Team Chabuk-Political Desk: જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયના છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ અને સીપીઆઈ નેતા કન્હૈયા કુમાર અને ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી તારીખ 28 સ્ટેમ્બરના રોજ કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે. સમાચાર એજન્સી ANIના સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે. કન્હૈયા કુમારે આ અંગે રાહુલ ગાંધી સાથે પણ વાત કરી છે. જે પછીથી અટકળો તેજ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાર્ટી માટે કન્હૈયા કુમારને લઈ એક યોજના છે, જેના પર અમલ કરવામાં આવી શકે છે. જ્યારે કેટલાય રાજનીતિક નિષ્ણાતો કહે છે કે કન્હૈયા કુમાર માત્ર બિહાર સુધી સિમિત નહીં રહે પણ તેમને રાષ્ટ્રીય સ્તર પર પણ મેદાનમાં ઉતારવામાં આવશે. એવી માહિતી મળી રહી છે કે કન્હૈયા કુમાર અને જિજ્ઞેશ મેવાણીએ આ પહેલા પ્રશાંત કિશોર સાથે પણ મુલાકાત કરી હતી.
CPI leader Kanhaiya Kumar and RDAM MLA Jignesh Mewani from Gujarat to join Congress on September 28: Sources
— ANI (@ANI) September 25, 2021
(file phots of Mewani and Kumar, respectively) pic.twitter.com/9lCzGBvBme
મીડિયા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, પ્રશાંત કિશોરે રાહુલ ગાંધીને એવું મંતવ્ય આપ્યું હતું કે, જૂના નેતાઓની અસર હવે કોંગ્રેસ પાર્ટીમાં સમાપ્ત થઈ ગઈ છે. જેથી હવે યુવાનોને તક આપવી જોઈએ. તેમણે કહ્યું કે, આની ભરપાઈ કન્હૈયા અને જિજ્ઞેશની પાર્ટીમાં એન્ટ્રીથી થઈ શકે છે. કન્હૈયા કુમાર 2019ની લોકસભા ચૂંટણીમાં મળેલા પરાજય બાદ રાજનીતિમાં ખૂબ ઓછો દેખાઈ રહ્યા છે. પ્રશાંત કિશોરનું માનવું છે કે કન્હૈયાનો ભાષણ દેવાનો અંદાજ વોટરોને આકર્ષી શકે છે.

જોકે આટલી ચર્ચાઓ વચ્ચે બિહાર કોંગ્રેસનો એક પણ નેતા હરફ સુદ્ધા ઉચ્ચારવા તૈયાર નથી. ગપસપ ચાલી રહી છે કે, કેટલાય વરિષ્ઠ નેતાઓ કન્હૈયા કુમારની સંભવિત એન્ટ્રીથી પોતે કદ પ્રમાણે વેતરાશે એવી આશંકા જતાવી રહ્યા છે. આ પહેલા કન્હૈયા કુમારે જનતા દળ યૂનાઈટેડ (જદયૂ)ના નેતા અશોક ચૌધરીની સાથે મુલાકાત કરી હતી. તેમની આ મુલાકાતની પણ રાજનીતિની ગલીઓમાં ખૂબ ચર્ચા થઈ હતી. જોકે તેનું કોઈ પરિણામ સામે આવ્યું નહોતું.

ફેબ્રુઆરી મહિનામાં સીપીઆઈની એક મહત્વની બેઠક થઈ હતી. જેમાં કન્હૈયા કુમાર દ્વારા પટનામાં કરવામાં આવેલી મારપીટની ઘટનાને લઈ નિંદા પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં પાર્ટીના 110 સભ્યો હાજર હતા. જેમાંથી ત્રણ લોકોને છોડીને બાકીના તમામે કન્હૈયાની વિરૂદ્ધ નિંદા પ્રસ્તાવ પાસ કરાવવાનું સમર્થન કર્યું હતું. આ ઘટનાક્રમ બાદ કન્હૈયાની જદયુ નેતા સાથે થયેલી મુલાકાતને મહત્વની માનવામાં આવી રહી હતી. કન્હૈયા કુમાર બિહારના બેગૂસરાયમાં રહેનારા છે. 2019માં લોકસભા ચૂંટણી ગિરિરાજ સિંહની સામે લડી હતી. જેમાં તેમનો પરાજય થયો હતો.

બીજી બાજુ ગુજરાતના જિજ્ઞેશ મેવાણીની છબિ સ્વચ્છ છે. કોંગ્રેસ ગુજરાતમાં કશું નથી કરી રહી પણ જિજ્ઞેશે વનમેન આર્મી બનીને અપક્ષ નેતા તરીકે વિપક્ષનો મોર્ચો સંભાળ્યો છે. હાલ પણ ફોર્ડ કંપની બંધ થયા બાદ વિરોધ કરવા મેદાને ઉતરેલા બેરોજગારોની સાથે તેઓ રહ્યા હતા. આ ઉપરાંત પોતાના વિસ્તારમાં ઓક્સિજનનો પ્લાન્ટ પણ સ્થાપ્યો હતો. ઉતરોતર તેમની કામગીરી સોશિયલ મીડિયા મારફતે સામે આવતી રહે છે. જ્યાં કન્હૈયા 2019 બાદ રાજકારણથી અલિપ્ત રહ્યો ત્યાં જિજ્ઞેશે સતત ગુજરાતની રાજનીતિમાં સક્રિય ભૂમિકા ભજવી છે. અન્ય યુવા નેતાઓ કરતા જિજ્ઞેશનો પ્લસ પોંઈન્ટ એ પણ છે કે તેણે હજુ સુધી કોઈ મોટી પાર્ટીનો પાલવ નથી પકડ્યો. કોઈ પણ મોટી પાર્ટી સાથે જોડાયા વિના તેણે પોતાની છબિને લોકપ્રિય બનાવી છે. હાલ તો સૂત્રો તરફથી જ માહિતી મળી રહી છે ત્યારે આ બંને નેતાઓ કોંગ્રેસમાં જોડાઈ છે કે પછી કન્હૈયા પોતાની દિશામાં અને જિજ્ઞેશ એકલીવર બનીને લડે છે તે તો આવનારો સમય જ કહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત