Team Chabuk : આમ તો અમદાવાદની પાસે આવેલી આ વાવ રૂડાબાઈની વાવ તરીકે પ્રચલિત છે પણ તેને મોટાભાગે અડાલજની વાવ તરીકે જ ઓળખવામાં આવે છે. વીરસંગ વાઘેલાની પત્ની રૂડાબાઈએ આ વાવ બનાવી હતી. યુદ્ધમાં વીરસંગ તો વીરગતિને પ્રાપ્ત થયા એટલે વાવનું કામ અધવચ્ચે જ અટકી પડ્યું હતું.

રૂડીબાઈના રૂપથી તો મહમ્મદ બેગડો અંજાઈ ગયો. એણે તાત્કાલિક તેની સાથે લગ્ન કરવાની વાત મૂકી. રૂડીબાઈએ પણ બુદ્ધીપૂર્વક કામ લેવામાં માહેર હતા. એમણે મહોમ્મદ બેગડાની સામે શરત મૂકી દીધી. બેગડાને શરત પૂરી કરવી હતી અને રાણી રૂડીબાઈ સાથે લગ્ન કરવા હતા. શરત હતી કે….

શરત હતી કે વેવિશાળ કરું પણ વાવનું અધૂરું કામ પૂર્ણ થઈ જવું જોઈએ. 1499ની સાલ આવી ત્યાં સુધીમાં વાવનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું. વાવને જોવા માટે રૂડાબાઈ ખૂદ આવ્યા. કામ તો પૂરું થઈ ગયું હતું એટલે રૂડાબાઈએ પોતાની છેલ્લી ચાલ ચલી.

બેગડા સાથે લગ્ન ન કરવા પડે આ માટે તેમણે વાવમાં ધુબાકો મારી દીધો. બેગડાને ખ્યાલ આવ્યો કે રૂડાબાઈ મોટી ચાલ રમી ગયા. બેગડાને એમ હતું કે તેનો લગ્ન કરવાનો મનસૂબો પાર થશે. રૂડાબાઈએ વાવમાં પડતું મૂક્યું એટલે અડાલજની આ વાવને બીજા શબ્દોમાં રૂડાબાઈની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે.

વાવ બનાવવાની જરૂર શું કામે પડી ? આજે જેમ કેટલીક યોજનાઓ જનતાના હિતમાં સરકાર બહાર પાડે છે, બસ એવી જ રીતે રાજા વીરસિંહે જનતાની ભલાઈ માટે એક વાવ બનાવી હતી. જેથી આસપાસના લોકો અને પ્રવાસીઓ આવે તો આ વાવમાંથી પાણી પી શકે અને પોતાની તરસ છીપાવી શકે. કૂવામાં પગથિયાં તો હોય જ છે, પણ એ ગોળ હોય છે. તેની જગ્યાએ અહીં આરામથી ઉતરી શકાય અને ઉંચાઈનો કોઈને ડર પણ ન લાગે તેવા સીધા પગથિયાં ધરાવતી વાવ બનાવવાની યોજના અમલમાં મુકવામાં આવી હતી.

વાવને તો ઉપરથી ઢાંકી દેવામાં આવી છે. તેમાં પાણી ભરાઈ જાય છે. જોકે વાવની અંદર કાયમી શરણું લઈ બેઠેલા કબૂતરોનું ઘૂઘૂ સાંભળવા મળી જાય છે. કબૂતરો સિવાય અહીં બીજા પક્ષીઓ પણ આસપાસ ઉડતા જોવા મળે એટલે એક કુદરતી વાતાવરણ અમદાવાદથી થોડે દૂર સર્જાયું છે જેનો લ્હાવો પણ પ્રવાસીઓ ભરપૂર માણે છે.

ઉપર એક તસવીર છે તેનાથી વાવ થોડા માળ ચડો ત્યારે કેવી દેખાય તે જોવા મળશે અને પછી સાવ ઉપરથી તે કેવી ભેંકાર દેખાય છે તે પણ અહીં જોવા મળશે. કૂવો 50 ફૂટ ઉંડો છે. આ કૂવામાં પાણીનું બાષ્પીભવન થતું નથી. જેથી પાણી પોતાની મૂળ સ્થિતિમાં સંગ્રહાયેલું રહે છે. પાણીની અછત હોય અને આ વાવ કારગત સાબિત થઈ હોય તેવા ભારતમાં બે મોટા અને ઉત્તમ નમૂનાઓ છે. જે ગુજરાત પછી રાજસ્થાનમાં જોવા મળશે. કહેવાયને જરૂરિયાત એ શોધની જનની છે. તે આ વાવની બનાવટ સાબિત કરે છે.

મોટાભાગે વાવની અંદર સહેલાણીઓ આવતા હોય છે. જોકે બહાર પણ બેસવાની મજા છે. વાંદરાઓનો ત્રાસ છે, પણ પ્રકૃતિ કોને કહેવાય ? મોટી સંખ્યામાં વાંદરાઓની કૂદાકૂદ જોવા મળશે અને સાથે જ વાંદરાઓની મસ્તીથી હસ્યા વિના નહીં રહી શકો. મેદાનની નજીકથી વાવની ઉપરનું નક્શીકામ પણ દેખાશે.

વાવ તો ભયંકર લાગે જ છે. પણ વાવની પાળ પર બેસેલા વાંદરાઓ નહીં ને મસ્તી કરતા કરતા આ વાવની અંદર પડી જાય તો. જોકે તેમના માટે તો આ રોજની ક્રિયા છે. તેમને કશું નથી થતું. વાંદરાઓ સહેલાણીઓના હાથમાંથી ઝટકીને અથવા તો તેમને આપવામાં આવ્યો હોય તે આહાર લઈને અહીં ખાવા માટે બેસી જાય છે. ઘણીવાર ભોજન આંચકવાની સ્પર્ધા પણ અસંખ્ય વાંદરાઓની વચ્ચે યોજાય છે. તેની પાછળના જ ભાગમાં મોટો વડલો આવેલો છે. આ ઘેઘુર વડલો પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તેની વડવાઈઓ જમીન સુધી પહોંચી ગઈ છે અને કેટલીક તો જાણે જમીનની અંદરથી બહાર નીકળતી હોય તેવું સ્પેશિયલ ઈફેક્ટ સભર દૃશ્ય પણ જોવા મળી જાય છે.

વાવ પાંચ માળની છે. પૂરતો સમય લઈને જવું જોઈએ. હડીયાપાટી કરીને જોવ તો મજા જ ન આવે. અધૂરી મુકીને ભાગી જઈએ તો મનમાં ડંખ રહે કે યાર મજા આવતી હતી અને ઉતાવળમાં ભાગી આવ્યા. વાવની બનાવટમાં ચુના અને પથ્થરનો ભારે માત્રામાં ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્થાપત્યમાં હિંદુ-મુસ્લિમ આ બંને શૈલીનું અહીં મિશ્રણ જોવા મળી જશે. સ્પષ્ટ છે કે તેના પાયામાં હિંદુ શૈલી અને તેની બહારની બનાવટમાં મુસ્લિમ સ્થાપત્યનો બેનમૂન નજારો જોવા મળશે.

આ વાવને જોતા એક વિચાર આવ્યા વિના નથી રહેતો કે શ્રીમાન આવું આપણે અત્યારે બનાવી શકીએ ? બિલકુલ બનાવી શકીએ, કારણ કે ટેક્નોલોજી કેટલી આગળ નીકળી ગઈ છે. એ જ વખતે મનમાં સ્પાર્ક થાય કે રાજા મહારાજાઓના વખતમાં તો આવી આધુનિક ટેકનોલોજીનો અભાવ હતો, તો પછી તેમણે કેવી રીતે બનાવી હશે? એન્જીનિયરીંગની શિક્ષા કઈ યુનિવર્સિટીમાંથી લીધી હશે ? કેટલીક વસ્તુઓ સાચે જ વિસ્મય પમાડે છે. કોણે બનાવી તે વાત આગળ જોઈશું.

લો ટીમ ચાબુક જ્યારે આ તસવીરો કેમેરામાં કંડારી રહી હતી ત્યારે આ ભાઈ પણ ફોટમાં આવી ગયા. સૌભાગ્ય કહેવાય મિત્ર. જોકે અમે તો એ જ કહેવા માગીએ છીએ કે વાવની સુંદરતાને જોતા પહેલા લોકોના ફટાફટ ખિસ્સામાંથી મોબાઈલ નીકળી જાય છે અને પછી ફોટોગ્રાફીની ધડબડાટી શરૂ થઈ જાય છે. ટેક્નોલોજી બાબા…. ટેક્નોલોજી….

ખૂણામાં લપકાઈને બેઠેલા બેટ. કાઠિયાવાડમાં તેને વળવાંગડુ કહે. આપણે બધા તેને ચામાચીડિયા કહીએ. ચીડિયો સ્વભાવ તો એમનો છે જ. અંદર જઈએ કે રાડો પાડવા લાગે છે. આ વાવ હવે એમનું નિવાસસ્થાન છે. વાવમાં થતું રાતનું અંધારું તેમની બે આંખોને તમામ દૃશ્યો બતાવે છે. વાવનો રાતનો સુંદર નજારો આમના જ નસીબમાં લખાયેલો છે.

કહેવાની જરૂર નથી કે અમે બીજા માળ ઉપર છીએ. જ્યાંથી ઉપરના ત્રણ માળ અને સૂરજદાદા સ્પષ્ટ દેખાય છે. ઘણી વખત મોબાઈલ ફોનનો કેમેરો કામ નથી કરતો તેની પાછળનું કારણ સૂરજદાદા છે. તેમનો પ્રકાશ ફોટો પાડવાની જગ્યાએ જ ફુલ ફોકસ કરતો હોય છે. અરે દાદા આટલું બધું ફોકસ કરોમાં તમારી સામે અમારું કંઈ ગજું નથી.

એક મસ્તમજાની કલાકૃતિ. આને શબ્દોમાં ન વર્ણવી શકાય. કોઈ ખમતીધર કવિ જ તેને પ્રાસમાં બેસાડી શકે. કોઈ માંજેલો પ્રવાસી જ તેના પર સરસ મજાનો નિબંધ લખી શકે. બાકી અમે તો સામાન્ય મનુષ્ય છીએ.

મને તો આ ઉપરથી ગળામાં પહેરવાનો હાર લાગતો હતો. આજે કોઈ સોની મોંઘો હાર બનાવે તેના આગળના ભાગમાં કંઈક આવું જ કરતો હશે. કદાચ આ પણ એની પ્રેરણા હોય. નીચેથી જોયું તો લાગ્યું કે દિવો છે. જેમાંથી આ આખો શણગાર ધૂમાડાથી સર્જાયો છે.

શું માનો છો કેટલો ખર્ચો આવ્યો હશે ? કુલ પાંચ લાખ રૂપિયાનો ખર્ચો વીકીપીડિયા બતાવે છે. 1499ની સાલમાં આ વાવ બનાવવા પાછળ શ્રીમાળી જ્ઞાતિના ભીમાના દીકરા મારનની ઘાતક એન્જીનિયરીંગ શક્તિ રહેલી છે. આજના ભણેલા ગણેલા એન્જીનિયરો આ કરી શકે ?

અમે ઉપર પણ ગયા. તસવીર ખેંચી. પાછળથી વાંદરાઓના આવવાનો ડર લાગતો હતો. નીચે વાવને જોતા પણ ડર લાગતો હતો. ઊંચાઈથી જેમને ડર લાગતો હોય તેણે તો દૂર જ રહેવું.

આ તો બસ એમ જ પાડી લીધો. ચાબુકના વાચકોને પણ લાગવું જોઈએ ને કે ચાબુકની પાસે સારા કેમરાવાળા છે. ચાલો એ વાત જવા દો. કોરોનાનું જોર ઘટે અને ન જોઈ હોય તો અચૂક જોઈ લેજો. અહીં તો તસવીરો આપી અમે તમારી આંખોમાં પ્રવાસની લાલચ જગાવી જ દીધી છે. બસ કોરોનાને થોડો હળવો પડવા દેજો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત