Homeવિશેષવિક્રમ અને વેતાલ : પ્રકરણ -8- માથું

વિક્રમ અને વેતાલ : પ્રકરણ -8- માથું

Team Chabuk : ‘વીર વિક્રમ રાજા. તું કોઈ દિવસ પરાજય સ્વીકારે છે કે નહીં. ખૂબ જ જીદ્દી સ્વભાવ છે. કોઈ કામ હાથમાં લે તો છોડે જ નહીં. ચાલ હવે હું તને એક વાર્તા સંભળાવું છું.’

ધર્મપુર નામની એક નગરી હતી. નામ ધર્મપુર અને ત્યાંના રાજાનું નામ પણ ધર્મશીલ. ધર્મશીલ રાજાને અંધક નામનો એક દિવાન હતો. એક દિવસ દિવાને કહ્યું, ‘મહારાજા. એક મંદિર બનાવીએ. તેમાં દેવીની પ્રાણ પ્રતિષ્ઠા કરીએ અને પૂજા કરીએ તો મોટું પુણ્ય પ્રાપ્ત થશે.’

રાજાએ દિવાનની વાત માની લીધી. તેણે બિલકુલ એવું જ કર્યું. ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું. પ્રાણ પ્રતિષ્ઠા કરતાની સાથે જ દેવી પ્રસન્ન થઈ, ‘બોલ રાજા તારે શું જોઈએ છે ? તું માગીશ તે હું આપીશ.’

રાજા બધી વાતે સુખી હતો. દુ:ખ તો બસ એટલું જ કે બિચારાને કોઈ સંતાન નહોતી. આટલી મોટી નગરીનો આટલો મોટો રાજા તો સંતાન તો હોવી જોઈએ ને ? કાલ સવારે ઉતરાધિકારી કોણ બને ? પિતાનો વારસો કોણ સાચવે ? આવા વિચારો ધર્મશીલ રાજાને ઘેરી વળ્યા અને તેણે હાથ જોડી દેવી પાસેથી પુત્ર માગ્યો.

દેવીએ પ્રસન્ન થતા કહ્યું, ‘જા તારે ત્યાં પ્રતાપી પુત્ર અવતરશે.’

મહિનાઓ વીતી ગયા અને રાણીનો ખોળો ભરાયો. દેવીએ જેમ કહ્યું હતું એમ જ રાજાને ત્યાં પુત્ર અવતર્યો. નગરમાં ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવી. મીઠાઈ વેચવામાં આવી અને સમગ્ર નગરનાં લોકોને વસ્ત્રો આપવામાં આવ્યા.

એક દિવસ એક ધોબી એ નગરમાં પોતાના મિત્રની સાથે આવ્યો. તેની નજર દેવીના મંદિર પર પડી ગઈ. તેણે નક્કી કર્યું કે આ દેવીની આગળ માથું નમાવવું જોઈએ. એ દેવીને મંદિરમાં નમન કરવા જ જતો હતો કે તેની નજર એક ધોબીની છોકરી પર પડી ગઈ. ખૂબ જ સુંદર હતી. એ ચાલતી તો પગની ઝાંઝર ખનખન થતી અને બધાની નજર ત્યાં જ સ્થિર થઈ જતી. જાણે તે સૌનું ધ્યાન આકર્ષિત કરી રહી હોય. તેના હાથ ડોલતા અને બંગડીઓનો અવાજ કાનને શાતા આપતો હતો. ધોબી તો કન્યા પર મોહિત થઈ ગયો. છોકરી પસાર થઈ ગઈ એટલે ધોબી મંદિર પર ગયો અને દેવીને હાથ જોડી પ્રાર્થના કરી, ‘હે દેવી. આ સુંદર છોકરી જો મને મળી જાય તો હું મારું માથું અહીં ચડાવી દઈશ.’

ધોબી ઘરે પાછો ફરી ગયો. પણ મનમાંથી છોકરીનું એ દૃશ્ય નહોતું હટી રહ્યું. એની ચાલ. એના ધોળા પગમાં ઝાંઝરી અને ઝાંઝરીનો ખનખન થતો અવાજ. એ ઉદાસ રહેવા લાગ્યો. તેના પિતાને પણ પુત્રને આ શું થઈ ગયું છે તેની ખબર જ નહોતી પડતી. એ પણ આ દુવિધાનો ઉકેલ ઈચ્છતા હતા. આખરે ધોબીના પરમ મિત્ર પાસે જઈ પિતાએ જાણકારી મેળવી ત્યારે આખી વાતનો તાંતણો મળ્યો કે, આ તો એક યુવતીના પ્રેમમાં છે.

‘તું સાચી વાત કહે છે?’ ધોબીના પિતાએ તેના મિત્રને પૂછ્યું.

મિત્રએ કહ્યું, ‘સો આના સાચી વાત છે કાકા. એ છોકરીને પહેલી નજરે જોઈ ત્યારથી તેના હ્રદયમાં પતંગિયા ઉડવા લાગ્યા છે. આખો દિવસ બસ એનું જ રટણ કરતો રહે છે. તેના ચહેરાના વખાણ કરતા થાકતો નથી.’

‘તો તો મારે તેની ઉદાસીનો નિવેડો લાવવા એ છોકરીના પિતા સાથે મેળાપ કરવો પડશે. નહીંતર આ આમ જ મરી જશે. પ્રેમમાં ઘેલા થયેલા તો કંઈ પણ કરી લે અને એમાંય પ્રેમ જ્યારે સાચો હોય ત્યારે તો…’ પુત્રના મિત્રને આટલું કહી પિતા ઉપડ્યા.

છોકરીના પિતા સામે જઈ તેમણે બધી વાત રાખી દીધી. કોઈને સમસ્યા નહોતી. શાંતિપૂર્ણ રીતે વિવાહ સંપન્ન થઈ ગયા અને બંને પરણી ગયા.

વિવાહ પૂર્ણ થયા પછીની આ વાત છે. છોકરીના પિતાને ત્યાં એક ઉત્સવ હતો. જેમાં હાજરી પૂરાવવા માટે જમાઈ અને પુત્રીને પિતાએ ખાસ આમંત્રણ પાઠવ્યું હતું. રાજીખુશીથી પતિ પત્ની અને તેનો પાક્કો મિત્ર ઉજાણીમાં સામેલ થવા જઈ રહ્યા હતા. હસીખુશીથી વાતો કરી રહ્યા હતા. અને એવામાં દેવીનું મંદિર રસ્તામાં આવી ગયું. ધોબીના તો પગ જમીન સાથે ચોંટી ગયા. તેણે દેવીને જે વચન આપેલું તે યાદ આવી ગયું. મિત્ર અને પોતાની પત્નીને પ્રતીક્ષા કરવાનું કહી એણે મંદિર તરફ ડગ માંડ્યા. તેને જતા જોઈ બેઉંને એમ લાગતું હતું કે પ્રાર્થના કરી પરત આવશે.

તેણે મંદિરમાં દેવીની મૂર્તિ સામે હાથ જોડ્યા અને પછી તલવારથી પોતાનું જ ગળું કાપી નાખ્યું. મિત્રના પરત ન આવતા તેની પત્નીને બહાર ઊભી રાખી તે ખરાઈ કરવા ગયો. અંદર જઈ જોયું તો ધડ અને માથું અલગ અલગ થઈ પડ્યા હતા. મિત્રના મોઢામાંથી ચીસ પણ ન નીકળી શકી. મંદિરમાં પ્રજવલ્લિત દિવાની આગ સામું તેણે જોયું તો જાણે આંસુ આગ બનીને નીકળી રહ્યા હોય તેવો તેને ચહેરો દેખાતો હતો.

‘આ દુનિયા ખૂબ જ ખરાબ છે. કોઈ થોડું માનશે કે આણે તલવારના એક ઝાટકે પોતાનું જ માથું ધડથી અલગ કરી નાખ્યું. લોકો તો એમ જ વિચારશે ને કે હું તેની પત્નીને પ્રેમ કરતો હતો અને તેને પામવા માટે મેં આનું માથું ધડથી અલગ કરી નાખ્યું. નહીં… નહીં…. નહીં… આના કરતાં તો મારું જ શીશ ચડાવી દઉં.’

બહાર ઉભેલી સ્ત્રી તો હેરાન થઈ ગઈ. પહેલા પતિ અને પછી તેનો મિત્ર મંદિરમાં ગયા પણ પાછા ન આવ્યા. એણે મંદિરમાં જવા પગ ઉપાડ્યા. અંદર જઈ જુએ તો તેના પતિ અને પતિના મિત્રનું માથું અને ધડ અલગ હતા. એ વિચારવા લાગી, ‘કાલ સવારે આ દુનિયા એમ વિચારશે કે હું ખરાબ છું. આ બંનેની હત્યા મેં કરી છે. આવો દિવસ આવે તે પહેલા તો મરી જવું જ સારું.’

પતિના મિત્રના હાથમાં રહેલી તલવાર તેણે ઉઠાવી અને ગરદન પર મારવા જ જતી હતી કે દેવી પ્રગટ થઈ ગયા, ‘હું તારા પર પ્રસન્ન થઈ છું. બોલ તારી જે ઈચ્છા હશે એ હું પૂર્ણ કરીશ.’

મહિલાએ કહ્યું, ‘મારી કોઈ મોટી ઈચ્છા નથી. હું તો એટલું જ ઈચ્છું છું કે આ બંનેને પુન:જીવનદાન આપી દઉં.’

દેવીએ કહ્યું, ‘બરાબર એમ જ થશે. તું તારા પતિ અને તેના મિત્રનું શરીર અને માથું તેમની જગ્યાએ રાખી દે.’

મહિલાએ દેવીની આજ્ઞાનું પાલન કર્યું, પણ ઉતાવળમાં પતિ અને મિત્રનું માથું અલગ અલગ જગ્યાએ રાખી દીધું. જ્યાં પતિનું માથું ત્યાં મિત્રનું ધડ અને જ્યાં મિત્રનું માથું ત્યાં પતિનું ધડ.

દેવીએ હાથ તેમની સામે રાખ્યો. દિવ્ય રોશની પ્રગટ થઈ અને બેઉં જીવતા થઈ ગયા. દેવી તો આ બંને જીવિત થઈ ગયા છે એમ માની ચાલી ગઈ પણ ખરી મુસીબત હવે ઊભી થઈ. મહિલાની ભૂલના કારણે મિત્ર પણ તેનો પતિ અને પતિ પણ તેનો પતિ!! બંને ઝઘડવા લાગ્યા કે, આ મારી પત્ની છે આ મારી પત્ની છે.

‘હવે દેવી તો ચાલી ગઈ વીર વિક્રમ. મંદિર પાસે પણ કોઈ નથી. તું બતાવ કે સ્ત્રીનો પતિ કોણ થયો કહેવાય ? એ સ્ત્રી કોની પત્ની છે ?’

રાજાએ ઉત્તર આપ્યો, ‘નદીઓમાં ગંગા ઉત્તમ છે. પર્વતોમાં સુમેરુ, વૃક્ષોમાં કલ્પવૃક્ષ અને દેહના અંગોમાં મસ્તિષ્ક. એટલે કે જે વ્યક્તિ પર પતિનું માથું લાગેલું હોય તે જ તેનો પતિ થયો કહેવાય.’

‘વાહ…’ વેતાલે વિક્રમની પ્રશંસા કરી અને સિદ્ધવડ પર ચાલ્યો ગયો.

(ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments