Homeસિનેમાવાદટ્રીપલ એચ રિટાયર થાય છે....

ટ્રીપલ એચ રિટાયર થાય છે….

ઝાલાવાડી જલજીરા: 90’sમાં ચડ્ડી પહેરી રખડનારાઓ આજે એક કે બે બાળકોના પિતા થઈ ગયા હશે. તેમને પૂછશો તો કહેશે કે ટ્રીપલ એચ કોણ? પોલ માઈકલ લેવેસ્ક જેવું જડબાતોડ અમેરિકન નામ ધરાવતો આ ખેલાડી વિશ્વભરને ટ્રીપલ એચના હુલામણા નામે યાદ રહી ગયો. આ નામ એની સાથે એવી રીતે વણાઈ ગયું કે હવે તેનું સાચું નામ કોઈને કહીએ તોપણ એને બોલવું તો ટ્રીપલ એચ જ ફાવશે. ટ્રીપલ એચની અડધી કારકિર્દી રિંગમાં એક વિલન તરીકે પસાર થઈ. જેમાં તેણે પોતાના અભિનય અને વાકચાતુર્યથી કેટલાય નવા સ્ટાર્સને હીરો બનાવી દીધા. WWEમાં વિલન જ એક એવી શખ્સિયત છે જે જૂના વિલનને હીરોમાં તબ્દિલ કરી શકે છે. ટ્રીપલ એચે નાના-નાના કેટલાય સ્ટાર્સની સામે દુશ્મનાવટ કરી પોતાના અભિનયથી તેમને સુપરસ્ટાર બનાવી દીધા. ઉદાહરણ તરીકે રેન્ડી ઓર્ટન! ઉદાહરણ તરીકે હોલિવુડમાં માર્વેલ ફિલ્મો થકી નામ કમાઈ ચૂકેલો ડેવ બટીસ્ટા.

ટ્રીપલ એચ અને વર્તમાન સમયે હોલિવુડનું ગંજાવર નામ એટલે ધ રોક ઉર્ફ ડ્વેઈન જ્હોન્સનની કારકિર્દી સમાંતર રહી હતી. એક અમેરિકન અને એક અશ્વેતે 1997ની સાલથી એકબીજા સામે બે-બે હાથ કરી WWEને ટોચ પર પહોંચાડી દીધું હતું. બાદમાં ધ રોકે હોલિવુડનો માર્ગ પસંદ કરી લીધો. આમ તો વાયકા છે કે WWEના સ્ટાર્સને ફિલ્મોમાં સફળતા નથી મળતી, પણ ધ રોક કંઈક અલગ માટીનો બનેલો હતો. તેને મળેલી સફળતાથી અંજાઈ કેટલાય સ્ટાર્સ એક વખત હોલિવુડમાં આંટોફેરો મારી આવેલા, પરંતુ ધ રોક જેવી સફળતા કોઈને ન મળી.

આ માર્ગ પર ચાલવાનું એક સમયે ટ્રીપલ એચે પણ પસંદ કર્યું હતું. તેના હાર્ડકોર ફેન્સને લાગતું હતું કે ટ્રીપલ એચ અહીં પણ સફળ થશે, પરંતુ એવું કશું બન્યું નહીં. તેની આખી કારકિર્દી રિંગની ચાર બાજુમાં, રિંગમાં અંગ્રેજી હ્યુમરસ પીરસવામાં, સ્ટેજફાડ એન્ટ્રી કરવામાં અને ભલભલા દુશ્મનોને જમીનદોસ્ત કરવામાં જ પસાર થઈ ગઈ.

જ્યારે WWEના ઈતિહાસના કેટલાક શ્રેષ્ઠતમ મેચને અલગ તારવવામાં આવે ત્યારે એચના કમ સે કમ ચાર મેચ તો એવા નીકળે જ છે. જેમાંથી બે અંડરટેકરની વિરુદ્ધ તેણે રમેલા અને બંને મેચમાં પરાજય પામેલો તે હતા. એચના અભિનયની એ મેચમાં જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે. એમાં પણ સ્ટીલકેજની અંદર રમાયેલા મેચમાં તેણે દર્શકોના જીવ તાળવે ચોંટાડી દીધા હતા.

એચે કારકિર્દીના અંતિમ સમયમાં ભારતની મુલાકાત લઈ ભારતમાં WWE રેસલિંગનો પાયો પ્રોફેશનલી મજબૂત કરવાનો પ્રયાસ કરેલો, પરંતુ એ એટલું સફળ ન રહ્યું. ભારતની જનતા ટીવીમાં સ્ટાર્સને જોવા માટે જ સર્જાયેલી છે એ એચને ખબર પડી ગઈ હતી. છેલ્લા કેટલાય સમયથી રિંગમાં તેની અનુપસ્થિતિ પણ વર્તાતી હતી. એટલે એવી અટકળો પણ વહેતી થઈ હતી કે એચ થોડા સમયમાં નિવૃત્તિ લઈ લેશે. અને આજે સવારે ભારતમાં ઈન્ટરનેટ થકી એ સમાચાર સાંપડ્યા કે એચે સાચેક નિવૃત્તિ લઈ લીધી છે. એની સાથે રમતા કેટલાય રેસલર્સ કાં તો નિવૃત્ત થઈ ગયા અને કાં તો ઈજાના કારણે ખસી ગયા, ઘણા હોલિવુડમાં ચાલ્યા ગયા તો ઘણાએ કંપનીની સાથે છેડો ફાડી નાખ્યો પણ એચ કંપનીની સાથે છેલ્લે સુધી જોડાયેલો રહ્યો.

એચ તેની સ્ટાઈલ માટે જાણીતો હતો. તેનું સંગીત અને સંગીતની સાથે જ્યારે તે શરીરમાં પાણી છાંટી સ્ટેજમાં પ્રવેશ કરે ત્યારે નજરે જોનારાના રૂંવાડા ઊભા થઈ જતાં હતા. એમાંય પાણીનો એક કોગળો ભરી હવામાં ઊછાળવાની તેની નીતનવી સ્ટાઈલે તેને બીજા સ્ટાર્સથી અલગ બનાવ્યો હતો. ઈ:સ 2000માં શાળામાં ભણતા વિદ્યાર્થીઓ રિસેસ દરમિયાન પાણીની બોટલમાંથી કોગળો મોમાં ભરી એચ બનવાના પણ પ્રયાસ કરતા હતા. આ પ્રકારની એન્ટ્રીનું કાગળ પર સર્જન ફક્ત એચ માટે જ થયું હતું. જો કોઈ અન્ય રેસલર માટે થયું હોત તો એન્ટ્રીની આ સ્ટાઈલ નિષ્ફળ પૂરવાર થાત તેમાં સંશયને સ્થાન નથી. આપણે ત્યાં ગુજરાતીમાં એક નાટક ખૂબ લોકપ્રિય થયું છે. આજે પણ યુટ્યૂબમાં જોવાય છે – બા રિટાયર થાય છે. એમ જ હવે ટ્રીપલે એચ રિટાયર થાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments