વાત કરીએ દક્ષિણની Anando Brahma ફિલ્મની. આ ફિલ્મ જોવાનું કારણ તેમાં તાપસી પન્નુ છે. તેલુગુમાંથી તમિલમાં પેટ્રોમેક્સ નામે તેનું રૂપાંતરણ થયેલું છે. જેમાં અભિનેત્રી તરીકે તમન્ના ભાટીયા છે.
પાત્રોની પૈસા માટેની મથામણ એ હંમેશાંથી દર્શકોને હસાવતો, રોચક અને દિગ્દર્શકોને પ્રિય એવો વિષય રહ્યો છે. આ વિષયો સફળ પણ જાય છે. Anando Brahmaનો વિષય પણ પૈસાની જ આસપાસ ફરે છે. તેના પાત્રોને હેરાફેરીના શ્યામ, બાબુ અને રાજુ સાથે સરખાવી શકો. સમગ્ર ફિલ્મમાં ભૂતનો મુદ્દો તો દિગ્દર્શક માહિ વી રાઘવે કહેવા પૂરતો જ ઉમેર્યો છે. જો ખિસ્સામાં ખનખનીયા નથી, તે મુદ્દો એ ફિલ્મમાં કેન્દ્ર સ્થાને ન હોય, તો અર્થ એ થયો કે દરેક પાત્ર સાથે પૈસા માટે થતી પજવણી શા માટે દર્શાવવામાં આવી.
એકને ઓપરેશન માટે પૈસા જોઈએ છે. કોઈને ગુંડાથી બચવા માટે પૈસા જોઈએ છે. કોઈને પરિવારને સદ્ધર કરવા માટે પૈસા જોઈએ છે. પૈસા માટે એ ગમે તે કરી છૂટવા તૈયાર છે અને એટલે પ્રવેશ કરે છે એક ભૂતિયા ઘરમાં. જેમાં ચાર લોકોની આત્મા રહે છે. મૃત્યુ પામ્યા સુધી તો એમને ખબર નથી કે તેઓ મૃત્યુ પામી ચૂક્યા છે.
સાઉથના દિગ્દર્શકો દ્રારા અચાનક આવા આંચકાઓ આપવામાં આવે છે. નહીં તો ખબર કેમ પડે કે ફિલ્મ સાઉથની છે. એ અબ્બાસ મસ્તાનની જેમ ફિલ્મને ઉપર લઈ જાય છે. આપનો શ્વાસ ઉપર ચડે છે. પછી નીચે લઈ આવે છે. એટલે શ્વાસ નીચે નથી આવતો. વધારે ઉપર જાય છે. રેચકની ક્રિયા થાય છે પૂરકની ક્રિયા નથી થતી.
દિગ્દર્શક રાઘવે કલાકારો સરસ પસંદ કર્યા છે. એ હસાવે છે અને તેમને પહેલી વખત જોઈએ છીએ એવું તો લાગતું જ નથી. દક્ષિણની ફિલ્મોમાં પટકથા મજબૂત હોવાથી કલાકારોને નવા છે કે જૂના એ જોવાનું નથી રહેતું. દક્ષિણમાં એ કલાકાર પોપ્યુલર થાય કે ન થાય, પણ ગોલ્ડમાઈન ટેલિફિલ્મ્સ દ્રારા તે દક્ષિણ સિવાયના વિસ્તારમાં જાણીતો ચહેરો બની જાય છે.
તમારી અંદર રહેલી નબળાઈ એ તમારી સબળાઈ પણ છે. દારૂ પીધા પછી એક વ્યક્તિને ભૂત કોણ ? આટલી હિંમત આવી જાય છે. હ્રદય રોગના દર્દીને ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં હસવાનું કહ્યું છે તો એ હસી લે છે, જેથી ભૂત તેનું કંઈ નથી બગાડી શકતું. એક બહેરો છે અને મિથ્યાભિમાનના જીવરામ ભટ્ટની જેમ રતઆંધળો પણ થઈ જાય છે. એકને અભિનયનો શોખ છે. એ જોયેલી ફિલ્મના કોઈ પણ પાત્રમાં રાત થતા પ્રવેશ કરી જાય છે. કોઈ મનુષ્યની અંદર રહેલી ખોડખાપણ કાયમી નથી હોતી. તેને પરફેક્ટ પ્લેટફોર્મ મળી જ રહે છે. ક્યાંક તો નબળી કળી કામ આવી જ જશે.
હોરર કોમેડીમાં પણ સસ્પેન્સ તો હોય જ છે. ભૂત ક્યાંથી આવ્યું થી લઈને માણસોને મારીને ભૂત કોણે બનાવી નાખ્યા. વિલન એ વિક્રમની આઈ ફિલ્મની જેમ છે. વિલન આ હશે તેવું વિચારી ન શકીએ. ફિલ્મમાં આટલી સારી વાતો છે તો ખરાબ વાત એક પણ નથી ? છેને.
તેલુગુમાં જોશો તો ડબલ મિનિંગ ડાઈલોગ છે. હિન્દીમાં હટાવી દેવામાં આવ્યા છે. હિન્દી ભાષામાં જે ફેમિલી ફિલ્મ બને છે તે કેટલેક અંશે તેલુગુમાં નથી બનતી. મોટી વાત કે દોઢ કલાકની ફિલ્મમાં એક પણ ગીત નથી. હિન્દીમાં ડબ થાય તો ગીતના શબ્દોની હાલત ચીંથરેહાલ થઈ જાય. તેની જગ્યાએ ઓરિજનલમાં જ ન હોય એ સારું. બેઉં બાજુથી મહેતન બચી જાય.
ફિલ્મ ચાર રીતે નબળી પૂરવાર થાય છે. વીક સ્ટોરી. સ્ટોરીમાં કેરેક્ટરો ઉપર જે કામ થયું છે તે સ્ટોરી પર નથી કરવામાં આવ્યું. એક ઢબની ફિલ્મ લાગે. એવું જ નેરેશનનું છે. ફિલ્મ હકીકતે બીજા હાફમાં જ ઉપડે છે. શરૂઆતમાં એ સમય ખાવાનું જ કામ કરે છે. કલાકારોને ભેગા કરવાનું કામ કરે છે અને એક કરોળીયાનું ઝાળુ ગૂંથે છે. શરૂઆતમાં કંટાળો આવે પણ છોડી ન શકાય. ખાસ કરીને રાત પડતા સર્જાતા હોરર કોમેડી દૃશ્યો માટે.