Team Chabuk-National Desk: ભારતની સૌથી મુશ્કેલ પરીક્ષામાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશનનો સમાવેશ થાય છે. 2020ની પરીક્ષાનું પરિણામ આવી ગયું છે. આ વખતે ટોપ કર્યું છે બિહારના શુભમ કુમારે. શુભમ બિહારના કટિહારનો રહેવાસી છે. હાલ પુણેમાં ઈન્ડિયન ડિફેન્સ અકાઊન્ટ સર્વિસની તાલીમ લઈ રહ્યો છે. શુભમનો આ ત્રીજો પ્રયત્ન હતો અને તેણે યુપીએસસી ટોપ કરી લીધું. 2018માં પ્રથમ વખત પરીક્ષા આપી હતી. 2019માં બીજી વખત પરીક્ષા આપી. જેમાં તેની રેન્ક 290 આવી હતી. એ પછી ઈન્ડિયન ડિફેન્સ અકાઉન્ટ સર્વિસમાં તેની ટ્રેનિંગ લાગી હતી. હવે ત્રીજી પ્રયત્ને તેણે ટોપ કરી લીધું છે. પરિણામ આવ્યા બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ ટ્વીટ કરી શુભમને અભિનંદન પાઠવ્યા છે.

નીતિશ કુમારે ટ્વીટર પર લખ્યું છે, ‘UPSC સિવિલ સેવા પરીક્ષામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનારા બિહારના શુભમ કુમારને અભિનંદન. તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના છે. બિહારના વિકાસ આયુક્ત, આમિર સુબહાનીજીએ પણ આ પહેલા પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.’

શુભમની ઉંમર છ વર્ષની હતી જ્યારે તે અભ્યાસ માટે ઘરથી બહાર ચાલ્યો ગયો હતો. પૂર્ણિયામાંથી તેણે અભ્યાસ કર્યો. IITમાં સિલેક્શન થયું. IIT મુંબઈથી સિવિલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું. 2018માં પાસ આઉટ થયો. શુભમના પિતા બેંક મેનેજર છે. મમ્મી ગૃહિણી છે. બહેન ઈન્દોરમાં સાઈન્ટિફિક ઓફિસર છે.

શુભમે બારમાં ધોરણ બાદ જ યુપીએસસીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જોકે મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા શુભમને લાગ્યું કે જો આઈઆઈટી કરી લઉં છું તો ભવિષ્ય સુરક્ષિત થઈ જશે. શુભમ ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ગણિતમાં સારું પરફોર્મ કરતો હોવાથી પહેલા તેના પર ધ્યાન આપ્યું. આઈઆઈટી મુંબઈમાં તેનું સિલેક્શન થઈ ગયું. કોલેજમાં રહેતા પણ શુભમે ઘણું શોધ સંશોધન કર્યું. એ પછી તેને લાગ્યું કે હવે યુપીએસસીની તૈયારી કરવી જોઈએ.

આઈઆઈટીમાં અભ્યાસ કરતા શુભમે જ્યાં ઈન્ટર્નશિપ કરી હતી એ કંપનીને પણ તેનું કામ વધારે પસંદ હતું. કંપનીએ ઓફર પણ આપી હતી કે આગળ જતા શુભમ તેમની સાથે જોડાઈ શકે છે. જોકે શુભમને લાગ્યું કે, જ્યારે એ નેતૃત્વની પોઝીશનમાં રહે છે અને લોકો માટે કંઈ કરે છે, તો ત્યાં એ પોતાનું બેસ્ટ આપી શકે છે. આ માટે જ આઈઆઈટીના પ્લેસમેન્ટમાં પણ શુભમ હાજર નહોતો રહ્યો. એણે પોતાની અલગ કેડી કંડારી અને યુપીએસસીની તૈયારી કરી.

શુભમ છેલ્લા ત્રણ વર્ષથી રોજ સાતથી આઠ કલાક વાંચતો હતો. શુભમનું એવું માનવું છે કે કેટલા કલાક સુધી તમે અભ્યાસ કરો છો એ મહત્વનું નથી, પણ મહત્વનું એ છે કે કેટલો નિયમિત તમે અભ્યાસ કરો છો. શુભમ પોતાના લક્ષ્ય અને તૈયારીઓને લઈને એટલો સમર્પિત હતો કે ઘરના લોકો સાથે 24 કલાકમાંથી પાંચ મિનિટ જ વાત કરતો હતો. તેના પિતાએ પણ એ વાતનો સ્વીકાર કર્યો છે કે, રાતના ભોજન કર્યા બાદ તેઓ શુભમ સાથે વાત કરતા હતા પણ તે પાંચ મિનિટ કરતા વધારે વાત નહોતો કરતો.
વર્તમાન યુપીએસસીની તૈયારીઓ વિશે શુભમનું કહેવું છે કે, ડિઝીટલ મીડિયાના આધુનિક સમયમાં તૈયારી ઘણી સરળ થઈ ગઈ છે. હવે મોટા શહેરોમાં જ નહીં ગામમાં પણ તૈયારી થઈ શકે છે. પરીક્ષાની તૈયારી વિદ્યાર્થી ગામમાં રહીને પણ કરી શકે છે. વિદ્યાર્થીએ ઈમાનદારીપૂર્વક લક્ષ્ય પ્રત્યે સમર્પિત રહેવું પડશે. ઓનલાઈન કેટલાય માધ્યમોથી લઈને યુટ્યૂબ પર પણ અઢળક મટિરિયલ છે. જે તૈયારી કરનારાઓનું લક્ષ્ય સરળ કરી શકે છે. બસ, આ જ છે એ ટ્રીક.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત