ઝાલાવાડી જલજીરા: લગાન. શોલે પછી કોઈ ફિલ્મે ભારતીયોને જળમૂળથી હલબલાવીને રાખી દીધાં હોય અને ક્રિકેટ પ્રત્યેના તેમના પ્રેમમાં વૃદ્ધી લાવી હોય તો લગાનને જ ગણવી રહી. ગદરનાં કારણે ઢંકાઈ ગયેલી. બાદમાં રહી રહીને ખબર પડી કે લગાનનો વિષય તો ઘર ઘરમાં જાણીતો છે. ETC, Mtvનું રાજ હતું. જેમાં ફિલ્મનાં પ્રોમો દર્શાવવામાં આવતા હતા. કેટલા બધા ગીતો પછી એકાદ કે બે વખત પ્રોમો આવે. પ્રમોશનનું બીજું કોઈ હાથવગું સાધન નહોતું. રેડિયો સવારમાં ભજન પૂરતો સિમિત થઈ ગયેલો. બાકી આખો દિવસ ટીવી અને તેમાં કાર્ટુન નેટવર્ક ચાલતું હતું. પ્રોમો દર્શાવે તોપણ આપણને તે સમજમાં નહોતો આવતો.
અત્યારે માધ્યમો વધી ગયા છે. જો એક ટોળી ઈચ્છે તો ફ્લોપને પણ હીટ કરાર આપી શકે છે. એ એક મોટા જનસમૂદાયને ફ્લોપ ફિલ્મ હીટ છે તેવું તેના ભેજામાં ઘુસાવી શકવા સક્ષમ છે. આનાથી બચવાનો એક પણ ઉપાય નથી. એક છે પણ તે ખૂબ અઘરો છે. સોશિયલ મીડિયા છોડી દો!
સમય કરતા આપણે વીસ વર્ષ આગળ આવી ગયા. જોવા માટેનું માધ્યમ ફક્ત થીએટર હતું. થીએટરમાં ફિલ્મ ખૂબ ચાલે તો લાંબા સમય પછી ઉતરે. એ ઉતર્યાં પછી ગામડાં કે તાલુકા સુધી પહોંચતા તો તેને છથી નવ મહિનાનો સમય લાગી જાય. શનિવારે કોઈ નવી ફિલ્મ રાતનાં સાડા નવ વાગ્યે દેખાડે, કારણ કે રવિવારે રજા હોય. તમે શેડ્યુલ જુઓ. પારિવારિક શેડ્યુલ ગોઠવ્યું હોય.
એ પછી તો ચેનલોનો રાફડો ફાટતા સેટ મેક્સ પર લગાન આવી ગઈ. ઝી સિનેમા પર ગદર આવતી હતી. એ ખૂબ જોવાયેલી. આજે તો યુટ્યુબ પર એ બંને ફિલ્મો અવેલેબેલ છે જ. ટોરેન્ટ પરથી કે કોઈ વેબસાઈટ પરથી ડાઉનલોડ પણ કરી શકો છો. જોકે એ જમાનો જ કંઈક અલગ હતો. લગાને કેટલાક છોકરાઓ જે ક્રિકેટમાં રસ નહોતાં લેતાં તેમને રસ લેતા કરી દીધાં હતાં. એક સમૂળગું ક્રિકેટનું વાતાવરણ ક્રિએટ કર્યું હતું. માતા પિતાને બેટ અને બોલનાં ખર્ચા લગાનનાં કારણે વધ્યાં હતાં. ગામના છોકરાઓ પહેરવેશથી તો ત્યારે ભૂવન જ લાગતા. જેથી વેશભૂષામાં કાંઈ વધુ ખર્ચ કરવાની જરૂર નહોતી. બાકીની ટીમ ભૂરા, ઈસ્માઈલ, અરજણ, ગોલી, લાખા, ઈશ્વરકાકા, બાઘા, કચરા…
સારું થયું આ ફિલ્મ આજના જમાનામાં રિલીઝ ન થઈ. નહીંતર તેના વાહિયાત રિવ્યૂ સાંભળવા અને વાંચવાના વારા મારા અને તમારા આવેત. ન હોય ત્યાંથી ભૂલ અને કુંડાળા કરીને બતાવેત. આ ફિલ્મ આપણું બાળપણ છે. તેણે આપણને ઘણું શીખવ્યું. શીખવ્યું કે ટીમની તાકાત એકજૂટ રહેવામાં છે. ગામનું મમત્વ દેખાડ્યું. મેઘરાજાનું છળકપટ દેખાડ્યું. ફોરેન યુવતી સાથેનો પ્રેમ બતાવ્યો. તેમાં અછૂતપણાને નેસ્તાનાબુદ કરવાની વાત પણ છે અને રાધા-શ્યામનો ઉત્કટ પ્રેમ પણ છે. વટની વાત છે. કોઈનું અભિમાન ભાંગીને કચ્ચરઘાણ કરવાની વાત છે. ફિક્સિંગ પણ આવે છે. પબ્લિકનો હર્ષનાદ પણ આવે છે. ક્રિકેટમાં જેટલું અને જેવું જેવું થાય એ બધું આવે છે.
આ ફિલ્મે આશુતોષ ગોવારિકરને એક સફળ દિગ્દર્શક તરીકે સ્થાપિત કર્યા. આશુતોષે સ્વદેશ આપી એ પણ ઝાલાવાડીને ખૂબ ગમી. આશુતોષની જોધા અકબર પર પણ વારી જવાયું. તેની જ છેલ્લે આવેલી પણ એટલી ન ચાલેલી પાણીપતનું વિષયવસ્તુ અને તેની પટકથા ગમી ગયેલી. આશુતોષ ઈતિહાસને ઈતિહાસની રીતે રજૂ કરે છે અને ઈતિહાસમાં જ્યારે કલ્પનાના રંગો પૂરે ત્યારે તે લગાન બની જાય છે.
આવું ક્યાંય નથી બન્યું છતાં આપણે ઈન્ટરનેટ પર શોધીએ છીએ કે ક્યાંક સાચું હોય. કલ્પના કેટલીક વખત વાસ્તવિકતા નથી હોતી ત્યારે નિરાશા ચો તરફથી ઘેરી વળે છે. રહેમાનનું સંગીત આપણી અંદર કરન્ટ લાવી દે છે. બે ઘડી તો ખેલાડી સિક્સ મારી દે એવું ઉત્તેજક સંગીત. તમને ખબર છે આ આખી ફિલ્મમાં સૌથી સારો અભિનય કોણે કર્યો છે? કેપ્ટન એન્ડ્રૂ રસેલ એટલે કે અભિનેતા પોલ બ્લેકથ્રોન. આ વ્યક્તિ ઉપર આપણને ખૂબ ખીજ ચડતી અને ચડે છે. મતબલ આ બેસ્ટ છે. લવ યૂ લગાન.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત