ઝાલાવાડી જલજીરા : આમિર ખાનને અંદાજ અપના અપનામાં દરેકે જોયો હશે. કલ્ટ ક્લાસિક પિક્ચર છે. હવે આમિર ખાનના ચહેરાના એક્સપ્રેશન જોયા પછી અને જો યાદ હોય – તો યુટ્યુબ પર ઉપલબ્ધ દેખ ભાઈ દેખ જોઈને શેખર સુમનના એક્સપ્રેશનનું બારીકાઈથી ઓબ્ઝર્વેશન કરજો. આમિર ખાને ડિટ્ટો શેખર સુમનના દેખ ભાઈ દેખ પાત્રની નકલ કરી છે. પહેલા એપિસોડમાં જ સિનેમા-સિરીયલના સમહરખિયાઓને ખ્યાલ આવી જશે કે આમિર ખાન મોઢું ખોલે, બંધ કરે, નેણ ઊંચા કરે એ બધું જ 1993ની કલ્ટ સિટકોમ દેખ ભાઈ દેખમાં શેખર સુમન કરી ચૂક્યો હતો.
સિટકોમ એટલે સિચ્યુએશન કોમેડી. પરિસ્થિતિ પ્રમાણે હાસ્ય ઉદ્દભવે. આ તેની અમેરિકન વ્યાખ્યા છે. સ્મોલ વન્ડર નામની સિરીયલ આવતી એ પણ સિટકોમ જ હતી. ભારતમાં યે જો હૈ જિંદગી, વાઘલે કી દુનિયા, ખિચડી, જબાન સંભાલ કે, ભાભીજી ઘર પર હૈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. આ બધી સિટકોમ છે.
શેખર સુમન એક શાનદારા અભિનેતા છે. આજની પેઢીને તો એ વાત કેવી રીતે સમજાવવી ? ટીવી પર ચેનલો ખૂબ ઓછી આવતી હતી. 1993માં તો દૂરદર્શન પછી ઝી અને સોનીની તો હજુ શરૂઆત જ થઈ હતી. એટલે મહાનગરોની જનતાને એક સારી પ્રોડક્ટ જોવાની અભિલાષા તો હોય જ. એવા સમયે દેખ ભાઈ દેખે એન્ટ્રી મારી. બધી સારી સિરીયલો શરૂ કરવાનું શ્રેય જેમ દૂરદર્શનના ફાળે જાય છે તેમ દેખ ભાઈ દેખની શરૂઆત પણ 6 મે 1993ના રોજ દૂરદર્શન પર જ થઈ હતી.
વાર્તા છે એક કોમેડી પરિવારની. દલાલ પરિવાર નામ છે. જેમાં ગણી શકો એટલા લોકો રહે છે. દરેક એપિસોડમાં આ તમામ પાત્રો હાજર જ હોય છે. કોઈ એક પાત્ર ગેરહાજર હોય તો મજા ન આવે. અસર ઓછી થઈ જાય.
પરિવારના મોભીનું નામ બલરાજ દિવાન (નવીન નિશ્ચલ) જે વાતે વાતે કંઈક ને કંઈક ભૂલી જાય છે. અલબત્ત પહેલા એપિસોડમાં ખાસ. બલરાજની પત્નીનું નામ છે સુહાસિની દિવાન (ફરિદા જલાલ). બલરાજના ભાઈનું નામ છે સમીર દિવાન (શેખર સુમન) જે આખો દિવસ શેરબજારમાં પડ્યો રહે છે. તેની પત્ની સુનીતા દિવાન (ભાવના બાલસાર) નવલકથાકાર છે. કરીમ (દેવેન ભોજાણી) એક નોકર છે. સંજય દિવાન (વિશાલ ઢીંગારા) બલરાજનો દીકરો છે. નતાશા દિવાન (કિર્તી સિંહ) બલરાજની દીકરી છે. જે બંને આખો દિવસ ઘરના એક ફોન પર વાતો કરતા રહે છે અને ઘરમાં જ બાસ્કેટ બોલથી લઈને ક્રિકેટ સુધીની રમત રમતા રહે છે. સરલા દીવાન (સુષ્મા શેઠ) એમની દાદી છે. એમના પતિનું નામ દુર્ગાદાસ દિવાન (એન.કે શિવાપુરી) અને બાકીના બીજા પાત્રો જે આવતા રહે અને જતા રહે.
દેખ ભાઈ દેખ કોમેડી સિરીયલોમાં પાયોનિયર બનેલી. એ પછી તો ઢગલાબંધ સિરીયલો આવી. જેમાં દેખ ભાઈ દેખ હૈથી હટકે કુટુંબ દર્શાવવાના પ્રયાસ કરેલા. કેટલીક સફળ ગઈ કેટલીક અસફળ ગઈ. દેખ ભાઈ દેખની સરખામણીએ કોઈ ન આવી.
આ સિરીયલના ડાયરેક્ટર હતા આનંદ મહેન્દ્રુ. આનંદે સમગ્ર કન્સેપ્ટને ક્રિએટ કર્યો. તેને પટકથામાં ઢાળ્યો. ડાયરેક્શન કર્યું. એડિટર પણ પોતે જ હતા. એટલે કે એકલા માણસે આખી સિરીયલ અને તેની કાસ્ટને સંભાળી લીધી. પહેલા એપિસોડમાં તો નાસ્તાના ટેબલ પર દાદા-દાદી બેઠા છે અને એક એક કલાકારને ઈન્ટ્રોડ્યુસ જે રીતે કરાયા છે, કેટલી જહેમત ઉઠાવવી પડી હશે? નાસ્તાના ટેબલ પર જે તે વ્યક્તિને બોલાવવામાં આવે એ દોડી અને આવે. ‘સંજુ તુમ્હારા ફોન હૈ….’ આવીને સંજુ ફોનમાં લાગી જાય. સ્નાન કરીને બહાર નીકળ્યો હોય. ટુવાલ પણ નીકળી જાય. એ પણ પરિવારના સભ્યોની સામે અને છતાં તે વાતો કરતો રહે છે. તેને ટોકે તો કહે, અરે હું ફોનમાં થોડો નગ્ન દેખાવાનો છું. એક પછી એક બધા ઈન્ટ્રોડ્યુસ થઈ જાય અને આપણને ખબર પણ ન પડે.
સિરીયલને જયા બચ્ચને પ્રોડ્યુસ કરી હતી. જેમણે અમિતાભ સાથે લગ્ન કર્યા પછી ફિલ્મોમાં આવવાનું ઓછું કરી દીધું હતું. પ્રોડક્શનનું નામ હતું સરસ્વતી ઓડિયો વિઝ્યુઅલ પ્રાઈવેટ લિમિટેડ જે પછીથી અમિતાભ બચ્ચન પ્રોડક્શન હાઉસ સાથે વિલીન થઈ ગયું. જયા બચ્ચન આ ફિલ્મના સેટ પર અચાનક ખાબકી પડતા હતા અને જે દિવસે આવી જતા ત્યારે કોઈ ને કોઈનો જન્મદિવસ હોતો. જે તેઓ સેલિબ્રેટ કરતા હતા. ટીમના મોટાભાગના સભ્યોનો જન્મદિવસ તેમણે આમ જ ઉજવ્યો હતો.
આનંદ મહેન્દ્રુ દેખ ભાઈ દેખની સફળતા પછી તેના પરથી ફિલ્મ બનાવવાની યોજના ઘડી રહ્યા હતા. ફિલ્મમાં લીડ કલાકાર તરીકે શેખર સુમનના દીકરા અધ્યયનને લેવાની તેમની યોજના હતી. ખિચડી સિરીયલની જેમ જ આ આખો પ્લાન તેમણે બનાવ્યો હતો. જે થઈ ન શક્યું.
કસૌટી ઝિંદગી કીમાં કોમલિકાનો રોલ પ્લે કરી ઘરે ઘરે વિલન તરીકે જાણીતી બનેલી. પંજાબી માતા અને ગુજરાતી પિતાનું સંતાન એવી ઉર્વશી ધોળકિયાએ પોતાનું ટીવી ડેબ્યુ આ સિરીયલથી જ કર્યું હતું. પાત્રનું નામ શિલ્પા હતું અને તેની ઉંમર માત્ર 15 વર્ષની હતી. ઉર્વશીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘1 વાગ્યે મારી સ્કૂલ પતી જતી હતી અને પછી હું સ્કૂલના જ યુનિફોર્મમાં ચેમ્બુર ખાતે આવેલા આર.કે સ્ટુડિયોમાં પહોંચી જતી હતી.’
આ સિરીયલ તેના સમય કરતા ખાસ્સી આગળ હતી. સંજુ અને કીર્તિ ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ છે અને પરિવારના એક પણ વ્યક્તિને તેની સામે વાંધો નથી. ઉપરથી એ તેમના ઘરે પણ આવે છે. ખુદ શેખર સુમન તેની પાસેથી આગ્રાના પીઠા મગાવે છે. એ સિરીયલ જોતી વખતે પણ કોઈને એ વાતનો વિચાર સુદ્ધા ન આવ્યો કે પરિવારની એક ટીનએજ છોકરીને બોયફ્રેન્ડ છે. પરિવારની છોકરીને બોયફ્રેન્ડ હોય એ વાત આજે પણ કેટલાકનાં નેણ નક્શા બદલી નાખે છે.
વિશાલ દિવાન નામનો છ વર્ષનો છોકરો. જેનું સાચું નામ સની સિંહ છે. તેણે દેખ ભાઈ દેખ સિરીયલ પછી શાહિદ કપૂરની ફિલ્મ પાઠશાલામાં કામ કર્યું હતું. તેની બહેન આભા દિવાન. જે કરિશ્મા આચાર્ય બની હતી. તે મુંબઈમાં આજે મોટી ફેશન ડિઝાઈનર છે. સની તો છેલ્લે યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં દેખાયો હતો. એ પછી મોટાભાગના કલાકારો સક્રીય નથી. દેવેન ભોજાણી ફિલ્મો ડાયરેક્ટ કરે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત