Homeવિશેષઅષ્ટાંગયોગ અને વિન્યાસયોગમાં શું ભેદ છે?

અષ્ટાંગયોગ અને વિન્યાસયોગમાં શું ભેદ છે?

Team Chabuk-Special Desk: યોગની અસંખ્ય શાખાઓ છે. અઢળક અભ્યાસુઓ છે. એમાંની ખૂબ પ્રચલિત અને વર્તમાન સમયે ચલણમાં હોય તેવી બે શાખાઓ એટલે અષ્ટાંગ યોગ અને વિન્યાસ યોગ. યોગનો અભ્યાસુ ન હોય એ વ્યક્તિ જુએ તો પ્રથમ દૃષ્ટીએ તેને એવું જ લાગવાનું છે કે આ બંને એક છે. બંને એક નથી. ઘણો તફાવત છે. અષ્ટાંગ યોગમાં એક ક્રમનું પાલન કરવાનું હોય છે. જેમાં યોગનું એક ચરણ બીજા ચરણમાં જવા માટે મદદ કરે છે. જેનાથી તદ્દન અલગ. વિન્યાસ યોગમાં તમામ આઠ ચરણોને આરંભથી અંત સુધી સમગ્ર અભ્યાસમાં એકીકૃત અને સમાવેશી દૃષ્ટીકોણથી જોડવામાં આવે છે.

સંસ્કૃત શબ્દ અષ્ટાંગ “અષ્ટ” પરથી આવ્યું છે. જેનો અર્થ થાય છે આઠ અને અંગનો અર્થ થાય છે ભાગ. આઠભાગ. જેનો ઉપયોગ યોગ શબ્દની સાથે કરવામાં આવે છે. યોગના અભ્યાસમાં જે આઠ ચરણો હોય છે તેને સંદર્ભિત કરવામાં અષ્ટાંગનો ઉપયોગ થાય. પતંજલિ યોગસૂત્રના આ આઠ ચરણ એટલે કે યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. જેને બે સમૂહમાં વિભાજીત કરવામાં આવે છે. એકથી પાંચ ચરણને “સાધના પાદ”ના રૂપથી ઓળખવામાં આવે છે. જ્યારે છથી આઠ ચરણને “વિભૂતિ પાદ”ના સ્વરૂપે ઓળખવામાં આવે છે. અષ્ટાંગ યોગને એક ક્રમમાં કરવાનો હોય છે. જેવી રીતે એકમાંથી બીજામાં પ્રવેશવાનું.

પ્રથમ બે ચરણ એટલે કે યમ અને નિયમમાં અભ્યાસકર્તાને શાંત મગજ, સકારાત્મક દૃષ્ટીકોણ, સમયની પાબંદી અને તપશ્ચર્યા પર આધારિત એક અનુશાસિત જીવનશૈલી વિકસિત કરવામાં મદદ કરે છે. જે તેને ત્રીજા ચરણ માટે તૈયાર કરશે. આસન શરીરની સૂક્ષ્મ પ્રણાલીઓને ખોલવાનું કામ કરે છે. વિભિન્ન ગ્રંથીઓના સ્ત્રાવને ઉત્તેજીત કરે છે. પ્રત્યેક આસન કે અભ્યાસના ભાગને શરીરના વિભિન્ન ભાગ પર પોતાનું ધ્યાન ક્રમિક રીતે કેન્દ્રિત કરવાનું છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે વિશિષ્ટ આસન માટે વિશિષ્ટ સ્થિતિઓનું પાલન કરવામાં આવી રહ્યું છે. ઉદાહરણ તરીકે : પગ સમાંતર, પેટ અંદર ખેંચાયેલું, ખભા પાછળ.. આવું કરતો અભ્યાસકર્તા હકીકતમાં તો મનને કેટલીક સેકન્ડો માટે સ્થિર રહેવાને પ્રશિક્ષિત કરતો હોય છે.

ચોથું અને પાચમું ચરણ બહારની ઈન્દ્રિયો કે સંવેદી ઈનપુટને પરત લેવા માટે છે. પ્રાણાયમમાં ધ્યાનને બહારની વસ્તુઓથી હટાવીને શ્વાસને અંદર-બહાર થનારી ગતિવિધિઓ પર કેન્દ્રિત કરવાનું હોય છે. આ ક્રિયા બહારની દુનિયા સાથેના સંબંધોને તોડે છે. ધ્યાનને આંતરિક બનાવે છે અને શ્વાસના લયને નિયમિત કરે છે. જે વ્યક્તિને કોઈ અનુભૂતિમાં પ્રત્યાહાર માટે સજ્જ કરે છે. સ્વાદ, સ્પર્શ, દૃષ્ટી, શ્રવણ અને ગંધની ઈન્દ્રિયો મસ્તિષ્કમાં પોતાનું જ્યાં સ્થાન છે એ કેન્દ્ર સુધી પહોંચતી નથી. આ ચરણ જો પૂર્ણ થાય તો આપણે સાધના પદને પૂર્ણ કરી લીધું છે એમ કહેવાય. સાધના ચરણના અભ્યાસથી પ્રાપ્ત લાભોની અનુભૂતિ અને ઉપયોગ આગામી ચરણમાં થાય છે. જેથી આ ચરણને વિભૂતિ ચરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં પણ કુલ ત્રણ ચરણ છે.

ashtangayog

અષ્ટાંગની માફક વિન્યાસ પણ એક સંસ્કૃત શબ્દ છે. જેનો અર્થ થાય છે પ્રવાહ કે સંબંધ. અથવા તો એક નિશ્ચિત પદ્ધતિથી જગ્યા બનાવવી. પશ્ચિમમાં આજકાલ વિન્યાસ યોગ કરવાની એક ફૅશન બની ગઈ છે. જોકે એ ફૅશનલીલા નથી. તંદુરસ્તી માટે પશ્ચિમ હવે ભારતના યોગાસનો પર ધ્યાન કેન્દ્રિત કરતું થયું છે. વિન્યાસ પ્રત્યેક મુદ્રામાં શ્વાસ લેવો અને છોડવો એવી આંદોલિત કરતી પ્રક્રિયાને સિંક્રનાઇઝ કરે છે. વિન્યાસના આસનો પ્રવાહીત ક્રમમાં “મુદ્રાથી મુદ્રા”માં એક સહજ સંક્રમણ જેવું કાર્ય કરે છે. વિન્યાસ એ હઠયોગની માફક જ એક નિશ્ચિત પ્રકારનો યોગક્રમ છે. વિન્યાસથી શરીર મજબૂત બને છે. શરીરમાં લચીલાપણું આવે છે. મનને શાંત કરે છે. ધ્યાન કેન્દ્રિત કરવામાં ઉપયોગી છે. શ્વાસના નિયંત્રણની સાથે તેને ફ્લોમાં કરવામાં આવે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments