Homeસિનેમાવાદઅગ્નિપથ: અમિતાભે માર્લોન બ્રાન્ડો અને અલ પસીનોના પેંગડામાં પગ નાખ્યો હતો

અગ્નિપથ: અમિતાભે માર્લોન બ્રાન્ડો અને અલ પસીનોના પેંગડામાં પગ નાખ્યો હતો

ઝાલાવાડી જલજીરા: જય વસાવડાએ એક ઈન્ટરવ્યૂમાં પોતાની પાંચ ગમતી ફિલ્મોની વાત કરી હતી. તેમાં પ્રથમ નંબર પર અમિતાભ બચ્ચનની અગ્નિપથ હતી. જ્યારે ઋત્વિક રોશન અને પ્રિયંકા ચોપરાની નવી અગ્નિપથ ફિલ્મ આવી ત્યારે જૂની અગ્નિપથની વાતો અને એ સમયનો અમિતાભનો સુવર્ણકાળ પણ તેમણે પોતાની કોલમમાં લખ્યો હતો. આજે અગ્નિપથના ટ્રિવિયાની વાત કરવી છે. બે કલાક ચોપન મિનિટની આ ફિલ્મ ગમે ત્યારે જુઓ આનંદ જ આપે છે. હવે તો ઈન્ટરનેટ હાથવગું છે, નહીં તો પહેલા ઝી સિનેમા પર ક્યારે મૂકે તેની રાહ જોતા. પ્રોમો આવે તો ઉછળી પડતા.

16 ફેબ્રુઆરી 1990માં મુકુલ આનંદની ફિલ્મ અગ્નિપથ રિલીઝ થઈ હતી. અમિતાભની આ ફિલ્મ એ સમયે સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મોમાં દસમાં નંબરના સ્થાન પર રહી હતી. તોપણ ફિલ્મ ફ્લોપ છે. આજે અમિતાભના ઘેઘુર અવાજ, કાદર ખાન સાહેબ દ્વારા લખાયેલા તેના સંવાદો અને સ્ટોરી લાઈનના કારણે દર્શકોને પસંદ આવે, પણ એ સમયના વિવેચકો દ્વારા ફિલ્મને નકારી કાઢવામાં આવી હતી. શીર્ષકને સમજવા માટે પહેલા અગ્નિપથ કવિતા વાંચી જાઓ.

वृक्ष हों भले खड़े
हों घने, हों बड़े
एक पत्र छाँह भी
मांग मत! मांग मत! मांग मत!
अग्निपथ! अग्निपथ! अग्निपथ!

तू न थकेगा कभी
तू न थमेगा कभी
तू न मुड़ेगा कभी
कर शपथ! कर शपथ! कर शपथ!
अग्निपथ! अग्निपथ! अग्निपथ!

यह महान दृश्य है
चल रहा मनुष्य है
अश्रु-स्वेद-रक्त से
लथ-पथ! लथ-पथ! लथ-पथ!
अग्निपथ! अग्निपथ! अग्निपथ!

~ हरिवंशराय बच्चन

ફિલ્મના શૂટિંગ દરમ્યાન અભિતાભના ગાલમાં રુ ભરવામાં આવતું હતું, જેથી તેમનો અવાજ થોડો અલગ લાગે. હોલિવુડ ફિલ્મ ગોડફાધરના નિર્માણકાર્ય દરમ્યાન માર્લોન બ્રાન્ડોએ પણ આવો જ એક નુસખો પાત્રને સજીવન કરવામાં લગાવ્યો હતો. બ્રાન્ડોના અવાજને દર્શકો દ્વારા પસંદ કરવામાં આવ્યો પણ અમિતાભનો અવાજ કોઈને પસંદ ન આવ્યો. થીએટરમાંથી નીકળતા ઘણા લોકો તો એવું માનવા લાગેલા કે, થીએટરની સાઉન્ડ સિસ્ટમ જ ખરાબ છે! આજે એ અવાજ પણ ફિલ્મની જેમ ક્લાસિક બની ગયો છે.

માર્લોન બ્રાન્ડો સિવાય અમિતાભના કપડાં પર પણ 1983માં આવેલી અલ પસીનોની ફિલ્મ સ્કારફેસનો પ્રભાવ જોઈ શકાય છે. અગ્નિપથ ફિલ્મના એક દૃશ્યમાં અમિતાભની માતા તેના પર તૈયાર ભાણે ગુસ્સે ભરાઈ છે. નાયક વિજય ઘર છોડી ફિલ્મની હીરોઈન માધવીના ઘરે ઉંઘવા માટે ચાલ્યો જાય છે. અહીં ઈન્ટીમેટ દૃશ્ય ભજવવાનું હતું, પણ અમિતાભ તેના માટે તૈયાર નહોતા. તેમણે દિગ્દર્શક મુકુલ આનંદની સાથે વાત કરી અને એ સીન ફિલ્માવવામાં જ ન આવ્યો.

શહેનશા, મેં આઝાદ હું અને કાલિયામાં અમિતાભ અને ટીનું આનંદે સાથે કામ કર્યું હતું. પણ બંને એક સાથે અભિનય કરતા હોય તેવી પ્રથમ ફિલ્મ અગ્નિપથ છે. બેઉંની ઉંમર એક સરખી અને ટીનુને ફિલ્મમાં અમિતાભથી મોટી ઉંમરની વ્યક્તિનો રોલ પ્લે કરવાનો હતો. પાત્ર માટે થઈ તેમણે મુંડન કરાવી નાખ્યું હતું. જેથી તેઓ અમિતાભ કરતા વયમાં મોટા લાગે.

ફિલ્મના વિલનનું નામ જીભ પર ચોંટી જાય એવું છે. કાંચા ચીના. એ નામ ડેનીએ પોતે દિગ્દર્શક મુકુલ આનંદને કહ્યું હતું. મુકુલ એક ખૂંખાર વિલનના નામની શોધમાં હતા. ડેનીએ તેમને કેટલાક નામ કહ્યા, જેમાંથી કાંચાની પસંદગી કરવામાં આવી. પ્રથમ વખત અમિતાભ અને ડેનીએ સાથે કામ કર્યું. શોલે અને કુલીમાં બંને સાથે કામ કરવાના હતા પણ અંત સુધી વાત બની નહીં. બેઉંએ પોતાની કારકિર્દીની શરુઆત લગભગ એક સાથે કરી હતી, પણ સાથે કામ કરવા માટે લાંબી પ્રતીક્ષા કરવી પડી. તો ડેની અને ફિલ્મ દિગ્દર્શક મુકુલ પહેલા જ કાનૂન ક્યા કરેગા અને એતબાર જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા હતા.

ફિલ્મમાં અમિતાભ બાદ કોઈ છવાઈ ગયું હોય તો તે મિથુન ચક્રવર્તી. કૃષ્ણન અય્યર યમયૈ નારયલ પાની વાલા. એ પાત્ર તેના પાક્કા મિત્રના જીવન પરથી પ્રેરિત હતું. જે એક સમયે મિથુનનો રૂમ પાર્ટનર હતો. એ સમયે મિથુન દા ભાડેના રૂમમાં રહેતા હતા. આ રૂમમાં દેવિઓ નામનો એક બીજો છોકરો પણ રહેતો હતો. દેવિઓ રૂમના ભાડાના 150 અને મિથુન 75 આપતો હતો. રૂમમાં એક જ ખાટલો હતો, જેના પર દેવિઓ ઉંઘતો હતો અને મિથુન જમીન પર. આ છે કૃષ્ણન અય્યર યમયૈની વાર્તા. કૃષ્ણન અય્યરથી થોડી વિપરિત વાર્તા માસ્ટર દિનાનાથ ચૌહાનની છે. આ પાત્ર આલોકનાથે ભજવ્યું હતું. આ પાત્ર 1972માં આવેલી ફિલ્મ પિંજરામાં શ્રીરામ લાગુએ નિભાવેલા પાત્ર માસ્ટર શ્રીધર પન્તથી પ્રેરિત હતું. ફિલ્મમાં અમિતાભની માતા બનતી રોહિણી હટ્ટંગડી અમિતાભથી નાની ઉંમરની છે. આ રીતે જ દીપક શિર્કે, અવતાર ગિલ, ડેની, આ બધા કલાકારો કાં તો અમિતાભથી નાના છે અથવા તો તેમના હમઉમ્ર છે.

ફિલ્મમાં જ જુમ્મા ચુમ્મા દે દે ગીત ફિલ્માવવાનું હતું, પણ દિગ્દર્શકને એ યોગ્ય ન લાગ્યું એટલે એ ગીત હમમાં ફિલ્માવવામાં આવ્યું. ગીતથી યાદ આવે છે કે બે હોલિવુડ ગીતો આ ફિલ્મમાં છે. ગ્લેન ફ્રેનું યૂ બિલોન્ગ ટૂ ધ સિટી, જેને રિક્રિએટ કરી ફિલ્મમાં બેકગ્રાઊન્ડ મ્યૂઝીક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય યુવા અમિતાભ અને ડેનીની જ્યારે પ્રથમ વખત મુલાકાત થાય છે, ત્યારે અમિતાભના જહાજમાં બ્લાસ્ટ થાય છે. અહીં બેકગ્રાઊન્ડમાં એક ગીત ચાલતું હોય છે. એ ગીત મોરી કાંટેનું યેકે યેકે છે. આ ગીત સાંભળશો તો તમે તેના પ્રેમમાં પડી જશો. દુ:ખદ કે મોરી કાંટે 22 મે 2020ના રોજ એટલે કે ગયા વર્ષે જ મૃત્યુ પામ્યા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments