Editors Gallery: સુરેશ જોષી સો વર્ષના થઈ ગયા અને એક સો એક વર્ષ રનીંગ છે. ભારત માથે કોરોના નામની મોટી આપત્તી છે. ઉપરથી મ્યૂકરમાઈકોસિસની બીમારીએ પણ હવે વેગ પકડ્યો છે. એટલે સરકારના આ મામલે કાન આમળવા ઉચિત નથી માનતો. ગુજરાતી અખબારોની પૂર્તિઓમાં સુરેશ જોષી વિશે ન લખાય એ જ યથાયોગ્ય છે, કારણ કે આટલા મોટા સાહિત્યકારને કાંઈ ચાર ફકરાઓથી થોડો નવાજવાનો હોય. જોકે એક લેખકે નિષ્ફળ પ્રયત્ન કરી જોયેલો.
આમેય સુરેશ જોષી વિશે એ લોકોને લખવાનો બિલકુલ અધિકાર જ નથી, જેઓ તેમના 100 વર્ષ થયા હોય એ માટે એક ‘વિષય’ તરીકે સુરેશભાઈનો પોતાની કોલમમાં ઉપયોગ કરે. કોલમ લેખકો કરતાં આ વખતે સુરેશ જોષી સોશિયલ મીડિયા પર રસનો વિષય બનીને ઊભર્યા. ભલે ઘણાએ જોષીની જગ્યાએ ‘જોશી’ લખ્યું હોય પણ તેમનો અપૂર્વ પ્રેમ દેખાતો હતો. એવું પણ નહોતું કે તેઓ પ્રથમ વખત સુરેશ જોષી વિશે કશુક મૂકી રહ્યા છે. નવી પેઢીમાંથી કેટલાકને સુરેશભાઈમાં રસ છે એ વાત આનંદની છે.
આશા તો હતી કે ગુજરાતી અખબારો મહેનત કરી સુરેશ જોષીની શતાબ્દિ બાદ તેમના સાહિત્ય અને જીવન પર સંશોધન કરી એક તો એક પાનું તૈયાર કરે, પણ એટલા હોશિયાર પત્રકારો પૂર્તિ વિભાગમાં હવે તો દેખાય જ નથી રહ્યા. લેખક જે આપે એ પૂર્તિમાં ચીપકાવી દેવાની પરંપરા થઈ ચૂકી છે.
સુજો વિશે લખવાનું કારણ એટલું જ કે આટલા મોટા ગજાના સાહિત્યકારને સરકાર તો ક્યાંક ને ક્યાંક વિસરી જ ગઈ છે પણ પેલું પાટીયું પણ દેખાતું નથી. હવે તમે પૂછશો એ પાટીયું કયું ? તો કે વડોદરામાં ‘સુરેશભાઈ માર્ગ’ હતો, આજે એ માર્ગ ક્યાં છે? વિકાસ કરવામાં આપણા સાહિત્યશ્રેષ્ઠીઓના માર્ગ પણ ખોવાઈ ગયા છે. સુરેશભાઈ જો જીવંત હોત તો એમને તો આવું ગમેત પણ નહીં. જનાન્તિકે જેવી દમદાર અને દમખમ ધરાવતી કૃતિ માટે જે માણસ પારિતોષિક પરત કરી શકે એ માણસ આવું કોઈ દિવસ કરે જ નહીં. શક્ય છે સુરેશભાઈ ખૂદ જઈ એ માર્ગમાંથી પોતાનું નામ હટાવી લે અને એ પાટીયું પણ તંત્રને પાછું કરી આવે કે તમારે ક્યાંક કામ આવે તો…!
જોકે હવે તો સુરેશભાઈ નથી અને આપણે તેમને પ્રેમ કરીએ છીએ. આટલા મોટા ગજાના સાહિત્યકારની પ્રતિમા ન હોય તો ઠીક છે પણ માર્ગ હતો, એ ક્યાં ગયો તે તંત્રને પૂછવાની જરૂર છે. કદાચ તંત્રને પૂછશો તો એ પ્રતિપ્રશ્ન કરશે કે, ‘સુરેશ જોષી કોણ?’
આ સમયે જો એ પૂછનાર યુવા હોય તો એને ચોક્કસથી જવાબ આપવો કે જે ભરતી પરીક્ષાની તૈયારી માટે આપે કેટલીક કૃતિઓનાં નામ ગોખેલા એ લેખકનું નામ સુરેશ જોષી છે. ભલે તમે તેને વાંચ્યા ન હોય.
શતાબ્દિમાં સુજોને ધામધૂમથી ઉજવવાની ભરપૂર તક હતી, પણ કોરોના ય સુજોની ફેવરમાં જ છે. સુજોને ખુદની વાહવાહી પસંદ નહોતી એવામાં તેના સો વર્ષ થયા ત્યાં કોરોના આવી ગયો! ગજબ સંયોગ થયો. સુરેશભાઈ એમની વાત મનાવીને જ રહે.
આપણા કેટલાક સાહિત્યકારો જે પશ્ચિમમાં જન્મ્યા હોત તો સારું હતું એવું ઘણી વખત લોકો બોલતા હોય છે. વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્રનો તેમાં સમાવેશ કરતાં હતાં. સુરેશભાઈનો પણ કરી જ શકીએ. વાર્તામાં આધુનિકતા લાવવાથી લઈને એમણે નિબંધમાં જે કામ કર્યું છે તે તો ભૂતો ન ભવિષ્યતિ. ઘણી વખત એવી ચર્ચાઓ થાય છે કે સુરેશ જોષીને તો ગણ્યાંગાઠ્યા લોકો જ વાંચતા હોય છે. અથવા તો એવી વાતો પણ સાંભળી છે કે સુરેશ જોષી તેમના વિદ્યાર્થીઓ વચ્ચે જ ચર્ચાય છે. વાત એવી છે કે સુજોને સમજવા માટે પણ એક સ્તર સુધી ભાવકે ખૂદને પહોંચાડવો પડે છે. એ પછી સુજોમાં લીન થવાનો આરંભ થાય છે. સરળતાથી સુરેશ સુધી નથી પહોંચાતું.
અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટ, બાબુ સુથાર, સુમન શાહ, શિરીષ પંચાલ સહિતના તેમના કંઈ કેટલાય વિદ્યાર્થીઓ સુજોના માર્ગદર્શન તળે પસાર થયા છે. શિરીષ પંચાલે તેમના સમગ્ર સાહિત્યને એકત્રિત કર્યું, તો સુમન શાહે પરિસ્થિતિની માગને જોતા અને મહામારીને લક્ષ્યમાં રાખીને સુરેશ જોષી વિશે ગત્ત વર્ષ ઓનલાઈન સિરીઝો ચલાવી.
આ સિવાયના કોઈ જગ્યાએ સુજો ચમક્યા નથી. કેટલાક ભાવકો સાચું કહે છે કે, ‘જો આપ સુજોને પહેલા વાંચી લો છો તો કેટલુંય ભંગાર વાંચવામાંથી બચી જાવ છો.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત