Homeવિશેષએક એવું ગામ કે જ્યાં નથી એક પણ મંદિર, ગામના લોકો તેમના...

એક એવું ગામ કે જ્યાં નથી એક પણ મંદિર, ગામના લોકો તેમના કર્મને જ ધર્મ માને છે

અશોક સરિયા: દેશભરમાં આજે પણ અંધવિશ્વાસના નામ ઉપર અલગ અલગ પ્રકારની કુરીતિઓ પોતાના પગ પસારીને બેઠી છે અને ખાસ કરીને ગામડાઓમાં, ત્યારે એક એવા અનોખા ગામ વિશે વાત કરીએ કે જ્યાં એક પણ મંદિર નથી. આ ગામના લોકો કોઇ પણ ધાર્મિક કર્મકાંડોમાં વિશ્વાસ નથી ધરાવતા. એથી પણ વિશેષ કે અહીં મૃત્યુ પામનારના અસ્થી પણ કોઇ પવિત્ર નદીના પાણીમાં પધરાવવામાં આવતા નથી. રાજસ્થાનના ચુરૂ જિલ્લાના તારાનગર તાલુકાના લામ્બા કી ઢાણી ગામના લોકો ફક્ત કામ કરવામાં વિશ્વાસ રાખે છે. એના આધારે જ આજ અહીંના લોકોએ ભણવા-ગણવામાં, સ્વાસ્થ્ય સેવામાં, ધંધાઓમાં અને અન્ય ક્ષેત્રોમાં ખૂબ સફળતા પ્રાપ્ત કરીને પોતાના ગામની દેશભરમાં નવી ઓળખ ઊભી કરી છે.

100 વર્ષ પહેલા સુધીનો ઇતિહાસ છે. ગામમાં કોઇ પણ અંધવિશ્વાસમાં માનતા નથી. ગામમાં કોઇ મંદિર બનાવવામાં આવ્યું નથી. નજીકમાં અમરપુરા ધામ આવેલું છે પરંતુ આ ગામનું કોઇ પણ ત્યાં જતું નથી. આખું ગામ અંધવિશ્વાસની વિરૂદ્ધ છે.

કોઇ હોળી દિવાળી જેવા વાર તહેવાર ઉપર ગામના કેટલાક વ્યક્તિ નાના પુજા પાઠ કરે છે. બાકી ગામમાં કોઇ પણ પ્રકારનો અંધવિશ્વાસ નથી. મંદિરમાં જવાનું નહીં, ગામમાં કોઇ વ્રત કે જાગરણ જેવું કંઇ જ નહીં. પહેલાંથી જ ગામ સંપૂર્ણ શિક્ષિત છે. એટલે એ બાબતમાં કોઇને વધુ લગાવ છે જ નહીં. ફક્ત મહેનત કરવાની અને એના આધારે જ બધા નોકરી ઉપર લાગ્યા છે અને નોકરી કરી રહ્યા છે. 

કહે છે કે કર્મ કર ફળની ઇચ્છા ન રાખ. કર્મ કર ધનની ઇચ્છા ન કર. આ વાક્યને બખૂબી નિભાવી રહ્યું છે આ ગામ. આ ગામનું કોઇ પણ વ્યક્તિ આસ્થામાં ભરોસો રાખતું નથી. ગામના લોકો કહે છે કે, અમે મહેનત કરીએ છીએ અને એનું ફળ અમને મળી જાય છે. મંદિર કરતા અમે શિક્ષણ ઉપર વધારે ધ્યાન આપી રહ્યા છીએ. રાષ્ટ્રિય ધોરી માર્ગથી પાંચ કિલોમીટર દૂર લામ્બા કી ઢાણી ગામ અને આ ગામના લોકો એ લોકોના ગાલ ઉપર લાફા સમાન છે કે જે અંધવિશ્વાસના ભરોસે શિક્ષણનું ગળું ઘોંટી દે છે. 

બદલતા ગામ અને બદલતા સમાજની આનાથી સારી તસવીર બીજી કઇ હોઇ શકે?

આપને એ જાણીને આશ્ચર્ય થશે કે લામ્બા કી ઢાણી ગામના ૧૦૫ ઘરોની વસ્તી લગભગ ૭૫૦ છે. જેમાં ૯૧ ઘર જાટ, ૪ ઘર નાયક અને ૧૦ ઘર મેઘવાલના છે. અહીંના લોકો શિક્ષણ વિભાગના સંયુક્ત નિર્દેશકના પદ ઉપર પણ રહી ચૂક્યા છે. કેટલાય યુવાનો કેનેડામાં ચિકિત્સક છે. ૬૦ જેટલા માણસો પેન્શનર છે. લગભગ ૩૦ થી વધુ લોકો ચિકિત્સાના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. એટલું જ નહીં ગામના ૨ લોકો ઇન્ટેલિજન્સ બ્યૂરોમાં અધિકારી છે. ૨ પ્રોફેસર, ૭ વકીલ, ૩૫ શિક્ષકો છે. ૩૦ લોકો સેનામાં, ૩૦ લોકો પોલીસમાં, ૧૭ લોકો રેલ્વેમાં છે. અહીંના વડિલો સ્વાતંત્ર્ય સેનાની પણ રહી ચૂક્યા છે. ગામમાંથી આઇએએસ અને આઇપીએસ પણ થયેલા છે. કેટલાક ઉચ્ચ અધિકારીઓ રિટાયર્ડ થઇ ચૂક્યા છે તો કેટલાક હજુ કામ કરી રહ્યા છે. ગામના ૫ યુવકો રમત ગમત ક્ષેત્રે રાષ્ટ્રીય પદક જીતી ચુક્યા છે. તો ૨ વ્યક્તિ રમતગમત ક્ષેત્રે કોચ પણ રહી ચૂક્યા છે.

કોઇ ધાર્મિક કર્મકાંડ નહીં

લામ્બાકી ઢાણીમાં 70 વર્ષથી મૃત્યુભોજન નથી થયું. હિંદુ ધર્મમાં મૃત્યુ બાદ શવને અગ્નિદાહ આપી દેવામાં આવે છે. ત્યારબાદ તેની અસ્થિઓને કોઇ પવિત્ર નદીમાં પધરાવવામાં આવે છે. આવું સદીઓથી ચાલતું આવ્યું છે અને હજુ પણ ચાલતું જ રહેશે. પરંતુ આ ગામમાં અસ્થિઓને ગંગા નદીમાં પધરાવવાનો રિવાજ નથી. આ ગામમાં વર્ષો પહેલા ગામ લોકોએ સામુહિક રૂપથી કોઇનું મૃત્યુ થાય તો દાહ સંસ્કાર કરવાનો પણ અસ્થિઓને નદીમાં વિસર્જિત નહીં કરવાનો નિર્ણય કર્યો હતો. આથી દાહ સંસ્કાર બાદ વધેલી મૃતકની અસ્થિઓને ફરીથી અગ્નિદાહ આપીને તેને રાખ કરી દેવામાં છે.

કામ  જ પૂજા

ગામ લોકોએ ક્યારેય મંદિર નથી બનાવ્યું. ધાર્મિક કર્મકાંડોને ખોટા ખર્ચા માનવામાં આવે છે. અહીંના લોકો ધાર્મિક કર્મકાંડો કરતા મહેનત અને લગન ઉપર વધુ ધ્યાન દેવામાં માને છે. ગામના બધા લોકો પૂજા પાઠ અને ધાર્મિક કાર્યોથી વધુ મહત્વ પોતાના કર્મને આપે છે. ગામના લોકો માટે તેમનું કામ જ તેની પૂજા છે. કદાચ આજ કારણથી અહીંના ગામ લોકો ખૂબ સફળ પણ છે. આ ગામ સમાજના એ ઠેકેદારો ઉપર તમાચો છે જે આસ્થાની આડ લઇને વિકાસના માર્ગમાં રોડા બને છે. આ ગામ એ લોકો માટે શિખ છે જે આસ્થાની ઝોળી ઓઢીને કાયરો જેવી હરકતો કરે છે. આ ગામ હકીકતમાં સમાજને અરિસો બતાવવાનું કામ કરી રહ્યું છે.

અહીં લોકોને શરૂઆતથી જ મંદિર જેવી સંસ્થાઓમાં વિશ્વાસ ન હતો. અહીંના લોકો નાસ્તિક નથી પણ ધાર્મિક અંધતા જેવી ચીજને માનતા નથી. આ ગામના લોકોને ફક્ત પોતાના કામ અને મહેનત ઉપર વિશ્વાસ છે. અહીંના લોકો કર્મણ્યેવાધિકારસ્તુ મા ફલેષુ કદાચન ઉપર વિશ્વાસ રાખીને ફક્ત પોતાના કર્મોને શુદ્ધ રાખીને કામ કરે છે.

આ ગામનું નામ ઢિંગી હતું પરંતુ અહીંના સ્વાતંત્ર્ય સેનાની નારાયણ સિંહ લામ્બાના નામ ઉપરથી આ ગામનું નામ લામ્બા કી ઢાણી પડી ગયું છે. ઢાણી એ રાજસ્થાની શબ્દ છે. ઢાણી એટલે માનવ વસવાટનું સૌથી નાનું સ્થળ કે જે ખેતરોમાં રહેવા માટે નાનું ઝુંપડું બનાવવામાં આવે છે તેને કહેવામાં આવે છે. ઢાણી શબ્દ સંભવતઃ ધાની શબ્દ ઉપરથી ઉતરી આવ્યો હોય એવું લાગે, જેનો અર્થ વસવાટ થાય છે. જેમ કે રાજધાની. ત્યાર બાદ તે અપભ્રંશ થઇને ઢાણી બન્યો હશે. ઢાણીનું થોડું વ્યવસ્થિત અને મોટુ રૂપ ચક કહેવાય છે. ત્યારબાદ ગામ આવે છે. 

સ્વાતંત્ર્ય સેનાની સુબેદાર નારાયણ સિંહ લામ્બા વિશે

સ્વાતંત્ર્ય સેનાની સુબેદાર નારાયણ સિંહ લામ્બાનો જન્મ ૯ ઓગસ્ટ ૧૯૨૭માં પિતા મોહનરામ લામ્બા અને માતા મંદોદેવીના ઘરે ઢિંગી (લામ્બા કી ઢાણી)માં થયો હતો. તેઓ હિન્દી, અંગ્રેજી, રોમન અને ઉર્દૂ ભાષાના જાણકાર હતા. તેમને સ્વાતંત્ર્ય આંદોનલ અને સન ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધમાં સરાહનીય કાર્ય કરવા બદલ તત્કાલીન રાષ્ટ્રપતિ વી.વી. ગિરી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. તથા સેનામાં સતત ૨૦ વર્ષ સુધી સેવા આપવા બદલ સેના મેડલથી નવાજવામાં આવ્યા હતા. કિસાન હિતૈષી નારાયણ સિંહ લામ્બા ૧૯૪૪માં સેનામાં ભર્તી થયા હતા, તથા નાયબ નાયક, નાયક, હવલદાર, નાયબ સુબેદાર અને સુબેદારના પદ ઉપરથી ૩૦ નવેમ્બર ૧૯૮૧માં સેનામાંથી રિટાયર્ડ થયા હતા. 23 જાન્યુઆરી 2018 માં 95 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું. તેમને એક દીકરી વિદ્યા દેવી અને ત્રણ દીકરા વિજયપાલ લામ્બા (શારીરિક શિક્ષક) ઇશ્વરસિંહ લામ્બા (જિલ્લા રમતગમત અધિકારી) અને નિહાલસિંહ લામ્બા (શિક્ષક) છે.

કર્મ જ પૂજા છે. કર્મ જ ભરોસો છે. કર્મ જ આસ્થા છે. કર્મના સિદ્ધાંતને નખશિખ સાર્થક કરતું આ ગામ ખરેખર એક અલગ જ ઓળખ ધરાવે છે. અહીં કોઇ મંદિર નથી કેમ કે લોકો ધર્મથી મોટું કર્મ છે એવું માને છે. લોકો પોતાની મહેનતના બળે આગળ વધે છે. એટલે જ કદાચ આ ગામ આજે આટલું સુખી ગામ બન્યું. હશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments