Homeસિનેમાવાદગીતા દત્ત : તદબીર સે બિગડી હુઇ તકદીર બના લે...

ગીતા દત્ત : તદબીર સે બિગડી હુઇ તકદીર બના લે…

ઝાલાવાડી જલજીરા : ‘‘બેઉંનો અહમ ટકરાયો હતો. ગીતાને એવી કોઈ વાત તો હતી, જે પસંદ નહોતી. તેમનું લગ્નજીવન 11 વર્ષ ચાલ્યું પણ દુ:ખદ  રહ્યું. બે શાનદાર આર્ટિસ્ટોના સંબંધની વચ્ચે તિરાડ પડી ગઈ. એ તિરાડ મોટી થતી ગઈ. ગીતાને એક એક્ટર બનવું હતું. 1956-57ની સાલમાં કલકત્તામાં ગુરૂ દત્તે ગૌરી નામની ફિલ્મ બનાવવાનો આરંભ કર્યો. ગીતા દત્ત ગુરૂ દત્તને લઈ ખૂબ પઝેસિવ હતી, જેના કારણે ફિલ્મની શૂટિંગ અધવચ્ચે જ અટકાવી દેવી પડી હતી. કોઈ પણ લગ્ન જીવનને આ વાત ખૂબ ખરાબ કરી નાખતી હોય છે. એક્ટર પડદા પર પોતાની હીરોઈનને પ્રેમ કરે છે. આ પ્રેમ રિયાલિસ્ટીક લાગે તેવો દેખાડવામાં આવે છે. ગીતાને ધીમે ધીમે ગુરૂ દત્તની સાથે કામ કરનારી તમામ હીરોઈનો પર સંશય હતો. કોઈ માણસને તમે દરેક વખતે એક ને એક સવાલ કરો છો તો એ તમારાથી દૂર ચાલ્યો જાય છે. આ ગીતાની ભૂલ હતી. સતત ઝઘડાઓ થતાં રહ્યા. એ બાળકોને લઈ પોતાના માતા-પિતાને ત્યાં ચાલી જતી હતી. એ ભીખ માગતો હતો કે ઘરે પાછી આવી જા. બીજા દિવસે ગુરૂ દત્ત ડિપ્રેશનમાં ચાલ્યા ગયા હતા અને અમને ફોન કરી વારંવાર કહેતા હતા કે, ગીતા બાળકોને લઈ ચાલી ગઈ છે. આવું એક વખત ત્યારે પણ થયું જ્યારે બંનેના લગ્ન નહોતા થયા અને અફેર ચાલી રહ્યું હતું. ગીતા ઝઘડો કરીને ગાયબ થઈ ગઈ હતી. એ તેના કોઈ મિત્રને ત્યાં નાસિક ચાલી ગઈ હતી. બધા લોકો ચિંતા કરતા હતા, પણ એ વાતમાં બિલકુલ સંદેહ નથી કે ગુરૂ દત્ત ગીતાને ખૂબ પ્રેમ કરતા હતા. ગુરૂ દત્તની આત્મહત્યા કરવાની પ્રવૃતિ એ કોઈ નવી નહોતી. એ પહેલા પણ પ્રયત્ન કરી ચૂક્યા હતા. બીજી વખત આત્મહત્યાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમને નાણાવટી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસ કોમામાં રહ્યા. જાગૃત અવસ્થામાં આવ્યા ત્યારે તેમના મોઢામાંથી પહેલો શબ્દ નીકળ્યો હતો કે – ગીતા ક્યાં છે ? પણ એ બંને આત્મ-વિનાશના કાંટાળા માર્ગ પર નિકળી ચૂક્યા હતા.’’

આ વાત ગુરૂ દત્તની બહેન લલિમા આજમીએ કહી છે. ગીતા દત્તની નણંદ. લલિતા આજમી એ કલ્પના આજમીની માતા થાય. જેણે બાદમાં રૂદાલી ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. તેમણે ગીતા દત્તની સુંદરતા વિશે શબ્દો બાંધેલા કે, ‘અજંતાની ગુફાઓમાં જેવી પેન્ટીંગ બની હોય તેવી સુંદરતા ગીતાની હતી. ડાર્ક અને બ્યુટીફુલ.’ ગીતાની દીકરી કહે છે, ‘મારી માતા બાળકો જેવી નટખટ હતી. મિત્રો સાથે વાતો કરવી તેને ખૂબ પસંદ હતી. હંમેશાં મોજમાં જ રહેતી હતી. હાર્મોનિયમ પર બેસી જાય તો કલાકો સુધી હિન્દી અને બંગાળી ગીતો પ્લે કર્યા કરે.’

1951ની સાલ. ગુરૂ દત્તની ફિલ્મ બાઝી આવી. ડાયરેક્ટર તરીકે તેમની પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મના એક ગીતનું રેકોર્ડિંગ મુંબઈના મહાલક્ષ્મી સ્ટુડિયોમાં થઈ રહ્યું હતું. ગીત હતું તદબીર સે બિગડી હુઇ તકદીર બના લે. આ ગીત જે છોકરી ગાતી હતી તેની ઉંમર હતી 20-21 વર્ષની વચ્ચે. ગુરૂ દત્તનું ગીતા સામે ત્યારે પાંચીયું પણ નહોતું આવતું. ગીતા દત્ત નાની વયથી જ લોકપ્રિયતાના સિંહાસન પર બેસી ગયા હતા.

ગુરૂ દત્તનું પરિવાર નાનું હતું. એક ઓરડામાં ટેબલ ખુરશી પર બેસી જાય અને પછી સર્જન કર્યા કરે. ગીતા ઘોષ રોય ચૌધરી સાથે તેમને પ્રેમ થઈ ગયો. જેમનો પરિવાર ખૂબ મોટો અને સમૃદ્ધ હતો.

ગુરૂ અને ગીતા વચ્ચે બાઝીથી પાંગરેલો પ્રેમ ત્રણ વર્ષ ચાલ્યો અને વર્ષ 1953માં આ બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા. એક ફ્લેટ લીધો. જીવન સુખેથી પસાર થવા લાગ્યું અને પછી આપણે લલિમા આજમી દ્રારા જે વાત કહેવામાં આવી તેવો આત્મ-વિનાશનો માર્ગ આ દંપતિ વચ્ચે શરૂ થયો.

એક એવી પણ વાત સામે આવે છે કે ગુરૂ દત્તે ગીતા સાથે લગ્ન કર્યા પછી કહ્યું હતું કે, તે બીજા દિગ્દર્શકો માટે ગીતો ન ગાઈ. આ વાતની કોઈ પુષ્ટી તો નથી કરતું, પણ ગીતા આ કારણે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી તેવી વાતો વહેતી થયેલી.

બીજી વાત વહિદા રહેમાનને લઈને છે. બંને ફિલ્મો કરતા હતા અને ફિલ્મો હિટ જતી હતી. બીજી બાજુ લગ્ન પછી ગીતા દત્તને ઘરે બેકાર બેસી રહેવાનો વારો આવ્યો હતો. અભિનય કરતા કોઈ કલાકારને જુએ તો તેમને પણ અભિનય કરવાની ઈચ્છા પાંગરી આવતી હતી. આ માટે જ ગૌરી ફિલ્મ બનાવવામાં આવી હતી. ગુરૂ દત્તે આ ફિલ્મની શૂટિંગ બે દિવસમાં જ આટોપી લીધી અને કારણ એવું આપ્યું કે, ફિલ્મના સેટ પર ગીતાનો વ્યવહાર ઠીક નથી. એ રિહર્સલમાં પણ નથી આવતી.

1958માં ગુરૂ દત્તે કાગઝ કે ફૂલ ફિલ્મ બનાવી. ફિલ્મમાં વહિદા રહેમાન પણ હતી. ફિલ્મની કથા કંઈક એવી છે કે એક સમૃદ્ધ અને હોશિયાર ડાયરેક્ટરની પત્ની તેને તેની બાળકી સાથે મળવા નથી દેતી. એક વખત ડાયરેક્ટર ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હોય છે એ સમયે જ તેની મુલાકાત અજનબી મહિલા સાથે થાય છે. જેને તે અગાઉ પણ મળી ચૂક્યો છે. તેની સાથે પ્રેમ પણ થઈ જાય છે, પણ શું સમાજ આ પ્રેમનો સ્વીકાર કરશે? એ ચિંતામાં ગરકાવ થઈ જાય છે. આમ જોવા જઈએ તો બિલકુલ ગુરૂદત્તની રિયલ લાઈફ સ્ટોરી જ છે. તો શું દત્ત વહિદા રહેમાનને દિલ આપી બેઠા હતા ?

ફિલ્મના તમામ ગીતો ગીતાએ ગાયા હતા. વહિદા રહેમાન પર ફિલ્માવવામાં આવ્યા હતા. વહિદાનું પાત્ર દુ:ખથી એ ગીતો ગાઈ છે. સામેની બાજુ ગીતોમાં ટ્રેજડીનું તત્વ લાવનારા ગીતા છે. તો દુ:ખ કોનું થયું કહેવાય ? વિક્રમને વેતાળ પૂછે એવો અઘરો સવાલ છે આ તો.

1964ના વર્ષે ગુરૂ દત્ત પોતાના ફ્લેટમાં મૃત મળ્યા એ પછી ગીતા દત્તે પણ પોતાનું જીવન બરબાદ કરીને રાખી દીધું. તેઓ ડ્રગ્સ અને દારૂના રવાડે ચડી ગયા હતા. આશા ભોંસલેની સફળતા ગીતા દત્તના કારણે છે. લગ્ન બાદ અને લગ્ન પછી પણ જેટલા ગીતો ગીતાને મળ્યા તે બધા તેમણે ઠુકરાવી દીધા. આ બધા ગીતો બાદમાં આશા ભોંસલેના કંઠે ગવાયા હતા. ગીતા દત્તની સંગીતની દુનિયામાં ગેરહાજરીથી જ લત્તા મંગેશકરનો સિતારો ચમકવા લાગ્યો.

1971માં અનુભવ ફિલ્મના ગીતો સ્વરબદ્ધ કર્યા પછી તેના આગલા વર્ષે લીવરની બીમારીથી તેમનું નિધન થયું. જો ગીતા દત્તે લગ્ન બાદ પણ અહર્નિષ સંગીત પર જ કામ કર્યું હોત, તો કદાચ લતા મંગેશકર હિન્દી સિનેમામાં આજે બીજા પાયદાન પર હોત. આજે ગીતા દત્તનો જન્મદિવસ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments