ગોવાબાપા: ચાબુક આ પાટીલભાઉને તો ધરમ કરવા જતાં ધાડ પડી એવું થયું છે. હવે તો મામલો હાઈકોર્ટમાં પહોંચી ગયો છે. સુરતમાં ભાજપ કાર્યાલયેથી રેમડેસિવિર ઇન્જેક્શન વિતરણ કરવા મામલે હવે વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણીએ આ મુદ્દે સી.આર.પાટીલ સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે અને પગલાં ભરવા માગ કરી છે.
‘ગોવાબાપા ભલે આ મામલે હાઈકોર્ટમાં અરજી થઈ પણ પાટીલભાઉ ઇન્જેક્શન લાવ્યા ક્યાંથી હશે ? પાટીલભાઉએ તો પહેલાં કીધું કે મારા મિત્ર પાસેથી લીધા, બાદમાં નવું આવ્યું કે અન્ય રાજ્યમાંથી મંગાવ્યા. પણ ગોવાબાપા ખબર નથી પડતી કે દર્દીઓ એક ઇન્જેક્શન માટે રખડી રખડીને થાકે છે એ ઇન્જેક્શન પાટીલભાઉ ક્યાંથી લઈ આવ્યા.’
હવે સાચી ખબર તો સી.આર.ભાઈ પાટીલને ખબર.
આ ભાજપ નેતાએ મુદ્દાની વાત કરી
ચાબુક ઘણા દિવસથી લોકો કહી રહ્યાં છે કે ચૂંટણી ટાણે ડેલીએ ડેલીએ ફરીને મત માગનારા નેતાઓ આ કોરોના કાળમાં ક્યાં ખુણામાં સંતાઈને બેઠા છે ? કેમ લોકોની વ્હારે નથી આવતા ? હવે આ મુદ્દે ખુદ ભાજપના જ નેતાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. રાજકોટ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ચેતનભાઈ રામાણીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે, ધારાસભ્યો, સાંસદ સભ્યો, કોર્પોરેટરો અને ભાજપના હોદ્દેદારોને લોકોની વચ્ચે મોકલો. ચેતનભાઈએ લખ્યું કે, લોકોએ આપણને મત આપ્યા હવે આ મહામારીમાં ભાજપના સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો અને હોદ્દેદારોને લોકોની વચ્ચે જવાની સૂચના આપો.
પરીક્ષાઓ રદ થાય તો ચૂંટણી કેમ નહીં?
ચાબુક ગુજરાતમાં બોર્ડની પરીક્ષા મોકૂફ રખાઈ છે જ્યારે ધોરણ 1 થી 9 અને ધોરણ 11વાળાને સીધા આગળના ધોરણમાં મોકલી દેવાનો નિર્ણય લેવાયો છે. મને એ સમજાતું નથી કે હંધુય બંધ કરો છો તો આ ચૂંટણી કેમ બંધ નથી કરતાં. દિવસમાં 2 લાખ કોરોનાના કેસ આવી રહ્યા છે. હજ્જારો લોકો આ કોરોનાના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે અને ભાજપથી માંડીને કોંગ્રેસ અને ટીએમસી સહિતની પાર્ટીના નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાખોની ભીડ ભેગી કરી રહ્યા છે. જેમાં દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રીનો પણ સમાવેશ થઈ ગ્યો ચાબુક. કોઈ દૂધે ધોયેલા નથી. સત્તા પક્ષ હોય કે વિપક્ષ પોતાનો સ્વાર્થ આવે એટલે જનતાનું વિચારવાનું જ નહીં. જે થવું હોય એ થાય.
ચાબુક આ નેતાઓને ટેસ્ટ માટેની લાઈનો, ઇન્જેક્શન મેળવવા માટેની અંધાધૂંધી, હોસ્પિટલમાં બેડની અછત, અંતિમ સંસ્કારમાં વેઇટિંગ, કણસતા દર્દીઓ, પરિવારજનોનું આક્રંદ આ બધું નહીં દેખાતું હોય?
ખરેખર ચાબુક હવે સમય આવી ગ્યો છે જનતાએ જાગૃત થવાનો, કોરોના સામેની લડાઈ તો પૂરી થઈ જશે પણ સમયે છે હવે સિસ્ટમ સામે લડવાનો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત