Team Chabuk-Literature Desk : આ પુસ્તકનું નામ ત્રણ દાયકા પહેલા અમદાવાદ એટલે અમદાવાદ રાખવામાં આવ્યું હતું. બાદમાં તેનું નવ સંસ્કરણ પ્રગટ થયું. ચિત્રલેખામાં તેના થોડા લેખો પ્રગટ થયેલા તેવું લેખક વિનોદ ભટ્ટે પુસ્તકમાં નોંધ્યું છે. એ નવું અપડેટ વર્ઝન ધરાવતું પુસ્તક એટલે મારું વહાલું અમદાવાદ. જેમાં કેટલાક નવા લેખો ઉમેરાયા છે.
શહેરો વિશેની વાત કંઈક એવી છે કે એ દિન પ્રતિદિન બદલ્યા કરે છે. અમદાવાદને આજે 610 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે કંઈ કેટલીય વસ્તુઓ બદલી ગઈ છે. મોટેરા જેવું મોટું સ્ટેડિયમ થઈ ગયું છે. જેને શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું છે. એ વિસ્તાર અને વિકાસ બંનેની દૃષ્ટીએ હરણફાળ ભરી રહ્યું છે.
અહીં અમદાવાદીઓની સંખ્યા પહેલાથી ઓછી છે અને હવે તો અહીંના મૂળ અમદાવાદીઓ કેટલા ? એ પ્રશ્ન પણ વારંવાર સતાવ્યા કરે છે, કારણ કે મોટાભાગના આઉટ સ્ટેટથી આવેલા અને ખાસ તો સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતમાંથી આવી વસેલા લોકોનું પ્રમાણ વધવા લાગ્યું છે. જે વખતે અમદાવાદીઓની સંખ્યા મહત્તમ હતી અને આપણને અમદાવાદી બોલીનો રણકો સાંભળવા મળતો એ હવે ખૂબ ઓછો સાંભળવા મળે છે. લોકો શુદ્ધ ગુજરાતી અથવા તો હિન્દી જ બોલવા લાગ્યા છે. ગુજરાતીઓ પણ અમદાવાદમાં હિન્દી બોલવા લાગ્યા છે. આ કારણે અમદાવાદમાં ગુજરાતી ભાષા પર જોખમ જેવું લાગી રહ્યું છે. અનુભવ કરવો હોય તો રિક્ષાવાળાને પૂછજો. એ ચાંદખેડામાં રહેતો હોવા છતાં અને મૂળ અમદાવાદનો જ હોવા છતાં હિન્દીમાં વાત કરતો જોવા મળશે. તેની પાછળનું કારણ અન્ય રાજ્યનાં લોકોનો વધી રહેલો વસવાટ.
અહીં અમદાવાદ એટલે અમદાવાદ પુસ્તકમાં વિનોદ ભટ્ટનો વ્યંગ અને કટાક્ષ અલગ તારવવામાં આવ્યો છે. જે પેટ પકડીને હસાવી દેશે. કુલ દસ એવી અમદાવાદ વિશેની વિશ્વ પ્રસિદ્ધ રમૂજો અહીં મૂકી છે. મોટાભાગની તો તમે સાંભળી પણ નહીં હોય. આ પુસ્તક હાસ્ય અને ખાસ તો શહેરો પર લખાયેલા પુસ્તકોમાં ક્લાસિકનો દરજ્જો ધરાવે છે. અહીંના માણસથી લઈને જાનવર કેવાં એ પણ વિનોદ ભટ્ટે પોતાની વ્યંગશૈલીમાં જણાવી દીધું છે.
પુસ્તક વિશે વિનોદ ભટ્ટની જ વાત અહીં મૂકીએ, ‘‘અને અંતે કહેવાનું એટલું જ કે અમદાવાદની વાતોનો કોઈ અંત નથી. 1929ના વર્ષમાં રત્નમણિરાવ ભીમરાવે ‘ગુજરાતનું પાટનગર અમદાવાદ’ નામનો ગ્રંથ લખ્યો, જેમાં 825 જેટલાં પૃષ્ઠ છે, છતાં આ ગ્રંથને અધૂરો ગણવામાં આવે છે.’’
કોઈ પણ શહેર પર આજે લખો તો આવતીકાલે કંઈક એવું બની ગયું હોય કે તમારું પુસ્તક આઉટડેટેડ થઈ જાય. વિનોદ ભટ્ટે પુસ્તકના અંતિમ પ્રકરણમાં આપેલો આ ચિતાર છે. કોઈ પણ વ્યક્તિ શહેરને આખે આખુ પુસ્તકમાં ઉતારી જ નથી શકતો. વિનોદ ભટ્ટનું પુસ્તક ભલે અમદાવાદ એટલે અમદાવાદમાંથી મારું વ્હાલું અમદાવાદ થઈ ગયું પણ જે મજા અમદાવાદ એટલે અમદાવાદ શીર્ષકમાં છે એ તેમના પછીના શીર્ષકમાં તો નથી જ, કારણ કે એ તેના ભાવક સાથે જોડાઈ ગયું છે. અમદાવાદને 610મો જન્મદિવસ મુબારક.
એક ખૂબ જ જૂની (લોથલ) ‘જોક’ પ્રમાણે કોઈ એક સ્ટેશનમાં પ્લેટફોર્મ પર ઊભેલા માણસને ટ્રેનની અંદર બેઠેલો માણસ પ્રશ્ન કરે છે : ‘આ કયું સ્ટેશન છે, ભૈ ?’ ત્યારે પ્લેટફોર્મ પર ઊભેલો માણસ સ્ટેશનનું નામ જણાવવાને બદલે સામે પ્રસ્તાવ મૂકે છે : ‘દસ પૈસા આપો તો કહું…’

આ શહેરમાં મોટા ભાગે ઉનાળામાં ઠંડી નથી પડતી ને શિયાળામાં સાજા હોય તેમને પરસેવો નથી થતો. પણ ચોમાસામાં ક્યારેક ક્યારેક વરસાદ પડે છે, પરંતુ વરસાદની બાબતમાં હવામાન ખાતાની જ્યારે આગાહી હોય કે આજે વરસાદનાં જોરદાર ઝાપટાં પડશે ત્યારે પેલી વઢકણી સાસુની જેમ ‘હું પડીશ એવું કહેનાર તું કોણ?’ એવી રીસ સાથે એ દિવસે વરસાદ ધરાર નથી પડતો.

અમદાવાદમાં શરૂઆતનાં વર્ષોમાં ભૂંડો જ શહેરનો કચરો ઓછો કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી સેવા બજાવતાં, પણ જુદી જુદી બીમારીઓને કારણે ભૂંડો ઓછાં થતાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી.

મીરાતે સિકંદરીમાં નોંધાયા પ્રમાણે મહમ્મદ બેગડાનું મૃત્યુ અમદાવાદમાં થયેલું ને તેનો પુત્ર મુઝફ્ફર ચાંપાનેર રહેતો, પણ મરણ વખતે અમદાવાદ આવીને તેણે પ્રાણ ત્યજેલા. આ હિસાબે આજે જેમ કાશીનું મરણ વખણાય છે તેમ એ દિવસોમાં અમદાવાદનું મરણ વખણાતું હોવું જોઈએ.

હિન્દુઓના વિસ્તારોમાં ગાયો પુષ્કળ પ્રમાણમાં ફરતી-ચરતી ને લોકોને શીંગડાં મારીને શુકન કરાવતી હોય છે. ગાયોનો પ્રિય ખોરાક છાપાંની પસ્તી છે. ગમે તેવા સમાચારો તે હજમ કરી શકે છે.

એક રિક્ષાની પાછળ મનુ, રાજુ, કલ્પેશ, નીતા અને અમર એવાં પાંચ નામો લખેલાં. રિક્ષાવાળાને મેં તેનો અર્થ પૂછતાં તેણે જણાવેલું કે રિક્ષાની અડફેટે આવીને આ બધા શહીદ થયેલાં.

અમદાવાદનો ઈતિહાસ લખનારા મગનલાલ વખતચંદને 1850માં એ પુસ્તક લખવા માટે રૂપિયા 50નું ઈનામ-પુરસ્કાર કે રોયલ્ટી જે ગણો તે, આપવામાં આવેલું. આજે પણ પુરસ્કારનું ધોરણ રૂપિયા 50 તો અધધ કહેવાય છે.

કોઈ ઉપાય ન હોય ત્યારે જ ડૉક્ટરની આંખે ચડે છે અને જરૂર ઊભી થાય તો શાકભાજી માટે જેમ ચાર-પાંચ દુકાનો ફરે છે એ રીતે ઓપરેશન કરાવવાનું હોય ત્યારે બે-ચાર ડોક્ટરોનો ભાવ જાણી લીધા પછી, જે ડોક્ટરનો ઓછામાં ઓછો ચાર્જ હોય તેની પાસે જ તે જશે.

અમદાવાદના માણસને જેટલી બહારવટિયા-ડાકુ કે મવાલીની નથી લાગતી એટલી બીક વકીલની લાગે છે.

ટૂંકમાં અમદાવાદ વિશે લખનારાઓએ નહીં લખવા જેવું વધુ લખ્યું છે ને લખવા જેવું ઘણું તે ચૂકી ગયા છે… એટલે અમદાવાદનો સાચો ઈતિહાસ જાણવા ઈચ્છનારે અમદાવાદીની આંખમાં જોઈ લેવું. અમદાવાદ તેની આંખમાં વસ્યું છે…

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત