Homeસાહિત્યવાર્તા વિશ્વ : રસ્કિન બોન્ડની રાતમાં એક ચહેરો

વાર્તા વિશ્વ : રસ્કિન બોન્ડની રાતમાં એક ચહેરો

લેખક – રસ્કિન બોન્ડ
મૂળ શીર્ષક – Face In The Dark
અનુવાદ – ટીમ ચાબુક
ગુજરાતી શીર્ષક – રાતમાં એક ચહેરો

એંગ્લો ઈન્ડિયન માસ્તર મિસ્ટર ઓલિવર એક વખત શિમલા હિલસ્ટેશનની બહાર બનેલી પોતાની શાળાએથી મોડી રાતે પરત ફરી રહ્યા હતા. ખ્યાતનામ લેખક રૂડયાર્ડ કિપલિંગથી પણ પહેલાના સમયમાં. આ શાળા અંગ્રેજી પબ્લિક સ્કૂલોની માફક ચાલતી હતી અને અહીં અભ્યાસ કરતાં છોકરા બ્લેજર, ટોપી અને ટાઈ પહેરેલા, મહત્તમ સમૃદ્ધ ભારતીય પરિવારોના હતા. લોકપ્રિય અમેરિકન લાઈફ સામાયિકે એક વખત ભારત પર કરેલી પોતાની સ્ટોરીમાં આ શાળાની સરખામણી ઈંગ્લેન્ડની સુપ્રસિદ્ધ છોકરાઓની વિદ્યાલય ઈટન સાથે કરતા તેને ઈટન સ્કૂલની સંજ્ઞા આપી હતી. મિસ્ટર ઓલિવર અહીંયા કેટલાક વર્ષોથી ભણાવી રહ્યા હતા.

સિનેમા ઘર અને હોટલની સાથે શિમલા બજાર સ્કૂલથી લગભગ ત્રણ કિલોમીટરના અંતરે હતી. અપરણિત મિસ્ટર ઓલિવર હંમેશાં રાત્રે ફરવા માટે શહેર બાજુ નીકળી પડતા હતા અને રાત થયા પછી દેવદારના જંગલોમાંથી પસાર થતા નાની કેડીવાળા રસ્તા પરથી સ્કૂલે પરત ફરતા હતા.

તીવ્ર હવાના વેગથી દેવદારના વૃક્ષોમાંથી બહિર્ભવ થતી ઉદાસ, ડરાવતી ધ્વનિઓના કારણે મોટાભાગના લોકો એ માર્ગનો ઉપયોગ કરવાની જગ્યાએ મુખ્ય રસ્તા પરથી જ જતા હતા. પણ મિસ્ટર ઓલિવર ડરપોક કે કલ્પનાશીલ નહોતા. તેમની પાસે એક ટોર્ચ હતી જેની બેટરી પૂર્ણ થવાના આરે હતી. ટોર્ચમાંથી નીકળતો અસ્થિર પ્રકાશ જંગલના ઘેઘૂર રસ્તા પર પડી રહ્યો હતો. જ્યારે તેનો અનિયમિત પ્રકાશ એક છોકરાની આકૃતિ પર પડ્યો, જે પથ્થર પર એકલો બેઠેલો હતો, તો મિસ્ટર ઓલિવર ઊભા રહી ગયા. છોકરાઓને અંધારું થઈ જાય પછી બહાર નીકળવાની અનુમતિ નહોતી.

‘તું અહીં બહાર શું કામે રખડે છો?’ મિસ્ટર ઓલિવરે થોડી કડકાઈ બતાવતા તેની પાસે હળવેકથી જઈને પૂછ્યું. જેથી તે આ છોકરાની ઓળખ કરી શકે. પણ તે છોકરાની નજીક જતા જતા મિસ્ટર ઓલિવરને લાગ્યું કે કંઈક તો ગડબડ છે. એવું પ્રતીત થઈ રહ્યું હતું કે છોકરો રડી રહ્યો છે. તેણે પોતાનું માથું નમાવીને રાખ્યું હતું. હાથમાં ચહેરો પકડીને રાખ્યો હતો. તેનું શરીર ઝટકાઓ સાથે હલી રહ્યું હતું. એક વિચિત્ર, અવાજ વિનાનું રુદન હતું અને મિસ્ટર ઓલિવરને સ્પષ્ટ રીતે કંઈક વિચિત્ર થતું હોવાનું લાગ્યું.

‘ઠીક છે શું વાત છે?’ એમના અવાજમાં ક્રોધની જગ્યાએ સહાનુભૂતિ ઉમેરાઈ, ‘તું શું કામે રડે છો?’ છોકરાએ કંઈ જવાબ પણ ન આપ્યો કે ઉપર પણ ન જોયું. તેનું શરીર શાંત પહેલાની જેમ ઝટકા મારી રહ્યું હતું.

‘એ છોકરા. થઈ ગયું, તારે આ સમયે બહાર ન હોવું જોઈએ. તારી સમસ્યા મને કહે. ઉપર જો.’
છોકરાએ ઉપર જોયું. તેણે ચહેરા પરથી પોતાના હાથ હડસેલી લીધા. મિસ્ટર ઓલિવરના ટોર્ચનો પ્રકાશ એ છોકરાના ચહેરા પર પડ્યો. જો તમે તેને એક ચહેરો કહેવા ઈચ્છતા હો તો.

તેના ચહેરા પર આંખ, કાન, નાક, મોઢું કંઈ હતું જ નહીં. એ બસ એક ગોળ ચિકણું શરીર હતું અને તેના પર સ્કૂલની ટોપી પહેરેલી હતી. અને અહીં જ એ વાર્તા પૂર્ણ થવી જોઈતી હતી, પણ મિસ્ટર ઓલિવર માટે એ પૂર્ણ ન થઈ.

તેમના ધ્રૂજતા હાથમાંથી ટોર્ચ નીચે ગબડી પડી. એ ફર્યા અને પડતા પડતા વૃક્ષોની વચ્ચેથી ઝડપથી ભાગતા મદદ માગી રહ્યા હતા. એ હજુ શાળાની બિલ્ડીંગ તરફ દોડી રહ્યા હતા કે ત્યાં જ તેમણે રસ્તાની વચ્ચે એક ફાનસ લટકતું જોયું. મિસ્ટર ઓલિવર ચોકીદાર સાથે અથડાઈ ને ધમણની માફક હાંફતા શ્વાસ લેવા લાગ્યા.

‘શું વાત છે સાહેબ ?’ ચોકીદારે પૂછ્યું, ‘શું ત્યાં કોઈ દુર્ઘટના થઈ છે? તમે દોડી શું કામે રહ્યા છો?’

‘મેં કંઈક જોયું. કંઈક વધારે જ ભયાનક- જંગલમાં એક રડતો છોકરો અને તેનો ચહેરો જ નહોતો.’

‘ચહેરો નહીં સાહેબ?’

‘આંખ, નાક, મોઢું કંઈ નહીં.’

‘શું તમારો અર્થ છે એ આવો હતો સાહેબ ?’ ચોકીદારે પૂછ્યું અને પ્રકાશ પોતાના ચહેરા પાસે લાવીને રાખી દીધો. ચોકીદારના ચહેરા પર ન તો આંખ હતી, ન કાન અને ન કોઈ અંગ. ત્યાં સુધી કે નેણ પણ નહોતા. હવા જોરથી ચાલી અને ફાનસ ઓલવાઈ ગયું.

‘એલા તમે અહીં હાથ અડાવતા જાજો હો…’

ફેસબુક પેઈજ️- https://www.facebook.com/Thechabuk

ટ્વિટર એકાઉન્ટ- https://twitter.com/thechabuk

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ- https://www.instagram.com/thechabuk/

ટેલિગ્રામ ચેનલ️- https://t.me/TheChabuk

વોટ્સએપ ગ્રુપ લિંક️ https://chat.whatsapp.com/HY3J67V9bjG35HY4GLwm7o

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments