તવિથાનો બોનસમાં ઘા કર્યો.’
‘તો આ પુસ્તક કેટલામાં?’
‘આ પુસ્તક કેટલામાં નહીં, પણ જે અહીંથી કોઈ વસ્તુ ખરીદીને નહીં જાય, એને ફરજીયાત પુસ્તકનું શ્રવણ કરાવીશ. શ્રવણ કાર્ય પૂર્ણં થયા પછી ભેટમાં પણ આપીશ.’
સજ્જન રેડિયો લઈ રવાના થયાં!
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત