Team Chabuk-Literature Desk: વિજયગુપ્ત મૌર્યએ એક પરંપરા ઘડી એ કહેવામાં અત્યુક્તિ નથી. આજે પ્રવાહ ભલે ઓછો રહ્યો પણ વિજયગુપ્ત મૌર્યએ જે સર્જન કરી ગુજરાતી ભાષામાં પાયો નાખ્યો તેનાથી દાયકામાં એક બે નવોદિતો અંજાયા વગરના રહેતા નથી. તેમણે શિકારકથાઓ કે સાહસકથાઓ કે કપિના પરાક્રમોનું એક અલગ વિશ્વ ઊભું કર્યું છે. જેમાં ડોકિયું ન કરો તો તમારું બાળપણ વેડફાયું સમજો. બાળપણ જ શું કામ વિજયગુપ્ત મૌર્યની શિકારકથાઓ વાંચી છે કોઈ દિવસ? ચિત્રલેખાના તંત્રી હરકિસન મહેતા માનવા લાગ્યા હતા કે મને તો એમ કે તમે ખૂદ શિકારી છો! આટલું સચોટ અને પારદર્શક વર્ણન એ પણ શિકારનું કરી જાણનારો કોઈ ગુજરાતી લેખક આજે ગુજરાતી ભાષામાં હયાત નથી અને શિકારકથા લખનારો કોઈ ઊભો થાય તો ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તૈલી.
નગેન્દ્રવિજયના પિતા વિજયગુપ્ત મૌર્ય પોરબંદર જિલ્લાના મેજીસ્ટ્રેટ હતા. સ્વતંત્રતાની લડાઈમાં પણ તેમણે ઝંપ લાવ્યું હતું. નગેન્દ્રના કાકા વેણીશંકર વાસુ ક્રાંતિકારી હતા અને પકડાયા બાદ અંગ્રેજોના હાથે ભરપૂર માર ખાતા હતા. એવામાં ચર્ચગેટ બોમ્બ કેસ થયો. જેમાં અચ્યુત પટવર્ધન અને વસંત અવસરે નામના બે ક્રાંતિકારી નાસતા ફરતા હતા. પટવર્ધન પકડાયા પણ અવસરે પોરબંદર આવી ગયા. એમણે કાનૂની સહાયતા માટે વિજયગુપ્ત મૌર્યની મદદ માગી પણ એ મદદ કેવી રીતે કરી શકે? એ તો ન્યાયાધીશ હતા. અવસરે તેમને યાદ અપાવ્યું કે તમારા ભાઈ આઝાદી માટે આ રીતે લડી રહ્યા છે તો તમે આ રીતે લડો. વિજયગુપ્ત મૌર્યએ ન્યાયાધીશની નોકરી છોડી દીધી અને વકિલાતનો આરંભ કર્યો. તેઓ પોરબંદરથી મુંબઈ આવી ગયા.
સ્વતંત્રતા પહેલા કેસ પૂરો થયો. મુંબઈમાં કોઈ ઓળખીતું નહીં. ગુજરાતી સાહિત્યકાર ગુલાબદાસ બ્રોકર હતા. એમણે કંઈ લખી શકો તો આજીવિકાની સગવડ કરી આપીએ એવું કહ્યું. વિજયગુપ્ત મૌર્ય ત્યાં સુધીમાં પ્રકૃતિ સામાયિકમાં લખતા હતા. પ્રસ્થાન કાર્યાલયે પ્રગટ કરેલું પ્રિન્સ બિસ્માર્ક પુસ્તક લખ્યું હતું. એમણે આ તક ઝડપી લીધી. પક્ષીઓ પર એમણે જન્મભૂમિ પ્રવાસીમાં લખ્યું, વાંચકોને ગમ્યું અને લખાતું ગયું. માનો યા ના માનો પણ ક્રાંતિકારી અવસરે જ તેમને બીજી દિશામાં ફંટાવ્યા અને લખવાનો અવસર અપાવ્યો કહેવાય કે નહીં?
વિજયગુપ્ત મૌર્ય વિશેના આવા જ કિસ્સાઓ સાર્થક સંવાદ શ્રેણીમાં છે, જેમાં પત્રકાર ઉર્વીશ કોઠારીએ સફારી, ફ્લેશ અને સ્કોપના તંત્રી અને ગુજરાતમાં વિજ્ઞાનના ભીષ્મ પિતામહ તરીકે જેમની ગણના થાય છે તે નગેન્દ્ર વિજયનો મેરેથોન ઈન્ટરવ્યૂ લીધો છે. આ પુસ્તકમાંથી આપણને વિજયગુપ્ત મૌર્યની એક બીજી વાત જાણવા મળે છે. તેમના ઘરનું વાતાવરણ કેવું હતું? નગેન્દ્ર વિજયે ઉર્વીશભાઈને આપેલા સાક્ષાત્કારમાં કહ્યું છે, ‘દરેક રૂમમાં લાઈબ્રેરી છલકાતી હોય, અહીંતહીં પુસ્તકો પડ્યાં હોય, જે વાંચવું હોય તે વાંચો, એન્સાઈક્લોપીડિયા પડ્યો હોય. એ એક વાતાવરણ હતું. સંસ્કાર પણ એવા કે ધનની અપેક્ષા વિના તમે લખ્યે રાખો. ધન આવવાનું હશે તો આવશે, નહીં આવવાનું હોય તો કંઈ નહીં, પણ એનાથી લખવામાં કંઈ ફરક ન પડવો જોઈએ.’
આજના લેખકો અને સાહિત્યકારો કરતા વિજયગુપ્ત મૌર્ય નોખી ભાત એટલે ઉપસાવી ગયા, કારણ કે તેમણે અત્યાર સુધી ન ખેડાયેલા પ્રદેશમાં કલમરૂપી હળ ચલાવ્યું હતું. એવું પણ નહોતું કે વિજયગુપ્ત મૌર્ય પહેલા કોઈએ આ વિષયોમાં પડાવ નહોતો નાખ્યો, પરંતુ પશ્ચિમના લોકપ્રિય સાહિત્યનો ગુજરાતીમાં સીધો પ્રવેશ કરાવી વાચકોને એક નવી દિશામાં વિચારતા કરવાનો શ્રમ એમણે જરૂરથી કર્યો છે. દુ:ખની વાત છે કે તેમની વિદાય પછી તેમના જ વિષયોને લઈ લાંબી મજલ કાપી હોય તેવા કોઈ નથી દેખાઈ રહ્યા. આજે શિકારકથાઓ અને સત્યઘટનાઓને આધારરૂપ લઈ જ્ઞાન પીરસવાના ક્ષેત્રમાં ઓટ આવી છે. એ જ રીતે બાળ સાહિત્યમાં તેમણે હાથીનાં ટોળામાં, શેરખાન અને કપિના પરાક્રમો જેવા રસભર પાત્રો રચ્યા. વાર્તા, નિબંધ, નવલકથા, કૃષ્ણ વગેરે વગેરે પર લખાય છે પણ બાકીના ક્ષેત્રો તો કોરીપાટી જેવા રહી ગયા છે. લખાઈ છે તો પણ ‘શ્રેષ્ઠ’ ક્યાં?
ઘણી વખત નગેન્દ્ર વિજય અને હર્ષલ પુષ્કર્ણાને યાદ કરીએ છીએ ત્યારે જીભમાંથી આકસ્મિક રીતે જ વિજયગુપ્ત મૌર્યનું અચૂકથી સ્મરણ થઈ આવે છે. આજે જ્ઞાન મેળવવાના સ્ત્રોતોનો વિકાસ થયો છે. ઈન્ટરનેટ આવી ગયું છે, આંગળીના ટેરવે માહિતી પ્રાપ્ત થઈ જાય છે, પરંતુ જ્યારે ઈન્ટરનેટ નહોતું ત્યારે વિજયગુપ્ત મૌર્ય ગૂગલ તરીકે ઓળખાતા હતા. એ પણ કોઈ જેવી તેવી વ્યક્તિ નહીં, પરંતુ તંત્રી અને લેખક હસમુખ ગાંધી તેમને હરતાં ફરતાં જ્ઞાનકોષ કહેતા હતા. એ વ્યક્તિ જેના મોઢામાંથી ભાગ્યે જ કોઈના વખાણ નીકળે.
તાજેતાજો ઘાણવો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર
- રાજકોટની ગોવિંદ પાર્ક સોસાયટી પાસે સિટી બસનું સ્ટોપ આપવા માગ
- જાણીતા રેપર રફ્તારે કર્યા બીજા લગ્ન, જાણો કોણ છે રફ્તારની દુલ્હન ?
- પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગ થતાં 10 લોકોના મોતની આશંકા, યોગી સરકાર એક્શનમાં