Team Chabuk-Gujarat Desk: હરિયાણાના હિસાર જિલ્લામાં શિક્ષા વિભાગ દ્વારા શહીદ જવાનના સન્માનની સાથે રમત રમવામાં આવી છે. કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા શ્રી મહાબીરસિંહ બુરાનું નામ તેમના ગામ ધિરાયના સરકારી ગેટ પરથી હટાવી દેવામાં આવ્યું છે. પહેલા આ ગેટ પર શાળાનું નામ શહીદ મહાબીરસિંહ રાજકીય ઉચ્ચ વિદ્યાલય લખેલું રહેતું હતું અને આ જ નામ હરિયાણા વિદ્યાલય શિક્ષા બોર્ડના રેકોર્ડમાં પણ છે. જોકે હવે શહીદ મહાબીરસિંહનું નામ હટાવી દેવામાં આવ્યું છે. સ્કૂલ પ્રશાસન દ્વારા લેવામાં આવેલા આ પગલાનો ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે.

શહીદ મહાબીરસિંહના પુત્ર કરણસિંહે દુખ વ્યક્ત કરતા કહ્યું કે, પિતાજીએ કારગિલના યુદ્ધમાં શહીદી વહોરી હતી. પણ હવે તેમના નામને જ સમાપ્ત કરવામાં આવી રહ્યું છે. આ એક શહીદનું અપમાન છે. ગામના લોકો પણ શહીદનું નામ શાળાના ગેટ પરથી હટી જતા નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ગામના લોકો આ માટે શાળામાં પહોંચ્યા હતા અને શિક્ષકની સાથે વાત કરી હતી. ગ્રામીણ લોકોએ ચીમકી ઉચ્ચારી હતી કે, જો જલ્દીથી નામ ફરી લગાવવામાં નહીં આવે તો આંદોલન કરીશું.

બીજી બાજુ શાળાના મુખ્ય શિક્ષક હેડ માસ્તર રોહતાશ કુમારે કહ્યું કે, હું શહીદોનું સન્માન કરું છું. મેં થોડા સમય પહેલા જ અહીં જોઈનિંગ કર્યું છે. આમાં મારી કોઈ ભૂલ નથી. નામ શા માટે હટાવવામાં આવ્યું છે અને તેની પાછળનું કારણ શું છે તે વિશે હું નથી જાણતો. અમને જે આદેશ મળ્યા છે તે પ્રકારે અમે શાળાના ગેટ પરથી નામ બદલાવી રહ્યા છીએ. આમાં અમારી કોઈ ભૂલ નથી. આ શિક્ષણ વિભાગનો મુદ્દો છે. અમને જે લેખિત આદેશ આપવામાં આવ્યા છે અમે તેનું પાલન કરી રહ્યા છીએ.

શહીદ મહાબીરસિંહ બૂરા જાટ રેજિમેન્ટમાં હવાલદાર પદ પર હતા. 1999ના કારગિલ યુદ્ધ દરમ્યાન પોતાની ટૂકડીને લીડ કરતા સમયે દ્રાસ એરિયામાં ગોળી લાગવાથી તેઓ શહીદ થયા હતા. તેમના નિધન બાદ ગામમાં શહીદ સ્મારક પણ બનાવવામાં આવ્યું હતું. ગામની શાળાનું નામ, સ્ટેડિયમ, રસ્તો, ગ્રંથાલય તમામ જગ્યાઓના નામ શહીદના નામ પર રખાયા હતા.

બે દિવસ પહેલા તેમના પુત્રએ જોયું કે તેમના પિતાનું નામ શાળાના ગેટ પરથી હટાવી દેવામાં આવ્યું છે. તેમના પુત્રને ખૂબ દુખ થયું છે. તેની માતા એટલે કે શહીદના પત્નીને પણ આ અંગે જાણકારી નથી. શહીદ મહાબીરના પુત્ર કરણસિંહનું કહેવું છે કે, પિતાનું નામ હટાવી દેવામાં આવ્યું તે વિષે જો માતાને ખબર પડશે તો એ વધારે દુ:ખી થશે, કારણ કે પિતાએ દેશ માટે કુરબાની આપી હતી. સરકારે આ ઘટના તરફ ધ્યાન આપવું જોઈએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત