Team Chabuk-Cinema Desk: કન્નડ ફિલ્મ ઉદ્યોગ જગતના ખ્યાતનામ કલાકાર પુનીત રાજકુમારનું શુક્રવારના રોજ હ્રદયરોગના હુમલાના કારણે નિધન થઈ જતાં દક્ષિણ ફિલ્મ ઉદ્યોગ જગત અને તેમને ચાહનારાઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેઓ માત્ર 46 વર્ષના હતા. તબિયત નાદુરુસ્ત થયા બાદ તેમને બેંગ્લોરની વિક્રમ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર પુનીત રાજકુમારને વર્ક આઉટ દરમ્યાન હ્રદયરોગનો હુમલો આવ્યો હતો, જે પછી તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.

બોલિવુડ સહિત તમામ ફિલ્મ ઉદ્યોગ જગતમાં કામ કરનારા કલાકારો પોતાના સ્વાસ્થ્યને લઈ અતિ ગંભીર હોય છે. જીમમાં જવાથી લઈને પોતાના ખાનપાન પર તેઓ વિશેષ ધ્યાન આપે છે. સમયાંતરે ડોક્ટરની પાસે જઈ શરીરનું પરીક્ષણ પણ કરાવતા રહેતા હોય છે. છતાં કેટલીય વખત દારૂ, ધૂમ્રપાન, ભોજનની અવ્યવસ્થાની સાથે મહત્તમ પ્રમાણમાં કસરત કરવાથી કેટલાય કલાકારોને હ્રદયની બીમારીનો સામનો કરવો પડે છે. છેલ્લા પાંચ વર્ષમાં જ આ કારણે ત્રણ મોટા કલાકારોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાંથી ત્રણનું નિધન તો 2021ની સાલમાં જ થયું છે.
અબીર ગોસ્વાની
અબીર ગોસ્વાને પ્યાર કા દર્દ હૈ મીઠા-મીઠા, કુસુમ જેવી ટીવી સીરિયલમાં અભિનય કરતા જોયા હશે. મે 2013માં અબીરને હ્રદયરોગનો હુમલો આવ્યો હતો. તેમની વય માત્ર 37 વર્ષની હતી. જે સમયે તેને હ્રદયરોગનો હુમલો આવ્યો ત્યારે તેઓ ટ્રેડમિલ પર દોડી રહ્યા હતા.
સિદ્ધાર્થ શુક્લા
આ વર્ષે જ 2 ઓક્ટોબરના રોજ સિદ્ધાર્થ શુક્લાનું હ્રદયરોગના કારણે નિધન થયું. સિદ્ધાર્થ 40 વર્ષના હતા. સિદ્ધાર્થ પોતાના સ્વાસ્થ્યને લઈ હંમેશાં સતર્ક રહેતો હતો. તેણે જીમમાં જવાનો એક પણ દિવસ બાકાત નહોતો રાખ્યો. તોપણ હ્રદયરોગના હુમલાના કારણે તેમનું નિધન થયું.

રાજ કૌશલ
મંદિરા બેદીના પતિ રાજ કૌશલ જાણીતા ફિલ્મ નિર્માતા હતા. 30 જૂન 2021ના રોજ હાર્ટ અટેકથી તેમનું નિધન થયું. રાતના તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમની આયુ 50 વર્ષની હતી.
ઈન્દર કુમાર
હિન્દી સિનેમાના અભિનેતા ઈન્દર કુમારનું 44 વર્ષની વયે 28 જુલાઈ 2017ના રોજ હ્રદય રોગના હુમલાથી નિધન થયું હતું. વર્ષ 2011માં એક ફિલ્મની શૂટિંગ દરમ્યાન તેઓ હેલિકોપ્ટર પરથી સીધા જમીન પર પડી ગયા હતા અને અહીંથી જ તેમના જીવનમાં અડચણો શરુ થઈ હતી.

ડોક્ટર શું કહે છે?
ફિટનેસ ધરાવતા હોવા છતાં કેટલાક અભિનેતાઓ હ્રદય રોગની બીમારીથી પીડાઈને મરી રહ્યા છે. આ અંગે વરિષ્ઠ કાર્ડિયોલોજીસ્ટ ડો. સૌરભ સચાનનું કહેવું છે કે, વધારે પડતું જીમ કરવાથી શરીર પર વધારાનું દબાણ પડે છે. શરીરની સહનશક્તિ કરતા અતિરિક્ત દબાણ પડવાના કારણે હાર્ટઅટેકનો ખતરો વધી જાય છે. પણ માત્ર કસરત જ તેની પાછળનું જવાબદાર કારણ નથી. જીવનશૈલીની ખરાબ આદતો અને દારૂ, ધુમ્રપાન, ખાન-પાનમાં અવ્યવસ્થાને કારણે પણ હાર્ટ અટેક, કાર્ડિયક અરેસ્ટ અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.
મનોવૈજ્ઞાનિક શું કહે છે?
મનોરોગ વિશેષજ્ઞ ડો. સત્યકાંત ત્રિવેદી કહે છે, ફિટનેસનું વળગણ અભિનેતાઓમાં હ્રદયની ઘાત અને કાર્ડિયક અરેસ્ટ જેવી સમસ્યાઓમાં વધારો કરે છે. પણ તેની પાછળ મનોવૈજ્ઞાનિક કારણ પણ છે. મોટાભાગના અભિનેતાઓ અને સેલિબ્રિટીઓ કામમાં ગળાડૂબ રહેતા ઉંઘ પૂર્ણ નથી કરી શકતા. તેમને રાતભર જાગીને શૂટિંગ કરવું પડે છે. જેથી ઉંઘનું ચક્ર પૂર્ણ નથી થતું.

ફિટનેસ ટ્રેનરોનું શું માનવું છે?
બીજી બાજુ ફિટનેસ ટ્રેનરો એમ પણ કહે છે કે, ફિટનેસ સારી બાબત છે, પણ ફિટનેસની ઘેલછા એ નુકસાનકારક છે. જીમમાં પ્રવેશ કરનારા સૌને એક જ સલાહ આપવામાં આવે છે કે તમે તમારી ક્ષમતા અને તાકતને સમજીને વ્યાયામ કરો.
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ