Homeવિશેષવિક્રમ અને વેતાલ : પ્રકરણ-1 આરંભ

વિક્રમ અને વેતાલ : પ્રકરણ-1 આરંભ

Team Chabuk : આ તો ઘણી જૂની વાત છે. વર્ષોના વર્ષો વીતી ગયા. ધારાનગરીમાં ગંધર્વસેન નામનો એક રાજા રહેતો હતો. તેને ચાર રાણીઓ હતી અને છ દીકરા હતા. જે બધા ચતુર-હોશિયાર અને પરાક્રમી હતા. એક દિવસ રાજાનું મૃત્યુ થઈ ગયું. તેમની જગ્યાએ તેમનો મોટો દીકરો શંખ ગાદી ઉપર વિરાજમાન થયો.

તેણે થોડા સમય સુધી સારી રીતે શાસન ચલાવ્યું પણ તેના પછીના ભાઈ વિક્રમે તેને મારી નાખ્યો અને પોતે જ રાજા બની બેઠો. તેનું રાજ્ય ધીમે ધીમે વધવા લાગ્યું. એ યુદ્ધ જીતતો ગયો અને પોતાના રાજ્યની સીમાને વિસ્તારતો ગયો. જીતતા જીતતા એક દિવસ તે જમ્બુદ્રીપનો રાજા બની ગયો. એક દિવસ તેને વિચાર આવ્યો કે, આટલા બધા રાજ્ય જીતી લીધા હવે રાજ્યો ઘુમવા પણ જોઈએ. જેથી રાજ્યો છે કેવા તેની તો ખબર પડે. એ પોતાના નાના ભાઈ ભર્તુહરિને ગાદી આપી સાધુનો વેશ ધારણ કરી તમામ નગરોમાં ફરવા માટે નીકળી પડ્યો.

એ નગરમાં એક બ્રાહ્મણ તપ કરી રહ્યો હતો. એક દિવસ તેની તપશ્ચર્યાથી દેવતા પ્રસન્ન થયા અને તેને એક ફળ આપતા કહ્યું કે, જે પણ આ ફળને ખાશે તે અમર બની જશે. બ્રાહ્મણે એ ફળ લાવીને પોતાની પ્રિય પત્નીને આપ્યું.

બ્રાહ્મણ પતિ અને પત્ની ખૂબ જ ગરીબ હતા. એક સાંધો ત્યાં તેર તૂટે એવી સ્થિતિ હતી. અમર થઈને પણ તેમને તો તવંગરનું જ જીવન વિતાવવાનું હતું. બ્રાહ્મણીએ કહ્યું, ‘આપણે અમર થઈને શું કરીશું ? હંમેશાં ભીખ જ તો માગતા રહીશું. એના કરતાં તો મરી જાવું જ સારું. તમે આ ફળ લઈ અને રાજાને આપી દો અને ફળના બદલામાં કેટલુંક ધન માગી લો.’

બ્રાહ્મણે પોતાની પત્ની બ્રાહ્મણીની વાત માની લીધી અને રાજ મહેલમાં રાજા ભર્તુહરિને મળવા માટે પહોંચી ગયો. બ્રાહ્મણી સુધી જે વાત તેને ખબર હતી તે બધી મહારાજા ભર્તુહરિને કહી સંભળાવી.

ભર્તુહરિ ખુશ થઈ ગયો. ભાઈએ આટલા બધા રાજ્ય અને નાણા જીત્યા હતા તો ક્યાં વાપરશે ? આમ માની તેણે રાજ મહેલની વિશાળ તિજોરીમાંથી એક લાખ જેટલા રૂપિયા કાઢી બ્રાહ્મણને આપી દીધા. બ્રાહ્મણ ખુશ થઈ ગયો. તેણે રાજાને પ્રણામ કર્યા અને ત્યાંથી વિદાય લીધી.

મહારાજા ભર્તુહરિ પોતાની રાણીને ખૂબ જ પ્રેમ કરતો હતો. તેણે મહેલમાં જઈને એ ફળ તેને જ આપી દીધું. રાણીની મિત્રતા શહેરના રક્ષક સૈનિક સાથે હતી. તેણે એ ફળ શહેરના રક્ષકને આપી દીધું. રાણીને ખબર નહોતી પણ રક્ષક તો વેશ્યા પાસે રોજે જતો હતો. એ ફળ તેણે પોતાની પ્રિય વેશ્યાને આપી દીધું.

વેશ્યાને વિચાર આવી ગયો કે આ ફળ તો તેણે રાજાને જ આપી દેવું જોઈએ. રાજા અમર થશે તો રાજ્યમાં સુખ શાંતિ આવશે. એ રાજા ભર્તુહરિ પાસે ગઈ અને તેને ફળ આપી દીધું.

ભર્તુહરિએ તેને બ્રાહ્મણ કરતાં પણ વધારે ધન આપ્યું પણ જ્યારે ફળને આંખની નજીક લાવી તેનું અવલોકન કર્યું તો ચકિત્ત થઈ ગયો. આ એ જ ફળ હતું જે પેલા બ્રાહ્મણે તેને આપ્યું હતું. તેને ખોટું લાગી ગયું. જે પત્નીને તે પોતાના જીવ કરતાં પણ વધારે ચાહતો હતો તે અમર કરી દેતું ફળ તેણે ઠુકરાવી દીધું. તે તુરંત રાણી પાસે ગયો અને તેને ગુસ્સામાં પૂછ્યું, ‘મેં તને જે ફળ આપ્યું હતું તેનું તે શું કર્યું?’

રાણીએ ભર્તુહરિ સામે ખોટું બોલ્યું અને કહ્યું, ‘એ તો હું ખાઈ ગઈ. તમારી આજ્ઞાનું હું કોઈ દિવસ ઉલ્લંઘન થોડી કરું.’

રાજાએ તુરંત વેશ્યાએ આપેલું ફળ તેની આંખ સામે ધરી દીધું. રાણી શું બોલવું? શું કરવું? તેની મથામણમાં પડી ગઈ. ભર્તુહરિએ વાત કઢાવવા ઊંચા અવાજે બોલ્યું ત્યાં તો રાણી બકરીની જેમ બે-બે કરતા બધુ બકી ગઈ. ભર્તુહરિને મનમાં થઈ ગયું કે આ દુનિયા એક માયાજાળ છે. આમાં પોતાનું તો કોઈ છે જ નહીં. તે રાણીના ઓરડામાંથી બહાર આવ્યો અને ફળને પાણી વડે ધોઈ પોતે જ ખાઈ ગયો. ફળને પેટમાં પધરાવ્યા પછી તેણે રાજપાટ છોડી દેવાનો નિર્ણય લીધો. સાધુનો વેશ ધારણ કર્યો અને જંગલમાં તપ કરવા માટે નીકળી પડ્યો.

ભર્તુહરિના જંગલમાં જવાથી ગાદી રાજા વિનાની થઈ ગઈ. આ વાતની જ્યારે રાજા ઈન્દ્રને ખબર પડી તો તેણે એક દેવને ધારાનગરીની રખેવાડી કરવા માટે તાત્કાલિક મોકલી દીધો. એ દિવસ રાત ત્યાં જ રહેવા લાગ્યો અને રાજા વિનાના નગરની રક્ષા કરવા લાગ્યો.

ભર્તુહરિ હવે રાજા નથી. તે સાધુનો વેશ ધારણ કરી જંગલમાં તપ કરવા માટે ચાલ્યો ગયો છે. આ વાતની જ્યારે વિક્રમને ખબર પડી તો તે દોડીને પરત દેશમાં આવી ગયો. અડધી રાતનો એ સમય હતો. કોઈ દેખાતું ન હતું. અંધારી રાતમાં તમરાઓ બોલી રહ્યા હતા. ઘૂવડનો ઘૂઘૂઘૂઘ અવાજ આવી રહ્યો હતો. જંગલમાંથી શિયાળ બોલી રહ્યા હતા. નગરમાં પ્રવેશ કરવા વિક્રમ ગયો ત્યાં દેવે તેને રોકી લીધો.

રાજાએ કહ્યું, ‘હું વિક્રમ છું. આ મારું રાજ્ય છે. તું મને રોકવાવાળો કોણ ?’

ઈન્દ્રએ જે દેવને મોકલ્યો હતો તેણે વિક્રમને પોતાની ખરી ઓળખ આપતા કહ્યું, ‘મને રાજા ઈન્દ્રએ આ નગરની રખેવાડી કરવા માટે મોકલ્યો છે. તું જો સાચેક રાજા વિક્રમ જ હો તો આવ અને મારી સાથે યુદ્ધ કર. મને પરાજીત કર અને સાબિત કર કે તું જ સાચો વિક્રમ રાજા છો.’

બંને વચ્ચે યુદ્ધ થયું. રાજા અને દેવે એકબીજાની સામે પોતાના હાથ ભેગા કર્યા અને પછાડવા લાગ્યા. થોડી વારમાં જ દેવને જમીન પર પછાડી રાજા વિક્રમ જીતી ગયો.

દેવે પરાજય સ્વીકારતા કહ્યું, ‘હે રાજા, તે મને હરાવી દીધો. હું તને જીવનદાન આપતા એક રહસ્યમયી વાત કહું છું જે તારી સાથે બનવાની છે.’

દેવે વીર વિક્રમની પ્રશંસા કરી અને પછી ઉમેર્યું, ‘હે રાજા. એક નગરમાં અને એક જ નક્ષત્રમાં તમે ત્રણ માણસો પેદા થયા હતા. તે રાજાના ઘરે જન્મ લીધો. બીજાએ તેલીને ત્યાં અને ત્રીજો સિદ્ધ નીકળ્યો. તું અહીં રાજા બનીને રાજ કરે છે. તેલી પાતાળમાં રાજ કરે છે. સિદ્ધ ખૂબ જ ચાલાક નીકળ્યો. તેણે યોગ સાધના અને તપશ્ચર્યા કરી અને તેલીને મારી નાખવા માટે તૈયાર થયો, પણ તેલી ભાગી ગયો અને તે સ્મશાનમાં સિદ્ધવડના વૃક્ષ પર ઉલટો લટકી રહ્યો છે. હવે એ તને મારવા માટે ગમે તે કરી શકે છે. સાવધાન રહેજે રાજા.’

આટલું કહીને દેવ પરત ફર્યો.  તેમની વાત રાજાએ ગંભીરતાથી ન લીધી. તેને મનમાં એમ હતું કે દેવને પરાસ્ત કરનારા મને વળી કોણ પરાજીત કરે? રાજા પણ રાજમહેલમાં ચાલ્યો ગયો. તેમને પરત ફરેલા જોઈને લોકો ખુશ થઈ ગયા. નગરમાં આનંદ છવાઈ ગયો. ઉત્સવો મનાવવામાં આવ્યા.

(ક્રમશ:)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments