ઝાલાવાડી જલજીરા: પુષ્પા ફિલ્મે લાંબા સમય પછી કોરોનાના કારણે કોમામાં ચાલ્યા ગયાની સિનેમેટિક ફિલીંગનું ફિલ્મ રસીકોમાં નવસર્જન કર્યું. થીએટરમાં સીટી મરાય, હોહો કરાય, વાહ વાહ કરાય, ગીત આવે તો નચાઈ… આવા થીએટરના ભીન્ન ભીન્ન લુપ્ત થયેલા સ્વરૂપોને પુષ્પા પાછી લાવી. દક્ષિણમાં તો આ બધુ જાન્યુઆરી 2021નાં આરંભમાં જ થઈ ચૂક્યું હતું. જ્યારે વિજયની માસ્ટર રિલીઝ થઈ હતી. પુષ્પા તો માસ્ટર પર શેરને માથે સવાશેર નીકળી. અલબત્ત મનોરંજનના મુદ્દે આર્ટિસ્ટિકલી આ ફિલ્મ હજુ પાછળ છે. અલ્લુ અર્જુન થકી પુષ્પા હિટ થઈ એટલે પ્રોડ્યુસર મનીષભાઈ મહેતાએ આલા વૈકુંઠપુરમુલુને રિલીઝ કરવાની તૈયારી કરી લીધી. 2020માં આ ફિલ્મ દક્ષિણમાં રિલીઝ થઈ ગઈ હતી, પણ આ તો શું સોના ભેગું ચાંદીય વેચાતું હોય તો ધંધો કરી લેવો જોઈએ.

આલા વૈકુંઠપુરમુલુ એ સીધી આપણને 90 અને 80ના દાયકાઓની ચવાય ગયેલી કથાસૃષ્ટીમાં લઈ જાય છે. જેમાં બાળક ખોવાઈ જાય તો ? બાળકની અદલાબદલી થઈ જાય તો? બાળક અનુમાન કરતા વિપરિત માનસિકતા ધરાવતું નીકળે તો? આવા બાળમાનસ પર ફિલ્મની બાળપટકથા પાપા પગલી કરે છે. બાળકોની અદલાબદલી પછી જે પારિવારિક સંઘર્ષનો પ્રસવ થાય છે એ મુખ્ય વિષયવસ્તુ આલા વૈકુંઠપુરમુલુ ફિલ્મનું છે.

અંગ્રેજી નવલકથા વાંચનારાઓને સલમાન રશ્દિનું નામ યાદ હશે. સલમાન રશ્દિએ 1981માં મીડનાઈટ ચિલ્ડ્રન નામની નવલકથા લખેલી. જેને એકના વિનાનું બે-બે વખત બુકર પ્રાઈઝ પ્રાપ્ત થયું હતું. એ નવલકથામાં મેજીક રિયાલિઝમ છે. જેમાં બાળકોની અદલાબદલીનું પણ એક પ્રકરણ છે. ગરીબ અમીર બને અને અમીર ગરીબ બને. લાંબીલચ નવલકથા ન વાંચી હોય તો મિડનાઈટ ચિલ્ડ્રન્સ નામની દીપા મહેતાની એક ફ્લોપ ફિલ્મ પણ બનેલી. એ જોઈ લેવી. એટલે કથાવસ્તુથી જ્ઞાત થઈ જશો. એ પણ ન કરવું હોય તો વીકિપીડિયાની પ્લોટ સમરી વાંચી લેવી.

આલા વૈકુંઠપુરમુલુની અદલા બદલી હાસ્ય જન્માવવા માટે છે. જે ઉપજતું નથી. છીછરું હાસ્ય લાગે છે. એક્શન દૃશ્યોનો અતિરેક તો અલ્લુની હરેક ફિલ્મની જેમ ઘઉં ભેગા કાંકરા પણ આવે એમ છે. પ્રથમ દૃષ્ટીએ આ આખી ફિલ્મ અલ્લુ અર્જુનને જ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી છે. કદાચ લખતી વખતે દિગ્દર્શક-લેખક ત્રિવિક્રમ શ્રીનિવાસનના મગજમાં હીરો અલ્લુ અર્જુન જ ઘુમતો હશે. પુષ્પાનો અલ્લુ અર્જુન જેટલો ગમે છે તેનાથી વિપરિત પુષ્પાની અલ્લુ અર્જુનની છબીને આલા વૈકુંઠપુરમુલુ ફિલ્મ ઝાંખી પાડી દે છે. આપણે મનને મનાવતા મનાવતા ફિલ્મ પૂર્ણ કરવી પડે છે.

ગળે ન ઉતરતી પ્રેમ કહાની. બળજબરીપૂર્વક ઘુસાડવામાં આવેલા કેટલાક પાત્રો. જ્યાં એકથી કામ પતતું હોવા છતાં બે પાત્રોનો કરેલો પ્રયોગ. દરેક દૃશ્યને અલ્લુ અર્જુનનો પ્રથમ વખતનો એન્ટ્રી સીન બનાવી રજૂ કરવાની દક્ષિણીકળા. સહિયર કે મધુરિમા પૂર્તિમાં આવતા પતિ પત્નીના વણસેલા સંબંધોથી પણ ઉતરતી કક્ષાની પેટા વાર્તા. પુત્રોની અદલાબદલીની માફક પ્રેમીકાઓમાં પણ ગરમ મસાલા પ્રકારનું ચણતર કામ. ઓ…. ભાઈ સાહબ મેં તો ફિરસે થક ગયા!

ફિલ્મ ગમે તેના બે ગીતોના કારણે અને એ પણ તેલુગુ ભાષાના ગીતોના કારણે, હિન્દીમાં અનુવાદ તો દુર્બળ છે. જો વિલન અનુપસ્થિત રાખવામાં આવે છે તો આ ફિલ્મની વાર્તા આગળ વધી જ નથી શકતી. બે ત્રણ વખત તો મેં ખૂદ ભેજુ દોડાવ્યું કે વિલન શ્રી ન હોય તો આ ફિલ્મનું શું થાય? સૌ સારા વાના થાય. ફિલ્મ બને જ નહીં.

દર્શક પ્રતીક્ષા કરે છે કે ફિલ્મ કોઈ એવી ચર્ચા કરે જે વાસ્તવિક હોય પણ ફિલ્મ એ મનમાની ઉપર ઉતરી આવે છે કે જોનાર મૂર્ખ હોવા છતાં તેને બુદ્ધિમાન હોવાનો અહેસાસ કરાવે છે. છૂટક છૂટક દૃશ્યો માટે દિગ્દર્શક ત્રિવિક્રમે પરચૂરણ હાસ્ય કલાકારો લીધા છે. જે એમના ક્ષેત્રમાં ખમતીધર છે. એ ખૂદ પોતાના પાત્રને ઉપસાવે ત્યાં તેમનું કામ પૂર્ણ થઈ જાય છે. દિગ્દર્શક આપણને મોટા ચહેરા દેખાડે છે તેમનું મોટું કામ નથી દેખાડતા. અંતે તો મિર્ઝાપુરની ઝરીના બેગમ કહે છે એમ: ‘છી…’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત