Team Chabuk-Special Desk: ભારતની પ્રથમ મહિલા પાયલટ સરલા ઠકુરાલની 107મી જન્મજયંતિના અવસર પર ગૂગલે ડૂડલ બનાવી તેમનું સન્માન જ નથી કર્યું પણ અનોખા અંદાજમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આ ડૂડલમાં તેમની ઐતિહાસિક ઉપલબ્ધિની ઝાંખી થાય છે. સરલા ઠકુરાલે માત્ર 21 વર્ષની ઉંમરમાં વર્ષ 1936માં વિમાન ઉડાવી ઈતિહાસ રચી દીધો હતો. તેમના સન્માનમાં તૈયાર કરવામાં આવેલા આ ડૂડલને આર્ટિસ્ટ વૃંદા ઝવેરીએ તૈયાર કર્યું છે.
ગૂગલે આ વિશે કહ્યું કે, ‘સરલા ઠકુરાલ દેશની તમામ મહિલાઓ માટે એક મોટી પ્રેરણાનોસ્ત્રોત છે. એ જ કારણ છે કે અમે આજના દિવસે તેમની 107મી જન્મજયંતિના અવસર પર ડૂડલ બનાવી તેમને સમર્પિત કર્યું છે. માત્ર 21 વર્ષની ઉંમરમાં પરંપરાગત સાડી પહેરીને સરલા ઠકુરાલે બે પાંખોવાળા નાના વિમાનના કોકપીટમાં પગલાં રાખ્યા હતા અને એકલા જ આ ઉડાન ભરી હતી. પોતાના એરક્રાફ્ટની સાથે આકાશની ઉંચાઈઓ અડકવાની સાથે જ તેમણે એક નવો ઈતિહાસ રચી દીધો હતો.’
આજના દિવસે જ 8 ઓગસ્ટ 1914માં દિલ્હી ખાતે તેમનો જન્મ થયો હતો. જે પછી તેઓ લાહોર પાકિસ્તાનમાં ચાલ્યા ગયા હતા. તેમના પતિ પીડી શર્મા એક એયરમેલ પાયલટ હતા. સરલા ઠકુરાલે પોતાના પતિથી પ્રેરિત થઈને પાયલટ બનવાની ટ્રેનિંગ પ્રાપ્ત કરી હતી. 1936માં જ્યારે સરલા ઠકુરાલે પ્રથમ વખત એક નાના વિમાનને ઉડાવ્યું ત્યારે તેમની ઉંમર 21 વર્ષની હતી અને તેઓ ચાર વર્ષની એક બાળકીની માતા પણ હતા.
સરલા ઠકુરાલની આ ઐતિહાસિક ઉપલબ્ધિ એક શરૂઆત હતી અને તેઓ ત્યાં જ ન રોકાયા. લાહોર ફ્લાઈંગ ક્લબની સ્ટુડન્ટ તરીકે તેમણે 1000 કલાકનો ફ્લાઈટ ટાઈમ પૂર્ણ કરીને પાયલટ તરીકેનું A લાયસન્સ પ્રાપ્ત કરીને સફળતા પ્રાપ્ત કરી હતી. આવું કરનારી તે પ્રથમ ભારતીય મહિલા હતી.
સરલા ઠકુરાલના પતિ કેપ્ટન પીડી શર્મા એક વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા. પતિના નિધન બાદ સરલા ઠકુરાલે એક કમર્શીયલ પાયલટ બનવાનું નક્કી કર્યું અને આ માટે પોતાની તૈયારીઓ આરંભી. જોકે તે સમયે ચાલી રહેલા બીજા વિશ્વયુદ્ધનાં કારણે તેઓ સફળતાના આગામી સોપાન સર ન કરી શક્યા. સરલા ઠકુરાલે એ પછી ફાઈન આર્ટ્સ અને પેઈન્ટીંગનો અભ્યાસ લાહોરના માયો સ્કૂલ ઓફ આર્ટ્સમાં કર્યો. જેને હવે નેશનલ કોલેજ ઓફ આર્ટ્સના નામે ઓળખવામાં આવે છે.
1947માં ભારત અને પાકિસ્તાનના વિભાજન બાદ સરલા ઠકુરાલ ભારત પરત ફર્યા હતા. અહીં દિલ્હીમાં રહીને તેણે પેઈન્ટીંગનું પોતાનું કામ આગળ ધપાવ્યું હતું. આગળ જઈ તેમણે જ્વેલરી અને ડ્રેસ ડિઝાઈનિંગમાં પોતાનું કરિયર બનાવ્યું હતું. વર્ષ 1948માં તેમણે આરપી ઠકુરાલ સાથે બીજા લગ્ન કર્યા. સરલા ઠકુરાલનું નિધન 15 માર્ચ 2008ના રોજ થયું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત