Team Chabuk-Creative Desk: ચિંતાના અતિરેકને કારણે મારો ચહેરો ઉંમર કરતા આગળ નીકળી ગયો છે. જરઠ નથી લાગી રહ્યો પણ દાઢી પરના સફેદ વાળ મને શોભે છે. પત્નીએ તો કહ્યું જ પણ એક બે પારકી કન્યાઓ પણ પ્રોઢની સીડી ચડી રહેલા મારા જેવા બાઘાને ‘હાઈ હેન્ડસમ’ કહી પુરુષાતનના સંચારની ટીખળ કરી ગઈ. એ છોકરીઓ મારા કરતા યુવાન હતી. લાગતું હતું કે કોલેજમાં અભ્યાસ કરી રહી છે.
આ બધા વિચારોની સાથે હું ખુરશી પર બેઠો છું. મારા પાક્કા મિત્રના લગ્ન છે. હા, અમારી એ જંગમ મિલકત સમાન મિત્રનું માંડ માંડ ગોઠવાયું છે. અજાણ્યા ચહેરાઓને મારી આંખ ઘડિયાળના સેકન્ડ કાંટાની માફક આમથી તેમ થઈ તાકી રહી છે. ખુરશી પર હું એકલો બેઠો છું અને અચાનક મારી નજર સામેની ખુરશી પર જાય છે. કામિની? એકલો હોવા છતાં હું જોરથી બબડી ઉઠું છું. મારી પાછળ ઉભેલા હમવયસ્ક શ્રીમાન મારી સામે અપલક નેત્રે જુએ છે. એમને નક્કી મારામાં લોફરપણાની ઝાંખી થઈ હશે.
મેં મારી ઉત્સુક વાણીને દબાવવાનો પ્રયાસ કર્યો. આંખે ચશ્મા નથી આવ્યા, પણ ચશ્મા આવી જાય એ હદનું કામ અને ઉંમર થઈ તો છે. ખોટો તો ન જ હોઉં. મારે આ ભીડભાડમાં તેની નજીક જઈ પૃચ્છા કરી લેવી જોઈએ કે તું કામિની જ છો? આપણા કોલેજના સમયનું સુંદરતાનું શિલ્પ! એ જ હોય શકે! એની આંખોની નમણાશ, સપાટ પેટ, લાંબુ નાક, જમણા ગાલની નીચે સુંદરતામાં અભિવૃદ્ધિ કરતું તલ અને નાકમાં ઝગમગતો રહેતો દાણો.
‘એ દાણો કાઢી નાખ તો કોલેજમાં તારી સામું કોઈ ન જુએ.’ એવું મેં મહેણું મારેલું.
*******
કામિની અમારા કોલેજનું ઘરેણું હતી. એને પામવા માટે જુવાનિયાઓમાં અશ્વદોડ થતી હતી. એ રેસમાં જો કોઈ ન દોડે તો એને ખચ્ચર સિવાય કંઈ ન કહેવાય. કોલેજના ગેટમાં થતો તેનો પ્રવેશ છોકરાઓના ગળામાં હેષારવ લાવી દેતો હતો. શિયાળામાં જર્સીથી ઢંકાયેલું તેનું બદન અને એમાં પણ ખાસ ગોરા ગોરા હાથ જોવા તલસતા જુવાનિયા પોષ અને ફાગણ મહિનાને અપશબ્દોથી ભરી દેતા હતા. એ દિવસોમાં કારતક પર કવિતા લખનારા કવિ મહાશયો કામિની પ્રિયતમોને પચતા નહીં. ઉનાળામાં તેના પરિધાનો જોઈ સૂર્ય કોલેજની ધરતી અને છોકરાઓની કાખ જોરોશોરોથી ભીંજવી મૂકતો હતો. એ એટલો તપતો કે કામિનીનું મન વસ્ત્રોમાં હજુ થોડી લાઘવતા લાવે! કચ્છની ધારદાર છરી સરીખા નિર્મિત કામિનીના નયન જ્યારે ઝીણા થાય ત્યારે કેટલાય કલ્પનામાં સરી જઈ સાત ફેરા ફરી લેતાં હતાં. ગાલ ઉપર હાથ રાખીને જ્યારે તે પ્રોફેસર ગગનવાલાના લેક્ચરને એકીટશે સાંભળતી હોય ત્યારે ઓષ્ઠના આસવને ક્લાસના જુવાનિયા આંખને ચમચી બનાવી પીતા હોય.
મેં તો બધે વાતો સાંભળેલી. કેન્ટીનમાં, બગીચામાં સર્કલ કરી બેઠેલા કોલેજીયનોના મુખે, છાત્રાલયમાં, ક્લાસમાં, અને કોલેજની બહાર પણ, કે રૂપના આ ભંડારનો અસબાબ કોણ થશે, કયો સિંદબાજ એના તનમાં પોતાના અભિલાષથી ભરેલા વહાણની પૂર્તિ કરવા સાત સફર ખેડશે.
કોલેજના ત્રણ વર્ષ કર્ણ સુખની વાતોના ચકડોળની વચ્ચે આટોપવા આવ્યા. મેં માર્ક કરેલું કે કામિનીની કાયાને ટક્કર મારે એવી ઉર્વશી મારી હાજરી સુધી તો કોલેજમાં આવી જ નહોતી. કદાચિત એવું પણ બની શકે કે આજે પણ આવી ન હોય. મારા કોલેજકાળના કોઈ પણ ભેરુને ફરી અમારી કોલેજમાં લટાર મારવા માટે મોકલું, તો એ બધી છોકરીઓને જોઈ કહી દે કે આમાં ક્યાં એ વિસ્ફોટક પદાર્થ ભરેલો છે.
અનાયાસે. કોલેજના છેલ્લા વર્ષના એક ચોમાસાના દિવસે હું અને કામિની ગેરહાજર રહ્યાં. જ્યારે મંગળવારે આવ્યા તો કોલેજે ખંભાતી તાળું લટકતું હતું. કોલેજની ચૂંટણીમાં થોડી હાહા હોહો થઈ ગઈ એટલે આ અઠવાડિયું બંધ રહેશે તેવું સિક્યોરિટી પાસેથી સાંભળ્યું. ત્યારે ક્યાં સોશિયલ મીડિયા કે એક ક્લિકે ઓશિકે પડ્યા પડ્યા માહિતી મળી જાય.
‘શું કહ્યું?’ કામિની મને પૂછી રહી હતી. મને? મને પાછળ જોવાનું મન થઈ ગયું કે શું એ મને જ પૂછી રહી છે કે કોઈ બીજાને. પણ પછી, રહી રહીને બત્તી થઈ કે કોલેજમાં અમારા બે સિવાય છે પણ કોણ?
‘કાલે કોલેજની ચૂંટણીને લઈ લડાઈ થઈ ગઈ એટલે પાંચ દિવસ બંધ રહેશે.’ કારણ જણાવ્યા પછી મને થયું કે, આ તક ઝડપીને મારે તેની સાથે વધારે વાત કરવી જોઈએ, પણ એવું કરી ન શક્યો. મર્કટરૂપી મનને કામિની સાથે મારી તુલના કરવી યોગ્ય લાગી નહીં.
હું જતો જ હતો કે એણે ફરી મને રોક્યો, ‘એક સેકેન્ડ… સાથે ચા પીએ.’ શબ્દોમાં આમંત્રણની લાલ જાજમ પથરાઈ રહી હતી.
હું હેબતાઈ ગયો. જો કોલેજનો કોઈ છોકરો કે કોઈ છોકરી, મને કામિનીની સાથે ચા પીતા જોઈ જાય, તો પાંચ દિવસ પછી મારી શું વલે થાય. શક્ય છે મારા દુશ્મનો પણ વધી જાય દોસ્ત પણ વધી જાય. સુંદર વનિતાના આ આમંત્રણને સ્વીકાર્યા સિવાય છૂટકો નહોતો. ચોમાસાના વાદળો ઘેરા થવા લાગ્યા હતા. પક્ષીવૃંદે વાતાવરણને કર્ણસભર બનાવી દીધું હતું. તેની પાછળ ચાલતા ચાલતા મને વિચાર ઉપજ્યો કે, કામિની નામની સુંદરતાની આ દેહલતા કોલેજના ત્રણ વર્ષ કોઈ પુરુષ પર વીંટળાઈ નહીં અને હવે મારી સાથે ચા પીવા માગે છે.
એકબીજાના રહસ્યમયી વિચારોની ગંધને પારખવા મથતા અમે કોલેજની બહાર આવેલી ચાની કિટલીએ પહોંચ્યા. બે અજાણ્યા છોકરા હતા. એ કામિનીને જોઈ બૈજુ તો નહીં પણ બાવરા થઈ ગયા. ચા આવી અને તેણે પૂછ્યું, ‘તો કોલેજ પછી શું કરવાનો છે?’
‘તું મને ઓળખે પણ છે, હું કોણ છું?’
‘વિશાલ.’ એ હસતાં હસતાં એવી રીતે બોલી જ્યારે એને મારું નામ સાત જન્મથી યાદ હોય.
‘હું જે કરું એ. નક્કી નથી કે મારે શું કરવું? આ ક્ષેત્રમાં જ આગળ વધીશ તો એક દિવસ ઈતિહાસનો પ્રોફેસર બની જઈશ. પણ સોરી, આટલી સુંદર હોવા છતાં અને હું જાણું છું કે કોલેજમાં એકથી એક હેન્ડસમ છોકરાઓની અક્ષૌહિણી સેના છે, તોપણ તારા હ્રદયમાં કોઈ ન વસ્યું. હું કહેવા એવું માગું છું કે, તને ખબર પણ છે? આખી કોલેજમાં છેલ્લા ત્રણ વર્ષથી તારી જ વાતો થઈ રહી છે.’
‘ખબર છે.’ મેં એટલે કે વિશાલે, શબ્દનો આટલો વિશાળ પૂલ બાંધ્યો. શબ્દો સાથે બીતા બીતા માંડ માંડ રમત પૂર્ણ કરી અને તેણે ‘ખબર છે!’ એવા વિપુલ શબ્દ પ્રમાણમાં પૂરું પણ કરી નાખ્યું! મેં ચા પીતા પીતા રાહ જોઈ કે તેના મુખમાંથી બીજી પણ કોઈ વૈખરી નીકળે. આજે હું બસ તેને સાંભળવા ઈચ્છતો હતો.
‘આમાંથી કોઈ ગમે એવું નથી.’ મને ખબર પડતા વાર ન લાગી કે એણે પોતાના રૂપનું અભિમાન મારી સામે છતું કર્યું છે.
‘હું કેવો લાગું છું?’ મેં બત્રીસી કાઢતા પૂછ્યું.
‘બિલકુલ નહીં.’ એક ઝાટકે બોલી ગઈ અને પછી મુખ ફેરવી પાછળ જોવા લાગી. જાણે તેનાથી ગંભીર અપરાધ થઈ ગયો હોય.
‘તને આ બધી વાતમાં રસ તો પડે છે ને? કે પછી આપણે ટોપિક બદલાવી નાખીએ. શાહજહાં અને મુમતાઝ બેગમ પાસે ચાલ્યા જઈએ. તાજ મહેલના પ્રેમભર્યાં ઈતિહાસની વાત કરીએ. જેમાં શબ્દો નહીં આંકડાઓ હશે.’ એ જ્યારે ફરી ત્યારે થોડી ગડમથલમાં લાગી રહી હતી, પણ એ ગડમથલને શિંગના ફોતરાની જેમ ફગાવી દઈ વાતોએ વળગી.
‘નહીં, નહીં, ગમે જ છે. તું ચાલું જ રાખ. કોલેજ છોડ્યા પછી તો આવી વાતો કરવા કોણ મળવાનું છે. આમ પણ આવી વાતો છોકરા સાથે કરવાની જે મજા આવે તે છોકરીઓ સાથે ક્યાં? બીજી છોકરીઓની મને ખબર નથી પણ મારો ટેસ્ટ અલગ છે. ખાલી શરમ આવે. આજે તો તું બકરો મળી ગયો. કિપ ઈટ અપ, આ બધી વાતો એક છોકરાની સાથે આજે નહીં તો ક્યારે કરીશ? બે સંતાનોની મમ્મી બન્યા પછી?’
અમે બંને હસી પડ્યા. મેં જોયું કે આંખોથી કામિનીના સૌંદર્યને ભરપૂર પી ચૂકેલા બંને ચાતકો ઉડી ગયાં હતાં. ઉકળતો ચા, ઘટ્ટ – ઘનઘોર વાદળાઓ, કોલેજ પાછળથી આવતો મોરનો ટહુકાર, નર કોયલનો રાગ અને અમે બે જુવાન હૈયાં. એ થોડીથોડી વારે પાછળ જોઈ રહી હતી. દાંતથી હોઠને કરડતા મેં તેને બે બે વખત પકડી પાડી. એણે પોતાનો નખ બેગ પર ઘસ્યો. પછી મારી સામું જોઈ હસી. મેં હસીને પ્રત્યુતર આપ્યો.
‘આપણે કંઈક…’ અમે એક સાથે બોલી ગયા. મેં આંખના ઈશારાથી તેને રજૂઆત કરવાની પ્રથમ તક આપી.
‘એક રીતે કોલેજની રૂપાળી છોકરી હોવું એ આનંદની વાત છે. કેટલા બધા નેત્રો તાકતા હોય. કેટલા બધા નેત્રોમાં હવસ ભરેલી હોય.’
‘એક છોકરી તરીકે કેવું…? ખરાબ લાગે?’
‘છોકરીને જ્યારે છોકરા ન જુએ ત્યારે તેના માટે નવાઈની વાત હોય છે. આવું થતું રહેતું હોય છે. તને ખબર નહીં હોય, મને કોલેજના છેલ્લા ત્રણ વર્ષમાં કેટલા છોકરાઓએ પ્રપોઝ કર્યું હતું.’ એ ધીમેથી મારા કાન પાસે આવી ગણગણી, ‘મેં ભાવ ન આપ્યો તો કોઈ શીતલ સાથે, કોઈ સુહાસિની સાથે, કોઈ સુહાના સાથે, કોઈ શારદા સાથે સેટલ થઈ ગયાં. એકદમ મોજ કરવા આવેલા આશિકો. હું દૂરથી જ ઓળખી જાઉં કે આ લબાડચંદ છે.’
‘પ્રેમપત્રો મળ્યા?’
‘હા, એક મળેલો હતો. જોડણીની એટલી બધી ભૂલ હતી કે ખબર પડતા વાર ન લાગી કે આ ગુજરાતી વિષયનો જ વિદ્યાર્થી છે.’
‘તારો આશિક ગુજરાતી વિષયનો જ છે એ તને કેવી રીતે ખબર પડી?’
‘એ જ રમેશ પારેખની કવિતાઓની લાઈન લગાવેલી. લખાણમાં અસમંજસમાં લાગતો હતો, ક્યાંક પ્રિય હ્રસ્વ ક્યાંક પ્રીય દીર્ધ. કામિનીને ખબર પડી જ જાય કે આ નવો નિશાળીયો છે. ગુજરાતી વિષયમાં લેવું નહોતું, પણ બીજો કોઈ વિકલ્પ નહોતો એટલે એડમિશન લઈ લીધું. ગજબ છે આ છોકરાઓ.’ એણે આંખોથી ઉન્નત અભિનય કરી બતાવ્યો.
‘એ નાકનો દાણો…’
‘શું?’
‘મારે તને ઘણા સમયથી કહેવું હતું કે, એ નાકનો દાણો કાઢી નાખ તો કોલેજમાં તારી સામું કોઈ ન જુએ.’ એ ગૂઢાભિનિવેશવાળું હસી.
વરસાદ અમારી વાતોમાં રસ લેતો ધીમે ધીમે વહી રહ્યો હતો. જેમ વરસાદ જમીનમાં ઉતરી રહ્યો હતો એમ શાયદ અમારી વાતો એકબીજાના હૈયામાં સોંસરવી ઉતરી રહી હોય! કોલેજ બંધ હતી. દુ:ખની વાત હતી કે હું કોઈ બીજા છોકરાઓને દેખાડી નહોતો શકતો કે, જુઓ કોલેજની સૌથી સુંદર છોકરી મારી પાસે બેઠી છે. પાંચ દિવસ પછી કામિનીઘેલાઓને હું કહીશ ત્યારે એમની હાલત કેવી થઈ જશે?
‘કોઈને કહીશ તો નહીં ને, કે હું તારી સાથે બેઠી હતી, ચા પીવા, પ્લીઝ….’ એની આંખો વિસ્ફારિત થઈ. જાણે મારા મનની વાત જાણી ગઈ હોય. મેં બંને હાથ હવાની જેમ એકબીજાથી દૂર ફંગોળી ‘ના’ કહ્યું.
‘થેન્ક યૂ.’ એક ઉંડો નિ:સાસો નાખી, અડધી જીભ બહાર કાઢી, દાંતમાં દબાવી તે ખુરશી પરથી ઉભી થઈ ગઈ.
‘હવે પછી ક્યારે વાત કરીશું?’
‘ના, મને ન ગમે કે કોઈ ટોળું આપણા વિશે અલકમલકની વાતો કરે.’
હું રોડની આ બાજુ ચાની કિટલી પર બેઠો હતો. એ રોડ ક્રોસ કરી સામે ગઈ. રીક્ષા પકડી અને બેસી ગઈ. મારી સામે જોયું સુદ્ધાં નહીં. જાણે અમે એકબીજાને મળ્યા જ ન હોઈએ. પરીક્ષા પૂરી, એ એનાં રસ્તે હું મારા રસ્તે…
*******
….અને આજે પંદર વર્ષ પછી એ મારી સામે છે. એ જ છે? મારે પૂછપરછ કરી લેવી જોઈએ.
ભૂતકાળને ખોતર્યા પછી હું સ્વસ્થ થયો. ભાન ભૂલી ગયો કે એ ત્યાં બેઠી હશે. લોકો સમુદ્રના મોજાની જેમ આવતા અને જતાં રહેતા હતા. જ્યાં હું ખુરશી પાસે પહોંચ્યો તો ત્યાં તે નહોતી. તેની બાજુની ખુરશી પાસે એક એની જ ઉંમરની સ્ત્રી બેઠી હતી. મેં હળવી સ્માઈલ આપી અને પરત ફરતો હતો ત્યાં તેણે મને બોલાવ્યો, ‘માફ કરજો. વિશાલ!’
હું પાછળ ફર્યો. હકારમાં ગરદન હલાવી. આ અજાણી મહિલા મારું નામ કેમ જાણે છે તેના કૌતુક સાથે હું તેની નજીક ગયો.
‘એક સંદેશ છે તમારા માટે.’
‘શું?’ મારા વિસ્મયમાં એ સ્ત્રી વધારો કરી રહી હતી.
‘તમે અહીં બેઠેલી જે વ્યક્તિને તાકી તાકી ક્યાસ કાઢી રહ્યા હતા એ સાચો હતો.’ એ સ્ત્રીની આંખોમાં અજબ ચમક હતી.
‘કામિની…’
‘હા. એને ખબર પડતા વાર ન લાગી કે સામે જે વ્યક્તિ છે એ એ જ છોકરો છે, જે તેની સાથે કોલેજમાં ભણતો હતો. એણે મને બધી વાત કરી, ખાસ કોલેજની એ ચાની દુકાનની! એ સિવાય પણ ઘણી. એને ખ્યાલ હતો કે તમે સામેની ખુરશી પરથી ઉઠી અહીં આવ્યા વિના ન રહેત, અને આવેત તો એ પોતાની જાતને સંભાળી ન શકેત.’
‘કેમ?’
‘એ કોલેજમાં તમને પ્રેમ કરતી હતી.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત