Homeવિશેષહું નાસ્તિક શા માટે છું ? : હું એક મનુષ્ય છું અને...

હું નાસ્તિક શા માટે છું ? : હું એક મનુષ્ય છું અને તેનાથી વધારે કંઈ પણ નહીં

આ લેખ ભગતસિંહે જેલમાં લખ્યો હતો. 27 ડિસેમ્બર 1931ના રોજ લાહોરના અખબાર ‘ધ પીપલ’માં પ્રકાશિત થયો હતો. આ લેખમાં ભગતસિંહે ઈશ્વરની ઉપસ્થિતિ પર અનેક તર્કપૂર્ણ સવાલો ઊભા કર્યા હતા અને આ સંસારના નિર્માણ, મનુષ્યનાં જન્મ, મનુષ્યનાં મનમાં ઈશ્વરની કલ્પનાની સાથે સાથે સંસારમાં મનુષ્યની દીનતા, તેના શોષણ, દુનિયામાં વ્યાપેલ રાજકારણ અરાજકતા અને વર્ગભેદની સ્થિતિઓનું પણ વિશ્લેષણ કર્યું હતું. આ ભગતસિંહના લેખનનો સૌથી ચર્ચાસ્પદ લેખ છે.

સ્વતંત્રતા સેનાની બાબા રણધીર સિંહ 1930-31ની વચ્ચે લાહોરની સેન્ટ્રલ જેલમાં હતા. તેઓ એક ધાર્મિક વ્યક્તિ હતા. તેઓએ જ્યારે જાણ્યું કે ભગતસિંહ એક નાસ્તિક માણસ છે તો તેમનું હ્રદય દુભાયુ. તેમણે ગમે તે ભોગે ભગતસિંહના કેદખાનામાં પ્રવેશ કર્યો અને ભગતસિંહને વિશ્વાસ દેવડાવવાની કોશિશ કરી કે દુનિયામાં ઈશ્વરનું અસ્તિત્વ છે. અસફળ થવા પર બાબાએ નારાજ થઈને કહ્યું, ‘પ્રસિદ્ધીથી તારો મગજ ખરાબ થઈ ગયો છે અને તું અહંકારી બની ગયો છો. જે કાળા પડદાની જેમ તારી અને ઈશ્વરની વચ્ચે છે.’

આ ટીપ્પણીના જવાબમાં જ ભગતસિંહે આ લેખ લખ્યો હતો.

આ લેખ ખૂબ જ લાંબો છે. જેથી તેને કેટલાક ભાગમાં વિભાજીત કરવામાં આવ્યો છે. છેલ્લે એક આખો લેખ પણ તમારી સામે રાખી દેવામાં આવશે. જેથી વાંચનમાં કોઈ કડી તૂટતી હોય તો એ જોડાઈ જાય. હવે શહીદ ભગતસિંહના શબ્દોમાં જ ‘હું શા માટે નાસ્તિક છું?’ વાંચો. અનુવાદ Team Chabuk.

શહીદ ભગતસિંહ : એક નવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. શું હું અહંકારને કારણે સર્વશક્તિમાન, સર્વવ્યાપી અને સર્વજ્ઞાની ઈશ્વરના અસ્તિત્વ પર વિશ્વાસ નથી કરતો ? મારા કેટલાક મિત્રો – કદાચ આવું હું કહીને તેમના પર વધારે અધિકાર નથી જમાવી રહ્યો. મારી સાથેના નજીવા સંપર્કમાં આ નિષ્કર્ષ પર પહોંચવા માટે ઉત્સુક છે કે હું ઈશ્વરના અસ્તિત્વને નકારીને જરૂર કરતાં વધારે આગળ જઈ રહ્યો છું. અને મારા ઘમંડે કેટલીક હદ સુધી મને આ અવિશ્વાસ માટે ઉત્તેજીત કર્યો છે.

હું એવી કોઈ શેખી નથી મારતો કે હું માનવીય નબળાઈઓથી પર છું. હું એક મનુષ્ય છું અને તેનાથી વધારે કંઈ પણ નહીં. કોઈ પણ તેનાથી વધારે હોવાનો દાવો નથી કરી શકતું. આ નબળાઈ મારી અંદર પણ છે. અહંકાર પણ મારા સ્વભાવનું અંગ છે. મારા કોમરેડોની વચ્ચે મને નિરંકુશ કહેવામાં આવતો હતો. ત્યાં સુધી કે મારા મિત્ર શ્રી બટુકેશ્વર કુમાર દત્ત પણ મને કોઈ કોઈ વાર આવું કહે છે. ઘણા પ્રસંગો પર સ્વેચ્છાચારી કહી મારી નિંદા પણ કરવામાં આવી છે. કેટલાક મિત્રોને ફરિયાદ છે અને ગંભીર રૂપથી છે કે, હું કારણ વિનાનો તેમના પર મારા વિચારોનો મારો ચલાવ્યા કરું છું અને મારા પ્રસ્તાવોને મનાવી લઉં છું. આ વાત કેટલીક હદ સુધી સત્ય છે. આને અહંકાર કહી શકાય છે. જ્યાં સુધી અન્ય પ્રચલિત મતોના મુકાબલે મારા પોતાના મતનો સવાલ છે. મને નિશ્ચયે જ પોતાના પર ગર્વ છે. પણ આ વ્યક્તિગત નથી. એવું હોય શકે છે કે આ માત્ર પોતાના વિશ્વાસના પ્રત્યે ન્યાયોચિત ગર્વ હોય અને તેને અહંકાર ન કહી શકાય. ઘમંડ તો સ્વયંના પ્રત્યે અનુચિત ગર્વની અધિકતા છે. શું એ અનુચિત ગર્વ છે, જે મને નાસ્તિકતા તરફ લઈ ગયો છે ? અથવા આ વિષયનો ખૂબ જ સાવધાનીથી અભ્યાસ કરવા અને તેના પર ખૂબ જ વિચાર કર્યા બાદ મેં ઈશ્વર પર અવિશ્વાસ કર્યો ?

હું એ સમજવામાં પૂરી રીતે અસફળ રહ્યો છું કે, અનુચિત ગર્વ અથવા વૃથાભિમાન કેવી રીતે કોઈ વ્યક્તિના ઈશ્વરમાં વિશ્વાસ કરવાના માર્ગમાં અડચણરૂપ બની શકે છે ? વાસ્તવમાં મહાન વ્યક્તિની મહાનતાને હું માન્યતા ન આપું – આ ત્યારે થઈ શકે છે જ્યારે મને પણ થોડો એવો યશ પ્રાપ્ત થઈ ગયો હોય, જેને કદાચ હું યોગ્ય નથી અથવા તો મારી અંદર એ ગુણ નથી. જે આ માટે આવશ્યક છે. અહીં સુધી તો સમજમાં આવે છે. પણ આ કેવી રીતે હોય શકે કે એક વ્યક્તિ, જે ઈશ્વરમાં વિશ્વાસ રાખતો હોય, એકાએક પોતાના વ્યક્તિગત અહંકારને કારણે તેનામાં વિશ્વાસ કરવાનું બંધ કરી દે ? બે જ રસ્તાઓ સંભવ છે. કાં તો મનુષ્ય ખૂદને ઈશ્વરનો પ્રતિદ્વંદી સમજવા લાગે અથવા તો એ સ્વયંને જ ઈશ્વર માનવાનું શરૂ કરી દે. આ બંને અવસ્થાઓમાં એ સાચો નાસ્તિક નથી બની શકતો. પ્રથમ અવસ્થામાં તો એ પોતાના પ્રતિદ્વંદીના અસ્તિત્વને નકરાતો જ નથી. બીજી અવસ્થામાં પણ એ એક એવી ચેતનાના અસ્તિત્વને માને છે, જે પરદાની પાછળથી પ્રકૃતિઓની તમામ ગતિવિધિઓનું સંચાલન કરે.

હું તો એ સર્વશક્તિમાન પરમ આત્માના અસ્તિત્વથી જ ઈન્કાર કરું છું. આ અહંકાર નથી, જેણે મને નાસ્તિકતાના સિદ્ધાંતને ગ્રહણ કરવા માટે પ્રેરિત કર્યો. હું ન તો એક પ્રતિદ્વંદી છું. ન તો એક અવતાર અને ન તો સ્વયં પરમાત્મા.

આ અભિયોગનો અસ્વીકાર કરવા માટે ચાલો કેટલાક તથ્યો પર નજર કરીએ. મારા આ મિત્રોના પ્રમાણે દિલ્હી બોમ્બ કેસ અને લાહોર ષડયંત્ર કેસ દરમિયાન મને જે અનાવશ્યક યશ મળ્યો કદાચ એ કારણે જ હું વૃથાભિમાની થઈ ગયો છું.

મારો નાસ્તિકતાવાદ કોઈ હમણાંની ઉત્પતિ નથી. મેં તો ઈશ્વર પર વિશ્વાસ કરવાનું ત્યારે જ છોડી દીધું હતું જ્યારે હું એક અપ્રસિદ્ધ યુવાન હતો. કોલેજનો વિદ્યાર્થી તો આવા કોઈ અનુચિત અહંકારનું લાલન-પાલન નથી કરી શકતો, જે તેને નાસ્તિકતાની તરફ લઈ જાય. હું કેટલાક અધ્યાપકોનો માનીતો હતો અને કેટલાક અન્યને હું પસંદ નહોતો આવતો. પણ હું ક્યારેય ખૂબ જ મહેનતુ અને અભ્યાસુ વિદ્યાર્થી નથી રહ્યો. અહંકાર જેવી ભાવનામાં ફસાવાની કોઈ તક જ નથી મળી શકી. હું તો એક ખૂબ જ શરમાળ પ્રકૃતિનો છોકરો હતો. જેની ભવિષ્ય માટે કેટલીક નિરાશાવાદી પ્રકૃતિ હતી.

મારા પિતા, જેમના પ્રભાવમાં હું મોટો થયો, એક રૂઢીવાદી આર્ય સમાજી છે. એક આર્ય સમાજી બીજું કંઈ પણ હોય, નાસ્તિક નથી હોતો. મારી પ્રાથમિક શિક્ષા પૂર્ણ થયા બાદ મેં ડી.એ.વી.સ્કૂલ લાહોરમાં પ્રવેશ લીધો અને એક વર્ષ સુધી તેનાં છાત્રાવાસમાં રહ્યો.

ત્યાં સવાર અને સાંજની પ્રાર્થના સિવાય હું કલાકો સુધી ગાયત્રી મંત્ર જપતો રહેતો હતો. એ દિવસોમાં હું પૂરો ભક્ત હતો. એ પછી મેં મારા પિતાની સાથે રહેવાની શરૂઆત કરી દીધી. જ્યાં સુધી ધાર્મિક રૂઢીવાદનો સવાલ છે, એ એક ઉદારવાદી વ્યક્તિત્વ છે. તેમની જ શિક્ષાથી મને સ્વતંત્રતાના ધ્યેય માટે પોતાના જીવનને સમર્પિત કરવાની પ્રેરણા મળી. પણ એ નાસ્તિક નથી. તેમનો ઈશ્વરમાં દૃઢ વિશ્વાસ છે. એ મને કાયમ પૂજા-પ્રાર્થના માટે પ્રોત્સાહિત કરતા રહેતા હતા. આ રીતે મારું પાલન-પોષણ થયું.

અસહયોગ આંદોલનના દિવસોમાં રાષ્ટ્રીય કોલેજમાં પ્રવેશ લીધો. અહીં આવીને જ મેં તમામ ધાર્મિક સમસ્યાઓ – ત્યાં સુધી કે ઈશ્વરના અસ્તિત્વ વિશે ઉદારતાપૂર્વક વિચાર્યું, વિચારવું તથા તેની આલોચના કરવાનું શરૂ કર્યું. પણ ત્યારે હું પાક્કો આસ્તિક હતો. એ સમય સુધી હું લાંબા વાળ રાખતો હતો. મને ક્યારેક ક્યારેક શીખ કે અન્ય ધર્મોની પૌરાણિકતા અને સિદ્ધાંતોમાં વિશ્વાસ ન તો હોઈ શકતો, પણ મારી ઈશ્વરના અસ્તિત્વ પર દૃઠ નિષ્ઠા હતી. એ પછી હું ક્રાન્તિકારી પાર્ટી સાથે જોડાયો. ત્યાં જે પ્રથમ નેતા સાથે મારો સમ્પર્ક થયો, એ તો પાક્કો વિશ્વાસ ન હોવા છતાં પણ ઈશ્વરના અસ્તિત્વને નકારવાનું સાહસ નહોતા કરી શકતા. ઈશ્વરના વિશે મારા હઠપૂર્વક પૂછતા રહેવા પર એ કહેતા, ‘જ્યારે ઈચ્છા હોય ત્યારે પૂજા કરી લેતા જાવ.’

આ નાસ્તિકતા છે. જેમાં સાહસનો અભાવ છે. બીજા નેતા, જેમના હું સમ્પર્કમાં આવ્યો, પાક્કા શ્રદ્ધાળુ આદરણીય કોમરેડ શચીન્દ્ર સાન્યાલ, આજકાલ કાકોરી ષડયંત્ર કેસમાં આજીવન કારાવાસ ભોગવી રહ્યા છે. તેમના પુસ્તક ‘બંદી જીવન’ માં ઈશ્વરની મહિમાનું જોર શોરથી ગાન છે.

તેમણે તેમાં ઈશ્વરની ઉપર પ્રશંસાના પુષ્પ રહસ્યાત્મક વેદાન્તના કારણે વરસાવ્યા છે. 28 જાન્યુઆરી 1925માં સમગ્ર ભારતમાં ધ રેવોલ્યુશનરી (ક્રાંતિકારી) પત્રિકા વહેંચવામાં આવી હતી. એ તેમના જ બૌદ્ધિક શ્રમનું પરિણામ હતું. તેમાં સર્વશક્તિમાન અને તેમની લીલા અને કાર્યોની પ્રશંસા કરવામાં આવી હતી. મારા ઈશ્વરના પ્રત્યે અવિશ્વાસનો ભાવ ક્રાન્તિકારી દળમાં પણ પ્રસ્ફુટિત નહોતો થયો. કાકોરીના તમામ ચાર શહીદોએ પોતાના અંતિમ દિવસો ભજન-પ્રાર્થનામાં વિતાવ્યા હતા.

રામ પ્રસાદ બિસ્મિલ એક રૂઢીવાદી આર્ય સમાજી હતા. સમાજવાદ તથા સામ્યવાદમાં પોતાનું બૃહદ અધ્યયન હોવા છતાં રાજેન લાહડી ઉપનિષદ અને ગીતાના શ્લોકોનાં ઉચ્ચારણની પોતાની અભિલાષાને દબાવી નહોતા શક્યા. મેં એ બધામાં ફક્ત એક જ વ્યક્તિને જોયો, જે કોઈ દિવસ પ્રાર્થના નહોતો કરતો. દર્શન શાસ્ત્ર મનુષ્યની દુર્બળતા અથવા જ્ઞાનના સિમિત હોવાના કારણે ઉત્પન્ન થાય છે. એ પણ આજીવન નિર્વાસનની સજા ભોગવી રહ્યો હતો, પણ તેણે પણ ઈશ્વરના અસ્તિત્વને નકારવાની હિંમત ન કરી.

(ક્રમશ:)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments