Homeસિનેમાવાદઅજુબા: ભારતમાં ન ચાલી રશિયામાં ચાલી ગઈ

અજુબા: ભારતમાં ન ચાલી રશિયામાં ચાલી ગઈ

ઝાલાવાડી જલજીરા: બાળપણમાં મહત્તમ પ્રમાણમાં ભોળપણ હોય છે. એ જોયેલી તમામ વસ્તુઓને સાચી માની લે છે. એ ભગવાનમાં પણ માને છે અને ભૂતમાં પણ માને છે. એક વખત તો એવો પણ આવે છે કે આપણા બાળ માનસને અજુબા ફિલ્મ હીટ લાગવા લાગે છે. એ યુવાન થાય ત્યારે અક્કલ આવે તો ઠીક, નહીંતર વયોવૃદ્ધ અવસ્થામાં તેને ખ્યાલ આવે છે કે હું કેટલી ભંગાર ફિલ્મ જોતો હતો અને તેને સુપરહીટ પણ માનતો હતો. ઘણી વખત તો વયોવૃદ્ધ થતાં પણ ખ્યાલ નથી આવતો એ દુ:ખની વાત છે!

આ ફિલ્મ વિષે ઠેરઠેર એક જ વાત લખેલી છે કે એ ભારતમાં ખૂબ ખરાબ રીતે પીટાઈ ગઈ હતી અને રશિયામાં તે ઉપડી ગઈ હતી. રશિયનોની ફિલ્મો પ્રત્યે ગજબની સેન્સ છે. એને જે પણ દેખાડવામાં આવે બધામાં મજા આવે છે. એ ફર્ક નથી લગાવી શકતા કે આ સારી અને આ ખરાબ.

તો જનતાની આંખમાં ધૂળ નાખનારી અજુબાની વાત કરીએ. આ ફિલ્મ પોતે જ એક અજુબો હતી. તેના ક્લાઈમેક્સમાં ગામની ‘બા’ અજુબામાં આવતા રાક્ષસને જોઈ ડરી જતી હતી. ઝાલર ટાણે મંદિરે નાળિયેર પણ ફોડી આવતી હોય તો નક્કી નહીં.

શશી કપૂર દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. રશિયન દિગ્દર્શકની સાથે શશિએ પણ ઝંપ લાવ્યું હતું. ચાર ચાર તો લેખક હતા, જેઓ અરેબિયન નાઈટ્સની ચોપડી ખોલીને જ બેઠા હશે તેવું આજે લાગે છે. યુ અવેટીકીવો, ભરત.બી.ભલ્લા, વેલેન્ટીન, બ્રિજ અને પ્રયાગ રાજ. આ બધા સ્થળના નહીં ફિલ્મના લેખકનાં નામ છે.

વિકીપીડિયામાં તો સહજ રીતે સ્વીકાર કરી લેવામાં આવ્યો છે કે આમાં મોટો ફાળો અરેબિયન નાઈટ્સનો છે. અરેબિયન નાઈટ્સનું કોઈ પાત્ર જીવંત હોય અને તેને આ અજુબો બતાવો તો એ ખૂદ પણ કહી બેસે કે, મારો અરેબિયન નાઈટ્સ સાથે સ્નાનસૂતકનો સંબંધ નથી. હું તો બહાર ગામનો છું.

કલાકારો સારા પસંદ કરવામાં આવ્યા હતા અને ઉપરથી આ ભારતની પ્રથમ સુપરહીરો ફિલ્મ હતી. તમે માનો કે ન માનો આખે આખા અફઘાનમાં એક જ માણસ છ ફૂટનો હોય તો હું કહી જ દઉં કે આ જ અજુબા છે. જોકે સુપરહીરો ફિલ્મમાં માસ્કની પાછળ કોણ છૂપાયેલો છે એ રહસ્યને છુપાવવું વધારે જરૂરી હોય છે. ભલે ફિલ્મનું મુખ્ય રહસ્ય ન છુપાવી શકાય. 1991ની સાલમાં અમિતાભની પર્સનાલિટીને થોડી વધારે પોલિશ કરવામાં આવી હતી. તેના ગીતો સીન નાખવાના ઓઝાર બની ગયા. એ હજુ એન્ગ્રી યંગ મેન જ લાગતો હતો.  

અમિતાભની પર્સનાલિટી આ ફિલ્મમાં ઝોરો જેવી લાગતી હતી. 2000ની સાલમાં સહારા નામની ચેનલ આવતી હતી. જેમાં ઝોરો નામનું કાર્ટુન આવતું હતું. આ કાર્ટુનમાં સફેદ કલરના ઘોડા પર સવાર થઈ ઝોરો આવે છે. તેણે આંખ પર કાળી પટ્ટી પહેરેલી હોય છે. હાથમાં તલવાર હોય છે. ચાબુક પણ હોય છે. તીર કામઠું પણ રાખે છે. તેણે માથામાં રાઉન્ડ કલરની ટોપી પહેરી હતી અમિતાભે નહોતી પહેરી. ઝોરો અને અજુબામાં આટલો જ ફર્ક છે.

1991નાં વર્ષની ઓડિયન્સ માટે ગોઝિલા જેવો શૈતાન આશ્ચર્ય પમાડતો હશે, આજે તો એ પ્રથમ રિલીઝ થયેલી ગોઝિલા ફિલ્મ જેવો લાગે છે. તેને આપણો અજુબા હરાવી દે છે અને વાર્તા પૂરી. આ વાર્તાને તેના નિર્ણાયક અંત સુધી લઈ જવાની હતી. પુત્ર ખોવાયો છે. માતા પિતા સાથે તેનું મિલન કરાવવાનું છે. એને પ્રેમમાં પણ પાડવાનો છે. એને નચાવવાનો પણ છે. એને ગંગાધરની જેમ મૂર્ખ પણ દર્શાવવાનો છે અને દયાળુ પણ દર્શાવવાનો છે. બત્રીસ લક્ષણા માણસની જેમ અજુબાને તૈયાર કર્યો હતો. ખાસ એ કે અમરીશ પુરીનો પહેરવેશ આ ફિલ્મમાં માર્વેલ કોમિકના વકાન્ડાનાં મહારાજા બ્લેક પેન્થર જેવો લાગે છે.

તો આટલી ભંગાર અજુબાને આજે ઝાલાવાડીએ શું કામે યાદ કરી ? આજે સવારમાં ઊઠ્યો. હાથમાં મોબાઈલ લીધો. ચાબુકની ઓફિસે જવાનું હતું. જલ્દી જલ્દી તૈયાર થતો હતો, ત્યાં અમિતાભ બચ્ચને મૂકેલી પોસ્ટ આંખે ચડી ગઈ. 2901 નંબરની પોસ્ટમાં એમણે લખ્યું છે કે, ‘સાલ ગુઝરતે રહે, સુખ કે કુછ દુ:ખ કે, સાથી ચલે ગયે, યાદે ભર રહે ગઈ.’ અજુબાના ત્રીસ વર્ષ થઈ ગયા.

કવિ પુત્ર અમિતાભે આમાં એક વાક્ય લખ્યું છે. સાથી ચલે ગયે. આ શબ્દથી એમણે ઋષિ કપૂરને યાદ કર્યા. અમરીશ પુરીને યાદ કર્યા. શશી કપૂરને યાદ કર્યા. શઈદ ઝાફરીને યાદ કર્યા. કંઈ કેટલાય કલાકારો જે આ ફિલ્મ સાથે સંકળાયેલા હતાં હવે આપણી વચ્ચે નથી રહ્યા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments