લેખક : જયશંકર પ્રસાદ
અનુવાદ : Team Chabuk
1
મંદાકિનીના તટ પર રમણીક ભવનમાં સ્કન્દ અને ગણેશ પોત પોતાના વાહન પર ફરી રહ્યા હતા.
નારદ મુનીએ પોતાની વીણા દ્વારા કલહ-રાગનો ઘોષ કરતા અરણ્યને પવિત્ર કરી નાખ્યું. અભિવાદન ઉપરાંત સ્કન્દ, ગણેશ અને નારદમાં ચર્ચા થવા લાગી.
નારદે સ્કન્દને કહ્યું, ‘તમે બુદ્ધિના ઈશ્વર ગણેશની સાથે રહો છો. એ સારી વાત છે.’ એ પછી તેમણે ગણેશની સામે જોઈ કહ્યું, ‘દેવ સેનાપતિ કુમારની સાથે ઘુમે છે.‘ આમ કહી નારદે પેટ બતાવતા કહ્યું, ‘તેનાથી તો આપનું પણ કલ્યાણ છે.’
ગણેશે ભ્રુકૃટી તાણતા કહ્યું, ‘તમે મને સ્થૂળ સમજીને આમ કહી રહ્યા છો ? તમે નથી જાણતા મેં એટલા માટે ઉંદરને મારું વાહન રાખ્યું છે, કારણ કે દેવ સમાજમાં કોઈ વાહન ન હોવાની નિંદા કોઈ ન કરે. ઉંદર તો ચાલે પણ કેટલું ? હું તો ચાલીને જ કામ પતાવી લઉં છું. કાન ખોલીને સાંભળો જ્યારે માતાએ દ્વારપાલનું કાર્ય મને સોંપ્યું હતું ત્યારે મેં કેટલું પરાક્રમ દેખાડ્યું હતું. પ્રથમ ગણોને પોતાની પદ-મર્યાદા મારી ગદાની પ્રહારથી ભૂલી જવી પડી હતી.’
સ્કન્દે કહ્યું, ‘બસ હવે રહેવા દો, અમે તને અમારી સાથે ન ઘુમાવેત તો ભારતવર્ષના આળસુઓની જેમ તું થઈ જાત.’
ગણેશ હસતા હસતા બોલ્યો, ‘નારદજી, જોઈ રહ્યા છો ને તમે? ઝઘડાલું લોકોથી બુદ્ધિ એટલી જ નજીક રહે છે જેટલો હિમાલયની સાથે દક્ષિણી સમુદ્ર!.’
સ્કન્દે જવાબ આપ્યો, ‘અને એ પણ સાંભળ્યું છે કે, ઢોલની અંદર પોલ.’
ગણેશે કહ્યું, ‘સારું તો નારદ જ હવે આ વાતનો ઉકેલ લાવશે કે કોણ મોટું?’
નારદે કહ્યું, ‘ભાઈ હું તો નિર્ણય નહીં કરીશ; પણ તમારા માટે એક પંચાયત કરાવી દઈશ. જેમાં ફટાફટ નિર્ણય થઈ જશે.’
નારદજી ત્યાંથી ચાલ્યા ગયા.
2
વટવૃક્ષ- તલ સુખાસીન શંકરની સન્મુખ નારદ પોતાના બંને હસ્તો જોડેલ મુદ્રામાં છે. દયાનિધિ શંકરે હસીને પૂછ્યું, ‘કેમ વત્સ નારદ. આજે પોતાનું કોઈ નિત્ય કાર્ય કર્યું કે નહીં ?’
નારદે ગળગળા થઈ પૂછ્યું, ‘હે નાથ, એ વળી કયુ કાર્ય?’
માતા પાર્વતીએ હસીને ઉચ્ચાર્યું, ‘એ જ… કલહ કાર્ય.’
નારદે જવાબ આપ્યો, ‘માતા હવે તમે પણ આમ કહેશો તો પછી થઈ રહ્યું. લોકો તો એ સમજતા જ નથી કે આ મહામાયાની જ માયા છે. બસ અમારું તો નામ જ કલહ પ્રિય રાખી દીધું છે.’
મહામાયા સાંભળીને હસવા લાગી.
શંકરે હસતા હસતા પૂછ્યું, ‘બોલો, આજના શું સમાચાર છે?’
નારદે કહ્યું, ‘લ્યો, હમણાં જ તમે મને કલહકારી સમજી બેઠા છો. હવે હું કંઈક કહીશ તો તમે કહેશો કે, બધું તારું જ કરેલું ધરેલું હશે. હું જાઉં તો ઝઘડાનો અંત કરવા છું, પણ પછી તો લોકો જ મને કહે છે.’
શંકરે કહ્યું, ‘અરે ના, હવે તું નિર્ભય થઈને કહે.’
નારદે કહ્યું, ‘આજે કુમાર અને ગણેશજીની દંડાબાજી થઈ ગઈ. મેં કહ્યું કે તમે ઊભા રહી જાવ. હું પંચાયત કરીને તમારા લોકોનો કલહ દૂર કરી દઈશ. તેના પર એ લોકો માની ગયા છે. હવે તમે તુરંત જ તેમના પંચ બનીને આ ઝઘડાને પૂર્ણ કરો.’
શંકરે પૂછ્યું, ‘ચાલો ઝઘડો કઈ વાતનો છે ?’
નારદે કહ્યું, ‘એ જ કે દેવસેનાના સેનાપતિ હોવાના કારણે કુમાર સ્વયંને શીર્ષ સમજે છે અને…’ નારદે પાર્વતીની સામે જોઈ કહ્યું, ‘બુદ્ધિમાન હોવાથી ગણેશ સ્વયંને ઊંચા સમજે છે.’
માતા પાર્વતીએ કહ્યું, ‘તો યોગ્ય જ છે. ગણેશ વધારે બુદ્ધિમાન છે.’
શંકરે જોયું કે આ તો અહીં પણ ઝઘડો ઉત્પન્ન કરવામાં આવી રહ્યો છે. તે બોલ્યા, ‘હે વત્સ. તું એમાં તારા પિતાને જ પંચ માન, કારણ કે આપણે જેને મોટો કહીશું, બીજો સમજશે કે પિતાએ આપણો અનાદર કર્યો. તું તુરંત આયોજન કરી બંનેને શાંત કરી દે.’
નારદે જોયું કે અહીં પણ બરાબર ન જામ્યું એટલે જગતપિતાના ચરણોને સ્પર્શ કરીને તેમણે ત્યાંથી વિદાય લીધી.
3
નારદ પોતાના પિતા બ્રહ્મા પાસે ગયા. તેમણે તમામ હાલ સાંભળીને કહ્યું, ‘વત્સ! તને એવું શું થાય છે કે તું લડાઈ અને ઝઘડાઓમાં જ અગ્રગામી બની પડ્યો રહે છે. અને વ્યર્થ અપવાદ સાંભળતો રહે છે.’
નારદે પિતાને કહ્યું, ‘તમે તો ફક્ત સૃષ્ટીનું સર્જન કરવાનું જાણો છો. એ નથી જાણતા કે સંસારમાં કાર્ય કેવી રીતે થાય છે. જો બે ચાર વચ્ચે કંકાશ કરાવો ને પછી તેમની વચ્ચે શાંતિ સ્થાપિત ન કરો તો કોણ પૂછે? જુઓ દેવ સમાજમાં એટલે જ નારદ-નારદ થઈ રહ્યું છે. કોઈ બીજાના પુત્રની તમે આ રીતે ચર્ચા સાંભળી છે ?’
બ્રહ્માએ ક્રોધિત થઈ કહ્યું, ‘તો શું તને પ્રસિદ્ધીનો આ જ માર્ગ મળ્યો ?’
નારદે કહ્યું, ‘મને તો આમાં સુખ મળે છે. येन केन प्रकारेण प्रसिद्ध: पुरुषो भवेत् ।’
બ્રહ્માએ કહ્યું, ‘હવે તો શંકરની આજ્ઞા મળી છે. જેમ તેમ કરીને આ વાતને સમાપ્ત કરવી જ પડશે. પણ હું જોઉં છું કે ગણેશજી પાર્વતીને પ્રિય છે. જો તેમના પક્ષમાં વાત નહીં જાય તો તેઓ બીજો અર્થ સમજી લેશે. હવે કોઈ એવો ઉપાય કરવો પડશે કે જેમાં બુદ્ધિથી જે જીતે તેનો જ વિજય થાય. હવે બધાને શંકરની સામે જ એકઠા કરો.’
નારદ આ સાંભળીને પ્રમાણ કરીને ચાલી પડ્યા.
4
વિશાળ વટવૃક્ષના તળે સર્વ દેવતાગણોની વચ્ચે સુશોભિત શંકર બિરાજમાન હતા. પંચાયતની બેઠક મળી હતી. બ્રહ્માજી વિચારીને બોલ્યા, ‘ગણેશજી અને કુમારમાં એ વાતને લઈ ઝઘડો થયો છે કે, કોણ મોટું છે ? અમે એમ કહીએ છીએ કે જે આ બંને લોકોમાંથી સમગ્ર વિશ્વની પરિક્રમા કરી પહેલા આવશે એ જ મોટો કહેવાશે.’
સ્કન્દે વિચાર્યું, ‘ચાલો ઠીક છે ભાઈ, ગણેશ તો પોતે જ તોંદ ધરાવે છે. મૂષક વાહન પર ક્યાં સુધી દોડશે અને મોર પર હું તુરંત જ પૃથ્વીની પરિક્રમા કરી લઈશ.’
સ્કન્દ મોર પર સવાર થયા અને ઉડવા લાગ્યા. ગણેશે વિચાર્યું કે ભવ અને ભવાની જ તો માતા પિતા છે. હવે તેમનાથી મોટું વિશ્વમાં કોણ હોય? આ વિચાર કરીને તુરંત જ જગજનક અને જનનીની ગણેશે પરિક્રમા કરી લીધી. જ્યારે કુમાર વિશ્વ ભ્રમણ કરીને પરત આવ્યા તો જોયું કે તુન્દિલજી પોતાના સ્થાન પર બેઠા છે.
બ્રહ્માએ કહ્યું, ‘જુઓ ગણેશ આપની પહેલા ઘુમીને આવી ગયા.’
સ્કન્દે ક્રોધિત થતા કહ્યું, ‘એ કેવી રીતે ? મેં તો માર્ગમાં ગણેશને ક્યાંય પણ ન જોયા.’
બ્રહ્માએ કહ્યું, ‘શું માર્ગમાં આપને મૂષકના પદચિન્હ કોઈ જગ્યાએ દૈદિપ્યમાન ન થયા.’
સ્કન્દે કહ્યું, ‘હા… પદચિન્હ તો જોયા હતા.’
બ્રહ્માએ કહ્યું, ‘તેણે વિશ્વરૂપ જગજનક અને જનનીની પરિક્રમા કરી છે. એ પણ તારી પહેલા જ.’
સ્કન્દ નીચું મોં કરી ગયા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત