Homeસિનેમાવાદફના: ગુજરાત અને આમિર ખાન કિસ્સા બહોત પૂરાનાં હૈ યારો

ફના: ગુજરાત અને આમિર ખાન કિસ્સા બહોત પૂરાનાં હૈ યારો

ઝાલાવાડી જલજીરા: આમિર ખાન કિરણ રાવ સાથેનાં લગ્નજીવનનો અંત આણ્યા પછી ચર્ચામાં છે. 16 વર્ષ રિના સાથે અને 16 વર્ષ કિરણ સાથે વૈવાહિક જીવન માણ્યું. રાજીખુશીથી વિદાય લીધી. બેશક આમિર ધુરંધર કલાકાર છે. 100 કરોડી ફિલ્મોના ટ્રેન્ડની શરૂઆત કરનારા અભિનેતા છે. સ્ટીવન સ્પીલબર્ગને પણ તેમની થ્રી ઈડિયટ અને લગાન ફિલ્મ ખૂબ જ પસંદ છે. ભુવનનાં રોલથી તો આમિરભાઈ ઘરે ઘરે જાણીતા બની ચૂકેલા. એ વાત અલગ કે આમિર અને ગુજરાત હર વખતે સામસામે આવી જાય છે. આમિર સાસણ ગીરની મુલાકાતે આવેલા ત્યારે એ મુલાકાત પણ વિવાદમાં રહી હતી. કેન્દ્રમાં ભાજપની સરકાર બન્યા બાદ આમિર પત્ની કિરણનાં નિવેદનનાં કારણે ચર્ચાની એરણે ચડેલા. આમિરની કોઈ પણ ફિલ્મ હોય તેની નેગેટિવ પબ્લિસિટી રિલીઝ પહેલા જ શરૂ થઈ જાય છે. પોસ્ટર માત્રથી. આ બધાનો આરંભ થયો હતો ફના ફિલ્મથી.

ફના ફિલ્મ તૈયાર થઈ ગઈ. આમિર ખાન ગુજરાતમાં આવ્યા અને સસ્તી પબ્લિસિટી માટે નર્મદા બચાવ આંદોલનમાં કૂદકો માર્યો. બંધથી વિસ્થાપિત થનારા લોકો માટે તેમણે નિવેદન આપ્યું અને આમિર તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારનાં નિશાના પર આવી ગયા. અધૂરામાં પૂરું ફનામાં આમિરનો રોલ પણ આતંકવાદીનો હતો. સમગ્ર ગુજરાતમાં આમિર ખાનનો વિરોધ થયો. આમિરે પોતાના પગમાં જ કુહાડી મારી હતી. થીએટર માલિકોએ પણ ગુજરાતમાં ફના ફિલ્મને લઈ હાથ જોડી દીધાં કે, ‘આ નહીં.’

ફના ફિલ્મનો કિસ્સો સુપ્રીમ કોર્ટનાં દ્વારે પહોંચેલો ત્યારે કોર્ટે ઝાટકણી કાઢતાં કહી દીધેલું કે તેમનું કામ ફિલ્મને રિલીઝ કરવાનું નથી. પરેશાની જો આદિત્ય ચોપડાને હોય તો તેઓ રાજ્યની પોલીસને આ અંગે કહે. ફિલ્મના દિગ્દર્શક કૃણાલ કોહલી હતા. મામલો હાથમાંથી સરકી જતો જોઈ કૃણાલે પ્રેસવાર્તા કરી વિવાદનું શમન કરવાનો પ્રયત્ન કર્યો પણ ત્યાર સુધીમાં પતંગની દોરી હાથમાંથી સરકી ગઈ હતી. કૃણાલે આ પ્રેસવાર્તામાં શું કહ્યું તેના શબ્દો વીકિપીડિયામાંથી સભાર મેળવી જાણીએ…

‘‘All theatre owners or exhibitors who wish to release this film can request for protection and the government should extend support. We as filmmakers request all theatre owners of Gujarat to come forward and release the film. We have earned 470 million (both domestic and overseas) in the first week and have lost approximately 6 to 70 million of business in Gujarat. However it’s not about money… it is about a principle. As a democratic country where Aamir has a right to say what he feels, even the people of Gujarat, who are protesting have the right to say what they feel… but in a democratic fashion, and not by burning posters and threatening people.’’

ગુજરાતમાં તો ફના ક્યાંય રિલીઝ ન થઈ પણ એક થિએટરમાં રિલીઝ થઈ ગઈ. આ જામનગરનું સિંગલ સ્ક્રિન થીએટર હતું. ફના ચાલતી હતી ત્યારે પ્રવીણ જોશી નામના વ્યક્તિ મધ્યાંતરમાં બાથરૂમમાં ગયા અને ખૂદને આગ લગાવી દીધી. તેમનું શરીર 80 ટકા સળગી ગયું હતું. આ થીએટરમાંથી પણ ફિલ્મને હટાવી દેવાની નોબત આવી હતી. ગુજરાતમાં ફના ફિલ્મ એક મહિના સુધી અખબારનાં પહેલા પાનાનું મટિરિયલ બનીને રહી.

આમિર માટે આ ફિલ્મ એક ભયાવહ સ્વપ્ન સમાન સાબિત થઈ હતી બીજી બાજુ કાજોલ માટે આ ફિલ્મ સુપર કમબેક સાબિત થઈ ગયેલી. તેની સમકાલીન હીરોઈનોએ તો ક્યારનો ફિલ્મ ઉદ્યોગ સાથે છેડો ફાડી દીધો હતો અને લગ્ન કરી ઠરીઠામ થઈ ગયેલી. કાજોલ પણ માતા બન્યાનાં ત્રણ વર્ષ પછી ફરી મોટા પડદે આવી હતી. એ તેની સમકાલીન હીરોઈનોથી અલગ નીકળી અને તેને ફના ફિલ્મ ફળી ગઈ.

ફનાના ત્રણ વર્ષ પહેલા કાજોલે કભી ખુશી કભી ગમ ફિલ્મમાં શાહરૂખ ખાનની અપોઝિટ કામ કર્યું હતું. આમિર ખાને મંગલ પાંડે ફિલ્મ કરી હતી. જેમાં તેણે ચાર વર્ષનો સમય લીધો હતો. ફિલ્મની લીડ કેરેક્ટર કાજોલ જ છે. હિન્દી સિનેમામાં બહુ ઓછું એવું થયું છે કે ફિમેલ કેરેક્ટરને ધ્યાનમાં રાખીને કથા કહેવામાં આવી હોય. ઉપરથી હીરો પણ મજબૂત હોય. અહીં કાજોલની સામે આમિર ખાન હતો. નહીંતર અત્યારના જમાનામાં દર્શકોને મહિલાકેન્દ્રી કથા કહેવા માટે દિગ્દર્શક જો મજબૂત સ્ત્રી પાત્ર તૈયાર કરે તો તેની સામે અભિનેતા કોઈ સુપરસ્ટારને રાખવામાં નથી આવતો. જેના બે કારણ છે. દર્શક ખમતીધર હીરોને જોઈ એક અલગ એન્ગલ કાઢી લે અથવા તો બજેટ. કાજોલ આ રીતે પણ જંગ જીતી ગયેલી.

કૃણાલ કોહલીની ફિલ્મોમાં ઋષિ કપૂર કોઈ પણ કેરેક્ટર પ્લે કરે ફિટ બેસી જતાં હતાં. ફના, હમ તુમ, થોડા પ્યાર થોડા મેઝિક. પિતા તરીકે તેમનો અભિનય પણ લાજવાબ રહ્યો હતો. આદિત્ય ચોપડાની ફિલ્મના ગીતો ખૂબ હીટ હોય એ તો માનવું પડે. સંગીતમાં યશરાજ સિંહની જેમ ધીમે ધીમે પગ મૂકી આગળ વધે છે. અર્થાત્ વિચારી વિચારીને. ફનાનું સંગીત પણ સુપરહીટ રહ્યું હતું. ખાસ ચાંદ સિફારીશ ગીતના શબ્દો જે પ્રસૂન જોશીએ લખ્યા હતા અને ગીત શાને ગાયું હતું. એ ફિલ્માવાયું પણ એટલું જ ગજબ હતું. પ્રસૂન જોશીના એક એક શબ્દમાંથી પ્રેમનું નિતાંત ઝરણું વહેતું હતું.

આ ફિલ્મમાં તમને જે કાશ્મીરનાં પહાડો દેખાય છે એ પહાડો કાશ્મીરનાં નહીં પોલેન્ડના છે. કાજોલે અણીના સમયે કાશ્મીરમાં જવાની ના કહી દીધી હતી. બંને મુખ્ય પાત્રો. કાજોલ અને આમિરે પોત પોતાના પાત્રોમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરાવ્યા હતા. આ ફેરફારનાં કારણે જ અન્ય પાત્રોની ભૂમિકા ટૂંકી થઈ ગઈ હતી. આમિરે યશ ચોપડાની સાથે ફિલ્મ પરંપરામાં કામ કર્યું હતું. જોકે એ વખતે નિર્માતા ફિરોઝ નડિયાદવાલા હતા. આમિરની યશરાજ પ્રોડક્શનની સાથે ફના પહેલી જ ફિલ્મ હતી. જે તેના માટે ગુજરાતમાં ખરાબ સ્વપ્ન સમાન સાબિત થઈ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments