Team Chabuk-Political Desk: રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને દોઢ વર્ષ જેટલો સમય હવે બાકી રહ્યો છે. ત્યારે આગામી ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી પણ પૂરેપૂરી તાકાત લગાવશે. આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપવા માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે આજે સુરેન્દ્રનગરના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. 30 જેટલા કોંગ્રેસના હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો અને સામાજિક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.
30 જેટલા નેતાઓ-સામાજિક આગેવાનો આપમાં જોડાયા
સુરેન્દ્રનગર કોંગ્રેસના નવા સંગઠનની જાહેરાત બાદ છેલ્લા ઘણા દિવસોથી રાજકીય ગણગણાટ શરૂ થયો હતો. અનેક નારાજ હોદ્દેદારોએ કોંગ્રેસ સાથે છેડો ફાડવાનું મન બનાવી લીધું હતું. નારાજ હોદ્દેદારો અને પૂર્વ હોદ્દેદારોએ એક બાદ એક કોંગ્રેસમાંથી રાજીનામા પણ ધરી દીધા હતા અને ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જો કે રવિવારની સાંજે આ ચર્ચાઓનો અંત આવ્યો હતો અને 30 જેટલા કોંગ્રેસના નેતાઓ અને સામાજિક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા.
સુરેન્દ્રનગર શહેરમાં કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહેલા નેતાઓને આવકારવા આમ આદમી પાર્ટી દ્વારા ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 30 જેટલા કોંગ્રેસના નેતાઓ અને સામાજિક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ગોપાલ ઈટાલિયાએ તમામ નેતાઓને ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા હતા.

આ નેતાઓ આપમાં જોડાયા
આજે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા કોંગ્રેસના નેતાઓમાં સૌથી મોટું નામ કમલેશ કોટેચાનું છે. કમલેશ કોટાચા સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ છે. તેમણે ગત દિવસોમાં કોંગ્રેસ સામે નારાજગી દાખવીને રાજીનામું ધરી દીધું હતું. ત્યારબાદ જેઓની ત્રણ પેઢી કોંગ્રેસ સાથે જોડાયેલી છે એવા વિક્રમ દવે પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. વિક્રમ દવે વઢવાણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે. તેમના પિતા નંદકિશોર દવે વઢવાણના પૂર્વ ધારાસભ્ય છે. આ ઉપરાંત વઢવાણ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સતિષ ગમારા, વઢવાણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ કનેશ સોલંકી સહિત 30 જેટલા કોંગ્રેસના નેતા અને સામાજિક આગેવાનોએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો હતો.

આમ વર્ષોથી કોંગ્રેસમાં રહેલા મોટા નેતાઓએ રાજીનામું ધરી દેતા કોંગ્રેસની ચિંતા વધી છે. કોંગ્રેસ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 2022માં વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે એક સાથે આટલી મોટી સંખ્યામાં નેતાઓ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતાં સુરેન્દ્રનગર કોંગ્રેસમાં ભૂકંપ આવી ગયો છે.
આમ આદમી પાર્ટીએ જમીન મજબૂત કરી
વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર લડશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જેની તૈયારીના ભાગરૂપે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસમાં નારાજ થઈને બેઠેલા નેતાઓને પોતાના પક્ષમાં જોડવાનું શરૂ કર્યું છે. સુરેન્દ્રનગરમાં આજે આમ આદમી પાર્ટીએ મોટી બાજી મારીને પોતાની જમીન મજબૂત કરી દીધી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત