ઝાલાવાડી જલજીરા: એકના એક હીરોને લઈને એકની એક ફિલ્મ બનાવવી હોય તો ડાયરેક્ટર ઉમેશ મહેરાનો સંપર્ક સાધવો. ૧૯૮૦ અને ૯૦ના દાયકામાં આ ડાયરેક્ટર તમને પોતાની જ ફિલ્મની કોપી કરી પીરસી દે અને તમને એવું પણ લાગે કે આ નવી બનાવી છે! તો સમજવું એ ઉમેશભાઈની ફિલ્મ હશે.
દાદાજી જે ઢંગધડા વિનાની વાર્તાઓ કહેતાં હતાં તે કથાને હિન્દી સિનેમાની ઓડિયન્સની સામે ડાયરેક્ટરે મુકી હતી. મનોરંજન સિવાય કંઈ ખપે નહીં તેવી ભારતીય ઓડિયન્સ ઉમેશ મહેરાની ફિલ્મોમાં કોઈ પણ પ્રકારનું સિનેમેટિક તત્વ ન હોવા છતાં રંગે ચંગે જોતી હતી અને તેનું અનુકરણ પણ કરતી હતી.
અક્ષય કુમારની ખિલાડી સિરીઝની તેણે સબ સે બડા ખિલાડી, ખિલાડીયોં કા ખિલાડી, ઈન્ટરનેશનલ ખિલાડી જેવી ફિલ્મો ડાયરેક્ટ કરી હતી. અક્ષય સિવાય તેમણે મિથુન ચક્રવર્તી સાથે લગલગાટ ફિલ્મો બનાવી હતી. અશાંતિ, મુઝરિમ, ગુરૂ, યાર ગદ્દાર અને છેલ્લે છેલ્લે દિલીપ કુમાર જેવા લેજન્ડરી એક્ટર સાથે કિલ્લા નામની ફિલ્મ બનાવી પોતાની ફિલ્મી કરિયર પૂર્ણ કરી.
આ કથાઓની ખાસ વસ્તુ એ રહેતી કે કાં તો માતાને ન મળેલા ન્યાયનો બદલો લેવા માટે પુત્ર ગામનાં જાલીમસિંહ નામના ઠાકુર વિરૂદ્ધ બદલો લેવાની ભાવના સાથે મેદાનમાં ઉતરે અથવા તો પોતાના ભાઈને થયેલા અન્યાયને ન્યાયમાં તબદીલ કરવા અને ગામનાં લોકોને દૂર્જનસિંહના ખોફથી બચાવવા માટે એક મસિહા તરીકે અવતરે. ફાટી ગયેલા ટાયર જેવું સસ્પેન્સ ધરાવતી આ પ્રકારની ફિલ્મોમાં પહેલા મિથુન ચક્રવર્તી હીરો તરીકે રહેતો હતો. જે પછીથી તેનું સ્થાન અક્ષય કુમારે લીધું.
અક્ષય કુમારને ત્રણ ફિલ્મથી જ ખ્યાલ આવી ગયો કે પહેલી ફિલ્મ ખિલાડી કર્યા બાદ એ જ નામની ફિલ્મો વારંવાર કરવાથી બોલિવુડમાં સ્થિતપ્રજ્ઞ નહીં રહેવાય. પરિણામે અક્ષયે લાંબા સમય સુધી આ પ્રકારની ફિલ્મો કરવાનું બંધ કરી દીધું. પણ આજે વાત 1996 અક્ષયની ખિલાડી શ્રેણીમાં જ આવેલી ખિલાડીયોં કા ખિલાડીની… વાત એટલા માટે પણ કરવાની થાય છે કે આજે આ ફિલ્મનાં 25 વર્ષ પૂરાં થઈ ગયાં છે. ખૂદ અક્ષય કુમારે એક મીમ શેર કરીને આ અંગેની માહિતી આપી છે. તેણે મીમમાં અંડરટેકરને પરાજીત કરનારા ચાર યૌદ્ધાઓને ઉલ્લેખ કર્યો છે. રોમેન રેન્ગ્સ, બ્રોક લેસનર અને ટ્રીપલ એચ. આ સિવાય ચોથી તસવીર અક્ષયે ખૂદની મૂકી હાહાકાર મચાવી દીધો છે.
ફિલ્મની કથા કંઈક એવી છે કે મેડમ માયા નામની એક ખૂંખાર મહિલા છે. જે ન્યૂયોર્કમાં ગેરકાયદેસર રેસલિંગના જીવસટોસટના ખેલ રમાડે છે. તેના વિરોધીનું નામ કિંગ ડોન અને માયાના ફેવરિટ રેસલરનું નામ છે અંડરટેકર. મેચ પૂરો થાય છે અને અજય મલ્હોત્રાને મરી ગયેલા રેસલરની લાશ ફેંકવાનું કહેવામાં આવે છે. લાશ ફેંકતા ફેંકતા ગળામાં રહેલું લોકેટ પણ મૃતકના હાથમાં આવી જતા અજય પોલીસ કાર્યવાહીનો ભોગ બને છે.
પોલીસ અજયની પાછળ પડેલી છે અને તે તો જ બચી શકે જો માયા વિરૂદ્ધના પુરાવા પોલીસને આપી દે. જો માયાના પુરાવા પોલીસને આપી દે તો માયા અજયની બોડી ઢીલી કરી નાખી. હવે અજયને આ કશ્મકશમાંથી બહાર લાવવા માટે એન્ટ્રી થાય છે આપણા હિરો અક્ષય મલ્હોત્રાની. જે પ્રેમના ગુલ ખિલાવે છે, એક્શન કરે છે, ઈમોશનલ થાય છે, સસ્પેન્સ રમે છે અને થ્રીલીંગ થ્રીલીંગની ક્રિડા પણ પોતે જ કરી લે છે.
અક્ષય કુમારને એક આર્મી ઓફિસરના રોલ તરીકે જજ કરી શકીએ. તેનું ફિઝીક, તેની બોડી અને એક્શનના કારણે અક્ષય આર્મી ઓફિસર તરીકે અદભૂત લાગે. પણ જે અક્ષય ખિલાડીયો કા ખિલાડીમાં બતાવ્યો છે તેવા આર્મી ઓફિસરની ખોજ તો હોલિવુડ પણ નથી કરી શકી. જે વિદેશમાં જઈ અંડરટેકર સામે લડી શકે. હોલિવુડ આ વિચારથી કેટલું દૂર રહી ગયું !! અક્ષય હોલિડે અ સોલ્જર નેવર ઓફ ડયૂટીમાં આર્મી ઓફિસર તરીકે જેટલો પસંદ આવે છે તેટલો આ ફિલ્મમાં નથી આવ્યો.
ફિલ્મની સ્ક્રિપ્ટમાં ડબલ્યુ ડબલ્યુ ઈને નાખવું તે ફિલ્મ માટે સફળતાની ગેરન્ટી એ વખતે હતી અત્યારે એ જ વસ્તુ રમૂજમાં ખપી જાય. બ્રાયન લીને લોકો રિયલ અંડરટેકર માનવા લાગ્યા હતા. તેની વોકિંગ સ્ટાઈલ, તેની આંખો, તેનો અદ્દલ રિયલ અંડરટેકર જેવો ચહેરો, એ વાતની ટાઢક આપતી હતી કે રિયલ અંડરટેકર બોલિવુડની સ્ક્રિન પર છે. જો કે બ્રાયન લીના ડાઈલોગ બોલતી વખતે વટાણા વેરાઈ જતા હતા.
એક રીતે આ બચ્ચાલોગની ફિલ્મ ગણવી રહી. અક્ષય પણ કિશોરોનો હિરો હતો, કારણ કે તે સાહસ જ કરતો હતો. એક્શનનું ફેક વર્ઝન ગણાતી ડબલ્યુ ડબલ્યુ ઈના અંડરટેકરને ઉમેરી થીએટરમાં ઓડિયન્સ ભેગી થઈ કે ન થઈ ખબર નથી… પણ ૨૦૦૦ની સાલમાં જ્યારે ટીવી પર ફિલ્મ આવી ત્યારે હાલ સૂર્યવંશમ મચાવે છે તેવું દંગલ મચાવી દીધું હતું. એ ફિલ્મ છાશવારે રિલીઝ થયા કરતી હતી અને લોકો ફરી ફરીને ફિલ્મ જોતા હતા.
ફિલ્મમાં કોઈને જોઈ બે ઘડી મઝા આવે તો તે અંડરટેકર જ છે. સાચો છે કે ખોટો છે તે તપાસવામાં આંખો ખર્ચાય જાય છે. હવે તો ઈન્ટરનેટની દુનિયાના કારણે ખ્યાલ આવી ગયો કે ખોટો જ છે ! કિંગ ડોનના નામે મશહૂર ગુલશન ગ્રોવર જેના વિના ખિલાડી સિરીઝની કોઈ ફિલ્મો સંભવી ન શકે અને એક્શન કરતો અક્ષય કુમાર. આટલા લોકોના કારણે ફિલ્મ થોડી ઘણી જીવંત રહી ગઈ.
બાકીના બધા કલાકારોએ ભેગા મળી ભાંગરો જ વાટયો. ફિલ્મના ગીતના બેકગ્રાઊન્ડમાં જેટલા કલાકારો નથી તેનાથી વધારે કલાકારો ફિલ્મમાં ડાઈલોગ બોલે છે. પરિણામે જે ફિલ્મ એક્શન અને થ્રીલીંગ સાથે પૂરી થવી જોઈએ તે જ ફિલ્મ ચ્યુંગમની જેમ ખેંચાયા રાખે છે. ફિલ્મનું સરખી રીતે પોસમોર્ટમ કરવામાં આવે તો એ પણ ખ્યાલ આવે કે ઘણી જગ્યાએ વિના વરસાદે ભૂવા પડી ગયા છે.
અક્ષય કુમારને બોલિવુડમાં એસ્ટાબ્લિશ કરવા માટે ખિલાડીયો કા ખિલાડીના ગીતે ઘણો ભાગ ભજવ્યો છે. અક્ષય માટે ખાસ ફિલ્મનું ગીત બનાવવામાં આવ્યું હતું. ગીતની પંક્તિઓ હતી હમ હૈ સીધે સાધે અક્ષય અક્ષય… પંક્તિઓ કરતાં તેની આગળની જે લાઈનો હતી તે મહત્વની હતી. અક્ષય કુમાર અમિતાભ પણ નથી અને દિલીપ કુમાર પણ નથી અને કોઈ હિરોનો દિકરો પણ નથી. અક્ષય ખુદ બોલિવુડમાં આઉટસાઈડર હતો. તેનો કોઈ ગોડફાધર નહોતો એટલે આ ગીત તેની કરિયર સાથે મેચ થઈ ગયું.
મા સેરાવાલીએ ગીત પ્રભૂ ભક્તિ માટે ઠીક છે પણ ગીત પૂર્ણ થતા અને પ્રોટોગોનિસ્ટ એન્ટોગોનિસ્ટ વચ્ચેની ફાઈટ થવાની સાથે જ જ્યારે માતાનું લોહી અક્ષય કુમારના હોઠ સુધી પહોંચે એટલે તે વાઘ જેટલો ખૂંખાર બની જાય !! દર્શકો પણ માની લે કે હા આવું થાય છે ! ઉમેશ મહેરાની ફિલ્મના અંતમાં એવું જ રહેતું જે વિચક્ષણ બુદ્ધિમાનો સમજી ન શકે, પણ ભીડ સમજી જાય. સાત ગીતોમાંથી અક્ષય કુમાર માટે બનાવવામાં આવેલા ગીતને છોડતા તમામ ગીતો ફ્લોપ રહ્યા હતા. રેખા અને અક્ષયના કામસૂત્ર જેવા ગીત ઈન ધ નાઈટ નો કન્ટ્રોલે પણ ઓડિયન્સને ગલગલીયા નહોતા કરાવ્યા.
ખિલાડીમાં દેખા તેરી મસ્તી અદાઓ મેં, સબસે બડા ખિલાડીમાં કરો પ્યાર મુઝે કરો અને ખિલાડીયોં કા ખિલાડીનું આ ગીત એ વાતની સાબિતી આપે છે કે એ સમયે ફિલ્મની સ્ક્રિપ્ટ તો ઠીક ગીતની કોરિયોગ્રાફી પણ જૂની ફિલ્મોમાંથી પ્રેરણા લઈ બનાવવામાં આવતી હતી. બાય ધ વે રેખા અને અક્ષયનું એ ગીત ૯૦ના દાયકામાં ફિલ્માવવામાં આવેલું સૌથી હોટેસ્ટ ગીત હતું અને આજે પણ અડિખમ છે તેમ માનવું રહ્યું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત