Homeગામનાં ચોરેટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા પછી CEO જેક ડોર્સીએ શું કહ્યું ?

ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા પછી CEO જેક ડોર્સીએ શું કહ્યું ?

Team Chabuk- International Desk: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. ભડકાઉ ભાષણના કારણે ફેસબુક, ટ્વિટર જેવા મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે ટ્રમ્પના ઓફિશિયલ એકાઉન્ટ બંધ કરી દીધા છે. જો કે ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ બંધ કરીને હવે ટ્વિટરના કર્તાહર્તા જેક ડોર્સી પસ્તાવો કરી રહ્યા છે. ટ્વિટરના ફાઉન્ડર અને સીઆઈઓ જેક ડોર્સીએ ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા બાદ હવે કહી રહ્યા છે કે અમારી સામે પરિસ્થિતિ જ એવી ઉભી થઈ ગઈ હતી કે અમારે તમામ ધ્યાન લોકોની સુરક્ષા પર કેન્દ્રીત કરવું પડ્યું. અને આ અસામાન્ય અને મુશ્કેલભરી પરિસ્થિતિમાં એકાઉન્ટ સસ્પેન્ડ કરવું પડ્યું. જેક ડોર્સીએ ટ્વિટરના આ નિર્ણયનો બચાવ પણ કર્યો હતો.

મજબૂરી અને અફસોસ

જેક ડોર્સીએ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ બંધ કરવું એક રીતે ટ્વિટરની અસફળતા પણ છે કેમકે અમે ટ્વિટર પર સ્વસ્થ વાર્તાલાપને પ્રોત્સાહન આપવા પૂરતા પગલાં ન લઈ શક્યા. ડોર્સીએ એકાઉન્ટ સસ્પેન્ડ કરવા પાછળ પોતાની મજબૂરી જણાવતા આ નિર્ણય બદલ અફસોસ પણ વ્યક્ત કર્યો.

6 જાન્યુઆરીએ અમેરિકામાં કેપિટલ હિલમાં ઘુસીને ટ્રમ્પ સમર્થકોએ ધાંધલ ધમાલ મચાવી હતી. આ હોબાળામાં પાંચ લોકોના મોત પણ થયા હતા. જો બાઈડેનની જીત પર મુહર લાગવાની હતી તે સમયે ટ્રમ્પના સમર્થકોએ આ જીતને રોકવા માટે હિંસા ચાલુ કરી દીધી હતી. આ સમગ્ર ઘટના બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પર વિશ્વભરમાંથી ટીકાઓનો વરસાદ થયો હતો. જેમાં ટ્વિટરે પણ કડક પગલાં ભરીને ડોનાલ્ડ ટ્રમ્પનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું હતું. ટ્વિટરે બેન લગાવવાની શરૂઆત કર્યા બાદ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, સ્નેપચેટ અને યુટ્યુબે પણ લોકોની સુરક્ષાનું કારણ આગળ ધરીને ટ્રમ્પના એકાઉન્ટને સસ્પેન્ડ કરી દીધા હતા.

ટ્રમ્પને ઘણી વખત ચેતવણી આપીઃ જેક ડોર્સી

ડોનાલ્ડ ટ્રમ્પના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બેન લગાવવાની શરૂઆત કરનાર ટ્વિટરના સીઈઓ જેક ડોર્સીએ એકાઉન્ટ સસ્પેન્ડ કરવાને લઈને ઘણા ટ્વિટ કર્યા છે. ડોર્સીએ આ ટ્વિટના માધ્યમથી ચોખવટ કરી છે કે ટ્રમ્પના એકાઉન્ટ બેન કર્યા બાદ કોઈ ઉજવણી નથી કરી રહ્યા કે નથી કોઈ પ્રકારનો ગર્વ અનુભવી રહ્યા. ડોર્સીએ સ્પષ્ટ કર્યું કે ટ્રમ્પને ઘણી વખત ચેતવણી આપી હતી તેમ છતાં તેમનું આ પ્રકારનું વર્તન ચાલુ રહેતા તેમના ટ્વિટર એકાઉન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.

આ પ્રકારનો પ્રતિબંધ ભયાનકઃ જેક ડોર્સી

જેક ડોર્સીએ એ પણ સ્વીકાર્યું કે ટ્રમ્પના એકાઉન્ટ પર બેન લાગ્યા બાદ હવે ઘણા અંશે ખરાબ પરિણામ પણ આવી શકે છે. જેક ડોર્સીનું માનવું છે કે આ પ્રકારની કાર્યવાહી કરવાથી લોકસંવાદમાં અડચણો ઉભી થાય છે જે આપણને વહેંચી નાખે છે. જેક ડોર્સી કહે છે કે આ પ્રકારનો પ્રતિબંધ લગાવવાથી વૈશ્વિક સંવાદના એક હિસ્સા પર કોઈ એક વ્યક્તિ કે કંપનીનું નિયંત્રણ મજબૂત થાય છે અને મને લાગે છે કે તે ભયાનક છે.

ટ્વિટરના સીઈઓ જેક ડોર્સી માને છે કે ટ્વિટરે ટ્રમ્પના એકાઉન્ટને સસ્પેન્ડ કર્યા બાદ અન્ય સોશિયલ પ્લેટફોર્મે પર ટ્રમ્પના એકાઉન્ટ બંધ કરી દીધા હતા અને આમ થવાથી તેમનું મનોબળ મજબૂત થયું હતું. જેક ડોર્સીએ એ પણ કહ્યું કે લોકો જો અમારા નિયમો સાથે સહમત ન હોય તો બીજા પ્લેટફોર્મ તરફ જઈ શકે છે.

સેન્સરશિપ

ડોર્સી કહે છે કે, આ રીતે એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવો એક ક્ષણ માટે સાચો હોઈ શકે છે પરંતુ લાંબા સમય માટે આ નિર્ણય મુક્ત ઈન્ટરનેટ વ્યવસ્થાના આદર્શ માટે વિનાશકારી હશે. ડોર્સીએ કહ્યું કે, કોઈ કંપની તરફથી બનાવવામાં આવતા નિયમો અને સરકારની સેન્સરશિપ વચ્ચે અંતર હોય છે પરંતુ ઘણી વખત બન્ને સમાન લાગે છે.

વધુ પારદર્શી થવું પડશેઃ જેક ડોર્સી

ટ્વિટરના સીઈઓ કહે છે કે અમારે એ વાત સ્વીકારવી પડશે કે હાલ સમય અનિશ્ચિતતાઓ અને સંઘર્ષથી ભરેલો છે પરંતુ અમારી કોશિશ એ જ હશે કે લોકોની વચ્ચે અંદરો અંદર સમજદારી વધે અને શાંતિપૂર્ણ માહોલને પ્રોત્સાહિત કરીએ. અમારે વધુ પારદર્શી થવું પડશે.

ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર એકાઉન્ટને બંધ કરી દીધા બાદ ટ્વિટર પર સેન્સરશિપનો પણ આરોપ લાગ્યો હતો. ટીકાકારોનું કહેવું છે કે, હવે ગણ્યા ગાઠ્યા લોકો એ નક્કી કરશે કે લોકોએ ઈન્ટરનેટ પર શું મૂકવું અને શું ન મૂકવું. ઘણા લોકો કહી રહ્યા છે કે આ પ્રકારની કાર્યવાહીથી અભિવ્યક્તિની સ્વતંત્રતા અને અધિકારોનું ઉલ્લંઘન થાય છે.

ટ્વિટરે ટ્રમ્પનું એકાઉન્ટ બંધ કર્યા બાદ જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ અને મેક્સિકોના રાષ્ટ્રપતિએ પણ આ નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. આમ ટ્વિટરના આ નિર્ણયની ઘણા લોકો ટીકા કરી રહ્યા છે તો ઘણા લોકો વખાણી પણ રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments