લોહીમાં પણ એક બે અંગત ખૂણાઓ છે રમેશ
એ ઊભા છે આપના સત્કારમાં, શું બોલીએ ?
Team Chabuk-Creative Desk: મણિલાલ આજે થયા એટલાના કે આંખે ઝાંખપ આવી ગઈ છે. હમણાં શહેરની પ્રતિષ્ઠિત કોલેજમાંથી નિવૃત્ત થઈ જશે. આજે પોતાની બેબીને જોવા આવનારાઓને તેઓ વડલાના છાયાની જેમ આંખોથી ઘેઘૂર આવકાર આપવા થનગની રહ્યા છે. ઘરનું વાતાવરણ પહેલા કરતા સુવાસિત બની ગયું છે. સવારમાં કરેલી અગરબત્તીની મઘમઘતી સોડમ હજુ પણ ધ્રાણેન્દ્રીય પર કબ્જો જમાવેલી છે. ઘર ચોખ્ખું છે. રોજ રહે છે તેના કરતા થોડું વધારે. ઘરની સ્ત્રીઓ મીઠાઈ ખોલવાના અને થાળી શણગારના કામમાં પરોવાયેલી છે. અનુભવીઓ બેબીને શિખામણના ગોળધાણા ખવડાવી રહી છે.
બેબી કોલેજમાં ભણે છે. ના, ના, તમે વિચારો એવું કંઈ નથી. લફરું બેબીને છે જ નહીં. ભણવામાં હોશિયાર છે. સંસ્કારનો સમાનાર્થી અર્થ છે. ઘરેથી નીકળે ત્યારે દુપટ્ટો મોઢામાં બાંધેલો જ હોય છે. એનો ચહેરો જોવાની જીજીવિષા સાથે શહેરના મુખ્ય ચોક પર બાઈક લઈ ઊભેલા નબીરાઓને ઉંડો અને ધગધગતો નિ:સાસો નાખી પાછા ફરવું પડે છે. મુખડું જોવાની લાલસાએ જ બેબીના ઈચ્છુકો ઉનાળામાં ઉભા ઉભા ક્રિસ ગેલ જેવા થઈ ગયા. બેબીની નજરને પોતાના ભણી તાણવા માટે મોઢા પર નીતનવીન ક્રિમના થપેડા લાગવા લાગ્યા, પણ ભેંસનો રંગ કંઈ ક્રિમ લગાવવાથી થોડો બદલે!
મહેમાન આવી ગયા. પરોણાગત થવા લાગી. પહેલા હસ્તધનૂન થયા અને પછી સોફા અને નરમ નરમ ખુરશીઓ આધેડોના વજનથી દબાઈ ગઈ. બૈરાઓ ગોકીરા કરતી અંદર પ્રવેશી. વાતચીતના દોરને ઢીલ આપવામાં આવી. મણિલાલના મોટાભાઈ અને નાનાભાઈ પણ ત્યાં ઉપસ્થિત હતા. એકાએક વડીલને શું થયું કે ગણેશચતુર્થીની ગણેશની મૂર્તિની માફક સ્ટેચ્યૂ થઈ ગયા. હાથી હોય એમ માથું ઉપર નીચે હલાવે, પણ કંઈ હરફ સુદ્ધાં ઉચ્ચારે નહીં. એ અડસટ્ટો લગાવી રહ્યા હતા. સ્મરણ તેજ હતું, પણ આંખો એ ચિત્રને ધૂંધળું બનાવી રહી હતી. ભૂતકાળનું એક ધોધમાર સ્મરણ તેમને ભીંજવી રહ્યું હતું, પણ આ એ જ સ્મૃતિનો કાંટો હતો કે કંઈ બીજું તે તેઓ સ્પષ્ટ નહોતા કરી શકતા.
‘હમણાં આવું….’ બીજના ચંદ્ર જેવું હસીને તેઓ ઉપરના માળે ચડી ગયા. જાતને એક ઓરડામાં, ફેક્ટરીમાં ઘડાયેલા નવા રમકડાંની જેમ પેક કરી દીધી. પંખો ચાલુ કર્યો. થોડી ક્ષણ ફરરર કરતો ચાલ્યો, પણ ઉનાળાની ગરમી એનું કામ કરી રહી હતી. આખરે ચિત્ત પર ભૂતકાળની ચામડીનો વરખ ચડવા લાગ્યો. મણિલાલ ભૂસકો મારીને કોલેજના કેમ્પસમાં પહોંચી ગયા. પતંગિયાની જેમ અહીંથી તહીં ભાગતી કન્યાઓનું ઝૂંડ તેમની આંખ સામે તરી આવ્યું. સુંદરીઓને પામવા મગરમચ્છના આંસુ સારતા ઘૂંટણીયે પડેલા છોકરાઓ દેખાયા અને એ વૃંદથી વિખૂટા એ ખૂદ પણ ઊભા હતા. એકલા અટૂલા. જૂનવાણી કપડાં પહેર્યા હતા. ખિસ્સામાં એક રૂપિયાવાળી બોલપેન ભરાવી હતી. હાથમાં જૂનો થેલો હતો અને એમાં વિદ્યાદેવી રાતના ઉજાગરાને કારણે પોઢી રહી હતી.
‘કાં મણિ, સાપની માથે હતો એ બરાબર હતો, પણ અહીં ક્યાં ભણવા આવ્યો?’
‘છોકરીઓ પટાવવી છે?’
‘નોકરો લેવો છે?’ એક વાવાઝોડું ધસમસતું આવી, ધમાલ મસ્તી કરતું, શાંત જળમાં કાંકરા નાખવા લાગ્યું. મણિલાલના મોઢામાં સાચેક મગ ભરેલા હતા. બોલવા જાય પણ શું બોલવું એ ખબર નહોતી પડતી. વિચારોને મણકામાં પરોવે પણ જીભ ગૂંચવાય જાય. છોકરાઓ ધક્કા મારવા લાગ્યા. એ ધક્કાનો પ્રધાનમંત્રી અવિનાશ હતો. ઉંચી બાપની આખલા જેવી અલમસ્ત ઓલાદ હતો. અવિનાશે ભાવનગરથી મંગાવેલા સ્પ્રેની ખુશ્બુ મણિલાલના નાકમાં સાપ ભોણમાં પ્રવેશે એમ પેસી ગઈ. અમિતાભે પહેરેલું એવું જ જેકેટ મુંબઈથી મગાવી, પહેરી, બાપના પૈસે તાગડધિન્ના કરતો અવિનાશ આજે મણિલાલનો વારો કાઢી લેવાના મૂડમાં હતો. એણે ફટકાબાજી શરૂ રાખી અને મણિ નબળા બોલરની જેમ પીટાતો રહ્યો.
બીચારા મણિલાલ માટે આ રોજનું હતું. એને મજા આવતી, કેમ કે આ દુર્ઘટનામાં એક ‘રોઝ’ પણ હતું.
પાછળથી એક આદેશથી ભર્યો અવાજ આવ્યો. ધક્કાઓનો પ્રધાનમંત્રી સ્થિતપ્રજ્ઞ થઈ ગયો. બધાની નજર ત્યાં ગઈ સિવાય કે મણિલાલની. મણિલાલ માટે નાકનું સુખ પૂર્ણ થયું અને કાનનું સુખ શરૂ થયું. આ કોશિંદી હતી. કોલેજનો રૂપનો કટકો.
‘અવિનાશ, મેં તને કહ્યું ને કે તારે કોલેજના કોઈ છોકરાઓને હેરાન કરવા નહીં. આમ ચાલ મારે કામ છે.’ કોશિંદી અવિનાશને ઠપકો આપતી અને પછી જે દૃશ્ય મણિલાલના નયનોની સામે ભજવાતું એ મણિલાલ જોઈ ન શકતો. એ નયનને બંધ કરી લેતો. જો નયન બંધ ન કરે તો હ્રદય બંધ થઈ જવાના ચાન્સિસ હતા. કોશિંદી કોલેજનું નૂર ભલે હોય પણ અત્યારે એ નૂર કોલેજના નંબર વન ગુંડા ઉર્ફે આખલા અવિનાશના ઉરમાં સંગ્રહાયેલું હતું. મણિલાલ કોલેજમાંથી ભણીને ઘરે જતો હતો અને અવિનાશ તોફાન કરીને. રાતના ઓશિકા પર માથું રાખી જ્યારે તે પોંપચા ઢાળવાનો પ્રયાસ કરતો ત્યારે આંખની સામે અવિનાશનું તોફાન આવી ચડતું. એ તોફાનમાં કોશિંદી પણ રમી રહી હોય.
કોશિંદીના હાથ અવિનાશના ગળાની આસપાસ ઝુલતા હોય. અવિનાશની આંખોમાં ચુંબનનું ચકડોળ ચાલતું હોય. આજુબાજુ ગિટાર લઈ પ્રબુદ્ધ રસિયાઓ વગાડ્યે રાખતા હોય. ઉતાવળો અવિનાશ કોશિંદીને ખેંચી લે અને બે હોઠોનું મિલન થઈ જાય. મણિલાલની આંખો ઉઘડી જાય અને ખબર પડે કે પાડોશી તંબુરાની તાલીમ લઈ રહ્યા છે. જેના બેસૂરા નિનાદથી મણિલાલનની નિંદ્રામાં ખલેલ પડી છે. તંબુરાએ જ મણિલાલને જીવંત રાખેલા. જો એ પ્રભાતે કર્ણ મારફતે સૂર શ્રવણ ન કરેત, તો કોશિંદી અને અવિનાશની સુહાગરાત પણ સ્વપ્નમાં જ જોઈ લેત!
રોજ એક જ વસ્તુ તો બને. કોલેજના પ્રાંગણમાં ફુલઝડીઓ પ્રવેશે અને બસ્સો જુવાનિયાંઓના ઉરમાં સૂતળી બોમ્બ સમો વિસ્ફોટ થાય. ફક્ત ફૂલ નહીં કેટલાયના હ્રદય કચડાય જાય. દઝાયેલા હ્રદયનો ઈલાજ અમીરો સિગરેટથી કરે તો ગરીબો બીડીથી. કોલેજની પાછળ મેઘધનુષ્યનો આઠમો રંગ દેખાય! મણિલાલને ત્યાં પાછળથી આવવાનું હોય. એ આવે એટલે પ્રેમી પંખીડાઓમાં થતી ચુંબનની આપ-લેના ઉત્કટ દૃશ્યની ઝાંખી ત્રાંસી આંખે કરી લે. કામદેવે આ ફિલ્મના શોની ફ્રી ટિકિટ મણિલાલને જ જાણે આપી હતી! આવો મનોરમ દરિયા કાંઠો બીજે ક્યાં? દરિયાનું મોજું કિનારાને મળે ત્યારે થોડું ઉછળે અને પછી ચોરીછૂપે પાછું ચાલ્યું જાય. કોલેજીયનોનાં હોઠની ગતિવિધિને પણ મણિલાલે આ રીતે જ લખેલી છે. હા, મણિલાલ નવરાશના સમયમાં કામના રસને ચોપડામાં ઉતારે. કોલેજમાં કોણ કવિ ન હોય? કે કોણ કવિ ન બની જાય?
આવા દૃશ્યો જ તેને પથારીમાં ઉંઘવા નહોતા દેતા. ક્યારેક કોલેજ પાછળથી આવવાનું થાય અને કોશિંદી અવિનાશની સાથે! ‘ના…. ના….’ તેના મોમાંથી શબ્દો સરી પડે. સભાનતા આવે ત્યારે તેને ખબર પડે કે જે વસ્તુ ચિત્તમાં બોલવાની અને ખૂદને જ કહેવાની હતી એ બધાને કહેવાતા કહેવાતા માંડ માંડ રહી ગઈ છે.
કોશિંદી નામનું રૂપાળું ફૂલ મણિલાલને પણ ગમતું હતું. મણિલાલની બિચારાની ઓકાત ક્યાં. કોઈ નમણો ચહેરો તેના ઉપર મોહી પડે એટલી અમથી આબરું પણ અવિનાશે રાખી નહોતી. વેલ ઝાડ પર ચડે અને આપણા મણિલાલ તો કાટ ખાયેલું પતરું હતા. ભણવાનો યોગ એની હથેળીમાં ચિતરેલો હતો, પણ પ્રેમનો યોગ નહોતો. એ રોજ પ્રાર્થના કરતો કે એવી કોઈ લીટી હાથમાં દોરાઈ જાય અને બીજું કોઈ નહીં પણ કોશિંદી એને મળી જાય. અઢળક અભ્યાસથી મણિલાલ એટલું શીખ્યો હતો કે લક્ષ્ય રાખવું તો ઉંચું રાખવું. બિલ્ડીંગ પરથી પડો તોપણ મરો અને પ્લેન ઉપરથી પડો તોપણ મરો. તો પછી પ્લેન પરથી મરીને જ નામ અમર કરાયને!
આમ જ એક પરોઢ ઉગ્યું હતું. દિવસના સખત ઉનાળાનો આરંભ સવારની સુશોભિત ઝાકળથી થયો હતો. પાડોશીના તંબુરાના અવાજે મણિલાલને પથારીમાંથી સફાળો બેઠો કર્યો. દિનચર્યા પતાવી તે કોલેજ ઉપડ્યો. રાબેતા મુજબ કોલેજની પાછળથી જતો હતો. આજે કયું મનોરમ્ય દૃશ્ય આ કામદેવ દેખાડશે તેના જ વિચારમાં પરોવાયેલ મણિલાલ જ્યાં સામું જુએ તો પેલું સપનું સાચું પડ્યું. અવિનાશ અને કોશિંદી ઊભા હતા. વચ્ચે ટપકાંની જેમ મણિલાલ દેખાતો હતો.
પાછળ ફરવાનો રસ્તો નહોતો. મણિલાલને અરુચિકર લાગવા લાગ્યું. ત્યાં સુધીમાં કોશિંદીની નજર મણિલાલના કોહવાયેલા ચહેરા પર પડી ગઈ હતી. મણિલાલને લાગ્યું કે સ્વપ્નમાં જે દૃશ્ય જોયેલું તે વાસ્તવિકતામાં પરિણમવાનું છે. અવિનાશ અને કોશિંદીનાં હોઠનું મિલન થશે અને એ જોવું એનાં કરતાં કાં તો મરી જવું, કાં તો ભાગી છૂટવું સારું. અંતર થોડું હતું, પણ મણિલાલને જોજન જેટલું લાગ્યું. એણે નીચી મુંડી કરી હાથ ઝડપથી ભગાડ્યા અને પગ પણ હાથનો આદેશ માન્યા. કબૂતરની ચાંચ જેમ ધરતી પર દાણો શોધે એમ મણિલાલની આંખો જમીનમાં ખોવાયેલો હીરો શોધી રહી હોય એવું લાગી રહ્યું હતું.
ને મણિલાલને એક અવાજ સંભળાયો. એ કોશિંદીએ અવિનાશના ગાલ પર મારેલી થપ્પડ હતી. અવિનાશના ગાલ પર કોશિંદીએ કરેલું ભરતકામ! કોલેજની પાછળના વાતાવરણમાં એ ગુંજ દૂર સુધી સંભળાય ને કોલેજના પરિઘમાં જ હળવેકથી અલોપ થઈ ગઈ. કડવું મોં કરી કોશિંદીએ ચાલતી પકડી. અવિનાશના ગાલ પર શરમ અને કોશિંદીના જમણા હાથની છાપ ઉપસી આવી. મણિલાલ સરપટ ચાલ્યા ગયા.
ઓરડામાં રૂમાલ વડે પરસેવો લૂછ્યો અને નીચે મહેમાનો પાસે જવા મણિલાલે હળવા ડગ ભર્યાં. પગથિયાં ઉતરતા એમનો શ્વાસ ધમણની માફક હાંફી રહ્યો હતો. પગથિયાં ઉતરીને તેઓ જુએ છે તો પત્ની કોશિંદી અને સામે થનાર વેવાઈ અવિનાશ એકબીજાની સામે ઉભા હતા. સ્મરણનો કાંટાળો પૂડો ત્રણેના માથે હતો, ફક્ત એ ત્રણ સિવાય કોઈને દેખાતો નહોતો.
(શીર્ષક પંક્તિ – રમેશ પારેખ)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત