Homeવિશેષજ્યારે સલમાન રશ્દીને તેના મિત્રએ કહ્યું, ‘તારી પર ગેબ્રિયલ ગાર્સિયા માર્કવેઝની ઘેરી...

જ્યારે સલમાન રશ્દીને તેના મિત્રએ કહ્યું, ‘તારી પર ગેબ્રિયલ ગાર્સિયા માર્કવેઝની ઘેરી અસર છે…’

વિજય સોની: “બોર્હેસ અને હું” નામે બોર્હેસની એક વાર્તા છે, જેમાં કથક પોતાના એટલે કે બોર્હેસનાં આંતરિક અને બાહ્ય વ્યક્તિત્વને દૂર રહીને નિરીક્ષે છે. બોર્હેસ પોતાના ગમાં-અણગમાં તપાસે છે. એક્ઝેટલી એ જ શીર્ષક સાથે અજય સરવૈયાએ લિટરરી ક્રીટીસીઝમનું એક પુસ્તક લખ્યું છે. અત્યારે મને એ એટલાં માટે યાદ આવ્યું, કારણ કે સલમાન રશ્દીએ “ગાબો એન્ડ આઈ” (“ગાબો” એ કોલમ્બિયન લેખક ગેબ્રિયલ ગાર્સિયા માર્કવેઝનું હુલામણું નામ છે) નામે માર્કવેઝનાં સાહિત્ય અને માર્કવેઝ સાથેનાં પોતાના પરિચય વિશે એક રસપ્રદ નિબંધ લખ્યો છે.

salman rushdie

સલમાન રશ્દીએ 27 વર્ષની ઉંમરે પહેલી નવલકથા “ગ્રીમસ” લખી ત્યારે એ વાંચીને એમનાં એક મિત્રએ કહ્યું કે, “તારી પર ગેબ્રિયલ ગાર્સિયા માર્કવેઝની ઘેરી અસર છે.” આ 1975ની વાત છે જ્યારે માર્કવેઝની મહાનવલ “વન હન્ડ્રેડ યીર્સ ઓફ સોલિટ્યુડ”ની ગ્રેગરી રબાસા દ્વારા અનુવાદિત અંગ્રેજી આવૃત્તિ પ્રગટ થયે પાંચ વર્ષ થઇ ચુક્યા હતા. અને એ કૃતિની મૂળ સ્પેનિશ આવૃત્તિ એનાં ત્રણ વર્ષ પહેલા પ્રકાશિત થઇ ચુકી હતી. પણ રશ્દીએ માર્કવેઝનું નામ સાંભળ્યું ન હતું. મિત્રએ રશ્દીને લગભગ ધમકાવતા કહ્યું કે “ડોન્ટ બી મોરોન, તું જા અને માર્કવેઝની વન હન્ડ્રેડ યીર્સ ઓફ સોલિટ્યુડ લઈ આવ.” રશ્દી કહે છે કે મેં એ નવલકથા વાંચવાની શરૂ કરી અને હું એનાં પ્રેમમાં પડી ગયો. એમણે નવલકથાનો એક પેરેગ્રાફ ટાંક્યો છે, એ કહે છે કે, “જાણે એ પેરેગ્રાફ મેં વાંચ્યો નહીં પણ સાંભળ્યો.”

“જ્યારે બહુ વર્ષો પછી કર્નલ ઓરેલિનોને ગરમીનાં દિવસોમાં યાદ આવ્યું કે એનાં પિતા એને બરફ જોવા માટે લઈ જતાં હતાં. અને એ સમયે મકોન્ડો ગામમાં માત્ર વીસ ઘરો હતા. ગામને પાદરેથી નદી વહેતી હતી અને નદીને કિનારે સફેદ ચમકતાં મોટા મોટા પથ્થરો હતા, જે પ્રાગૈતિહાસિક સમયના ઈંડા જેવા લાગતા. દુનિયા જાણે હજી હમણાં જ જન્મી હતી અને ઘણી બધી વસ્તુઓનાં હજી નામ પડ્યા ન હતા. વસ્તુઓ પીન-પોઈન્ટ કરવા માટે એ જોવા જ જવું પડતું.”

રશ્દી કહે છે કે મેં એ નવલકથા ખરીદીને વાંચી એ દિવસ અને તારીખ એનાં પ્રથમ પેજ પર લખી રાખી છે. પછી એ નવલકથાની ઘણી બધી પ્રત મેં ખરીદી. વાંચી. બીજાઓને ભેટ આપી. હું બિલકુલ ખુલ્લા દિલથી અને બાળક જેવી નિર્દોષતાથી એ ટેક્સ્ટ પાસે ગયો હતો મને લેટિન અમેરિકન સાહિત્ય વિશે કોઈ જાણકારી ન હતી. મને એ ટેક્સ્ટની રમૂજ અને સરળતા હૈયે વસી ગઈ હતી. નવલકથામાં એક જગ્યાએ નાયક અનેક સંશોધન પછી એનાં બાળકોને કહેતો હોય છે કે, “પૃથ્વી નારંગી જેવી ગોળ છે.” (નાના હતા ત્યારે લગભગ આપણે બધા ભૂગોળ ભણતી વખતે આ ભણ્યા છીએ) પણ નાયકનું આ નિવેદન સાંભળીને ઉર્સુલા અકળાઈ જઈને કહે છે કે, “તારે બેવકૂફી બતાવવી હોય તો બીજે ક્યાંક જઈને બતાવ પણ મહેરબાની કરીને આવા સ્ટુપીડ આઈડિયા બાળકોના મનમાં ન ભરાવ.” વિજ્ઞાન હજી મકોન્ડો ગામમાં પ્રવેશ્યું ન હતું. અંધશ્રદ્ધા અને શ્રદ્ધા અહીં રાજ કરતી હતી. ગામમાં પહેલીવાર ટ્રેન આવી ત્યારે ઉર્સુલા કહે છે કે, “એક મોટા રસોડાની પાછળ જાણે આખું ગામ ઢસડાઇને આવતું હતું.” આમ આ ગામ અજીબ હતું.

રશ્દી, વિલિયમ ફોકનરનાં સાઉન્ડ એન્ડ ફ્યૂરીનાં યોકનુપુટોફુ (આ ઉચ્ચારણમાં ભૂલ હોય તો વિદ્વાનો માફ કરે) અને કાફકાનાં “કેસલ”નાં ગામ સાથે મકોન્ડોને જોડીને આ ગામની વિશેષતા બતાવે છે. રશ્દી કહે છે કે, “તીખાં, ગરમ મિજાજવાળી ખૂબસુરત સ્ત્રીઓ લેટિન અમેરિકન સાહિત્યમાં વારંવાર આવે છે. પછી એ ઉર્સૂલા હોય કે ગાબોની જ મેલેન્કલી વ્હોરની નાયિકા હોય.” એન્જેલા કાર્ટર, જે માર્કવેઝની જબરદસ્ત ફેન હતી, એણે કહ્યું હતું કે, કાશ એ ગાબોની મેલન્કલી વ્હોર જેવી તીખી અને દમામદાર વેશ્યા હોત તો એને ગમેત. કોઈ પણ લેખક માટે આનાથી મોટી વાત કઈ હોઈ શકે કે કોઈ એની કૃતિનું પાત્ર થવા ઇચ્છતું હોય. ભલે એ સામાજીક રીતે બહિષ્કૃત હોય. માર્કવેઝ, પાત્રની નિયતિને સ્વીકારે છે, એને એ નિયતિ સામે ભયાનક ગુસ્સો પણ આવે છે. એ ગુસ્સામાં એની કલ્પના નિખરી ઉઠે છે. પરિણામે એકાંતનું સંગીત જન્મે છે. “માણસ બંધક છે. એ એની નિયતિમાંથી ઉગરી શકતો નથી અને મૃત્યુ તરફ ક્રમશઃ ધકેલાતો જાય છે.”

માર્કવેઝની કૃતિઓમાં એકાંતનું મીણ ઓગળીને ઘટ્ટ થતું જાય છે. કાર્લો ફોન્ટીએ એકવાર મજાકમાં રશ્દીને કહ્યું હતું કે, “ભવિષ્યમાં લેટીન અમેરિકાનાં લેખકો “સોલિટયૂડ” શબ્દ નહીં વાપરી શકે, કારણકે એ ગાબોની કોપીરાઈટ જેવો બની ગયો છે. ફોન્ટી તો આગળ જઈને એમ પણ કહે છે કે, “વન હન્ડ્રેડ યીર્સ” શબ્દ પણ બીજું કોઈ નહીં વાપરી શકે.
રશદી કહે છે, “માર્કવેઝનાં પાત્રો જોઈને મને હાઇનરીખ બ્યોલ ની એક વાત યાદ આવે છે. બ્યોલ કહે છે કે લેટિન શબ્દ હ્યુમર (humor), જે ગાબોના પાત્રોમાં વારંવાર દેખાય છે એ humor એટલે dampness. અને એ dampness એટલે ભીનાશ. એમની આંખો એકદમ સૂકી પણ નહીં અને આંસુઓથી છલોછલ પણ નહીં. એ પાત્રો આંખોમાં ભીનાશ ભરીને દુનિયા જુએ છે. બ્યોલ અને એની પછીના જર્મન સાહિત્યકારો પોસ્ટ-નાઝીઇઝમ સમયમાં એ ભીનાશની દુનિયા રચવા ઇચ્છતા હતા. જેની દુનિયાને ખાસ્સી જરૂર હતી. અને છે.
રશદી, મેજીક રિયાલીઝમની વાત કરતા કહે છે. “આપણે જેને મેજીક રિયાલીઝમ કહીએ છીએ એમાં મહત્ત્વનું રિયાલીઝમ જ છે. અહીં ફેન્ટેસી એ વાસ્તવથી દૂર જવા માટે નથી વપરાતી, પણ વાસ્તવને વધુ અસરકારક બનાવવા માટે વપરાય છે. જેવી રીતે આર. કે. નારાયણનું “માલગુડી”, ફોકનરનું “યુકનુપૂટોફુ” અને ઓફ કોર્સ માર્કવેઝ નું “મકોન્ડો”. આ સર્જકોએ લોકાલની અદ્દભુત સૃષ્ટિ સર્જી છે. રશ્દી કહે છે કે એ અદ્ભુતનાં મુળ વાસ્તવમાં પડ્યા છે. એનાં વડે ગાબો વાસ્તવનાં પ્રતીકો અને કલ્પનો ઘડી કાઢે છે, જે આપણને અતિવાસ્તવ જેવા લાગે છે. લોકો જ્યારે મેજીક રિયાલિઝમ બોલે છે કે સાંભળે છે ત્યારે એ અડધું જ બોલે છે કે સાંભળે છે. જો એમાં માત્ર મેજીક જ મહત્ત્વનું હોય તો એ કેવળ તરંગ બનીને રહી જાય. પણ એ વાસ્તવનું ઝળહળતું રૂપ છે એટલે આપણને સૌને ગમી જાય છે. “ઇટ ઇલ્યુમિનેટ્સ અવર રિયાલિટી.” આનો એક દાખલો આપીને રશદી “વન હન્ડ્રેડ યીર્સ…..” નો એક પેરેગ્રાફ ટાંકે છે.

“જોસ આર્કીડીઓએ બેડરૂમનો દરવાજો બંધ કર્યો અને પિસ્તોલનો અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો. એનાં લોહીનો રેલો બારણાની તિરાડમાંથી વહીને લિવિંગ રૂમમાં થઈને ગામની શેરીઓમાં… આડીઅવળી અગાસીઓ પાસેથી પસાર થઈને… પગથિયાં ઉતરતો જમણે પછી ડાબે વળીને બુએન્ડિ હાઉસની પાસે રોકાઈ એનાં મુખ્ય દ્વારમાંથી અંદર પ્રવેશ્યો. એની દીવાલોને ઘસાઈને ક્યાંય એનાં ડાઘ ન રહે એમ બુએન્ડિ હાઉસનાં રસોડામાં ઉર્સૂલાના પગ પાસે આવ્યો ત્યારે ઉર્સૂલા છત્રીસ ઇંડાની મોટી કેક તૈયાર કરવામાં વ્યસ્ત હતી. ઊર્સુલા ગરમ લોહીનો રેલો જોઈને છળી ઉઠી અને “Oh holy mother” બોલી ઉઠી.

આપણને સૌને ખબર છે કે લોહીનો રેલો આ રીતે ગામની શેરીમાંથી પસાર થઈને આર્કીડીઓની મા ઉર્સુલાનાં ઘર સુધી પહોંચી શકે નહીં, પરંતુ આ વાંચતી વખતે એ એટલું સચ્ચાઇ ભરેલું લાગે છે કે જાણે આર્કિડીઓની મા ઉર્સુલા સુધી એનાં અપમૃત્યુની ખબર પહોંચાડવાની આ જ એક અસરકારક રીત છે. માર્કવેઝમાં બધું બહુ જ છે જેમ કે છત્રીસ ઇંડાની કેક, કર્નલને સત્તર પત્નીઓ વડે સત્તર દીકરાઓ અને એમાં સૌથી મોટો દીકરો પાંત્રીસમાં વર્ષમાં પહોંચે એ પહેલા બધાને એક જ રાતમાં મારી નાખવામાં આવેલાં. માર્કવેઝનાં પાત્રો ઘણી પત્ની, ઘણા બધા બાળકો, ઘણા બધા લશ્કરી હુમલા, એકાધિક ખૂન કરવાનાં પ્રયત્નો અને સ્ક્રીટીનાઇન જેવું ધીમું ઝેર સતત પીધા કરે છે. બી.બી.સી સાથેનાં એક ઇન્ટરવ્યૂમાં ગાબોએ કહ્યું હતું કે, “લોકો મારી કલ્પનાશીલતાને વખાણે છે પણ હું ટેરીબલ રિયાલિસ્ટ છું. હું જે કઈ કહું છું એ વાસ્તવમાં છે જ.” ડેનિયલ આર્લ્કોન નામનાં લેખકે બી.બી.સી ને કહ્યું કે, “હું બે વર્ષ પહેલા કાર્ટજેના ગયો અને કેબમાં બેઠો, કેબીએ મને ગાબોનું ઘર બતાવ્યું અને કહ્યું કે અહીં અમારે ત્યાં બધા કેરેબિયન્સ પાસે વાર્તાઓ છે પણ ગાબો એ સારો ટાઈપીસ્ટ છે.”
આપણે અદ્ભુતની… વિસ્મયની દુનિયાને આપણાં દરવાજાની બહાર ફેંકી દીધી છે. આપણી દુનિયા અત્યારે ધૂંધળી છે અને એ ડાર્ક એઇજનો પ્રતિભાવ, ડિસ્ટોપિયન સાહિત્ય રચી આપે છે. રશદી કહે છે કે, “અત્યારે જે લેખકો લખે છે એમની ઉદાસીનતા ભરેલી દુનિયા મને ગમતી નથી. મને એ લેખકોની કળા નિષ્ઠા પ્રત્યે શંકા નથી પણ મને એવી દુનિયા ગમતી નથી, અત્યારે જે લખાઈ રહ્યું છે એને માટે “ઓટો-ફિકશન” એવો શબ્દ ફૅશનમાં છે. એમાં પોતાની જાતને નગ્નતાની કક્ષાએ જઈને નિરાવૃત કરાય છે. (મને ફ્રેન્ચ લેખિકા એની એર્નોનાં પુસ્તકો યાદ આવે છે). રશદી કહે છે ઓટો ફિકશન જેવી ફેશન આવશે અને જશે પણ લેટીન અમરિકન દેશોમાં જેને મેજિક રિયાલિઝમ કહે છે એ રિયાલીઝમની જેમ કદી પુરાણું નહીં થાય (પોઈન્ટ ટુ બી નોટેડ). મેટામોર્ફોસિસનો જંતુ હોય કે બલ્ગાકોવનો રાક્ષસ હોય કે ડિકન્સનાં બ્લીક હાઉસનું શાસન તંત્ર હોય એ બધું જેટલું જાદુઈ લાગે છે એટલું વાસ્તવિક પણ. વિલિયમ કેનેડીએ, ગાબોને ટાંકતા કહ્યું હતું કે, “અતિવાસ્તવ એ અમારે ત્યાં મેક્સિકોની શેરીઓમાં વહે છે.”

રશ્દી એક વખત મેક્સિકો ગયા હતા. એક મિત્રને ત્યાં રોકાયા હતા. ત્યાં કાર્લો ફોન્ટી ડિનર માટે આવ્યા. રશદીએ લગભગ નિ:સાસો નાખતા કહ્યું કે, “હું કદી ગાબોની મળ્યો નથી, પણ આ વખતે અહીં મેક્સિકોમાં મળી શકાશે એવી અપેક્ષા હતી, પણ અન-ફોરચ્યુનેટલી એ ક્યુબા, ફિડેલને મળવા ગયા છે.” ફોન્ટીએ કહ્યું, “ખરેખર તું એને મળ્યો નથી?” પછી એ બે મિનિટ માટે બહાર ગયો અને પાછો આવ્યો. મને બીજા રૂમમાં લઈ ગયો અને હાથમાં ટેલિફોન રીસીવર પકડાવીને કહે, “વાત કર, સામે છેડે ગાબો છે.”

રશ્દી કહે છે કે અમારી વાતચીત ઓકવર્ડ રીતે શરૂ થઇ. એ કહે કે એમને અંગ્રેજી આવડતું નથી. પણ મને વાતચીત દરમિયાન ખબર પડી ગઈ કે એમને સરસ અંગ્રેજી આવડતું હતું પણ એ બોલવા ઇચ્છતા ન હતા. એ સ્પેનિશમાં વાત કરવા માંગતા હતા. મને એ આવડતું ન હતું. અમને બંનેને થોડું થોડું ફ્રેન્ચ આવડતું હતું. પછી અમે વાતો શરૂ કરી. ઘણી બધી વાતો થઇ. અમારી વચ્ચે ભાષાનો પ્રોબ્લેમ ન આવ્યો. મેં એમને મુંબઈ અને મકોન્ડોની સરખામણી વિશે વાત કરી. નિકારાગુઆનાં યુદ્ધ સમયે મારા રિપોર્ટિંગ વિશે એમને વાત કરી. હું રીપોર્ટર પણ છું એ જાણીને એ બહુ જ ખુશ થયાં. એ યુદ્ધ દરમિયાન એકવાર ત્યાંની આખી મિનિસ્ટ્રી હાજર હતી અને એ કોન્ફરન્સમાં ટેપરેકોર્ડર લઈ જવાની મનાઈ હતી. ત્યારે મેં કઈ રીતે વારેઘડીએ પેટમાં તકલીફ છે એમ બહાનું કાઢીને વોશરૂમમાં જઈને આખી વાતચીત ડાયરીમાં ટપકાવી રાખી હતી એની વાત કરી. એ હસી પડ્યા, મને કહે, “તમે ખરેખરા રીપોર્ટર છો.” એ પછી હું પેન-અમેરિકાનો પ્રેસિડેન્ટ થયો. મેં એમને ઘણીવાર ન્યૂયોર્ક આવવા માટે આમંત્રણ આપ્યું, પરંતુ એમણે દરેક વખતે વિનયપૂર્વક ના પાડી. એ ન્યૂયોર્કનું નુકસાન હતું. એમ તો હું બોર્હેસને એક પણ વખત રૂબરૂ મળ્યો નથી પણ મેં એમને લંડનમાં, બ્યુનોસ એરીસમાં પ્રવચન આપતા જોયાં છે. એમનાં અવસાન પછી એમની પત્નીએ મને એમની લાઈબ્રેરી બતાવી હતી. હું ગાબોને પણ રૂબરૂ મળ્યો નથી, પણ એમની સાથે થયેલી વાતચીતની સ્મૃતિ, એમનાં પુસ્તકો, એમની જાદુઈ વાસ્તવિક દુનિયા હમેશાં મારી સાથે રહેશે. બુએન્ડી, મકોન્ડો કર્નલ, ઉર્સુલા એ બધાં મારી સાથે જીવશે. લેખન શૈલીની ગમે તે ફેશન આવશે અને જશે પણ માર્કવેઝ એક જ છે અને સદૈવ આપણી વચ્ચે રહેશે.
આમ કહીને રશ્દી એમની વાત પૂરી કરે છે અને ગાબોની અદ્ભુત દુનિયા આપણી નજર સમક્ષ ક્યાંય સુધી તરવર્યા કરે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments