Homeવિશેષવિરાંગનાઓનો વારસો: દુર્ગાવતી જેણે બાજબહાદૂરની સેનાનો બે બે વખત સફાયો કરી પોતાની...

વિરાંગનાઓનો વારસો: દુર્ગાવતી જેણે બાજબહાદૂરની સેનાનો બે બે વખત સફાયો કરી પોતાની જૂતી ચાટતો કરી દીધો હતો

વિવેક: શ્રી રામ…જય રામ..જય..જય…રામ…દરેક વખતે સ્મશાનમાં સંભળાતી આ ધૂન 15 ફેબ્રુઆરીએ બપોરે સુરતના અશ્વિની કુમાર સ્મશાનગૃહમાં પણ સંભળાઈ…. એક માતા-પિતાએ વ્હાલસોઈ દિકરીને વિદાય કરતા જે આક્રંદ કર્યું એ ભલભલા પત્થર દિલને પીગળાવી દે તેવું હતું, જવતલ હોમવાને બદલે ઈજાગ્રસ્ત ભાઈએ વ્હાલસોયી બહેનને મુખાગ્નિ આપ્યો. ડોલી ઉઠવાને બદલે અર્થી ઉઠી. સંબંધીઓ ખુશીના પ્રસંગમાં સહભાગી થવાને બદલે માતમમાં આશ્વાસન આપવા આવ્યા. કારણ કે ઉજ્જવળ ભવિષ્યના ઓરતાઓની સાથે ગરદન પર છરી ફરી ગયા બાદ ગ્રીષ્મા વેકરિયા એવી ઢળી પડી હતી કે ક્યારેય ઉભી નહીં થાય.

સપનાની ઉડાન ભરતા પહેલા કારકિર્દી જ નહીં જિંદગી જ ક્રેશ થઈ ગઈ. ગ્રીષ્માને તો પોલીસ ઈન્સ્પેક્ટર બનવું હતું. લોકોની સુરક્ષામાં જીવન સમર્પિત કરવું હતુ. પણ હવે તો તેને એ સવાલ સાથે રંજ હશે કે મારી જિંદગી છીનવી લેનાર રાક્ષસ મારા સપનાઓને શું સાકાર થવા દેતો? એ રાક્ષસને તો હું મહા નિર્બળ, અતિ કાયર અને લબાડ તથા પુરૂષના નામ પર કાળો ડાઘ કહીશ, જેણે હાથમાં છરો લઈને પવિત્ર પ્રેમને બદનામ કરીને એક જિંદગી લઈ લીધી. ખુદની નસ કાપનાર અને ઝેરની ટીકડીઓ ખાનાર આટલેથી કેમ અટક્યો ભાઈ. બીજા ઘણા વિકલ્પો હતા મરવાના. સમગ્ર સમાજના ગુનેગાર ફેનિલ અને તેની કર્મકુંડળી વિશે વાત પછી ક્યારેક…

સુરતની ગ્રીષ્મા વેકરિયાની વિદાયનો આ ઘાવ એક પરિવારને નહીં સંપૂર્ણ સમાજને લાગ્યો છે. માત્ર મોબાઈલ ફોન, સોશિયલ મીડિયા અને આભાસી દુનિયાની બહાર ડોકિયું કરવું, માનવતા મરી પરવારી છે એવા મરશિયા ગાવા, યુવાનો કઈ દિશામાં જઈ રહ્યા છે તેવી ચિંતા કરવી, મનોરંજનના નામે કેવી વેબસિરિઝ, મૂવીઝ અને યુટ્યુબ વીડિયો બને છે એવી હૈયાવરાળ કાઢવી આ બધી જ ચિંતાઓ 12 ફેબ્રુઆરીથી લઈ આજ દિન સુધી અલગ અલગ રીતે આપણે વ્યક્ત કરી, સાંભળી અને જોઈ. પણ તમને લાગે છે કે આ પૂરતું છે ? આવું બોલ્યા અને લખી દેવાથી આવી ઘટનાઓ અટકશે? તમને અને મને, સૌ કોઈને ખબર છે કે આ ઉભરો એક બે અઠવાડિયા કે મહિનાઓમાં શમી જશે. અને ત્યાં સુધી ફરી નહીં આવે જ્યાં સુધી આવી બીજી કોઈ ઘટના ન ઘટે. ગુનાખોરી, સનકીપણું, દાદાગીરી, છીછરાપણું આ બધી જ બદીઓને દૂર કરવા માટે બદલાવવું પડશે.

પહેલા આપણે પોતે, પછી પરિવારે, ત્યારબાદ સમાજે અને અંતે સમગ્ર દેશે અને આ બદલાવનો પાયો છે આપણા આદર્શો, આપણા રોલ મોડેલ.
આદર્શોની પસંદગીમાં ખાસ માતાઓ અને બહેનોએ વધુ સાવચેતી રાખવાની છે, કારણ કે તેમને લપસાવવા માટેના કારણોનો રાફડો છે. ટેલિવિઝન, હોર્ડિંગ્સથી માંડી મોબાઈલના ઈન્કોગ્નિટો ટેબ સુધી સ્ત્રી તત્વને ઉઘાડું કરીને વસ્તુઓ અને સેવાઓ વેચવાની જે હોડ જામી છે તે બજારમાં જે તે કંપનીનું આર્થિક મૂલ્ય વધારી રહી છે પણ આપણા આદર્શ અને મૂલ્યોને ઘટાડી રહી છે. જે વસ્તુ અથવા સેવાને સ્ત્રીઓ સાથે કંઈ જ લેવા દેવા નથી તેમાં ગ્લેમર ફેક્ટર વાપરીને લોકોની નજર અને મનમાં સેક્સનું પાગલપન ઉભું કરવામાં માર્કેટિંગ ઈન્ડસ્ટ્રી પણ એટલી જ ગુનેગાર છે. સ્નાન સૂતકનો સંબંધ ન હોય તેવી વસ્તુઓ માટે ટૂંકા કપડા અને શરીરના ચોક્કસ અંગોનો સહારો કેમ લેવામાં આવે છે ? ખેર એ મુદ્દે પણ વિગતવાર ચર્ચા કરીશું.

આપણા દેશની કમનસીબી એ છે કે જે પોતાના સંતાનોનો યોગ્ય ઉછેર નથી કરી શક્યો તે આપણને સારા પેરેન્ટિંગની સલાહો આપે છે. બબ્બે જીવનસાથીને લગ્ન કરી રઝળતા મૂકનાર આપણને એકતાના સંદેશા આપે છે. સંતાનોના નામ આપણી સંસ્કૃતિના વિધ્વંશનો પ્રયાસ કરનાર આક્રાંતાઓ પર રાખનાર આપણી સ્ત્રીઓને ગર્ભવતી હોવા પર કાળજી કેમ રાખવી તેની સલાહો આપે છે. આવા તો અઢળક ઉદાહરણો છે પણ કુલ મળીને આ તમામનો સાર એટલો છે કે જેને આપણે આદર્શ માની બેઠા છીએ તેઓ આદર્શ બનવાને લાયક નથી..નથી અને નથી જ. એક સુનિયોજીત કાવતરાના ભાગ રૂપે આપણને સાચું શૌર્ય શીખવનાર એ ઈતિહાસના વીરપાત્રો આપણા અભ્યાસક્રમો જ નહીં પણ દૈનિક જીવનમાંથી પણ ભૂંસી દેવામાં આવ્યા છે. આવા જ કેટલાક નારીરત્નોની ગાથા ક્રમશઃ પ્રસ્તુત કરીશું જેને દરેક ભારતીય નારીએ જાણી અને જીવનમાં ઉતારવા જેવી છે.

સૌથી પહેલા વાત કરીએ રાણી દુર્ગાવતી વિશે,

વીરાંગના મહારાણી દુર્ગાવતીનો જન્મ 1524માં થયો હતો, તેમનું રાજ ગોંડવાનામાં હતું. ગોંડવાના એટલે આજનો છત્તીસગઢ, ઓરિસ્સા અને મધ્યપ્રદેશનો કેટલોક હિસ્સો. કાલિગંજરના રાજા કીર્તિસિંહ ચંદેદની એકમાત્ર પુત્રી દુર્ગાવતીના લગ્ન સંગ્રામ શાહના પુત્ર દલપત શાહ સાથે થયા હતા. કમનસીબે લગ્નના 4 વર્ષમાં જ દલપત શાહનું નિધન થયું અને ગઢમંડલાના શાસનની જવાબદારી દુર્ગાવતી પર આવી. અત્યારનું જબલપુર તેમના રાજ્યનું કેન્દ્ર હતું. અકબરની સલ્તન સામે લોઢું લેનાર દુર્ગાવતીની શૂરવિરતાને પહેલા અંગ્રેજો અને પછી વામપંથીઓ દ્વારા લિખિત ઈતિહાસમાંથી ભૂંસી નંખાઈ. અકબરના કડા માણિકપુરના સૂબેદાર ખ્વાજા અબ્દુલ મજીદ ખાંએ રાણી દુર્ગાવતી વિરૂદ્ધ અકબરને ઉકસાવ્યો.

અકબર અન્ય રાજપૂત ઘરાનાઓની જેમ દુર્ગાવતીને પણ જનાનખાનાની શોભા બનાવવા પર આવી ગયો. ભોગ-લુલુપ્તતામાં અંધ અકબરે વિધવા પર જુલ્મો શરૂ કર્યા, પણ આ તો દુર્ગાવતી નામની જેમ ચંડી બની શરણાગતીને બદલે રણભૂમિ પસંદ કરી. સ્વતંત્રતા અને સ્ત્રી અસ્મિતા માટે 1564માં યુદ્ધમેદાનમાં કેસરિયા કર્યા. દુર્ગાવતીનો દેહ પડ્યો પણ સ્વાભિમાન જોજનો ઉંચે ચડી ગયું.

રાણી રૂપમતીના પ્રેમમાં અંધ બનેલા ઢીલા નાડાના સૂબેદાર બાજબહાદુરે પણ રાણી દુર્ગાવતી પર ગંદી નજર નાખી હતી પણ આ તો ગઢમંડલાની સૌથી ધારદાર તલવાર દુર્ગાવતી હતી. બાજબહાદૂરની સેનાનો બબ્બે વખત સફાયો કરી તેને પોતાની જૂતી ચાટતો કરી દીધો હતો. 16 વર્ષ દુર્ગાવતીએ અદભુત શાસન કર્યું. આ સમયગાળામાં મંદિર, મઠ, કુવાઓ, વાવ અને ધર્મશાળાઓ બનાવી સનાતનનો પાયો પાક્કો કર્યો.

હવે પછી મુઘલ વંશના હુમાયું અને ગુજરાતના સુલ્તાન બહાદુર શાહને કૂનેહપૂર્વક એકબીજા સામે ભેરવી દેનાર રાણી કર્ણાવતી (કર્મવતી)ના વિચક્ષણ ચારિત્ર્યની વાત કરીશું. પણ અંતે બસ એટલું જ લખવું છે કે હું કોઈ ફેમિનિસ્ટ કે જાતિ વિશેષના ચશ્મા પહેરનાર નથી, પણ એક વાત ચોક્કસ માનું છું કે સ્ત્રી તત્વ પહેલથી જ વિશેષ છે, કારણ કે તમે જ માતા, બહેન, પત્ની કે કોઈપણ સંબંધમાં શક્તિના અવતાર રૂપે રહીને પુરૂષ જ નહીં પણ આખી પૃથ્વીને સંતુલિત રાખી શકો છે. માટે તમારો દરજ્જો સર્વોચ્ચ હતો, છે અને રહેશે. તેના માટે આત્મખોજ કરી, શક્તિઓને ઓળખી સાચી જગ્યાએ કામે લગાડવાની છે. બસ આટલી જ મારી વિનંતી છે.

(ક્રમશ:)

આપના પ્રતિભાવો માટે [email protected]

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments